પીટરનો સિદ્ધાંત

January, 1999

પીટરનો સિદ્ધાંત : શ્રેણીબદ્ધ વ્યવસ્થાતંત્રમાં બઢતી મળતાં મળતાં વ્યક્તિ તેની બિનકાર્યક્ષમતાના સ્તર સુધી પહોંચવાનું વલણ ધરાવે છે તેમ પ્રતિપાદિત કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંતની રજૂઆત કરનાર લૉરેન્સ પીટર અને રેમન્ડ હલ નામના સંશોધકો હતા. તેમણે નિરીક્ષણ કર્યું કે જ્યાં નજર નાખીએ ત્યાં બિનકાર્યક્ષમતા જ દેખાય છે. સરકારી ઑફિસોમાં જ નહિ, ખાનગી સંસ્થાઓમાં પણ બિનકાર્યક્ષમતા જોવામાં આવે છે. પુલો તૂટી પડે છે, રસ્તામાં ગાબડાં પડે છે, ઘરવપરાશનાં ઉપકરણો યોગ્ય કામ કરતાં નથી અને સરનામું બદલાય તેની જાણ કરી હોય છતાં જૂના સરનામે જ પત્ર જાય છે. આવાં અનેક ઉદાહરણો જાહેર જીવનમાં – રોજિંદા જીવનમાં જોવામાં આવેે છે તે સમસ્યાનો ખુલાસો પીટરનો સિદ્ધાંત આપે છે.

આ સિદ્ધાંત પ્રમાણે વ્યવસ્થાતંત્રમાં દરેક વ્યક્તિ પોતાની બિનકાર્યક્ષમતાના સ્તર સુધી પહોંચવાનું વલણ ધરાવે છે. વ્યવસ્થાતંત્રમાં જુદા જુદા સ્તરો હોય છે. પોતાની કાર્યદક્ષતા બતાવી વ્યક્તિ એક સ્તરથી બઢતી પામી બીજે સ્તરે પહોંચે એમ સળંગ બઢતી પામતાં પામતાં અંતે એ એવા સ્તરે પહોંચે કે જ્યાં પોતાની મહત્તમ શક્તિનો ઉપયોગ કરે તે છતાં કામ જ એવા પ્રકારનું હોય કે તે સફળપણે પોતાની ફરજ બજાવી શકે નહિ. ઉચ્ચતર કાર્યક્ષેત્ર માટે તેની ક્ષમતા ન પણ હોય તેથી તે બિનકાર્યક્ષમ પુરવાર થાય તેવી શક્યતા રહે છે. આ સિદ્ધાંતની મુખ્ય ન્યૂનતા એ છે કે તે મનુષ્યમાં રહેલી વિકાસક્ષમતાની ઉપેક્ષા કરે છે. વ્યવહારમાં પણ એમ જોવામાં આવે છે કે પદોન્નતિ સાથે કેટલાકની ક્ષમતા સમુચિત પ્રમાણમાં વધે છે, કેટલાકની નગણ્ય વધે છે અને કેટલાકની જરાય વધતી નથી. એકદંરે આ સિદ્ધાંતમાં અમુક અંશે તથ્ય રહેલું છે એમ કહી શકાય.

સતીશ વોરા