પિન્ટો, લેવી (. 23 ઑક્ટોબર 1929, નૈરોબી, કેન્યા; અ.15 ફેબ્રુઆરી 2020, શિકાગો, ઇલિનોઇસ, યુ. એસ.) : ભારતના દોડવીર-ખેલાડી. 1951માં દિલ્હી મુકામે આયોજિત પ્રથમ એશિયન રમતોત્સવમાં 100 મી. દોડ (10.8 સે.) અને 200 મી. દોડ (22.0 સે.)માં તેઓ સુવર્ણચંદ્રક-વિજેતા બન્યા હતા. આ જાતની સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેઓ અત્યાર સુધીના એકમાત્ર ભારતીય દોડવીર હતા.. તેઓ 100 મી. દોડમાં 1949થી 1953 સુધી અને તે પછી 1955માં રાષ્ટ્રીય ચૅમ્પિયન રહ્યા હતા. એવી રીતે 200 મી. દોડમાં 1949થી 1951 સુધી તથા 1953 અને 1955માં રાષ્ટ્રીય ચૅમ્પિયન રહ્યા હતા. આ રીતે 1949થી 1955 સુધી 100 મી. તથા 200 મી.ની દોડમાં ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે તેઓ મોખરે રહ્યા હતા.

1952માં હેલસિન્કી મુકામે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં તેમણે 100 મી. અને 200 મી.માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ઑલિમ્પિકમાં ખૂબ જ સારો દેખાવ કરી 100 મી. દોડ 11.7 સે.માં અને 200 મી. દોડ 21.6 સે.માં પૂર્ણ કરી સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા. 100 મી.માં તેમનો સમયગત સર્વશ્રેષ્ઠ વિક્રમ 10.6 સે.નો હતો, જે તેમણે 1953માં જબલપુરમાં આયોજિત રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ દરમિયાન હાંસલ કર્યો હતો.  ટૂંકી દોડના શ્રેષ્ઠ ખેલાડીઓમાં લેવી પિન્ટોનું નામ મોખરે છે.

પ્રભુદયાલ શર્મા