પિત્ત અને પિત્તમાર્ગ
(bile and biliary tract)
યકૃત(liver)માં ઉત્પન્ન થતું પ્રવાહી તથા તેનું વહન કરતી નળીઓ અને તેનો સંગ્રહ કરતી અને સાંદ્રતા વધારતી કોથળીનો સમૂહ. રોજ 600થી 1200 મિ.લિટર જેટલું પિત્ત બને છે. તેને પિત્તરસ પણ કહે છે. તેનાં મુખ્ય 2 કાર્યો છે : (1) ચરબીનું પાચન અને અવશોષણ અને (2) ચયાપચયી (metabolic) કચરાનો નિકાલ. પિત્તમાં કોઈ પાચન કરતો ઉત્સેચક (enzyme) હોતો નથી, પરંતુ તેમાંના પિત્તક્ષારો (bile salts) બે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા મેદપાચનમાં મદદરૂપ થાય છે. તે ચરબી(મેદ)ને સૂક્ષ્મ બિંદુઓમાં વિભાજિત રાખીને સ્વાદુપિંડમાંથી ઝરતા મેદપાચક-ઉત્સેચક(lipase)નું કાર્ય સરળ કરે છે. તેને સ્વાદુપિંડી મેદોત્સેચક (lipase) કહે છે. આ ઉપરાંત તે આંતરડાની શ્લેષ્મકલા દ્વારા મેદનાં પચેલાં અંતિમ દ્રવ્યો(end products)નું અવશોષણ કરવામાં મદદ પણ કરે છે. રક્તકોષો તૂટે ત્યારે તેમાંના રક્તવર્ણક(haemoglobin)ના અણુમાંથી પિત્તવર્ણક(bilirubin) નામના પીળા રંગના (રંગ)કણો (pigments) બને છે. આવી જ રીતે ક્યારેક યકૃત દ્વારા વધુ પ્રમાણમાં કોલેસ્ટેરૉલ પણ બને છે. પિત્ત દ્વારા આવા વધારાનાં દ્રવ્યોનું ઉત્સર્જન (નિકાલ) થાય છે. આમ પિત્ત પાચનક્રિયા તેમજ ઉત્સર્ગક્રિયા (excretary function) – એમ બે પ્રકારની બે જુદી જુદી ક્રિયાઓ કરે છે.
યકૃતમાં પિત્તરસ બે તબક્કામાં ઝરે છે : યકૃતકોષોમાંથી ઝરતો પિત્તરસ પિત્તક્ષારો, કોલેસ્ટેરૉલ અને અન્ય સેંદ્રિય પદાર્થો ધરાવે છે, જે પિત્તનલિકાઓ(bile canaliculi)માં પ્રવેશે છે. ત્યાંથી તે અંતિમ પિત્તનલિકાઓ(terminal bile ducts)માં પ્રવેશે છે, જે છેવટે એકઠી થઈને ડાબી અને જમણી યકૃતનળી (hepatic duct) બનાવે છે. બંને યકૃતનળીઓ એકઠી થઈને સંયુક્ત (સામાન્ય) યકૃતનળી બનાવે છે. તેની સાથે પિત્તાશય(gall bladder)ની નળીપિત્તાશયનલિકા (cystic duct) જોડાય છે અને છેલ્લે સામાન્ય પિત્તનળી (common bile duct) બને છે, જે સ્વાદુપિંડનળી સાથે જોડાઈને નાના આંતરડાના પક્વાશય (duodenum) નામના ભાગમાં ખૂલે છે. પિત્તનલિકાઓ અને નળીઓમાં સોડિયમ અને બાયકાર્બોનેટવાળો પાણી જેવો સ્રાવ (secretion) પણ પિત્તમાં ભળે છે. આ પ્રવાહી નલિકાઓ અને નળીઓના અધિચ્છદીય કોષો (epithelial cells) દ્વારા ઉત્પન્ન થાય છે. આ બીજા તબક્કાના સ્રાવ વડે પિત્તનું કદ લગભગ બમણું થાય છે. સ્રાવક (secretin) નામના અંત:સ્રાવ વડે આ બીજા તબક્કાના સ્રાવનું નિયંત્રણ થાય છે અને તેથી તે બાયકાર્બોનેટવાળા અથવા આલ્કલીકૃત (alkaline) પિત્તનું ઉત્પાદન વધારે છે, જે જઠરમાંથી આવતા અમ્લીય (acidic) અર્ધપક્વરસનું pH મૂલ્ય બદલે છે. જઠરમાંથી પક્વાશયમાં આવતા અર્ધાપચેલા ખોરાક અને અન્ય સ્રાવના સંમિશ્રણને અર્ધપક્વરસ (chyme) કહે છે. અર્ધપક્વરસ જ્યારે પક્વાશયમાં પ્રવેશે ત્યારે સ્રાવક અંત:સ્રાવને લોહીમાં મુક્ત કરવામાં આવે છે, જે પિત્તનલિકાઓ અને નળીઓ પર પોતાની અસર દર્શાવે છે.
સારણી 1 : પિત્તનું રાસાયણિક બંધારણ
પદાર્થ/રાસાયણિક દ્રવ્ય | યકૃતીય પિત્ત | પિત્તાશયી પિત્ત | |
1. | પાણી | 99500 (મિગ્રા./100 મિલી.) | (મિગ્રા./મિલી.) |
2. | પિત્તક્ષારો | 1100 (મિગ્રા./100 મિલી.) | 600 (મિગ્રા./મિલી.) |
3. | પિત્તવર્ણક (bilirubin) | 170 મિલીગ્રામ | 300 (મિગ્રા./મિલી.) |
4. | કોલેસ્ટેરૉલ | 100 મિલીગ્રામ | 300થી 900 (મિગ્રા./મિલી.) |
5. | મેદામ્લો (fatty acids) | 120 મિલીગ્રામ | 300થી 1200 (મિગ્રા./મિલી.) |
6. | લેસિથિન | 40 મિલીગ્રામ | 300 (મિગ્રા./મિલી.) |
7. | સોડિયમ આયન | 145 (મિ.ઇક્વિ./લી.) | 130 (મિ.ઇક્વી/લી.) |
8. | પોટૅશિયમ આયન | 5 (મિ.ઇક્વિ./લી.) | 12 (મિ.ઇક્વિ./લી.) |
9. | કૅલ્શિયમ આયન | 5 (મિ.ઇક્વિ./લી.) | 23 (મિ.ઇક્વિ./લી.) |
10. | ક્લોરાઇડ આયન | 100 (મિ.ઇક્વિ./લી.) | 25 (મિ.ઇક્વિ./લી.) |
11. | બાયકાર્બોનેટ આયન | 28 (મિ.ઇક્વિ./લી.) | 10 (મિ.ઇક્વિ./લી.) |
