પિયાનો નોબિલ : ઉમરાવ-ખંડ. આ ઇટાલિયન શબ્દનો અર્થ છે નોબલ સ્ટૉરી એટલે કે ઉમરાવો માટેનો ખંડ. પુનરુત્થાન કાળના ઇટાલિયન સ્થાપત્યનું આ બહુ જાણીતું અને લાક્ષણિક નિર્માણ છે. તેમાં વિશાળ નિવાસોમાં રસ્તા પર પડતા ભોંયતળિયાના મજલા પર ઉપલા માળે વિશાળ ઉમરાવ-ખંડ બાંધવામાં આવતો અને તે અમીર-ઉમરાવોની મહેમાનગતિ માટે ઉપયોગમાં લેવાતો. તેનું વિશાળ તથા ભવ્ય આયોજન દીપી ઊઠે માટે તેમાં ચિત્રકૃતિ, શિલ્પકૃતિ વગેરે જેવી સુશોભનલક્ષી ચીજવસ્તુઓ માટે કલાત્મક રીતે ગોખલા વગેરેનું નિર્માણ કરવામાં આવતું તેમજ બારીબારણાં ખંડની સુંદરતા વધે એ રીતે અલંકૃત કરવામાં આવતાં.

યજમાનનાં પ્રતિષ્ઠા તથા મોભા માટે આ પ્રકારનાં નિવાસસ્થાનો આવશ્યક લેખાતાં અને ઇટાલીના સ્થાપત્યમાં આવા ઉમરાવ-ખંડોના અનેક નમૂના જોવા મળે છે; તેમાંથી તે વખતના શ્રીમંતોની જીવનશૈલી અને રહેણીકરણીનો સચોટ ચિતાર મળે છે. નિવાસ માટેના સ્થાપત્ય-આયોજનની દૃષ્ટિએ પાશ્ચાત્ય સ્થાપત્યમાં ઇટાલીનું આ એક મહત્વનું યોગદાન મનાયું છે.

રવીન્દ્ર વસાવડા