પાવાપુરી : બિહારમાં આવેલું જૈન સંઘનું મહાન તીર્થક્ષેત્ર. જૈન શાસ્ત્રોમાં જેને ‘મધ્યમા પાવા’ તરીકે ઓળખાવી છે તે આ જ પાવાપુરી મહાવીરની પ્રસિદ્ધ નિર્વાણભૂમિ હતી. મધ્યમા પાવાનું નામ પહેલાં ‘અપાપાપુરી’ હતું. મહાવીરના નિર્વાણ પછી તેનું નામ પાવાપુરી પડ્યું.
કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી મહાવીર સ્વામી જંભીય ગામથી પાવાપુરી પધાર્યા. આ નગરીમાં મહાવીરે ઘણી વાર ઉપદેશ આપ્યો હતો. ‘વિવિધતીર્થકલ્પ’ અનુસાર આ નગરીમાં પુણ્યપાલ રાજાએ પ્રતિબોધ પામી દીક્ષા અંગીકાર કરી. અહીં ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્યરત્ન બન્યા. ત્યારબાદ અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર વગેરે 11 શિષ્યો બન્યા, જે 11 ગણધરો કહેવાયા. આ 11 ગણધરોએ उप्पेइ वा विगमेइ वा धुवेइ वा એ ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના અહીં કરી. મહાવીર સ્વામીએ શ્રમણધર્મની જેમ ગૃહસ્થધર્મની સ્થાપના કરી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાવાળા ચતુર્વિધ સંઘની સ્થાપના અહીં કરી.
ગામમંદિર નામે ઓળખાતું મંદિર પાવાપુરીના પશ્ચિમ ભાગમાં છે. મંદિર બે માળનું અને પાંચ શિખરોથી સુશોભિત છે. તેમાં મૂળનાયક મહાવીર સ્વામીની શ્વેત પ્રતિમા બિરાજમાન છે. તેની જમણી બાજુએ આદિનાથ અને ડાબી બાજુએ શાંતિનાથ તીર્થંકરની શ્વેત પ્રતિમાઓ છે. જમણી તરફની વેદિકામાં વિ. સં. 1645ના વૈશાખ સુદ 3 ને ગુરુવારે પ્રતિષ્ઠિત કરેલાં મોટાં ચરણયુગલની સ્થાપના છે. મંદિરમાંના શિલાલેખમાં બાદશાહ શાહજહાંના રાજ્યમાં વિ. સં. 1698ના વૈશાખ સુદ 5 ને સોમવારે ખરતર ગચ્છાચાર્ય શ્રી જિનરાજસૂરિના અધ્યક્ષપણા હેઠળ બિહારના શ્વેતાંબર શ્રીસંઘે આ ‘વરવિમાનાનુકારી’ મંદિરની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે.
કમળોથી છવાયેલા મંદિરની મધ્યમાં જળમંદિર આવેલું છે. મંદિરની અંદર સં. 1929માં બનાવેલી 3 વેદિકાઓ છે. મધ્યની વેદી ઉપર મહાવીરની ચરણપાદુકા બિરાજમાન છે. વેદી ઉપર મહાવીરની ધાતુ-પ્રતિમા છે; તેના ઉપર સં. 1260ના જયેષ્ઠ સુદ 2ના દિવસે શ્રી અભયદેવસૂરિએ પ્રતિષ્ઠા કર્યાનો લેખ છે. મંદિરની બહાર બંને તરફ બે ક્ષેત્રપાળ છે. આ મંદિરમાં શ્વેતાંબર સંઘની પેઢી, તીર્થભંડાર અને ધર્મશાળા છે.
શ્રી સમવસરણ મંદિરના નામે ઓળખાતું મંદિર પણ અહીં આવેલું છે; તેની પ્રતિષ્ઠા સં. 1953માં કરવામાં આવી હતી. પાવાપુરીની પૂર્વ દિશામાં આંબાના વનની પાસે એક નાનો સ્તૂપ છે તે મહાવીર સ્વામીના સમવસરણનું સ્થાન છે. મહેતાબકુંવરના મંદિરના નામે ઓળખાતું મંદિર બે માળનું છે; તેની પ્રતિષ્ઠા સં. 1932માં થઈ હતી. મહાવીરના નિર્વાણ-દિવસ આસો વદ અમાવાસ્યાએ આ તીર્થમાં મોટો મેળો ભરાય છે. કાર્તિક સુદ પડવાના રોજ ભગવાનની રથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવે છે.
ભારતી શેલત