યકૃતમાં ઉદભવેલું પિત્ત નળીઓ દ્વારા પક્વાશયમાં આવેલા તેના છેડા સુધી પહોંચે છે. પક્વાશયમાં એક ઊપસેલો ભાગ પક્વાશયી પ્રાંકુર (duodenal papilla) આવેલો છે. તેમાં વૉટરનો વિપુટ (ampulla of vater) નામની સહેજ પહોળી નાની કોથળી જેવી સંરચના છે, જેમાં સામાન્ય પિત્તનળી અને સ્વાદુપિંડનળી ખૂલે છે. વૉટરનો વિપુટ પક્વાશયી પ્રાંકુરમાં આવેલા છિદ્ર દ્વારા પક્વાશયમાં ખૂલે છે. આ છિદ્ર સામાન્ય રીતે બંધ હોય છે. તેને બંધ રાખવા માટે તેને ગોળ ફરતા પરિવૃત્તીય કે ચક્રીય (circular) સ્નાયુતંતુઓ આવેલા છે. આ પ્રકારની સંરચનાને દ્વારરક્ષક (sphincters) કહે છે, જે બટવાના અથવા ‘પર્સ’ના મોંને બંધ કરતી હોય તેવી દેખાય છે. પક્વાશયમાં અર્ધપક્વરસ પ્રવેશે ત્યારે જ આ દ્વારરક્ષક ખૂલે છે; બાકી તે બંધ રહે છે. તેને કારણે યકૃતમાંથી ઝરેલું પિત્ત તેની નળીઓને ભરે છે અને પછી ઊભરાઈને પિત્તાશયમાં એકઠું થાય છે. પિત્તાશયનું કદ 30થી 60 મિલી લિટર જેટલું હોય છે. પક્વાશય પાણી અને આયનોનું સતત પુન:શોષણ કરીને દિવસ દરમિયાન જોઈતું હોય એટલું પિત્ત સંગ્રહે છે. આવું સંગૃહીત પિત્ત સાંદ્ર (concentrated) હોય છે. તેને કારણે પિત્તાશયમાંના પિત્તમાં પિત્તક્ષારો, પિત્તવર્ણક, કોલેસ્ટેરૉલ તથા લેસિથિનનું પ્રમાણ વધુ હોય છે. સામાન્ય રીતે સોડિયમનું પુન:શોષણ એક પ્રકારનું સક્રિય પરિવહન (active transport) છે, જેમાં ઊર્જા (શક્તિ) વપરાય છે. પાણી તથા અન્ય આયનો ત્યારબાદ અક્રિય પ્રસરણ (passive diffusion) વડે પુન:શોષિત થાય છે. સામાન્ય રીતે પિત્તાશયમાં પિત્તની સાંદ્રતા 5 ગણી થાય છે, પરંતુ ક્યારેક તે વધીને 20 ગણી પણ બને છે. સારણી 1માં પિત્તનું રાસાયણિક બંધારણ દર્શાવ્યું છે :
જમ્યા પછી આશરે 30 મિનિટ પછી ચરબીવાળો અર્ધો પચેલો ખોરાક પક્વાશયમાં પ્રવેશવા માંડે છે ત્યારે પિત્તાશયનાં મંદ સંકોચનો પણ પિત્તને પક્વાશયમાં વહેવડાવવા માંડે છે. પક્વાશયમાં ચરબીવાળા અર્ધપક્વરસના પ્રવેશથી પિત્તાશયપ્રેરક (cholecystokinin) અંત:સ્રાવ લોહીમાં પ્રવેશે છે, જે પિત્તાશયનાં સંકોચનોને બળવત્તર બનાવે છે અને વૉટરના વિપુટમાં આવેલા ઑડિના દ્વારરક્ષકને ખોલીને પિત્તને પક્વાશયમાં રેડે છે. આ સમયે પિત્તાશયનલિકામાં લહેરગતિ ઉત્પન્ન કરવાનું કાર્ય બહુવિસ્તારીચેતા (vagus nerve) દ્વારા આવતા આવેગો (impulses) કરે છે. આ ઉપરાંત સ્રાવક (secretin) નામના અંત:સ્રાવની અસર હેઠળ પાણી અને બાયકાર્બોનેટવાળું પિત્ત વધુ પ્રમાણમાં ઝરે છે. આ પ્રકારના સ્રવણનો હેતુ જઠરમાંથી આવતા અમ્લીય (acidic) દ્રવ્યનું આલ્કલીકરણ કરવાનો હોય છે.
યકૃતમાં રોજ 600 મિગ્રા. જેટલા પિત્તક્ષારોનું ઉત્પાદન થાય છે. તે કોલેસ્ટેરૉલમાંથી બને છે. ખોરાકમાંથી આવેલા કે યકૃતમાં બનાવેલા કોલેસ્ટેરૉલમાંથી સૌપ્રથમ કૉલિક ઍસિડ તથા સીનોડિઑક્સિકૉલિક ઍસિડ બને છે. તેને મુખ્યત્વે ગ્લાસિન સાથે અને અમુક અંશે ટોરિન સાથે જોડીને ‘ગ્લાયકો-’ કે ‘ટોરો-’ સંયોજિત પિત્તામ્લો (conjugated bile acids) બનાવાય છે. આ સંયોજિત પિત્તામ્લોના ક્ષારોને પિત્તક્ષારો કહે છે, જે પિત્તમાં હોય છે. પિત્તક્ષારો બે મુખ્ય કાર્ય કરે છે : (1) તૈલી દ્રવ્યનું પાચન અને (2) આંતરડામાં તૈલી દ્રવ્યોનું પરિવહન (transport). તે ખોરાકમાંનાં ઘી, તેલ તથા ચરબી(મેદ)નાં મોટાં બિંદુઓને નાનાં બિંદુ રૂપે કરીને તેની આસપાસ આવરણ બનાવે છે, જેથી તે એકબીજા સાથે ભળીને ફરીથી મોટા જથ્થામાં ફેરવાઈ ન જાય. તૈલી પદાર્થને નાના બિંદુમાં ફેરવવા માટે તેનું પૃષ્ઠતાણ (surface tension) ઘટાડવામાં આવે છે. આ પ્રક્રિયાને તૈલ-નિલંબન (emulsification) કહે છે; જેમાં આવરણવાળાં મેદબિંદુઓ (fat droplets) અર્ધપક્વરસના પાણીમાં નિલંબિત રૂપે (suspended) જળવાઈ રહે છે. આવી ક્રિયા દ્વારા સાબુ કે ક્ષાલક (detergent) પણ કપડા પરના તૈલી ડાઘ કાઢે છે; માટે આ ક્રિયાને સાબુનીકરણ (saponification) અને ક્ષાલન (detergent action) પણ કહે છે. આ રીતે બનેલાં નાનાં નાનાં મેદબિંદુઓ પર સ્વાદુપિંડના મેદોત્સેચક (lipase) અસર કરીને તેમાંના ટ્રાઇગ્લિસરાઇડનું મૉનોગ્લિસરાઇડ તથા મેદામ્લોમાં રૂપાંતર કરે છે. તેને તૈલી દ્રવ્યો(મેદ)નું પાચન કહે છે.
