પિંગલપ્રવૃત્તિ : ગુજરાતી ભાષાની પિંગલ-રચનાઓ તથા પિંગલચર્ચાને આવરી લેતી પ્રવૃત્તિ. ગુજરાતી ભાષામાં કેટલાક ઉત્તમ પિંગલકારોએ ગ્રંથો લખીને મહત્વનું પ્રદાન કર્યું છે તો અનેક વિદ્વાનોએ સુદીર્ઘ લેખો અને નોંધો દ્વારા પણ છંદચર્ચા કરી છે. ગુજરાતીમાં દલપતરામ અને નર્મદથી પિંગલપ્રવૃત્તિનો આરંભ થાય છે. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં દલપતરામે ‘કકડે કકડે’ પિંગલલેખનનો આરંભ કરેલો અને 1862માં એ લેખો ‘ગુજરાતી પિંગળ’ નામે ગ્રંથસ્થ થયેલા. 22મી આવૃત્તિથી એ પુસ્તકને ‘દલપતપિંગળ’ નામ આપવામાં આવેલું. એમાં સંજ્ઞાવિચાર, માત્રામેળ છંદ, અક્ષરમેળ છંદ, સંખ્યાપ્રસ્તાર અને ભાષાકવિતાવિચારની ચર્ચા છે. 39 જેટલા માત્રામેળ અને 124 અક્ષરમેળ છંદોનું સ્વરૂપ, પદ્યમાં તે તે છંદનાં લક્ષણો ગૂંથીને, ઉદાહરણો સાથે એમણે સમજાવ્યું છે. એમણે તાલસ્થાનોનો નિર્દેશ કરીને, માત્રામેળ છંદોમાં તાલનું મહત્વ સમજાવ્યું છે; જે એમનું નોંધપાત્ર અર્પણ છે. નર્મદાશંકરે ‘છંદરત્નાવળી’ના છંદોનો અભ્યાસ કરેલો અને પછી ‘પિંગળપ્રવેશ’(1857)માં લઘુગુરુ, ગણ, અંકસંજ્ઞાનો પરિચય આપી, વીસ માત્રાવૃત્તો, માત્રાગણવૃત્ત અને પંચોતેર અક્ષરવૃત્તોનો સોદાહરણ પરિચય કરાવેલો. યતિ માટે ‘વિશ્રામ’ શબ્દ એમણે યોજ્યો છે. 1865માં કવિ હીરાચંદ કાનજીએ ‘પિંગળાદર્શ’ નામના વ્રજ ભાષાના ગ્રંથને ગુજરાતી ટીકા તથા ઉદાહરણો સાથે પ્રગટ કરેલો. 1893માં જીવરામ અજરામર ગોરે પણ ‘ભગવતપિંગળ’ લખેલું. નવલરામે ‘દેશી પિંગળ’ નામક નિબંધમાં ગુજરાતના તળપદા રાગ-ઢાળને પિંગલશાસ્ત્રના પ્રદેશના ગણીને એની ચર્ચા કરેલી. આ રીતે ગુજરાતીની દેશીઓના પિંગલની ચર્ચા કરનાર નવલરામ પ્રથમ છે.

આ પછી રણછોડભાઈ ઉદયરામે ‘રણપિંગલ’ (1902) ગ્રંથ ત્રણ ભાગમાં પ્રગટ કર્યો હતો. એના પ્રવેશકમાં પારિભાષિક શબ્દો તેમજ પ્રાસાદિની માહિતી આપ્યા પછી અનુક્રમે માત્રામેળ જાતિ અને વર્ણમેળ, ત્રિવિધ પ્રસ્તારાદિ પ્રક્રિયા અને વૈદિક છંદોની ચર્ચા કરી છે. વૈદિક છંદોના ઉપભેદો પણ એમણે આપ્યા છે. પુસ્તકની અનુક્રમણિકાનાં જ સવાસો પાનાં છે એ ઉપરથી એ ગ્રંથના વ્યાપનો ખ્યાલ આવે છે. ખૂબ શ્રમ લઈને એમણે છંદો વિશેની જાણકારી વિશાળ પટ ઉપર આપવાનો પ્રયત્ન કર્યો છે; તેમ છતાં, છંદ-વિચારમાં એમનું કોઈ વિશિષ્ટ પ્રદાન નથી.

