પીટર ધ ગ્રેટ

January, 1999

પીટર, ગ્રેટ (. 9 જૂન 1672, મૉસ્કો; . 8 ફેબ્રુઆરી 1725) : આધુનિક રશિયાનો પાયો નાખનાર શક્તિશાળી રશિયન શહેનશાહ.

તેના નબળા મનના ભાઈ ઇવાન પાંચમાની સાથે તે દસ વરસની વયે રશિયાનો સંયુક્ત ગાદીપતિ થયો. તેના પાલક તરીકે બહેન સોફિયા હતી. પીટરના અનુયાયીઓએ ઇવાનને રીજંસી પદેથી 1689માં પદભ્રષ્ટ કરતાં તે રશિયાનો સર્વસત્તાધીશ બન્યો.

તે ઝારના કુટુંબમાં સૌથી નાની વયનો હતો. તેણે સમ્રાટ તરીકેના રીતરિવાજોને તિલાંજલિ આપી. મૉસ્કો-સ્થિત કારીગરો, સૈનિકો અને વેપારીઓના સંપર્ક દ્વારા તેણે પાશ્ચાત્ય સંસ્કૃતિની માહિતી મેળવી. પરદેશીઓના વસવાટવાળાં સ્થળોની મુલાકાત લઈને તે યુરોપિયન વેપારીઓ અને રાજકીય પ્રતિનિધિઓના સહવાસમાં આવ્યો.

 ધ ગ્રેટ પીટર

1696માં ઇવાનના મૃત્યુ પછી પશ્ચિમના દેશોનું પ્રથમદર્શી જ્ઞાન મેળવવા તેણે જર્મની, નેધરલૅન્ડ્ઝ, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રિયાનો પ્રવાસ રશિયન પ્રતિનિધિમંડળના નેજા હેઠળ ગોઠવ્યો. આ રીતે સામાન્ય માણસની જેમ પ્રવાસ કરનાર તે પ્રથમ રાજવી હતો. આ પ્રવાસનો હેતુ રાજકીય વાટાઘાટ ઉપરાંત યુદ્ધનું કૌશલ, વ્યૂહરચના, જહાજી ઉદ્યોગ, પાશ્ચાત્ય કલાકારીગરી અને પશ્ચિમના સભ્ય લોકોની ટેવોનો અભ્યાસ કરી તેનું જ્ઞાન મેળવવાનો હતો.

1698માં શાહી રક્ષકોએ બળવો કરતાં તે રશિયા પાછો ફર્યો અને બળવો દબાવી દીધો. અમીરોએ બળવો કરતાં તે પણ સખત હાથે કામ લઈ તેણે શમાવી દીધો. 1695-96 દરમિયાન તુર્કસ્તાન સાથે છૂટક લડાઈઓ દરમિયાન તેણે લશ્કરી કૌશલ પણ દાખવ્યું.

પીટરની નેમ રશિયાને પ્રથમ કક્ષાની મહાસત્તા બનાવવાની હતી. વેપારના વિકાસ માટે બારે માસ કામ આપે તેવાં બંદરો કબજે કરી તે તેની નૌકા-તાકાત વધારવા માગતો હતો. ઈ. સ. 1700-1721ના લાંબા ગાળા સુધી તેને સ્વીડન સાથે યુદ્ધ ખેલવાં પડ્યાં હતાં. નાર્વા ખાતે સ્વીડન સાથેના યુદ્ધમાં હાર થયા પછી તેણે 1709માં પોલ્ટાવા ખાતે સ્વીડનને નિર્ણાયક હાર આપી હતી. તેણે લિવોનિયાનો મોટો ભાગ તથા ફિનલૅન્ડનો થોડો ભાગ કબજે કર્યો હતો. બાલ્ટિક સમુદ્ર ઉપરનાં રીગા, રેવલ અને વિબોર્ગનાં બંદરો કબજે કર્યાં. તેણે સાઇબિરિયાના ઉત્તર કિનારાના પ્રદેશ અંગેના સંશોધનને વેગ આપ્યો હતો. ચીન સાથે કરાર કરી તેની સાથેનો વેપાર તેણે વધાર્યો.