સારણી 2 : પિત્તાશય અને પિત્તનલિકાઓના વિકારોના નિદાનમાં વપરાતી ચિત્રણપદ્ધતિઓ
(imaging procedures)
પદ્ધતિ | નિદાનીય લાભ | નિદાનીય મર્યાદા | નોંધ | ||
1. | પેટનું સાદું એક્સ-રે ચિત્રણ | ઓછો ખર્ચ, બધે જ ઉપલબ્ધ | ઓછી માહિતી, ક્યારેક સગર્ભાવસ્થામાં ન કરી શકાય. | કૅલ્શિકૃત પથરી, કૅલ્શિયમવાળું પિત્ત, પિત્તજ પથરીથી થતો અગતિશીલ આંત્રરોધ (ileus), સવાત પિત્તાશયશોથ (emphysematous cholecystitis)નું નિદાન થઈ શકે છે. | |
2. | મુખમાર્ગી પિત્તાશય-ચિત્રણ (oralcholecystogram) | ઓછો ખર્ચ, બધે જ ઉપલબ્ધ, 90 %થી 95 % કિસ્સામાં પથરીનું નિદાન, પિત્તા-શયની રચનાઓ અને અન્ય વિકારોનું સરળ નિદાન. જો બેવડી માત્રા પછી પણ પિત્તાશય જોવા મળે તો તે દીર્ઘ-કાલી પિત્તાશયી રોગનું સૂચન કરે છે. | ક્યારેક સગર્ભાવસ્થામાં ન કરી શકાય. આયોડિનની ઍલર્જી હોય તો ન કરી શકાય, કમળો હોય ત્યારે માહિતી ન મળે. (2થી 4 મિગ્રા./લી.બિલિરૂબિન). નાની પથરીઓનું નિદાન ચૂકી જવાય, સોનોગ્રાફી કરતાં વધુ સમય લે. | સોનોગ્રાફી પછીની વધુ ઉપયોગી નિદાનપદ્ધતિ. | |
3. | અલ્ટ્રાસોનોગ્રાફી | ઝડપી પદ્ધતિ, 95 %થી વધુ કિસ્સામાં સચોટ નિદાન, સાથે સાથે યકૃત, પિત્ત-નળીઓ, સ્વાદુપિંડ તથા અન્ય અવયવોનું પણ પરીક્ષણ શક્ય, કમળો હોય કે સગર્ભાવસ્થા હોય તોપણ તપાસ કરી શકાય. ખૂબ નાની પથરી પણ શોધી કાઢી શકાય. ઝીણી સોય વડે પેશીપરીક્ષણ (biopsy) કરવું હોય તો તે તે માટેનું સ્થાન દર્શાવે છે. | આંતરડામાં વાયુ હોય, ખૂબ ચરબીની જમાવટ હોય, પેટમાં પાણી ભરાયેલું હોય (જળોદર) કે થોડા સમય પહેલાં બેરિયમ ચિત્રણશ્રેણીની તપાસ કરાયેલી હોય તો અશ્રાવ્ય ધ્વનિચિત્રણ કરવું મુશ્કેલ પડે છે. સામાન્ય પિત્તનળીને બરાબર દર્શાવી શકાતી નથી. | પિત્તમાર્ગમાં પથરી કે કોઈ અવરોધ હોય તો તે શોધવાની મુખ્ય પદ્ધતિ. | |
4. | સમસ્થાની વિકિરણ-
ચિત્રણ (radioisotope scan) |
પિત્તાશયનળીના અવરોધનું સચોટ નિદાન, પિત્તનળીનું પણ નિદાન શક્ય. | ક્યારેક સગર્ભાવસ્થામાં ન કરી શકાય. 6થી 12 મિગ્રા./ડેલી. લિરૂબિનથી વધુ કમળો હોય તો તપાસ ન થઈ શકે. પિત્તાશય ચિત્રણ-ઝાંખું હોય છે. | પિત્તાશયશોથના નિદાનને સાબિત કરતી કસોટી (confirmatory test). | |
5. | કમ્પ્યૂટર-સંલગ્ન અક્ષીય આડછેદ-ચિત્રણ (compute-rized axial tomo-graphy, CATScan) | અલ્ટ્રાસોનોગ્રાફી પ્રમાણેના લાભ, પરંતુ સગર્ભાવસ્થામાં આ તપાસ ન થાય. | સગર્ભાવસ્થામાં કે આયોડિનની ઍલર્જી હોય તો આ તપાસ ન કરાય. | યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડમાંની ગાંઠનું નિદાન કરવા માટે ઉપયોગી. જ્યારે પણ અશ્રાવ્ય ધ્વનિચિત્રણ પૂરેપૂરું નિદાન ન આપે ત્યારે ખાસ ઉપયોગી. | |
6. | પારત્વકીય પારયકૃતીય
પિત્તનલિકા-ચિત્રણ (percutaneaus- transhepatic chola- ngiography, PTC) |
પિત્તની નળીઓ પહોળી હોય ત્યારે ખૂબ સફળ, યકૃત પાસેની નળીઓનું સુંદર ચિત્રણ, ડાબી યકૃતીય નલિકાવૃક્ષમાંનો અવરોધ સ્પષ્ટ જોઈ શકાય. સાથે સાથે પિત્તને સોય દ્વારા મેળવીને, તેની કોષવિદ્યા (cytology) કે જીવાણુસંવર્ધન(culture)- લક્ષી તપાસ કરી શકાય. પિત્તનો ભરાવો હોય તો તેને બહાર કાઢી શકાય (ઉપચારલક્ષી ઉપયોગ). | તંતુકાઠિન્યવાળી સાંકડી પિત્તની નલિકાઓ હોય ત્યારે આ પરીક્ષણ અસંભવ છે. વળી સગર્ભાવસ્થા, લોહી વહેવાનો વિકાર, જળોદર કે યકૃતમાં કે અન્યત્ર ચેપ-ગૂમડું હોય ત્યારે પણ તે ન કરી શકાય. | પિત્તની નલિકાઓ, પહોળી હોય ત્યારે કરાતી પ્રથમ તપાસ. તેમાં ચામડી બહેરી કરીને ચામડી દ્વારા યકૃતમાંની પહોળી પિત્તનલિકા સુધી સોયને પહોંચાડાય છે અને ત્યારબાદ તેમાં એક્સ-રે-રોધી રસાયણ નાંખીને ચિત્રણો લેવાય છે. | |
7. | અંત:નિરીક્ષીય વિપરીત-
માર્ગી પિત્તનલિકાકીય તથા સ્વાદુપિંડી-ચિત્રણ (endoscopic retro- grate cholangio- pancreatography, ERCP) |
સ્વાદુપિંડનો પણ સાથે સાથે અભ્યાસ થાય. પક્વાશય તથા વૉટરના વિપુટનો પણ અભ્યાસ થાય. પક્વાશયની નજીકની પિત્તની નળીઓનું સુંદર ચિત્રણ. જરૂર પડ્યે વિપુટના દ્વારરક્ષકનું છેદન કરીને સારવાર થાય. જળોદર, રુધિરસ્રાવતા કે યકૃતના ચેપમાં પણ આ તપાસ કરી શકાય. | જઠર-પક્વાશયમાં અવરોધ હોય, સગર્ભાવસ્થા હોય, ઉગ્ર સ્વાદુપિંડશોથ (acute pancreatitis) હોય કે હૃદય કે શ્વસનમાર્ગની તીવ્ર તકલીફ હોય તો આ તપાસ કરી શકાતી નથી. | નીચેની પરિસ્થિતિઓમાં તે પ્રથમ પસંદગીની નિદાનપદ્ધતિ છે : (1) પિત્તની નલિકાઓ પહોળી થયેલી ન હોય; (2) સ્વાદુપિંડ, વિપુટ કે જઠર-પક્વાશયમાં કોઈ રોગ હોય (3) અગાઉ પિત્તમાર્ગ પર શસ્ત્રક્રિયા કરેલી હોય; (4) PTC ન થઈ શકે કે નિષ્ફળ ગયેલી હોય; (5) રરક્ષકછેદન(sphinctectomy)નીશસ્ત્રક્રિયા કરવાનો ઉદ્દેશ હોય. | |
આ ઉપરાંત તે અર્ધપક્વરસમાંના મેદામ્લો, મૉના- તથા ટ્રાઇ-ગ્લિસરાઇડો, કોલેસ્ટેરૉલ અને અન્ય પ્રકારનાં તૈલી દ્રવ્યોનું આંતરડાની દીવાલ દ્વારા અવશોષણ કરાવવામાં એક પ્રકારના વાહક (vehicle) તરીકેનું કાર્ય કરે છે. આ માટે તે મેદકંદુકિકાઓ (micelles) નામની સૂક્ષ્મ સંરચનાઓ બનાવે છે. તેમાં તે તૈલી દ્રવ્યના નાના બિંદુની આસપાસ એક આવરણ બનાવે છે. આ સંરચના નાની ગોળી જેવી હોવાથી તેને મેદકંદુકિકા કહે છે. તેના કેન્દ્રવિસ્તારમાં તૈલી દ્રવ્યનું બિંદુ હોય છે. પિત્તક્ષારોનો તૈલદ્રાવ્ય ભાગ અંદરની બાજુ આ તૈલબિંદુ સાથે સંકળાયેલો રહે છે, જ્યારે બહારનો જલદ્રાવ્ય ભાગ અર્ધપક્વરસના પાણીમાં ઓગળે છે. આ પ્રકારની સંરચના તૈલબિંદુઓને આંતરડાની જે શ્લેષ્મકલા તેમનું અવશોષણ કરી શકે ત્યાં સુધી લઈ જઈને તેમને મુક્ત કરે છે. 94 % પિત્તક્ષારોનું અવશોષણ થાય છે અને તે યકૃતમાં થઈને ફરી ને ફરી આંતરડામાં પિત્ત દ્વારા ઝરે છે. આ પ્રક્રિયાને આંત્રયકૃતીય પરિભ્રમણ (enterohepatic circulation) કહે છે. બાકીના પિત્તક્ષારો મળ વાટે બહાર નીકળી જાય છે. આંત્રયકૃતીય પરિભ્રમણમાં લગભગ 2.5 ગ્રામ જેટલા પિત્તક્ષારો હોય છે. જો કોઈ વ્યક્તિને પિત્તમાર્ગ સાથે જોડાયેલી સંયોગનળી(fistula)નો વિકાર થયો હોય તો આવી સંયોગનળી દ્વારા પિત્ત તથા તેમાંના પિત્તક્ષારો આંતરડાંમાં જવાને બદલે બહાર વહી જાય છે. તે સમયે યકૃત પિત્તક્ષારોનું ઉત્પાદન 6થી 10 ગણું વધારે છે.