કેશવલાલ હ. ધ્રુવે પિંગલક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન કર્યું છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના વિશાળ સાહિત્યને વિલોકતાં છંદોના ઐતિહાસિક વિકાસ ઉપર એમની દૃષ્ટિ સ્થિર થયેલી છે. 1908માં ‘પદ્યરચનાના પ્રકારો’ શીર્ષકથી ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલો એમનો લેખ છંદોની ઉત્પત્તિનો પ્રશ્ર્ન ઐતિહાસિક ભૂમિકામાં શાસ્ત્રીય રીતે ચર્ચે છે. વેદકાળ, મુનિકાળ, સંસ્કૃત-પ્રાકૃતકાળ અને અપભ્રંશકાળમાં છંદોનો, પંક્તિમાં અક્ષરોની વધઘટ દ્વારા જે ઐતિહાસિક વિકાસ થયો છે એ તરફ એમણે પ્રથમ વાર ધ્યાન દોર્યું. એ પછી ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ (1932) એ એમનાં ગ્રંથસ્થ થયેલાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી વ્યાખ્યાનોમાં એમણે ઐતિહાસિક વિકાસના નિરૂપણ સાથે પારિભાષિક શબ્દો તેમજ છંદોની સ્વરૂપચર્ચા કરી છે. છંદો ક્યાં ક્યાં પ્રયોજાયા છે, એમાં કેવા સુધારા-વધારા તેમજ એમનાં કેવાં મિશ્રણો થયાં છે એ સર્વની એમાં ઝીણવટભરી વિચારણા થઈ છે. અબદ્ધ પદ્યરચના, રૂપબંધ, લયબંધ, માત્રાબંધ, છંદોની સ્વરૂપસમજ સાથે કયા કવિએ નવાં વૃત્તો રચ્યાં છે અને કયા રસને અનુરૂપ છંદને કેવી રીતે પ્રયોજ્યો છે તેમજ નાટકોમાં અને મહાકાવ્યોમાં કયા કયા છંદોનો ઉપયોગ થયો છે વગેરેની વિગતવાર માહિતી એમણે આપી છે. કેશવલાલ ધ્રુવે, દલપતરામના તાલતત્વના મહત્વનું કારણ સ્પષ્ટ કરી આપ્યું અને છંદોમાં સંધિઓની સ્પષ્ટતા કરી તેમજ યતિ વિશે પણ વિચારણા કરી. આ એમનું પિંગલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે.

પંડિતયુગના અને પછીની પેઢીના સાક્ષરોએ પણ લેખો દ્વારા પિંગલચર્ચા કરી છે. નરસિંહરાવે ઓવી અને ગીતિના બંધારણની, વિષમ હરિગીત જેવા છંદોની સ્વરૂપવિચારણા ઝીણવટપૂર્વક કરી છે. જોકે છંદોવિદ જહાંગીર સંજાણાએ ‘ગીતિ’ની ચર્ચામાં નરસિંહરાવને હંફાવેલા. સંજાણાએ ખબરદારના મુક્તધારા તથા મહાછંદની પણ એવી જ કડક આલોચના કરેલી. ‘બુદ્ધિપ્રકાશ’માં ‘બૃહત્ પિંગલ’નું એમનું અભ્યાસપૂર્ણ અવલોકન પણ પ્રગટ થયેલું. રમણભાઈ નીલકંઠે પણ છંદ, પ્રાસ અને તાલ વિશે કેટલીક ઝીણી વિચારણા કરી છે. ખબરદારે પણ ‘ગુજરાતી કવિતાની રચનાકળા’(1931)નાં ઠક્કર વ્યાખ્યાનોમાં છંદચર્ચા કરી છે. બલવંતરાય ક. ઠાકોરે શેક્સપિયરનાં નાટકોના અનુવાદ વગેરેના સંદર્ભે નાટક તેમજ મહાકાવ્ય જેવા સ્વરૂપમાં બ્લૅન્ક વર્સની રીતે ચાલે એવો પદ્યબંધ ખોજવાની દિશામાં એક સર્જકની રીતેય પ્રયોગપુર:સર વિચારચિંતન કર્યું અને તેના ફલ-સ્વરૂપે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાની હિમાયત કરી; શ્લોકભંગ, યતિભંગ આદિની સમીક્ષા રજૂ કરી. ન્હાનાલાલેય શાસ્ત્રચર્ચામાં ઊતર્યા વિના, સર્જકની હેસિયતથી જ ‘બ્લૅન્ક વર્સ’ના વિકલ્પમાં ડોલનશૈલીની હિમાયત કરી. કેશવલાલ હ. ધ્રુવે બ્લૅન્ક વર્સ માટે વનવેલીની ક્ષમતાનો નિર્દેશ કર્યો. આ સંદર્ભે રામનારાયણ પાઠકે અનુષ્ટુપાદિની તો બ. ક. ઠાકોરે પૃથ્વીની વિચારણા કરી. હરિવલ્લભ ભાયાણીએ ખાસ કરીને મધ્યકાળના સાહિત્યમાં પ્રયોજાયેલા છંદો – ચંદ્રાવળા, કુંડળિયા, ઉલ્લાળા વગેરે વિશે રામનારાયણ પાઠકના પિંગલવિચાર પછી પોતાને પ્રાપ્ત થયેલી મધ્યકાલીન હસ્તપ્રતોનો શાસ્ત્રીય સંદર્ભ આપીને ઉદાહરણો સાથે ચર્ચાવિચારણા કરી છે અને પૂર્તિ કરી છે, જે ધ્યાનપાત્ર છે. મધ્યકાલીન દેશીઓ વિશે અને એના બંધારણ વિશેની એમની જાણકારીનું એમણે ઉદાહરણો સાથે નિરૂપણ કરેલું છે. ‘મધ્યકાલીન પદ્યસાહિત્યનો છંદોબંધ’ નામક લેખમાં (ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-2) એમણે વિવિધ સાહિત્યપ્રકારોમાં પ્રયોજાયેલા છંદોની વિશદ સમીક્ષા કરી છે.

