પિયાં–ઝે, ઝ્યાં (જ. 9 ઑગસ્ટ 1896, ન્યૂચેટેલ; અ. 16 સપ્ટેમ્બર 1980, જિનીવા) : પ્રસિદ્ધ બાળમનોવૈજ્ઞાનિક. તેમને બાળપણથી જ કુદરતમાં ખૂબ રસ હતો. તેમણે પંદર વર્ષની વયે પ્રાકૃતિક ઇતિહાસના ક્ષેત્રે એક લેખ પ્રકાશિત કર્યો હતો. ન્યૂચેટેલ યુનિવર્સિટીમાંથી પ્રકૃતિવિજ્ઞાનમાં સ્નાતકની પદવી 1916માં મેળવી. તેમના પિતા મધ્યયુગીન સાહિત્યના ઇતિહાસમાં રસ ધરાવતા હતા, જ્યારે માતા ધાર્મિક પ્રકૃતિનાં હતાં. તેમને યુવાવસ્થામાં જીવશાસ્ત્ર અને જ્ઞાનમીમાંસા – એમ બે ભિન્ન પ્રકારનાં ક્ષેત્રોમાં રસ હતો.
તેમણે પોતાનું ઔપચારિક શિક્ષણ મેળવ્યા બાદ મનોવિજ્ઞાનમાં અભ્યાસો શરૂ કર્યા. શરૂઆતમાં ફ્રૉઇડ, યુંગ, અને અન્ય મનોવિશ્લેષણવાદીઓના વિચારોનો અભ્યાસ કર્યો. 1920માં થિયૉફિલ સાયમન સાથે પરિચય થયો. ત્યારથી બોધાત્મક (cognitive) વિકાસ અંગેના અભ્યાસો શરૂ કર્યા. બુદ્ધિમાપનની પ્રમાણિત કસોટીના ક્ષેત્રે તેમણે ઘણું વિચાર્યું હતું. તેમના શરૂઆતના અભ્યાસો બાળકના બૌદ્ધિક વિકાસ અંગેના હતા. આ અભ્યાસોનાં પરિણામોનો ઉપયોગ જ્ઞાનમીમાંસાના સૈદ્ધાંતિક પ્રશ્નો સમજવા માટે કર્યો.
તેમણે ઝ્યાં જૅક્સ રૂસો ઇન્સ્ટિટ્યૂટ, જિનીવામાં 1923થી 1932 દરમિયાન સંશોધન-નિયામક તરીકે કાર્ય કર્યું. તે સમય દરમિયાન શ્રેણીબદ્ધ સંશોધનપત્રો અને પાંચ પુસ્તકો પ્રકાશિત કર્યાં. તેમને તેમના અભ્યાસો પરથી ખાતરી થઈ કે બાળક એ પુખ્ત વયની વ્યક્તિની નાની પ્રતિકૃતિ નથી. તે પુખ્ત વ્યક્તિ કરતાં વિચારવાની ઓછી ક્ષમતા ધરાવે છે; એટલું જ નહીં, પણ જુદી રીતે વિચારે છે. બાળક પુખ્તવયની વ્યક્તિ કરતાં અલગ રીતે વિચારક્ષમતા ધરાવે છે અ તે મુજબ વર્તે છે.
પિયાં-ઝેએ અભ્યાસનાં પાત્રો તરીકે પોતાનાં બાળકોને જ લીધાં હતાં. તેમને બે પુત્રીઓ અને એક પુત્ર હતો. આ બાળકોના જન્મથી બે વર્ષ સુધીના ગાળા દરમિયાનનાં વર્તનોનું અવલોકન કરી તેમણે બે પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં : (1) The Origins of Intelligence in Children (1952) અને (2) The Construction of Reality in the Child (1954). આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સૂચન પ્રમાણે તેમણે બાળકની સમય, વેગ અને હલનચલનની સમજનો અભ્યાસ કર્યો. અભ્યાસના પરિણામે બાળકના સમય અંગેના ખ્યાલો (1970) અને હલનચલન અને ગતિ અંગેના ખ્યાલો (1970) પર બે પુસ્તકો પ્રકાશિત કર્યાં, જેણે જ્ઞાનમીમાંસાના ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે.
માનવબુદ્ધિની ઉત્ક્રાંતિને સમજવા તેમણે અનેક પ્રયોગો કર્યા. 1920થી 1950 દરમિયાનના આ પ્રયોગો દ્વારા અનેક પરિણામો મેળવ્યાં, જેનો ઉપયોગ જ્ઞાનમીમાંસાની સમસ્યાઓ માટે કર્યો. 1950માં તેમણે જનીન-જ્ઞાનમીમાંસા સંબંધે પુસ્તકોની શ્રેણી પ્રકાશિત કરી. આ પુસ્તકોમાં જ્ઞાનનાં વિવિધ પાસાંઓ અંગેના તેમના વિચારોનું સંશ્લેષણ વ્યક્ત થયું હતું. આ પછી પિયાં-ઝેએ સંભવના ખ્યાલ અંગે અભ્યાસ કર્યો અને 1952થી 1962 સુધી યુનિવર્સિટી ઑવ્ પૅરિસમાં જનીન-મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.
જિનીવા યુનિવર્સિટીની વિજ્ઞાન-વિદ્યાશાખાની મદદથી જનીન-જ્ઞાનમીમાંસા માટે એક આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. તેમાં વિવિધ વિદ્યાશાખાના નિષ્ણાતો દ્વારા સંશોધનો હાથ ધરીને અનેક ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા, જેમાં અધ્યયનપ્રક્રિયા અને ગાણિતિક વિચારો જેવા વિષયોનો પણ સમાવેશ થયો હતો.
રૂસો ઇન્સ્ટિટ્યૂટના નિયામકપદેથી તે 1971માં 75 વર્ષની વયે નિવૃત્ત થયા; પરંતુ જનીન-જ્ઞાનમીમાંસા કેન્દ્રના વડા તરીકેની સેવા તેમણે ચાલુ રાખી હતી. તેમણે વિકાસ અને અધ્યયનને લગતાં અનેક મહત્વનાં પુસ્તકો આપ્યાં છે.
જયંતીલાલ ધારશીભાઈ ભાલ