પિન્ડાર (. આશરે . સ. પૂ. 522, સાઇનોસિફાલી, ગ્રીસ; . આશરે . સ. પૂ. 433) : પ્રાચીન ગ્રીસના ઊર્મિકવિ. ‘ઓડ’ પ્રકારની કાવ્યરચનાના કવિ તરીકે તેઓ જાણીતા છે. ઓડ ઉદાત્ત શૈલીનું પંક્તિબદ્ધ ગેય કાવ્ય છે. ઓલિમ્પિયા રમતોત્સવ અને અન્ય ઘટનાઓને નવાજતાં કાવ્યો તેમણે રચ્યાં છે. સ્પાર્ટા, થીબ્ઝ અને સાઇરિનનાં ખાનદાન ઉમરાવ કુટુંબો સાથે તેમને નિકટનો સંબંધ હતો. તેમના કાકા સ્કોપીલિન પાસેથી વાંસળીવાદન અને કવયિત્રી કોરિના પાસેથી કાવ્યલેખનના સંસ્કાર ઝીલ્યા. શિક્ષણ ઍથેન્સમાં. તેમની સૌથી પહેલી કૃતિ ‘ટેન્થ પિથિયન ઓડ’ (ઈ. સ. પૂ. 502) અને છેલ્લી કૃતિ ‘એટ્થ પિથિયન ઓડ’ (ઈ. સ. પૂ. 446) છે. એ બે વચ્ચેનો જીવનકાળ તેમણે ગ્રીસ, સિસિલી અને સાઇરિનમાં ગાળ્યો. પર્શિયન-ગ્રીસ યુદ્ધ દરમિયાન પોતે થીબ્ઝમાંથી પર્શિયા ભાગી ગયા ત્યારે તેમણે પુષ્કળ ભોંઠપ અનુભવી હોવી જોઈએ; કારણ કે પોતે કેડમસના ગ્રીક વંશની મુખ્ય શાખાના ઉમરાવ પરંપરાના વંશજ હતા એમ તેમને કહેવું પડેલું. કદાચ આ જ કારણે તેમણે રાષ્ટ્રીય સંઘર્ષની વાત તેમના સર્જનમાં જવલ્લે જ કરી છે.

