પિંડારક : ગુજરાતનું પ્રાચીન તીર્થધામ અને લઘુ બંદર. તે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કચ્છના અખાતના દક્ષિણ કાંઠે આજના દ્વારકા નગરથી 28 કિમી. દૂર આવેલ છે. કચ્છના અખાતના પ્રવેશદ્વાર નજીક આવેલા શંખોદ્ધર બેટની બરોબર સામે આવેલ આ તીર્થધામ તાલુકામથક કલ્યાણપુરથી 26 કિમી. દૂર 22o 15′ ઉ. અ. અને 69o 15′ પૂ. રે. ઉપર આવ્યું છે.

અહીં પિંડારક કુંડ આવેલો છે. તેથી આ સ્થળનું નામ પિંડારક કે પિંડારા પડેલ છે. તેનું બીજું નામ દેવપુરી છે અને તે દ્વારકા કરતાં પણ વધારે પ્રાચીન હોવાનો કેટલાકનો દાવો છે. મહાભારતનાં આરણ્યક અને અનુશાસન પર્વ, વિષ્ણુપુરાણ, ભાગવતપુરાણ અને હરિવંશના પ્રક્ષિપ્ત ભાગમાં પણ તેનો નિર્દેશ છે.

મહાભારતના આરણ્યક પર્વમાં ધૌમ્ય ઋષિ ભારતનાં તીર્થોનો ઉલ્લેખ કરતાં પિંડારકનું સ્થાન પ્રભાસ અને ઉજ્જયંત પર્વત વચ્ચે હોવાનું જણાવે છે. ત્યાંથી પદ્મોના લક્ષણવાળી મુદ્રાઓ મળતી હતી. પ્રભાસથી ઈશાને 22 કિમી. દૂર આવેલ પ્રાચી તીર્થનો આ ઉલ્લેખ છે. ત્યાં સરસ્વતીને કૃત્રિમ રીતે વાળીને પૂર્વાભિમુખ બનાવી છે. અહીં લોકો શ્રાદ્ધ કરવા આવે છે, પણ પદ્મની મુદ્રાઓ અહીં કે પિંડારાથી મળતી નથી એટલે પ્રાચી નજીક પિંડારા હોવાનો સંભવ નથી.

બીજા મત પ્રમાણે પિંડારા દ્વારકા અને સિંધુ-સંગમના સ્થળ વચ્ચે આવેલું છે. દ્વારકા અને પિંડારા પછી સૂચિત સિંધુ-સાગર-સંગમ દ્વારા હાલની કોરી ખાડીનો ઉલ્લેખ છે. સિંધુનો એક ફાંટો 1819 સુધી કોરી ખાડીને મળતો હતો. એટલે દ્વારકા નજીક હાલનું પિંડારાનું સ્થળ એ જ પ્રાચીન પિંડારક છે.

અહીં દ્વારકાથી યાદવકુમારો જળક્રીડા માટે આવતા હતા એવો હરિવંશનો ઉલ્લેખ છે. તીર્થાટન કરતાં પાંડવોએ પિંડતારક કુંડના સ્થળે મહાભારતના યુદ્ધમાં સગાંઓને મારી નાખવાના પાપમાંથી મુક્ત થવા પ્રાયશ્ચિત્ત માટે શ્રાદ્ધ કર્યું હતું. દુર્વાસા મુનિની સૂચનાનુસાર ચોખાના પિંડને બદલે લોંખડના પિંડોનું દાન કરાયું હતું. લોખંડ પાણી કરતાં ભારે હોવા છતાં આ પિંડો તરતા હતા એવી લોકવાયકા છે.

જૂનું શહેર હાલના પિંડારાથી 3 કિમી. ઉત્તરે આવેલું હતું; પણ સમુદ્રના આક્રમણને કારણે તેનો ત્યાગ કરીને લોકો આશરે બસો વર્ષ પૂર્વે હાલના આ પિંડારાના સ્થળે વસ્યા છે. નાની ભરતી વખતે જૂના ગામના અવશેષો જોવા મળે છે. અહીંથી પ્રાગૈતિહાસિક કાળનાં પ્રાણીઓને ચીરવા વપરાતી પતરીઓ (flake-tool) મળે છે.

પિંડારા લઘુ બંદર છે. તેની નજીક આવેલા બેટો દ્વારા તેનું  બારું રક્ષાયેલું છે. નજીકના બેટમાંથી બૉક્સાઇટ મળે છે, જેની મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ થાય છે.

અહીં કપાલમોચન મહાદેવ અને મોટેશ્વર મહાદેવનાં બે મંદિરો છે.

શિવપ્રસાદ રાજગોર