પિત્તજ પથરી બનવાની ક્રિયા : પિત્તમાં રોજ 1થી 2 ગ્રામ જેટલું કોલેસ્ટેરૉલ વહે છે. તેનો ખાસ કોઈ ઉપયોગ હોય એવું જાણમાં નથી. મોટેભાગે તે પિત્તક્ષારોના ઉત્પાદનમાંની આડપેદાશ છે. કોલેસ્ટેરૉલ પાણીમાં દ્રાવ્ય નથી. પિત્તમાંના પિત્તક્ષારો અને લેસિથિન બંને સંયુક્ત રીતે જોડાઈને અતિસૂક્ષ્મ મેદકંદુકિકાઓ બનાવે છે, જે પિત્તમાં દ્રાવ્ય છે. પિત્તાશયમાં આ ત્રણેય દ્રવ્યોની સાંદ્રતા વધે છે, પરંતુ તે પાણીમાં ઓગળેલા રહે છે; જ્યારે પિત્તાશયમાંથી પાણી અથવા પિત્તક્ષારો અને લેસિથિનનું વધુ પડતું પુન:શોષણ થયું હોય, પિત્તમાં વધુ પ્રમાણમાં કોલેસ્ટેરૉલ ઝર્યું હોય અથવા તો પિત્તાશયની દીવાલમાં શોથજન્ય સોજો (inflammatory swelling) થયેલો હોય તો પિત્તક્ષારો, લેસિથિન અને કોલેસ્ટેરૉલનું એકબીજાને અનુરૂપ પ્રમાણ જળવાતું નથી અને તેથી કોલેસ્ટેરૉલના અવક્ષેપો (precipitates) ઠરે છે. તેની આસપાસ કોલેસ્ટેરૉલના વધુ અવક્ષેપો જામી જઈને ‘કોલેસ્ટેરૉલ-પથરી’નું નિર્માણ કરે છે. લાંબા સમય સુધી વધુ પ્રમાણમાં ચરબી કે તૈલી દ્રવ્યોવાળો ખોરાક લેનારાનું યકૃત વધુ કોલેસ્ટેરૉલ બનાવીને પથરી બનવાની ક્રિયાને વધારે છે. પિત્તાશયમાંનો ચેપ પિત્તાશયમાં પીડાકારક સોજા(શોથ)નો વિકાર સર્જે છે. તેને પિત્તાશયશોથ (cholecystitis) કહે છે. તેમાં પાણી અને પિત્તક્ષારોનું અવશોષણ વિષમ બને છે અને પથરી બનવાની શરૂઆત થાય છે. આવા સંજોગોમાં ક્યારેક વિસંયોજિત પિત્તવર્ણક(decongugated bilirubin)ના અધક્ષેપિત કણો પણ હોય છે. સંયોજિત પિત્તવર્ણક (conjugated bilirubin) પાણીમાં ઓગળે છે. (જળદ્રાવ્ય); પરંતુ જ્યારે ચેપને કારણે તેનું વિસંયોજન (deconjugation) થાય છે ત્યારે તે અદ્રાવ્ય બને છે અને તેના કણોનું અવક્ષેપન (precipitation) થાય છે. આવા અવક્ષેપિત કણો ઠરે છે અને પથરીબીજ (nidus of the stone) બનાવે છે, જેની આસપાસ કોલેસ્ટેરૉલ જામી જઈને અંતે પથરી બને છે. ઘણી વખત ઘણી નાની પથરીઓ (અશ્મરીઓ) બને છે, જેને અશ્મરી રજ (sand) કહે છે. ક્યારેક તે બધી જોડાઈને મોટી પથરી બનાવે છે. ક્યારેક તેમાં કૅલ્શિયમ પણ જમા થાય છે. સામાન્ય રીતે પિત્તાશયની પથરીમાં કૅલ્શિયમ હોતું નથી. તેથી તેનું એક્સ-રે ચિત્રણ લઈ શકાતું નથી અને તેને દર્શાવવા અલ્ટ્રાસોનોગ્રાફી(અશ્રાવ્ય ધ્વનિચિત્રણ)ની જરૂર પડે છે. કૅલ્શિયમવાળી જવલ્લે જોવા મળતી પથરીને સાદા એક્સ-રે ચિત્રણમાં પણ જોઈ શકાય છે. સાદી કોલેસ્ટેરૉલ પથરીને 1થી 2 વર્ષ સુધી સીનોડિઑક્સિકૉલિક ઍસિડને મુખમાર્ગે આપીને ઓગળી કાઢવાના પ્રયત્નો થયેલા છે.
પિત્તમાર્ગના રોગો અને વિકારો : પિત્તમાર્ગના વિકારો સારણી 3માં દર્શાવ્યા છે. સારણી 2માં પિત્તમાર્ગના વિકારોના નિદાનમાં લેવાતાં ચિત્રણો (images) અંગે માહિતી આપી છે. પિત્તમાર્ગના ચિત્રણમોમાં પેટનું સાદું એક્સ-રે ચિત્રણ, સોનોગ્રાફી, સી.એ.ટી. સ્કૅન તથા વિકિરણ ચિત્રણ (isotopescan) વગેરેનો સમાવેશ થાય છે. મોં વાટે, નસ વાટે કે નળી વાટે એક્સ-રે-રોધી (radiopagve) દ્રવ્ય આપીને પિત્તમાર્ગના ચિત્રણો લેવાય છે. તેને વિવિધ પ્રકારની પિત્તાશયચિત્રણો કે પિત્તનલિકાચિત્રણો કહે છે. પિત્તાશયચિત્રણો મુખમાર્ગી કે શિરામાર્ગી હોય છે. તેવી જ રીતે, અંત:દર્શકની મદદથી કે નલી દ્વારા શસ્ત્રક્રિયા વખતે કે તે પછી પણ ‘T’-નળી દ્વારા પિત્તનલિકાચિત્રણો મેળવી શકાય છે.
(અ) પિત્તાશય અને પિત્તનળીઓની જન્મજાત કુરચનાઓ : વસ્તીના 10 %થી 20 %ના દરે આ પ્રકારની કુરચનાઓ જોવા મળે છે. તેમાં કદ, સંખ્યા કે આકારમાંના જન્મજાત ફેરફારોને આવરી લેવાય છે. જો પિત્તાશય વિકસ્યું જ ન હોય તો તેને પિત્તાશયી અવિકસન (agenesis of gall bladder) કહે છે. ક્યારેક બે પિત્તાશય (દ્વિગુણન, duplication) હોય તો ક્યારેક નાનું કે મોટું પિત્તાશય બને. ક્યારેક તેમાં અંધનાલિ (diverticum) વિકસેલું હોય. ક્યારેક પિત્તાશયના સ્થાનમાં ફેરફાર થયેલો હોય; જેમ કે તે ડાબી બાજુ વામપક્ષી (left sided) વિકસ્યું હોય, ક્યારેક તે પાછળની બાજુ પશ્વવિસ્થાપિત (retrodisplaced) ખસેલું હોય તો ક્યારેક તે યકૃતની અંદર (અંતર્યકૃતીય; intrahepatic) વિકસેલું હોય. ક્યારેક તરતું (છૂટું) પિત્તાશય પણ જોવા મળે છે. આવા સમયે તેમાં ઉગ્ર આમળ (torsion) ઉદભવે છે અથવા તેનું છિદ્રસરણ (herniation) થાય છે. તે સમયે તે કોઈ છિદ્રમાં સરકીને આંતરડાં સારણગાંઠ (hernia) બનાવે છે તે રીતનો વિકાર સર્જે છે. તેવી જ રીતે જન્મજાત સ્વરૂપે પિત્તનળી ટૂંકી રહી ગઈ ગયેલી હોય (કુંઠિતતા), તેમાં કોષ્ઠ (cyst) વિકસી હોય અથવા પહોળી થઈ ગયેલી હોય એવો વિકાર પણ સર્જે છે.
