પિયેરો દેલ્લો ફ્રૅન્ચ્યેસ્કા

January, 1999

પિયેરો દેલ્લો ફ્રૅન્ચ્યેસ્કા (. 1420, સાન સેપોલ્કો ફલોરેન્સ, ઇટાલી; . 2 ઑક્ટોબર, 1492 સાન સેપોલ્કો, ફલોરેન્સ, ઇટાલી) : યુરોપના પુનરુત્થાનકાળના મહત્વના ચિત્રકાર. પ્રારંભે તેઓ કળાઇતિહાસવિદો દ્વારા ઉપેક્ષાનો ભોગ બન્યા હતા, પણ વીસમી સદીના આરંભે તેઓ પંદરમી સદીના ઇટાલી અને યુરોપના એક મહત્વના ચિત્રકાર તરીકે પ્રતિષ્ઠિત થયા. ચિત્રોમાં એક ગણિતજ્ઞ જેવી ચોકસાઈ અને પાત્રોની સ્થાનોચિત ગોઠવણીની સાથે સાથે આછા કોમળ ઝાંયવાળા ફિક્કા રંગો અને ધીરગંભીર શાંત વાતાવરણ તેમની ચિત્રકલાનાં મહત્વનાં લક્ષણો છે.

1439માં ફ્લૉરેન્સ જઈ ત્યાંના ડોમિનિકો વેનેઝિયાનો, આંદ્રેયા દેલ કાસ્તાન્યો, ઉચેલો અને મસાચિયોનાં ચિત્રો દ્વારા એ નગરની કલાશૈલી આત્મસાત્ કરી 1442માં તેઓ બોર્ગો પાછા ફર્યા. પછી તેમણે તેમનું પ્રથમ મહત્વનું ચિત્ર ‘મેડૉના દેલ મિઝેરિકૉર્ડિયા’ કર્યું, જે પાંચ પેટાચિત્રોમાં વહેંચાયેલું છે. મેડૉનાનું ચિત્ર પૂરું થતાં સાત વરસ વીત્યાં હતાં. ભીંતચિત્રોમાં પણ ખંત અને ધીરજથી કામ કરવા માટે તેમણે પોતીકી આગવી ટૅકનિક વિકસાવી હતી.

તેમનું ‘બાપ્ટિઝમ ઑવ્ ક્રાઇસ્ટ’ ચિત્ર તેમના શરૂઆતના કાળની કૃતિ તરીકે સ્વીકૃત છે. તેમાં ફ્લૉરેન્સ અને સિયેના નગરોની શૈલીની અસર મોજૂદ હોવા છતાં તે શૈલીથી વિરુદ્ધનું એક પ્રશાંત ગાંભીર્ય જોવા મળે છે.

‘બૅપ્ટિઝમ ઑવ્ ક્રાઇસ્ટ’ : પિયેરોનું આકર્ષક તકતી-ચિત્ર

તેમના પુખ્ત કાળનાં ચિત્રોમાં ખ્રિસ્તી કથાઓની ગૂંથણી ઘણી જ અટપટી અને ગૂંચવાડાભરી છે, તેમ છતાં સમરૂપતા (symmetry) માટેનો તેમનો આગ્રહ ઓરેત્ઝો નગરના સેન્ટ ફ્રાન્ચેસ્કો દેવળનાં ભીંતચિત્રોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. અહીં ‘ટ્રૂ ક્રૉસ’ની કથાની ગૂંથણી છે. આ ભીંતચિત્રો સદીઓ સુધી ભુલાઈ ગયેલાં અને તેથી ઉપેક્ષિત રહેલાં, પરંતુ તે કારણે તે અન્ય હાથો વડે પુનશ્ચિત્રિત થવામાંથી સદભાગ્યે બચી પણ ગયેલાં. આ ચિત્રો 1459 પહેલાં પૂરાં થયાં હતાં.

આ પછીનાં તેમનાં ચિત્રોમાં ફ્લેમિશ ચિત્રોની ફ્લેન્ડર્સ – (બેલ્જિયમ)નાં પંદરમી સદીનાં ચિત્રોની તીવ્ર અસર જોવા મળે છે; ઉદાહરણ તરીકે, ફલેમિશ અસર ધરાવતાં ફ્રૅન્ચ્યેસ્કાનાં ચિત્રોમાં બૉર્ગોમાં આવેલું ‘રિસરેક્શન’, ‘ફ્લૅજલેશન ઑવ્ ક્રાઇસ્ટ’, ‘સેન્ટ ઑગસ્ટાઇન’, ‘મિકાયેલ’, ‘નિકોલસ ઑવ્ ટૉલેન્ટિનો’, ‘મેડૉના વિથ ધ ડ્યૂક ઑવ્ ઉર્બિનો ઍઝ ડોનર’ (જે ‘બ્રેરા મેડૉના’ નામે જાણીતું છે) અને ‘નેટિવિટી’ (જે અપૂર્ણ છે) સમાવેશ પામે છે. 1478માં પિયેરોએ ચિત્રો કરવાનું બંધ કર્યું. યથાર્થદર્શન અને ગણિતમાં વધતો જતો તેમનો રસ, તેનું મુખ્ય કારણ ગણી શકાય. તેમણે આ વિષયો પર બે વિવરણ-ગ્રંથો પણ લખ્યા છે : ‘દ પર્સપેક્ટિવા પિન્જેન્દી’ અને ‘દ ક્વિન્ક કૉર્પોરિબસ રેગ્યુલારિબસ’. જીવનના અંતે તેઓ અંધ થઈ ગયા હતા. તેમના બે મુખ્ય શિષ્યો પેરુજિનો અને સિન્યોરેલીએ ગુરુની શૈલીનો ઉચ્છેદ કર્યો હતો.

અમિતાભ મડિયા