ગુજરાતી ભાષામાં થયેલા છંદોવિચારનું ઉચ્ચ શૃંગ તે પિંગલકાર રામનારાયણ પાઠક. એમણે ‘અર્વાચીન ગુજરાતી કાવ્ય’(1936)માં પદ્યપ્રયોગો-છંદોની, એનાં નવાં નવાં રૂપો, વિસ્તાર અને એમનાં મિશ્રણોથી સરજાતી વૈચિત્ર્યમય રચના-તરેહોની સમીક્ષા કરી હતી અને પછી ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’(1938)માં છંદોરચના વિશેનાં પોતાનાં કેટલાંક તલસ્પર્શી નિરીક્ષણો રજૂ કર્યાં હતાં. એમના બે શકવર્તી પિંગળગ્રંથો તે (1) ‘પ્રાચીન ગુજરાતી છંદો – એક ઐતિહાસિક સમાલોચના’ (1948) અને (2) ‘બૃહત્ પિંગલ’ (1955). ‘પ્રાચીન ગુજરાતી છંદો’માં એની અપભ્રંશ-અપભ્રંશોત્તરકાળથી મધ્યકાળના અંત સુધીની પદ્યરચનાની શાસ્રીય સમાલોચના કરી છે. ગુજરાતી દેશીઓને એમણે પ્રથમ વાર પિંગલબદ્ધ કરી છે. એમાં જાતિછંદો અને દેશીઓના સ્વરૂપની મૂળગામી અને શાસ્ત્રીય વિચારણા રજૂ થઈ છે. લયમેળી દેશીઓની સ્વરૂપઘટનાનું ઝીણવટભર્યું પૃથક્કરણ કરીને સંધિઓના આવર્તનાત્મક મેળને સદૃષ્ટાંત સમજાવ્યો છે અને પ્લુતિનું મહત્વ સ્પષ્ટ કર્યું છે. માત્રામેળના સંધિઓ (ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ, સપ્તકલ) સંગીતના વિવિધ તાલમાંથી કેવી રીતે નિષ્પન્ન થયા છે એની સમીક્ષા કરી છે અને યતિને માત્રામેળમાં આગંતુક અને પ્રાસને એના અનિવાર્ય અંગ તરીકે દર્શાવેલ છે.

‘બૃહત્ – પિંગલ’ તો છંદશાસ્રનો આકરગ્રંથ છે. 700 પાનાંના આ ગ્રંથમાં 15 પ્રકરણો અને 20 પરિશિષ્ટોમાં ચારે કુળોના છંદોના પ્રકારો, એનાં સંધિ, યતિ વગેરે અંગોની શાસ્ત્રીય મીમાંસા છે. સંધિઓના મેળની એમાં ઝીણવટભરી તપાસ છે. સંધિઓના ઉમેરણ કે છેદનથી નીપજતા નવા નવા છંદોની સદૃષ્ટાંત રજૂઆત છે. યતિના કાર્યની, યતિખંડની વિવિધ ગોઠવણીથી થતા નવા નવા શ્લોકબંધની, યતિભંગની નિર્વાહ્યતા અને અનિર્વાહ્યતાની, અને સમગ્ર રીતે વેદકાળથી આરંભી વર્તમાન કાળ સુધીની છંદતપાસ કરતાં છંદોના આંતરિક અને બાહ્ય કલેવરમાં થયેલા ફેરફારો; મિશ્રણો; એના માત્રા, સંધિ, યતિ આદિ અનેક ઘટકોની સમસ્યાઓ સાથે એમણે મૂળગામી વિચારણા વિશાળ પટ પર રજૂ કરી છે. ડિંગલ, ગઝલ અને સળંગ પદ્યરચના – પ્રવાહી છંદની પણ વ્યાપકપણે આલોચના કરી છે. તેમણે છંદોમિશ્રણ તેમજ છંદોબંધના વિસ્તરણ વગેરેના જે અવનવા પ્રયોગો થયા છે તેની ઊર્મિકાવ્યો, ખંડકાવ્યો ને મહાકાવ્યોના દૃષ્ટાંત-સંદર્ભે જે ચર્ચા ‘ગુજરાતી પિંગલ – નવી દૃષ્ટિએ’(1952)  એ નામે આપેલાં વ્યાખ્યાનોમાં કરી તે પણ સ્મરણીય છે. તેનું સારતત્વ ‘બૃહત્ પિંગલ’માંની તેમની ચર્ચામાં રજૂ થયેલું જોવા મળે છે. ભારતના એક ઉત્તમ પિંગલકાર તરીકે પ્રસ્થાપિત થાય એવું એમનું પિંગલક્ષેત્રે અર્પણ છે. ‘મધ્યમપિંગળ’ અને ‘પિંગળપ્રવેશ’ એમની વિદ્યાર્થીઓ અને છંદરસિકો માટેની પરિચયાત્મક પુસ્તિકાઓ છે.