(આ) પિત્તજ અશ્મરિતા (cholelithiasis) : પિત્તમાર્ગમાં પથરી (અશ્મરી) થાય તેને પિત્તજ અશ્મરિતા કહે છે. જ્યારે પિત્તમાંના કોલેસ્ટેરૉલ, લેસિથિન અને પિત્તક્ષારોના ગુણોત્તર-પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે કોલેસ્ટેરૉલના અધક્ષેપો (precipates) ઠરે છે અને તેની આસપાસ દ્રવ્ય જામતાં પથરી બને છે. કોલેસ્ટેરૉલના સ્ફટિકમય અધક્ષેપો પથરીનું નિકેન્દ્ર (nucleus) બનાવે છે. આ પ્રક્રિયાને નિકેન્દ્રન (nucleation) કહે છે. કોલેસ્ટેરૉલ ઉપરાંત અન્ય દ્રવ્યો પણ પથરી બનાવવામાં જોડાય તો તેને મિશ્ર પથરી કહે છે. પથરી ઉત્પન્ન થવાનાં મુખ્ય પરિબળોમાં પિત્તની અતિસાંદ્રતા (supersaturation of bile), કોલેસ્ટેરૉલ મૉનોહાઇડ્રેટના સ્ફટિકોનું નિકેન્દ્રીકરણ અને તેની આસપાસ પથરીનું જામવું તથા પિત્તાશયમાં પિત્તનો ભરાવો અને પિત્તાશયના ખાલી થવાની ક્રિયાનો વિકાર એ બાબતોને સમાવાય છે. આ ઉપરાંત અનેક અન્ય પૂર્વ પરિસ્થિતિકારી (predisposing) ઘટકો પણ તેમાં હોય છે; જેમ કે, ઉત્તર યુરોપ તથા અમેરિકા ખંડ તથા પૂર્વના દેશોમાં વારસાગત કે કૌટુંબિક ઘટકો પથરી થવાની સંભાવના વધારે છે. વધુ પડતું વજન તથા વધુ પડતો તૈલી પદાર્થોવાળો ખોરાક કોલેસ્ટેરૉલનું પ્રમાણ વધારે છે. ક્લોફાઇબ્રેટ નામની દવાની સારવાર પણ પિત્તમાં કોલેસ્ટેરૉલનું પ્રમાણ વધારે છે. મધુપ્રમેહ કે વધુ ચરબીવાળો ખોરાક પણ કોલેસ્ટેરૉલનું પ્રમાણ વધારે છે. પિત્તમાં કોલેસ્ટેરૉલ વધે ત્યારે પથરી થવાની સંભાવના વધે છે.
સારણી 3 : પિત્તમાર્ગના રોગો અને વિકારોનું વર્ગીકરણ
જૂથ | ઉદાહરણ | ||
અ. | પિત્તમાર્ગ જન્મજાત
કુરચનાઓ (congeni- tal anomalies) |
1. | પિત્તાશયનું અવિકસન |
2. | દ્વિગુણિત, અલ્પવિકસિત કે અતિવિકસિત પિત્તાશય | ||
3. | પિત્તાશયી અંધનાલિ (diverticulum) | ||
4. | ડાબી બાજુ કે યકૃતની અંદર વિકસેલું પિત્તાશય | ||
5. | તરતું પિત્તાશય કે પાછળ ખસેલું પિત્તાશય | ||
6. | પિત્તનળી-કુંઠિતતા (biliary atresia) | ||
7. | અલ્પવિકસિત (hypoplastic) પિત્તનળી | ||
8. | પિત્તનળી-કોષ્ઠન (choledochal cyst) | ||
9. | પિત્તનળી-વિસ્ફારણ (biliary ectasia) | ||
આ. | પિત્તજ અશ્મરિતા (cholelithiasis) | 1. | પિત્તાશયમાં પથરી |
2. | પિત્તનલિકાકીય પથરી | ||
ઇ. | પિત્તાશયશોથ (cholecystitis) | 1. | ઉગ્ર (actue) |
2. | દીર્ઘકાલીન (chronic) | ||
ઈ. | અતિવિકસિત પિત્તાશય – (adenomyomatosis) રુગ્ણતા (hyperplastic cholecystosis) | 1. | સગ્રંથિસ્નાયુઅર્બુદતા |
2. | પિત્તાશયી કોલેસ્ટેરૉલિતા (cholesterolosis) | ||
ઉ. | કૅન્સર | 1. | પિત્તાશય-કૅન્સર |
2. | પિત્તનલિકા-કૅન્સર (cholangiocarcinoma) | ||
3. | વૉટરના વિપુટનું કૅન્સર | ||
ઊ. | પ્રકીર્ણ | 1. | પિત્તનળીઓને ઈજા |
2. | પિત્તનળીમાં સંકીર્ણન (stricture) | ||
3. | પિત્તમાર્ગી રુધિરસ્રાવ (haemobilia) | ||
4. | પિત્તનળી પર બહારથી દબાણ | ||
5. | યકૃતપિત્તમાર્ગી પરોપજીવિતા (hepatobiliary parasitism) | ||
6. | તંતુ કાઠિન્યકારી પિત્તનળીશોથ
(sclerosing cholengitis) |
આંતરડાંમાંનું અવશોષણ ઘટ્યું હોય ત્યારે પિત્તક્ષારોનું અવશોષણ પણ ઘટે છે. ગર્ભનિરોધક ગોળીઓને કારણે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે. આ બંને સ્થિતિમાં પિત્તમાં પિત્તક્ષારોનું પ્રમાણ ઘટે છે અને પથરી થવાની સંભાવના વધે છે. મોટી ઉંમર તથા લાંબા સમય સુધી નસ વાટે પ્રવાહી આપીને પોષણ જાળવવામાં આવતું હોય તોપણ પિત્તમાર્ગમાં પથરી થાય છે.
પિત્તમાર્ગની પથરીનો બીજો મહત્વનો પ્રકાર વર્ણકકણ અથવા રંગદ્રવ્ય(pigment)ના વધેલા ઉત્પાદનને કારણે થતી પથરીનો પણ છે. તેને વર્ણક-અશ્મરીઓ (pigment stones) કહે છે. લોહીના રક્તકોષોના સતત અને લાંબા સમય સુધી તૂટવાના વિકારોને દીર્ઘકાલી રક્તલયી પાંડુતાઓ (chronic haemolytic anaemias) કહે છે. તેમાં પિત્તવર્ણકનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી દારૂ પીવાથી મદ્યપાનજન્ય યકૃતકાઠિન્ય (alcoholic cirrhosis) નામનો વિકાર થાય છે. તેમાં તથા પિત્તમાર્ગમાં લાંબા સમય સુધી રહેતા ચેપમાં પણ વર્ણક-અશ્મરીઓ અથવા રંગીન પથરીઓ (pigment stones) થાય છે.
