પિંગળે, વિષ્ણુ ગણેશ (. જાન્યુઆરી 1888, તાલેગાંવ ઢમઢેરે, જિ. પુણે, મહારાષ્ટ્ર; . 16 નવેમ્બર 1915, લાહોર) : ભારતીય ક્રાંતિકારી. વિષ્ણુ પિંગળેનો જન્મ મધ્યમવર્ગના ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ તાલેગાંવમાં અને માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધું હતું. પ્રોફેસર વિજાપુરકરના સમર્થ વિદ્યાલયમાં જોડાવાથી પિંગળે રાષ્ટ્રવાદી બન્યા. ત્યારબાદ પુણે અને કોલ્હાપુરમાં કેટલાક ક્રાંતિકારીઓના સંપર્કથી એમ માનતા થયા કે ક્રાંતિકારી પ્રવૃત્તિ વિના દેશ સ્વતંત્ર થઈ શકશે નહિ. આ વિચારો સહિત 1911માં ઉચ્ચ ટૅક્નિકલ શિક્ષણ મેળવવા તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ગયા.

યુનાઇટેડ સ્ટેટ્સમાં લાલા હરદયાળ ગદર આંદોલન દ્વારા ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિકારી ચળવળ ચલાવતા હતા. પિંગળે ત્યાં ગદર પ્રવૃત્તિના નેતા હરદયાળથી પ્રભાવિત થઈને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ શીખ ક્રાંતિકારીઓ સાથે ભારત આવ્યા. સરકારે ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ કરી, પરંતુ પિંગળે તેમાંથી છટકી જઈને પંજાબ પહોંચ્યા. ફેબ્રુઆરી, 1915માં દેશમાં વ્યાપક બળવો શરૂ કરવાની યોજનામાં તેમણે ભાગ લીધો. તેમણે જુદાં જુદાં નામ હેઠળ સમગ્ર દેશનો પ્રવાસ કરીને પરિસ્થિતિનો અભ્યાસ કર્યો.

તેમની વક્તૃત્વશક્તિ અને સમજાવવાની આવડત ઘણી સારી હોવાથી ભારતીય સૈનિકોને વ્યાપક બળવામાં જોડાવા માટે સમજાવવા માર્ચ, 1915માં મેરઠની છાવણીમાં મોકલવામાં આવ્યા. 23 માર્ચ, 1915ના રોજ મેરઠની લશ્કરની છાવણીમાંથી કેટલાક બૉમ્બ સહિત તેમની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ સંખ્યાબંધ ક્રાંતિકારીઓને પકડવામાં આવ્યા. લાહોર કાવતરા કેસ નામથી પ્રસિદ્ધ કેસ 27 એપ્રિલ, 1915થી ખાસ અદાલતમાં શરૂ થયો. લડાઈ કરવાના ઇરાદાથી ઇંગ્લૅન્ડના રાજા વિરુદ્ધ કાવતરું કરવાના આરોપ હેઠળ 82 જણને પકડવામાં આવ્યા અને 58 જણને સજા કરવામાં આવી. તેમાં પિંગળેને મૃત્યુદંડની સજા થઈ. લાહોર મધ્યસ્થ જેલમાં તેમને ફાંસી આપવામાં આવી. તે દિવસે ત્યાં તેમના છ શીખ સાથીઓને પણ ફાંસી આપવામાં આવી હતી.

જયકુમાર ર. શુક્લ