પિક દુ મિદિ ઑબ્ઝર્વેટરી ફ્રાન્સ

January, 1999

પિક દુ મિદિ ઑબ્ઝર્વેટરી, ફ્રાન્સ : ફ્રાન્સ-સ્પેનને અલગ કરતી પિરેનીઝ પર્વતમાળાના ઓતરાદે છેડે, સમુદ્રની સપાટીથી આશરે 2,877 મી.ની ઊંચાઈએ આવેલી ફ્રાન્સની એક વેધશાળા. પ્રારંભમાં વેધશાળાઓ પૃથ્વીની સપાટી ઉપર સ્થાપવામાં આવતી હતી. ત્યારબાદ કેટલીક અનુકૂળતાઓ ખાતર ઊંચા ઊંચા પર્વતો ઉપર તે સ્થાપવાનું શરૂ થયું. વિશ્વમાં ઘણી વેધશાળાઓ ઊંચા પર્વતો ઉપર આવેલી છે, જેમાંની એક આ વેધશાળા પણ છે. સન 1878માં એની સ્થાપના મોસમવિજ્ઞાન સંબંધી અવલોકનો કરવા માટે કરવામાં આવી હતી. એના નિર્માણમાં ચાર્લ્સ, મારી, એતીઆન શામ્પિયોં દ નાંસુતી (Charles, Marie, Etienne Champion de Nansouty) અને સેલેસ્તીન, ઝાવિયર, વૌસ્સિના-(Ce’lestin, Xavier, Vaussenat)નો ફાળો મહત્વનો હતો.

સન 1903માં આ વેધશાળાનું જોડાણ ટુલોઝ યુનિવર્સિટી ઑબ્ઝર્વેટરી સાથે કરવામાં આવ્યું. એની સાથે જ અહીં બે દૂરબીન પણ ગોઠવવામાં આવ્યાં : 50 સેમી.નું એક પરાવર્તક (reflector) અને બીજું 23 સેમી.નું વર્તક (refractor). એ પછી 1943માં 60 સેમી.નું એક વર્તક પ્રકારનું ટેલિસ્કોપ અહીં ગોઠવવામાં આવ્યું. 1964માં અમેરિકાની ‘નાસા’(NASA) સંસ્થાના ટેકાથી 1.06 મી. (42 ઇંચ) વ્યાસનું એક ટેલિસ્કોપ, ખાસ કરીને ગ્રહો તથા ચંદ્રના અભ્યાસ માટે જ મૂકવામાં આવ્યું. આ વેધશાળાનું મુખ્ય ટેલિસ્કોપ 2 મી. વ્યાસનું પરાવર્તક છે, જે 1980થી કાર્યરત છે. આ ઉપરાંત આ વેધશાળા સૂર્યના અભ્યાસ માટેનાં ખાસ ઉપકરણો પણ ધરાવે છે.

આમ તો એના સ્થાપનાકાળથી આ વેધશાળાની કામગીરી વિવિધ રહી છે; પરંતુ સૂર્ય અને સૌર પરિવારના ગ્રહો તથા અન્ય પિંડોના ફોટાઓ અને એમનાં ચિત્રો તૈયાર કરવાની એની કામગીરી ખાસ કરીને અંતરિક્ષયુગના આરંભ પહેલાંના કાળમાં ઘણી જ પ્રશંસનીય રહી છે.

પિક દુ મિદિ ઑબ્ઝર્વેટરી, ફ્રાન્સ

ગ્રહોના ફોટાઓ ઝડપવામાં 1943થી કાર્યરત 60 સેમી.ના એના વર્તક ટેલિસ્કોપનો ફાળો ઘણો મોટો રહ્યો છે. સૂર્યના કિરીટાવરણ(corona)ના નિરીક્ષણ માટે પ્રયોજાતા ‘કોરોનાગ્રાફ’ નામના ઉપકરણની શોધ કરનાર બર્નાર્ડ લિયો (1897-1952) નામનો ફ્રાન્સનો ખગોળશાસ્ત્રી આમ તો પૅરિસ નજદીક આવેલી મુદોન વેધશાળા સાથે સંકળાયેલો હતો; પરંતુ આ ઉપકરણ સંબંધિત મહત્વનો પ્રયોગ 1930માં પહેલવહેલો એણે આ વેધશાળામાંથી જ કરેલો.

સુશ્રુત પટેલ