પિત્તમાર્ગમાંની પથરી મોટે ભાગે કોઈ તકલીફ કરતી નથી અથવા તો ક્યારેક અપચો, વાયુપ્રકોપ, જમ્યા પછી પેટ ભારે થઈ જવું, પેટના ઉપરના ભાગમાં કે જમણી બાજુ દુખાવો થવો, સખત ચૂંક ઊપડવી, ક્યારેક તાવ આવવો તથા કમળો થવો વગેરે વિવિધ તકલીફો સર્જે છે. મોટેભાગે પિત્તમાર્ગમાં ચેપ કે અવરોધ પેદા થાય ત્યારે તકલીફો થાય છે. પિત્તમાર્ગી ચૂંક(biliary colic)ની તીવ્રતા 1થી 4 કલાક રહે છે. તેમાં સાથે ઊબકા તથા ઊલટી પણ થાય છે. તે સમયે લોહીમાં પિત્તવર્ણક(bilirubin)નું પ્રમાણ વધે છે, જેને કમળો કહે છે. વધુ તૈલી ખોરાક, લાંબા ઉપવાસ કે ભૂખમરા પછી લેવાયેલો ખોરાક કે સાદો સામાન્ય ખોરાક પણ આવી ચૂંક સર્જે છે. સાદા એક્સ-રે-ચિત્રણમાં માંડ 10 %થી 15 % જેટલી કોલેસ્ટેરૉલ કે મિશ્ર પથરીઓ અને 50 % જેટલી રંગીન પથરીઓ છાપ આપે છે. તેથી નિદાનનો મુખ્ય આધાર અલ્ટ્રાસોનોગ્રાફી (અશ્રાવ્ય ધ્વનિચિત્રણ) પર રહે છે. આ ઉપરાંત વિવિધ રીતે પિત્તાશય-ચિત્રણ કે પિત્તનલિકા-ચિત્રણ (cholangiography) કરીને પિત્તાશય તથા પિત્તની નળીઓનાં ચિત્રણો (images) મેળવી શકાય છે. સમસ્થાની વિકિરણ-ચિત્રણ વડે પણ નિદાન કરી શકાય છે.
પિત્તમાર્ગની પથરીની સારવાર મુખ્યત્વે શસ્ત્રક્રિયા વડે થાય છે. તેમાં પિત્તાશયને કાઢી નંખાય છે. તેને પિત્તાશય-ઉચ્છેદન (cholecystectomy) કહે છે. તે સાદી ઉદરછેદન(laparotomy)ની પદ્ધતિથી પેટ પર ચીરો મૂકીને કે આધુનિક ઉદરનિરીક્ષીય (laparoscopic) પદ્ધતિએ કરાય છે. ઉદરાંત:દર્શક (laparoscope) નામના સાધન વડે પેટની દીવાલમાં છિદ્રો પાડીને કરાતી શસ્ત્રક્રિયાને ઉદરનિરીક્ષાલક્ષી પિત્તાશય-ઉચ્છેદન કહે છે. દવાની મદદથી પિત્તમાર્ગની પથરીને ઓગાળવાના પ્રયોગો પણ થયેલા છે. આને અશ્મરીદ્રાવક (litholytic) ઔષધ કહે છે. તે માટે સામાન્ય રીતે દર્દીને સીનોડિઑક્સિકૉલિક ઍસિડની હળવી કે ભારે માત્રા (dose) 24 મહિના માટે અપાય છે. ભારે માત્રા પછી 13.5 % દર્દીઓમાં તે સંપૂર્ણપણે ઓગળી હોય એવા દાખલા નોંધાયા છે. આ ઉપરાંત 27.3 %માં અપૂર્ણપણે ઓગળેલી પથરી અને 40.8 %માં થોડી પૂર્ણપણે અને થોડી અપૂર્ણપણે ઓગળેલી પથરીઓ હોય એવું પણ નોંધાયેલું છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં પાતળું શરીર કે નાની પથરી હોય તો સારું પરિણામ આવે છે. આડઅસર રૂપે થોડા પ્રમાણમાં ઝાડા, ક્યારેક યકૃતમાં વિકાર કે અલ્પઘનતાવાળા મેદપ્રોટીન(low density lipoprotein, LDL)નું વધેલું પ્રમાણ જોવા મળે છે. દવા બંધ કર્યા પછી ફરીથી પથરી થવાની સંભાવના રહે છે.
શરીરની બહારથી તરંગો વડે પથરી ભાંગવાની ક્રિયાને અશ્મરીભંજન (lithotripsy) કહે છે. તેનું પૂરેપૂરું શાસ્ત્રીય નામ છે વીજજલીય બહિર્દેહી આઘાતતરંગી અશ્મરીભંજન (electrohydraulic extracorporeal shock wave lithotripsy). તેને પથરીને ઓગાળતી અશ્મરીદ્રાવક (litholytic) દવા સાથે સહચિકિત્સા રૂપે આપવાથી વધુ ફાયદો થાય છે. તે એક્સ-રે ચિત્રણોમાં ન જોવા મળતી પથરીની સારવારમાં સુરક્ષિત અને અસરકારક મનાય છે. જોકે પથરીના ઝીણા કણો થઈ જાય છે જે સહેલાઈથી બહાર આવતા નથી અને પિત્તાશયની દીવાલમાં જામી જઈને નુકસાન કરે છે. જોકે હાલ અશ્મરીભંજન વડે કરાતી સારવાર અંગે સંપૂર્ણ સહમતી ઉદભવેલી નથી.
(ઇ) પિત્તાશયશોથ (cholecystitis) : પિત્તાશયની દીવાલમાં પીડાકારક સોજો આવે તો તેને પિત્તાશયશોથ કહે છે. તે બે પ્રકારનો છે : (1) ઉગ્ર અને (2) દીર્ઘકાલીન. ઉગ્ર પિત્તાશયશોથના બે પ્રકાર છે : પથરી સાથેના પિત્તાશયશોથને સાશ્મરી પિત્તાશયશોથ (calcutus cholecystitis) અને પથરી વગરનો અનશ્મરી પિત્તાશયશોથ (acalculus cholecystitis). ઉગ્ર પિત્તાશયશોથનું મુખ્ય કારણ પિત્તાશયનળીનો પથરી દ્વારા થતો અવરોધ છે. તેમાં ત્રણ ઘટકો કાર્ય કરે છે : ભૌતિક (યાંત્રિક) અવરોધ, રસાયણજન્ય શોથ અને જીવાણુજન્ય શોથ. પેશીનો પીડાકારક સોજો શોથ (inflammation) કહેવાય છે. અવરોધને કારણે ભરાયેલા પિત્તમાંના લેસિથિન પર ફૉસ્ફોમેદોત્સેચક (phospholipase) નામના ઉત્સેચકની અસર થવાને કારણે લયનકારી લેસિથિન (lysolecithin) નામનું દ્રવ્ય બને છે. આ રસાયણ પિત્તાશયની દીવાલ પર ઈજા પહોંચાડીને રસાયણજન્ય પીડાકારક સોજા(રસાયણજન્ય શોથ)નો વિકાર સર્જે છે. 50 %થી 85 % દર્દીઓમાં જીવાણુઓ વડે ચેપ લાગે છે. સામાન્ય રીતે ઈ.કોલી, ક્લેબ્સિએલા જૂથ, ડી જૂથના સ્ટ્રેપ્ટોકૉકાઇ, સ્ટૅફાયલોકૉકસ જૂથ તથા ક્લૉસ્ટ્રિડિયમ જૂથના જીવાણુઓનો ચેપ હોય છે. ત્યારે જીવાણુચેપજન્ય શોથનો વિકાર પણ થાય છે.
