પિપેટ : પ્રવાહી અથવા દ્રાવણનું ચોક્કસ કદ લેવા માટે વપરાતી બંને છેડે ખુલ્લી અને મધ્ય ભાગે ફૂલેલી કાચની નળી. તેનો અગ્રભાગ (tip) સાંકડો હોય છે. તે બે પ્રકારની હોય છે : (અ) કદમિતીય અથવા સ્થળાંતર (transfer) પિપેટ અને (બ) અંકિત (graduated) પિપેટ. મોં વડે ચૂસીને અથવા સલામતી ખાતર બીજાં ચૂસવાનાં ઉપકરણો વડે પિપેટમાં પ્રવાહીને કાપાની ઉપર સુધી ખેંચવામાં આવે છે. તે પછી તરત જ તર્જની વડે ઉપરના છેડાનો ભાગ બંધ કરવામાં આવે છે.

(અ) કદમિતીય પિપેટ, (બ) અંકિત પિપેટ

 ત્યારબાદ પિપેટને દ્રાવણમાંથી બહાર કાઢી આંગળીનું દબાણ નિયંત્રિત કરી પ્રવાહીની નવચંદ્રક (meniscus) સપાટી પિપેટ પરના આંકા સુધી લાવવામાં આવે છે અને પછી પ્રવાહીને બીજા પાત્રમાં ખાલી કરવામાં આવે છે. પિપેટ ખાલી થાય એટલે તેની સાંકડી ટોચને પાત્રની દીવાલને અડકાડી જેટલી ખાલી થાય તેટલી થવા દેવામાં આવે છે. ટોચમાં છેલ્લે રહી જતા પ્રવાહીને ખાલી કરવામાં આવતું નથી. અંકિત કાપાવાળી પિપેટમાં જેટલું પ્રવાહી પાત્રમાં લેવું હોય તેટલું આંગળીનું દબાણ ઓછું કરીને લઈ શકાય છે.

જગદીશ જ. ત્રિવેદી