આ ઉપરાંત ગુજરાતી છંદોનો પરિચય કરાવતી કેટલીક નોંધપાત્ર પુસ્તિકાઓ પણ પ્રગટ થઈ છે. ચિમનલાલ ત્રિવેદીએ લખેલ ‘પિંગલદર્શન’ (1953), કાન્તિલાલ કાલાણીનું ‘છાંદસી’ (1972) અને પૂજાલાલનું ‘છંદપ્રવેશ’ (1979) એ વિવિધ છંદોના સ્વરૂપની અને પારિભાષિક શબ્દોની માહિતી મેળવનાર માટે ઉપયોગી પ્રકાશનો છે. ચિમનલાલ ત્રિવેદીના ‘આપણા માત્રિક છંદો’ અને ‘ગુજરાતી છંદોરચના’ એ શીર્ષકવાળા લેખો હરિગીત-ઝૂલણા જેવા માત્રામેળ અને ચારે કુળના છંદોના ગુજરાતી કવિતામાં થયેલા વિનિયોગનો સર્વગ્રાહી પરિચય કરાવતા લેખો છે. અનુષ્ટુપ, શિખરિણી જેવા છંદો લઈને અનુક્રમે સુંદરજી બેટાઈ તથા ઉશનસે ગુજરાતી કવિતામાં થયેલા એમના નિરૂપણની ચર્ચા કરી છે. ગુજરાતીમાં મુખ્યત્વે ગઝલ-સ્વરૂપના નિમિત્તે ફારસી પિંગલની ચર્ચા પણ અવારનવાર ચાલતી રહી છે, જેમાં નર્મદ, રણછોડભાઈ ઉદયરામ અને કૃષ્ણલાલ મો. ઝવેરીથી માંડી ‘શૂન્ય’ પાલનપુરી (‘અરૂઝ’ 1968), જમિયત પંડ્યા (‘ગઝલનું છંદશાસ્ર’, 1979) જેવા ગઝલક્ષેત્રના દિવંગત તો શકીલ કાદરી (‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, ‘ગઝલનું કાફિયાશાસ્ત્ર’, ‘ગઝલ : સ્વરૂપવિચાર’, 1993) અને રશીદ મીર જેવા વર્તમાન અભ્યાસીઓએ નોંધપાત્ર કામગીરી અદા કરી છે.

ગુજરાતી પિંગલને ડિંગળના સંદર્ભમાં જોવાનો રમણીકલાલ મારુ (‘છંદો-વિમર્શ’, 1985)નો પ્રયત્ન પણ ઉલ્લેખનીય છે. લાવણી, દિંડી, ઓવી તેમજ અભંગ-સ્વરૂપને અનુલક્ષીને કેટલીક છંદોવિચારણા ગુજરાતીમાં થઈ છે. વળી પ્રાકૃત, અપભ્રંશ અને ચારણી છંદપિંગલના સંદર્ભમાંયે યત્કિંચિત્ વિચારણા ઉપર્યુક્ત વિદ્વાનો તેમજ ઝવેરચંદ મેઘાણીથી માંડીને રતુદાન રોહડિયા જેવા લોકસાહિત્ય તેમજ ચારણી સાહિત્યના અભ્યાસીઓએ પ્રસંગોપાત્ત, કરી છે.

આવી વિવિધ પ્રકારની ચર્ચાવિચારણા છતાં ગુજરાતી પિંગલનો સાંગોપાંગ ચિતાર આપતો પિંગલનો સર્વગ્રાહી ગ્રંથ હજી આવવાનો બાકી છે.

ચિમનલાલ ત્રિવેદી