પિએત્રો, દેલ્લા વાલૅ (જ. 11 એપ્રિલ, 1586, રોમ; અ. 21 એપ્રિલ, 1652, રોમ) : ભારતમાં આવેલ ઇટાલિયન મુસાફર. ઈ. સ. 1586માં ઇટાલીના પાટનગર રોમના એક વિખ્યાત પરિવારમાં તે જન્મ્યો હતો. સારું શિક્ષણ મેળવી તેણે સમગ્ર ઇટાલીમાં ભ્રમણ કર્યું. થોડો સમય લશ્કરી સેવામાં જોડાયો. દરમિયાન પ્રેમભગ્ન થતાં તેનું મન જીવનમાંથી ઊઠી જવાથી તેના મિત્રોની સલાહથી તે પૂર્વના દેશોના પ્રવાસે નીકળી પડ્યો. ઈ. સ. 1614માં તે વેનિસથી નીકળ્યો અને ઇજિપ્ત, એશિયા-માઇનર તથા પૅલેસ્ટાઇનનો પ્રવાસ ખેડી દમાસ્કસ, એલેપ્પો અને બગદાદ ગયો. બગદાદમાં સિત્તી મઆની નામની એસિરિયન ખ્રિસ્તી કન્યા સાથે તે પરણ્યો (ઈ. સ. 1616). પત્નીને તેણે પ્રવાસમાં સાથે લીધી અને બંને પર્શિયા ગયાં અને ત્યાંના શાહ અબ્બાસની મુલાકાત લીધી. તુર્કો સાથે શાહ અબ્બાસનો એ વખતે જંગ ચાલતો હતો, ત્યારે યુદ્ધના મેદાન પર પણ તેઓ સાથે રહ્યાં. ઈ. સ. 1621માં પર્સેપોલિસ અને શીરાઝ નગરના અવશેષો નીરખ્યા. ત્યાંથી તેઓ ઈરાની અખાત તરફ ફંટાયાં. માર્ગમાં હોરમઝના અખાતમાં તેની 24 વર્ષની ઉેંમરની પત્ની સિત્તી તાવમાં મૃત્યુ પામી (1622). એના દેહમાં મસાલા ભરાવી તેને એક શબપેટીમાં મૂકી પછીના પ્રવાસમાં એ પેટી સાથે તે બધે ફર્યો. ઈ.સ. 1623માં તે અબ્બાસ બંદરે પહોંચ્યો અને ત્યાંથી હિંદુસ્તાનના પ્રવાસે આવવા પ્રસ્થાન કર્યું. તે વખતે તેની સાથે જ્યૉર્જિયન કન્યા મારિયા ટિનાટિન દિ ઝીબા જોડાઈ, જેણે એની મૃત પત્નીની શબપેટીની વ્યવસ્થા ઉપાડી લીધી.
દેલ્લા વાલૅ 10 ફેબ્રુઆરી, 1623ના રોજ સૂરત બંદરે ઊતર્યો. તે વખતે ત્યાં જહાંગીરનું શાસન પ્રવર્તતું હતું. તે તેના પુત્ર શાહજહાંના બળવાને દબાવવામાં રોકાયેલો હતો. સૂરતથી તે ભરૂચ-ખંભાત થઈને અમદાવાદ ગયો અને દરેક સ્થળે તે થોડું રોકાયો. સૂરત પાછા આવીને તે વહાણ મારફતે દમણ, વસઈ અને ચેઉલ થઈને ગોવા પહોંચ્યો. ગોવાથી તે ઇક્કેરી, મૅગ્લોર થઈ કાલિકટ પહોંચ્યો અને ત્યાંથી ગોવા પાછો ફરી ઈ. સ. 1624માં મસ્કત પહોંચ્યો. ત્યાંથી બસરા, એલેપ્પો અને નેપલ્સ થઈ છેવટે 28 માર્ચ, 1626ના રોજ પોતાના વતન રોમ પહોંચ્યો. ત્યાં એણે પોતાની સાથે ફેરવેલ પત્ની સિત્તીના શબનું ઍરા કોઅલીના દેવળમાં પોતાનાં સ્વજનોની કબરો પાસે દફન કર્યું. પોપ અર્બન આઠમાએ અને તેના મિત્રોએ દેલ્લા વાલૅનો ભારે સત્કાર કર્યો. એ પોતાની સાથીદાર મારિયા ટિનાટિન સાથે પરણ્યો. રોમમાં રહી એણે નિવૃત્ત જીવન ગાળવા માંડ્યું અને મિત્રોને પોતાની સફરની વાતો તેમજ આણેલી ચીજવસ્તુઓના સંગ્રહથી આનંદ અને વિસ્મય પમાડતો રહ્યો. ઈ. સ. 1652માં એનું અવસાન થતાં એને ઍરા કોએલીના દેવળમાં દફનાવવામાં આવ્યો.
દેલ્લા વાલૅની તુર્કસ્તાન, ઈરાન અને હિંદુસ્તાનના પશ્ચિમ કાંઠાને લગતી પ્રવાસનોંધ એના નેપલ્સના નિવાસી મિત્ર સિનોર મારિયો શિયાનોને સંબોધીને ઇટાલિયન ભાષામાં લખાયેલા પત્રોમાં સચવાયેલી છે. એ નોંધો પરથી જણાય છે કે દેલ્લા વાલૅ પોતે તુર્કી, પર્શિયન અને અરબી ભાષાનું પણ સારું જ્ઞાન ધરાવતો હતો. તેણે ભારતનું વર્ણન કરતા આઠ પત્રો લખ્યા છે. જોકે એમાં કેવળ પશ્ચિમ ભારતમાં કરેલા પ્રવાસનું વર્ણન નિરૂપાયું છે, પરંતુ એમાં થયેલું નિરૂપણ સૂક્ષ્મ, ચોક્કસ અને માર્મિક હોઈ સત્તરમી સદીના પ્રારંભનાં ગુજરાતનાં નગરો અને પશ્ચિમ કાંઠાની પૉર્ટુગીઝ વસાહતોની સ્થિતિ જાણવા માટે તે અત્યંત પ્રમાણભૂત મનાય છે.
પ્રવીણચંદ્ર પરીખ