પીટરે રશિયાની જુનવાણી જીવનશૈલીને બદલે પશ્ચિમના દેશોની જીવનશૈલીને અનુસરવા લોકોને ફરજ પાડી. તેણે દૂરની જાગીરોમાં વસતા અમીરોની રાજ્યની સેવા માટે ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિમણૂક કરી. અમીરોની જૂની કાઉન્સિલ રદ કરીને સેનેટ અને વિવિધ ખાતાંની સ્થાપના કરી રાજ્યવહીવટ સુધાર્યો. વંશપરંપરાગત હોદ્દો ભોગવતા અમીરોના સ્થાને તેણે (પરદેશી) ઉચ્ચ લશ્કરી અને મુલકી અધિકારીઓને પસંદ કરી રાજ્યવહીવટ સુધાર્યો.

દાસ તરીકે કામ કરતા ખેડૂતોની તેણે ઉદ્યોગોમાં કામદાર તરીકે ભરતી કરી. તેણે ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના સર્વોચ્ચ પૅટ્રિયાર્કનું પદ રદ કર્યું, દેવળો ઉપર કાબૂ મેળવ્યો અને મઠોની જાગીરો જપ્ત કરી. તેણે બધા ધર્મો અને પંથો તરફ સમાન વર્તાવ રાખ્યો.

તેણે લશ્કરની સુધારણા કરી તેને કાર્યક્ષમ બનાવ્યું. તેણે વિશાળ સામ્રાજ્યની રક્ષા માટે સબળ નૌકાસૈન્યની રચના કરી. યુરલની વિવિધ ધાતુઓની ખાણોનું આધુનિકીકરણ કર્યું. રસ્તાઓ અને નહેરો બાંધી આંતરિક વાહનવ્યવહારની સુવિધા વધારી. બીજા દેશોમાંથી નિષ્ણાતોને આમંત્રણ આપી તેમની મદદથી નવાં ઔદ્યોગિક સાહસો સ્થાપ્યાં. આ બધા સુધારા અને યોજના માટે નાણું મેળવવા તેણે ભારે કરવેરાનો આશ્રય લીધો. નફો કરતા ઉદ્યોગો તેણે પોતાને હસ્તક રાખ્યા હતા.

પીટરે રાજ્યના વિવિધ ભાગોમાં શાળાઓ ખોલી હતી. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ દ્વારા ‘એકૅડેમી ઑવ્ સાયન્સ’નો પાયો નાખ્યો. તેણે અમીરોના પુત્રોને પરદેશમાં અભ્યાસ કરવા મોકલ્યા અને યુરોપીય રીતભાત અપનાવવા પ્રેર્યા. તેણે પોશાકમાં ફેરફાર કરી પ્રણાલીગત લાંબા ડગલાને સ્થાને ટૂંકો કોટ પહેરવા તથા દાઢી ન રાખવા લોકોને પ્રેર્યા હતા. તેની પ્રેરણાથી રશિયન સ્ત્રીઓ સમાજમાં છૂટથી હળતી-મળતી થઈ હતી. તેણે સેન્ટ પીટર્સબર્ગના આધુનિક શહેરની સ્થાપના કરી, વેપારને ઉત્તેજન આપ્યું હતું.

આમ પીટરે રશિયાની કાયાપલટ કરી અને આધુનિકીકરણને વેગ આપ્યો. આ સુધારાઓનો વિરોધ કરનાર પોતાના પુત્રને તેણે ફાંસી આપી અને તેની રાણીને છૂટાછેડા આપી દૂર કરી. જ્ઞાનપિપાસા, સખત પરિશ્રમ અને દીર્ઘષ્ટિથી તેણે ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા.

શિવપ્રસાદ રાજગોર