પિંજરિયો : વહાણ ઉપર ઊંચી જગ્યાએ બેસી સમુદ્ર, હવામાન વગેરેનું નિરીક્ષણ કરતો વહાણનો કર્મચારી. તે વહાણના કૂવાથંભ ઉપર ઊંચે પિંજરા જેવી બેઠક ઉપર બેઠો હોય છે. તેથી તે પિંજરિયો કહેવાય છે. અહીં ડોલ ઉપર બેસીને સમુદ્રમાં ફરતાં વહાણોની હિલચાલ, જમીન, આબોહવા વગેરેની તપાસ રાખે છે. દૂરથી દેખાતું વહાણ ચાંચિયાનું વહાણ છે, દુશ્મન યુદ્ધજહાજ છે કે વેપારી જહાજ છે તે અંગેની હિલચાલ ઉપર નજર રાખીને તે નાખુદાને ચેતવે છે. દરિયામાં ક્ષિતિજ ઉપર નજર રાખીને વાવાઝોડાની શક્યતા નિહાળીને તે વહાણ ઉપરના બધા કર્મચારીઓને ચેતવણી આપી વાવાઝોડું ત્રાટકે તે પૂર્વે સજાગ રહીને પૂર્વતૈયારી કરવા સાવચેત કરે છે. તે મજબૂત પાંખવાળા કાગડાને પોતાના પાંજરામાં રાખે છે. દરિયાકાંઠો નજીક છે કે દૂર તે પોતાની પાસેના કાગડાને ઉડાડીને નક્કી કરે છે. જમીન નજીક હોય તો કાગડો વહાણ ઉપર પાછો ફરતો નથી. તે પાછો ન ફરે તો જમીન નજીક છે અને ઉતરાણ માટે વિચારી શકાય એમ છે એવા તારણ પર આવી શકાય છે. હાલ સ્ટીમરોમાં દૂરબીન રાખીને સમુદ્ર ઉપરની હિલચાલ, વાવાઝોડા વગેરેની સંભાળ રાખનાર અધિકારીની કૅબિનને ‘કાગડાના માળા’ (crow’s nest) તરીકે ઓળખવામાં આવે છે. અહીં કાગડો ન હોવા છતાં આ જગ્યા ઉપર પ્રમાણે ઓળખાય છે તે પ્રાચીન રિવાજનો કે પરંપરાનો સંકેત કરે છે. અબુલફઝલના ‘આઇને અકબરી’માં ‘મીર બહરી’ પ્રકરણમાં તેનો ઉલ્લેખ મળે છે.

શિવપ્રસાદ રાજગોર