પિન્ટર, હૅરૉલ્ડ (. 10 ઑક્ટોબર 1930, હૅકની, લંડન; . 24 ડિસેમ્બર 2008, એક્ટીન (Acton), લંડન) : પ્રસિદ્ધ આંગ્લ નાટ્યલેખક અને દિગ્દર્શક. યહૂદી દરજીના સંતાન તરીકે તેમનો ઉછેર લંડનના ઈસ્ટ એન્ડના શ્રમજીવી વિસ્તારમાં થયો હતો, તેથી નાનપણથી જ હિંસા સાથે તેમનો પનારો પડ્યો હતો; હિંસાનાં આ શૈશવ-સ્મરણો અને અનુભવ જ તેમનાં નાટકોમાં નિરંતર ઝળૂંબ્યાં કરે છે. બીજા વિશ્વયુદ્ધની કપરી બૉંબવર્ષાનો પણ અહીં જ તેમણે અવારનવાર અનુભવ કર્યો હતો.

હૅકની ખાતે પ્રારંભિક શિક્ષણ મેળવ્યા પછી રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટમાં અભિનય-તાલીમ મેળવવા જોડાયા; પરંતુ બે સત્રના અભ્યાસ પછી સંસ્થા છોડી દીધી. 18 વર્ષની વયે તેમને લશ્કરમાં ભરતી માટે બોલાવાયા, પરંતુ તેમની સદસદવિવેકબુદ્ધિના કારણસર તેમણે લશ્કરમાં જોડાવા અને સોગન વગેરે લેવા સામે નૈતિક વાંધો ઉઠાવતાં તેમની સામે બે વાર ખટલો ચલાવાયો, પણ છેવટે દંડની સજા કરી તેમને છોડી દેવાયા. 1950માં તેમનાં કાવ્યો ‘લંડન પોએમ્સ’માં પ્રગટ થવા લાગ્યાં અને 1951માં તેઓ લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ સ્પીચ ટ્રેનિંગ ઍન્ડ ડ્રામૅટિક આર્ટના અભિનયવર્ગોમાં જોડાયા.

નાટ્યલેખનક્ષેત્રે તેમણે ‘ધ રૂમ’(1957)થી ઝંપલાવ્યું. તેમના મહત્વના સૌપ્રથમ નાટક ‘ધ બર્થડે પાર્ટી’(1958; ફિલ્મ 1968)ને નિરાશાજનક આવકાર સાંપડ્યો, પરંતુ ‘ધ કૅરટેકર’(1960; ફિલ્મ 1963)ને સાંપડેલી અનન્ય સફળતા પછી તે ફરી ભજવાયું. ‘ધ કૅરટેકર’થી તેમણે પ્રતીતિ થઈ કે પોતે ત્યારે લોકપ્રિય નીવડેલા ‘થિયેટર ઑવ્ ધી ઍબ્સર્ડ’ની નાટ્યશૈલી કરતાં ભિન્ન એવી નિજી મુદ્રા ધરાવતા હતા. ‘ધ હોમકમિંગ’ (1965) પછીનાં તેમનાં ‘લૅન્ડસ્કેપ’ (1969), ‘સાયલન્સ’ (1969), ‘નાઇટ’ (1969) અને ‘ઓલ્ડ ટાઇમ્સ’ (1971) – એ નાટકોમાં શારીરિક ચેષ્ટાઓને રંગભૂમિ પરથી લગભગ દેશવટો આપી દેવાયો હોય એવું લાગે છે.

1970ના દશકાથી તેઓ પોતાનાં તથા બીજાનાં નાટકોનું દિગ્દર્શન કરવા તરફ વળ્યા. જાણીતા દિગ્દર્શક પીટર હૉલ સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા હતા; હૉલના અનુગામી તરીકે 1973માં તેઓ નૅશનલ થિયેટરના સહ-દિગ્દર્શક બન્યા.

તેમણે રેડિયો તથા ટેલિવિઝન માટે નાટકો, ટૂંકાં નાટકો તથા ચિત્રપટકથાઓ પણ લખ્યાં છે. તેમની ‘પોએમ્સ ઍન્ડ પ્રોઝ – 1941-1977’ નામની કૃતિ 1978માં પ્રગટ થઈ. તેમનું મહત્વનું નવું નાટક ‘મૂનલાઇટ’ 1993માં ભજવાયું.

તેમની નાટ્યશૈલીની વિશેષતા એ છે કે તેમાં અલ્પોક્તિ, ટૂંકા-નાના સંવાદો, ઓછાબોલાપણું અને પ્રસંગોપાત્ત મૌનનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે; તેને લીધે પાત્રોના મનોજગતના ઊંડાણમાં રહેલી જે વાસ્તવિકતા તેની વાણીને વિસંગત નીવડતી હોય છે, તેનું નિવારણ કરી પાત્રની ખરી વિચારધારા પ્રગટ કરી શકાય છે. તેમના પર બૅકેટનો પ્રભાવ જોવાયો છે ખરો અને ‘થિયેટર ઑવ્ ધી ઍબ્સર્ડ’ સાથે તેઓ સંકળાયેલા રહ્યા હતા એ પણ ખરું; પણ તેમને અનન્ય નામના મળી તે એક નવા પ્રકારની કૉમેડીના શોધક-પ્રણેતા તરીકે, જે ‘કૉમેડી ઑવ્ મિનેસ’ તરીકે ઓળખાય છે. તેમનાં મોટાભાગનાં નાટકોનું ઘટનાસ્થળ એક જ ખંડમાં મર્યાદિત હોય છે અને તેના રહેવાસીઓને કોઈક પરિબળો વા વ્યક્તિઓ સતત ભય પમાડતાં હોય છે. જોકે તેમના હેતુ કે ઇરાદાની સ્પષ્ટ ખબર ન તો રહેવાસીઓને પડે છે, ન તો પ્રેક્ષક-વાચકને.

બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળાના નાટ્યકારોમાં તેઓ સૌથી ગહન અને નીડર લેખાયા છે. તેમની નાટ્યશૈલીનો આધુનિક નાટ્યપ્રવાહ પર ઘેરો તથા વિસ્તૃત પ્રભાવ દેખાયો છે અને નાટ્યકાર તરીકે તે વિશ્વભરમાં નામના પણ પામ્યા છે.

તેઓ ‘ડેવિડ કોહેન પ્રાઇઝ’ (1995), ‘લૉરેન્સ ઓલિવિયર ઍવૉર્ડ’ (1996), ‘કમ્પેનિયન ઑવ્ ઑનર’ (2002) અને સાહિત્યનું ‘નોબેલ પારિતોષિક’ (2005)થી સન્માનિત થયા છે.

ગુજરાતીમાં પણ હૅરલ્ડ પિન્ટરનાં નાટકોનો ચાહકવર્ગ રહ્યો છે. એમના ‘ધ ડમ્બ વેઇટર’નો અનુવાદ દિનેશ કોઠારીએ ‘ટ્રે’ નામથી કર્યો હતો.

મહેશ ચોકસી