પિન્ડાર

પિન્ડારે લગ્ન, દફનક્રિયા, ધાર્મિકોત્સવ અને રમતસ્પર્ધા જેવા પ્રસંગોને અનુલક્ષીને વિપુલ સંખ્યામાં કાવ્યો રચ્યાં. પ્રાચીન સમયના કોઈ પણ ગ્રીક કવિનાં આટલાં બધાં કાવ્યો જળવાયાં હોય તેમ બન્યું નથી. તેમના ‘એપિનિશિયા’ રમતોત્સવને નવાજતાં ઓડ અકબંધ છે. એપિનિશિયન ઓડના ચાર ગ્રંથોમાં રાષ્ટ્રીય સ્તરે રમાયેલી રમતોના વિજેતાઓ માટે રચાયેલાં કાવ્યો છે : (1) ધી ઑલિમ્પિયન્સ, (2) પિથિયન્સ, (3) નિમિયન્સ, (4) ઇસ્થમિયન્સ. પાછળથી ઍલેક્ઝાન્ડ્રિયાના સંપાદકોએ પિન્ડારનું સમગ્ર સર્જન 17 ગ્રંથોમાં પ્રસિદ્ધ કર્યું હતું. આમાં તેમણે રચેલાં સ્તોત્રો, દૈવી કૃપા માટેની પ્રાર્થનાઓ, દેવ ડાઇનિસસને ઉદ્દેશીને ગવાતાં સમૂહભજનો, કૂચગીતો, ઔપચારિક અથવા પ્રશસ્તિસભર રચનાઓ, મરસિયા, અને વિજય-ગીતોનો સમાવેશ થાય છે. આમાંના 13 જેટલા અપ્રાપ્ય ગ્રંથોની છૂટીછવાઈ પંક્તિઓ પ્રાપ્ત થઈ છે. રમતોત્સવ નિમિત્તે રચાયેલાં કાવ્યોમાં સ્પર્ધા વિશેના હૂબહૂ ચિતાર સાથે સ્પર્ધામાં મેળવેલ વિજયનો પણ ઉલ્લેખ હોય છે. નોંધપાત્ર વર્તમાન ઘટનાનો અછડતો ઉલ્લેખ કરીને કવિ યુક્તિપૂર્વક કાવ્યની મુખ્ય બાબત રૂપે ભવ્ય ભૂતકાળ અને તે અંગેની દંતકથાને આલેખે છે. કાવ્યને અંતે વિજેતાને ઉદ્દેશીને ઔપચારિક શબ્દો કહેવાય છે. લગભગ તમામ કાવ્યોની પ્રથમ બે કડીઓ સરખા માપવાળી, જ્યારે છેલ્લી કડી તેની રચના પરત્વે પહેલી બે કડીઓથી જુદી પડે છે. આમ, પિન્ડારના ઓડના બંધારણમાં સ્ટ્રોફી, ઍન્ટિસ્ટ્રોફી અને ઇપોડ – એમ ત્રણ કડીઓ હોય છે. આ કાવ્યો ધાર્મિક સમારંભ અને નાટકોમાં ગવૈયાઓ અને કોરસના નર્તકો માટે સમૂહમાં વારાફરતી ગાવા માટે રચાયાં છે. આ પરંપરામાં સત્તરમી અને અઢારમી સદીના કાઉલી, ડ્રાયડન, પોપ અને ગ્રે જેવા અંગ્રેજ કવિઓએ નિયમમાં છૂટ લઈને ઓડ-કાવ્યો રચ્યાં પણ પિન્ડારના ઓડના સ્થાપત્ય-સૌંદર્યને તેમાંના કોઈ કવિ આંબી ન શક્યા.

પિન્ડારનાં કાવ્યો તેમાંની દુર્બોધતા માટે જાણીતાં છે. મારીમચડીને ગોઠવાયેલા શબ્દો આ દુર્બોધતાનું એક કારણ છે. અન્ય કારણોમાં ગ્રીક ઉચ્ચારણ-છટા, સંદર્ભની સરળતાના ભોગે ઇચ્છિત કલ્પનોની હારમાળા, કથનની અભિવ્યક્તિ માટે એક સંદર્ભમાંથી બીજા સંદર્ભ તરફ થતું વિલક્ષણ સંક્રમણ, તથા નવા નવા શબ્દોનો ઉપયોગ વગેરેને ગણાવી શકાય.

મોટાભાગના શબ્દો અને જીવનમૂલ્યો તેમણે મહાકવિ હોમરનાં મહાકાવ્યોમાંથી અને નીતિ અને ધર્મવિષયક રીતભાત મહાકવિ હેસિયોડ પાસેથી મેળવ્યાં જણાય છે. રાજકારણની દૃષ્ટિએ પિન્ડાર રૂઢિચુસ્ત સમાજનાં મૂલ્યોને વરેલા હતા.

દંતકથા અને દેવ સુધ્ધાંને તર્કથી પામવાનો પ્રયત્ન કરનારા એ યુગમાં પિન્ડાર ધાર્મિકતાની બાબતમાં પણ રૂઢિચુસ્ત હતા. ઑલિમ્પિસના દેવોને તેઓ ગંભીરતાથી માનતા હતા. તેમની કવિતાથી દંતકથાના દેવો પ્રભાવશાળી અને બળવાન નૈતિક શક્તિ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. દેવોમાં તેમને અપાર શ્રદ્ધા હતી. આથી ઉદાર અને તર્કપરાયણ વર્તમાનને બદલે જીવનભર તે ભૂતકાળને જ વળગી રહ્યા. પાછળથી ‘પિન્ડૅરિક ઓડ’ના જનક તરીકે ઓળખાયેલા પિન્ડાર અંત સુધી એકાકી જીવ તરીકે ખમીરથી જીવ્યા.

વિ. પ્ર. ત્રિવેદી