દર્દીને પેટમાં ચૂંક આવે છે. 60 %થી 70 % દર્દીઓમાં અગાઉ પણ તે ફરીફરીને થયા પછી આપોઆપ શમેલી હોય છે. જો તકલીફ વધે તો પેટના ઉપલા અને જમણા ભાગમાં સતત દુખાવો રહે છે. દુખાવો જમણા ખભા તથા પીઠના ઉપલા ભાગમાં પણ ફેલાય છે. દર્દીની ભૂખ મરી જાય છે અને તેને ઊબકા તથા ઊલટી થાય છે. દર્દીને કમળો થઈ આવે છે. ક્યારેક મંદ ધ્રુજારી (chills) કે અતિશય તીવ્ર ધ્રુજારી (rigors) સાથે તાવ આવે છે. પેટના જમણા ઉપલા ચતુર્થાંશને દબાવવાથી તે દુ:ખે છે. 25 %થી 30 % દર્દીમાં પીડાકારક ફૂલેલા પિત્તાશયને સ્પર્શી શકાય છે. તે સમયે દર્દી ઊંડો શ્વાસ લે તો દુખાવો વધે છે અને શ્વાસ લેવાનું અટકી જાય છે. તેને મર્ફિનું ચિહન Murphy’s sign કહે છે. તેવી જ રીતે પીઠમાં 9મી અને 10મી પાંસળીની વચ્ચે અડવાથી અતિસ્પર્શતા (hyperaesthena) થાય છે. તે ભાગ જાણે ‘આખો’ થઈ ગયેલો હોય છે. તેને બોસનું ચિહન કહે છે. લોહીમાં શ્વેતકોષોની સંખ્યા વધે છે. તેવી જ રીતે પિત્તવર્ણક(bilirubin)નું પ્રમાણ વધે છે. 90 %થી 95 % કિસ્સામાં પથરી છે એવું નિદાન સોનોગ્રાફીની મદદથી કરી શકાય છે. 75 % કિસ્સામાં 2થી 7 દિવસમાં દવા વડે સારું થાય છે. 25 % કિસ્સામાં કો’ક આનુષંગિક તકલીફ (complication) થાય છે. 25 % દર્દીને 1 વર્ષમાં તેમજ 60 % દર્દીઓને 6 વર્ષમાં ફરીથી તેનો ઊથલો મારે છે. તેથી વહેલામાં વહેલી શસ્ત્રક્રિયા કરીને પિત્તાશયને કાઢી નાંખવામાં આવે છે.
5 %થી 10 % કિસ્સામાં પિત્તાશયશોથનું કારણ પથરી હોતી નથી. આવા વિકારનું કારણ નિશ્ચિત નથી, પરંતુ તે તીવ્ર ઈજા, તીવ્ર દાહ, દીર્ઘકાલી પ્રસૂતિ તથા લાંબી ચાલેલી હાડકાં પરની કે અન્ય શસ્ત્રક્રિયા પછી ક્યારેક જોવા મળે છે. આ ઉપરાંત વાહિનીશોથ (vasculitis), પિત્તાશય કૅન્સર, મધુપ્રમેહ, પિત્તાશય-આમળ, પરોપજીવી ચેપ કે ‘અસામાન્ય’ જીવાણુનો ચેપ લાગે તોપણ ઉગ્ર પિત્તાશયશોથ થાય છે. સાર્કોઇડતા, ક્ષય, હૃદય અને રુધિરવાહિનીઓના રોગો, ઉપદંશ (syphilis), ઍક્ટિનોમાયકોસિસ જેવા અન્ય અનેક રોગોમાં પણ તે જોવા મળે છે. આવી જ રીતે લાંબા સમય સુધી નસ વાટે પોષણ આપવાની ક્રિયા પરાંત્રીય પોષણપ્રાપ્તન (parenteral alimentation) – પછી પણ ઉગ્ર પિત્તાશયશોથ થાય છે. પથરી વગરના પિત્તાશયશોથને અનશ્મરી પિત્તાશયશોથ (acalculus cholecystitis) કહે છે અને તેમાં આનુષંગિક તકલીફો વધુ રહે છે.
સવાત પિત્તાશયશોથ (emphysematous cholecytitis) નામના વિકારમાં વાતજનક જીવાણુઓ (gas forming bacteria) દ્વારા થતા ચેપને કારણે પિત્તાશયની દીવાલમાં અરુધિરવાહિતા (ischaemia), પેશીનાશ (gangrene) અને વાયુસર્જન (gas-formation) થાય છે. લોહીની નસોમાં લોહી વહેતું અટકે તેને અરુધિરવાહિતા કહે છે અને તેને કારણે અવયવની પેશીનો નાશ થાય તેને પેશીનાશ કહે છે. ક્લૉસ્ટ્રિડિયમ વેલ્શાઈ કે પર્ફિન્જિન્સ કે ઈ. કોલી જેવા અજારક તેમજ જારક જીવાણુઓ વડે આ પ્રકારનો ચેપ લાગે છે. તે પથરી સાથેના સાશ્મરી પિત્તાશયશોથ (calculus cholecystitis) તેમજ પથરી વગરના અનશ્મરી પિત્તાશયશોથ – એમ બંને પ્રકારના વિકારમાં જોવા મળે છે. તે મોટી ઉંમરના કે મધુપ્રમેહના દર્દીમાં વધુ જોવા મળે છે. એક્સ-રે ચિત્રણમાં પિત્તાશયમાં વાયુ છે એવું દર્શાવવાથી નિદાન થાય છે. આ તીવ્ર પ્રકારનો વિકાર હોવાથી તરત શસ્ત્રક્રિયાનું સૂચન કરાય છે.
દીર્ઘકાલી પિત્તાશયશોથનું કારણ હંમેશાં પથરી હોય છે. પથરીને કારણે વારંવાર ઉગ્ર તેમજ ઉપોગ્ર (subacute) હુમલાઓ થતા રહે છે. : તેને કારણે ઉદભવતી તંતુતા (fibrosis) પિત્તાશયને નાનું કરી દે છે. યોગ્ય સમયે પૂર્વયોજના સાથેની શસ્ત્રક્રિયા કરવાથી તે મટે છે. તેમાં પિત્તાશયને કાઢી નાંખવામાં આવે છે. દીર્ઘકાલી પિત્તાશયશોથ લાંબા સમય સુધી ઉપદ્રવ કર્યા વગર રહે છે અને ક્યારેક તેની આનુષંગિક તકલીફોને કારણે જ તેના તરફ ધ્યાન દોરાય છે. પિત્તાશયશોથની આનુષંગિક તકલીફોને સારણી 4માં દર્શાવી છે.
પિત્તાશયશોથની સારવાર દવાઓ વડે તેમજ શસ્ત્રક્રિયા વડે કરાય છે. મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા દ્વારા પિત્તાશયને કાઢી નાંખવાની છે. તેને પિત્તાશય-ઉચ્છેદન (cholecystectomy) કહે છે. શસ્ત્રક્રિયા કરતાં પહેલાં દર્દીની તબિયતને સ્થિર કરાય છે. દુખાવો રોકવા પૅથિડ્રીન કે પેન્ટાઝોસિનનો ઉપયોગ કરાય છે. નસ વાટે પ્રવાહી તથા ઍન્ટિબાયૉટિક અપાય છે. સપૂયતા (empyema), સવાતતા (emphysena) કે છિદ્રણ (perforation) હોય તો તત્કાલ શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. અન્ય ઉગ્રશોથના કિસ્સામાં પણ 24થી 72 કલાકમાં કાણું પડવાનો ભય હોવાથી વહેલી શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. દર્દીના અન્ય અવયવોની સ્થિતિ બરાબર ન હોય કે તેનું નિદાન શંકાસ્પદ હોય તો શસ્ત્રક્રિયા મોડેથી કરાય છે. તત્કાલ શસ્ત્રક્રિયામાં 3 % દર્દીઓ મૃત્યુ પામે છે, પરંતુ દીર્ઘકાલીન શોથમાં કરાતી યોજનાબદ્ધ શસ્ત્રક્રિયાનો મૃત્યુદર હાલ 0.5થી વધુ નથી. ખૂબ બીમાર વ્યક્તિમાં પિત્તાશયમાં કાણું પાડીને ચેપગ્રસ્ત પિત્ત દૂર કરાય છે અને તબિયત સુધર્યા પછી શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા પછી પણ કેટલાક આનુષંગિક વિકારો થાય છે; જેમ કે પિત્તાશયનલિકાનું બંધાંધનલિકા સંલક્ષણ (stump syndrome), પક્વાશયી પ્રાંકુરની અપક્રિયાશીલતા (duodenal papillary dysfunction), પિત્તનલિકાઓનું દુશ્યલન (dyskinesia), જઠરશોથ તથા પાતળા ઝાડા થવા.
સારણી 4 : પિત્તાશયશોથની કેટલીક આનુષંગિક તકલીફો
આનુષંગિક વિકાર (complication) | નોંધ | |
1. | પિત્તાશયી સપૂયતા (empyema of gall bladder) | પરુ-રૂપ બનેલા પિત્તવાળું પિત્તાશય. તેમાં શરીરમાં વ્યાપક ચેપ ફેલાવાનો ભય રહેલો છે. |
2. | પિત્તાશયી સજલતા (hydrops gall
bladder) અથવા શ્લેષ્મકોષ્ઠી પિત્તાશય (mucocoele of gall bladder) |
પથરીના અવરોધને કારણે જીવાણુ વગરના અર્ધશોષિત પિત્તવાળું પિત્તાશય. ક્યારેક તેમાં ચેપ ફેલાય છે. |
3. | પિત્તાશયી પેશીનાશ અને છિદ્રણ (perforation) | પિત્તાશયની દીવાલની પેશીનું મરવું અને તેને કારણે તેમાં કાણું પડવું. તે સમયે ચેપવાળું પિત્ત પેટની ગુહામાં ચેપ ફેલાવે
છે. તેને પિત્તજન્ય પરિતનકલાશોથ (biliary peritonitis) કહે છે. |
4. | પિત્તાશયી સંયોગનળી (biliary fistula) | આસપાસના અવયવ કે પેટની દીવાલ સાથેના પિત્તાશયમાં જ્યારે કાણું પડે છે ત્યારે તેમાંનું પ્રવાહી એક માર્ગ દ્વારા અન્ય અવયવમાં કે બહાર જાય છે. તેવા માર્ગને સંયોગનળી કહે છે. શસ્ત્રક્રિયા વડે તેની સારવાર કરાય છે. |
5. | પિત્તજ પથરીજન્ય અગતિશીલ આંત્રરોધ (gallstone ileus) | પિત્તજ પથરી આંતરડાંમાં પ્રવેશીને ત્યાં અવરોધ કરે છે. |
6. | કૅલ્શિકૃત પિત્ત અને ચીની મૃત્તિકા જેવું પિત્તાશય | અવરોધાયેલા પિત્તમાં કૅલ્શિયમ જમા થાય તો તે દૂધ જેવું સફેદ પિત્ત કરે છે. ક્યારેક કૅલ્શિયમ પિત્તાશયની દીવાલમાં જમા થાય છે ત્યારે તેને ચીની મૃત્તિકા(porcelain)-જન્ય પિત્તાશયનો વિકાર કહે છે. |
(ઈ) અતિવિકસિત પિત્તાશયવિકાર (hyperplastic cholecystosis) : આ વિકારોમાં પિત્તાશયની દીવાલ જાડી અથવા અતિવિકસિત થાય છે. તેના 2 મુખ્ય પ્રકારો છે : સગ્રંથિસ્નાયુ અર્બુદતાના વિકારમાં પિત્તાશયનું અધિચ્છદ જાડું થાય છે, તેમાં ગ્રંથિઓ જેવી નાની નાની ગંડિકાઓ થાય છે અને ક્યારેક દીવાલમાં ઊંડી ઊતરતી વિવરિકાઓ (sinuses) પણ થાય છે. પિત્તાશયી કોલેસ્ટેરૉલિતાના વિકારમાં પિત્તાશયની દીવાલમાં કોલેસ્ટેરૉલના એસ્ટર જમા થાય છે. જો દર્દીને તકલીફ થતી હોય કે પથરી થયેલી હોય તો સારવાર રૂપે શસ્ત્રક્રિયા કરાય છે.
(ઉ) પિત્તમાર્ગનાં કૅન્સર : તેના 3 પ્રકાર છે : પિત્તાશય-કૅન્સર, પિત્તનલિકા-કૅન્સર (cholangiocarcinoma) અને વિપુટનું કૅન્સર. પિત્તાશયનું કૅન્સર સ્ત્રીઓમાં લગભગ 4 ગણાના દરે વધુ થાય છે. લગભગ 75 % દર્દીઓમાં નિદાનસમયે વધેલું કૅન્સર હોવાથી તેની શસ્ત્રક્રિયા શક્ય રહેતી નથી. આવા 95 % દર્દીઓ પહેલા વર્ષમાં જ મૃત્યુ પામે છે. સારવાર રૂપે શસ્ત્રક્રિયા, દવાઓ તથા વિકિરણની સારવાર અપાય છે. પિત્તનલિકા -કૅન્સર કે વિપુટનું કૅન્સર પુરુષોમાં વધુ થાય છે અને તે મોટી ઉંમરે જોવા મળે છે. દર્દીને અવરોધજન્ય કમળો થયેલો હોય છે. શક્ય હોય તો પહોળા થયેલા પિત્તાશયને આંતરડા સાથે સાંધીને પિત્ત માટેનો માર્ગ કરી અપાય છે. જો વિપુટનું કૅન્સર નાનું હોય તો શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. તે માટે કરાતી શસ્ત્રક્રિયાને સ્વાદુપિંડ-પક્વાશયોચ્છેદન (pancreatoduodenectomy) અથવા વ્હીપલની શસ્ત્રક્રિયા કહે છે. 5 %થી 10 % કિસ્સામાં તે શક્ય બને છે. આવા સંજોગોમાં 40 % દર્દી 5 વર્ષ કે વધુ જીવે છે.
(ઊ) પ્રકીર્ણ વિકારો : વિવિધ પ્રકીર્ણ વિકારોનું પ્રમાણ ઘણું ઓછું છે. પિત્તમાર્ગ માટેની નિદાનપદ્ધતિઓ વડે તેમનું નિદાન થઈ શકે છે. ઈજા, સંકીર્ણન (stricture) કે પિત્તમાર્ગી રુધિરસ્રાવ(haemobilia)માં જરૂર પડ્યે શસ્ત્રક્રિયા કરાય છે. પિત્તની નળીઓ પર બહારથી થતું દબાણ મોટેભાગે કૅન્સર કે ક્યારેક ક્ષયને કારણે મોટી થયેલી લસિકાગ્રંથિ (lymphnode) હોય છે. ક્યારેક દીર્ઘકાલી સ્વાદુપિંડશોથ(chronic pancreatitis)માં પણ તે જોવા મળે છે. પિત્તમાર્ગમાં થતા પરોપજીવોમાં પર્ણકૃમિઓ (flunkes) મુખ્ય છે; દા. ત., ક્લોનોર્કિસ સિનેન્સિસ, ઑપિસ્થોર્કિસ વાયવેરિની કે ફેલિનિયસ તથા ફેસિઓલા હિપેટિકા. ક્યારેક આંતરડાંમાંનું રજ્જુકૃમિ પિત્તની નળીઓમાં પ્રવેશીને અવરોધ કરે છે. ક્યારેક યકૃતમાંનું હાયડેટિડ કોષ્ઠ (hydatid cyst) પિત્તમાર્ગમાં ફૂટે છે. તંતુકાઠિન્યકારી પિત્તનલિકાશોથ(sclerosing cholengitis)ના રોગમાં અવરોધજન્ય કમળો થાય છે. જો તે કોઈ અન્ય રોગ સાથે સંબંધિત ન હોય તો હાલ તેની સારવારમાં યકૃતપ્રત્યારોપણ(hepatic transplantation)નો ઉપયોગ કરવામાં આવે છે.
શિલીન નં. શુક્લ
સોમાલાલ ત્રિવેદી