પાવેઝા, ચેઝારે (. 9 સપ્ટેમ્બર 1908, કુનીઓ, પિડમન્ટ, ઇટાલી; . 27 ઑગસ્ટ 1950, ઇટાલી) : ઇટાલીના નવલકથાકાર, કવિ અને ભાષાંતરકાર. ‘હાર્ડ લેબર’ (1936) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેમનાં કાવ્યો વૉલ્ટ વ્હિટમન અને ગી દો ગોઝાનો જેવા કવિઓની અસર તળે લખાયેલાં છે. તેમનાં શ્રેષ્ઠ કાવ્યો ‘લવોરેર સ્ટાન્કા’ (‘વર્ક-વિયરીઝ’, 1936)માં મળે છે. વિશેષ કરીને ખેતરો વચ્ચેનું ગ્રામજીવન અને શહેર એ બે વચ્ચેનો વિરોધાભાસ તેમનાં કાવ્યોનો મુખ્ય વિષય છે. આ જ વિષય નવલકથાના વિશાળ પટમાં વારંવાર દૃષ્ટિગોચર થાય છે. માનવ-એકલતાની મૂંઝવણના કવિ અને નવલકથાકાર તરીકે તેમની ખ્યાતિ લાંબો સમય ટકી રહે તેવી છે. જોકે સાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન તે તેમની નવલકથાઓ અને લાંબી-ટૂંકી વાર્તાઓ છે. ‘ધ કૉમ્રિડ’ (1947), ‘બિફોર કૉક-ક્રૉ’ (1949), ‘ધ બ્યૂટીફૂલ સમર’, (1949), ‘ધ હાઉસ ઑન ધ હિલ’ (1949) નોંધપાત્ર કૃતિઓ છે. તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ તેમની છેલ્લી નવલકથા ‘ ધ મૂન ઍન્ડ ધ બૉનફાયર્સ’ (1950) છે. નાયકનો એકલો અટૂલો જીવ હૃદયના લાગણીસભર સંઘર્ષોમાં અટવાયા કરે છે. સન્નિષ્ઠ સર્જક ઉપરાંત તે તીવ્ર સંવેદનશીલ અનુવાદક પણ છે. આધુનિક અંગ્રેજી અને અમેરિકન નવલકથાને અનુવાદ દ્વારા ઇટાલીમાં લઈ આવનાર પાવેઝા યથાર્થવાદના પક્ષપાતી છે. જેમનો તેમના પર પ્રભાવ હતો તેવા અંગ્રેજ અને અમેરિકન લેખકોમાં જેમ્સ જૉઇસ અને ફૉકનર વગેરેની કેટલીક કૃતિઓનો તેમણે અનુવાદ કર્યો છે આ બધાયમાં મેલવિલની ‘મૉબી ડિક’નો તેમનો અનુવાદ ઉલ્લેખનીય છે. 42 વર્ષની ભરયુવાન વયે આત્મહત્યા દ્વારા તેમણે પોતાના જીવનનો અંત આણ્યો, જે ઘટના વિશ્વયુદ્ધ પછીના યુરોપના બુદ્ધિવાદીઓમાં પ્રવર્તેલા તણાવના પ્રતીક રૂપ છે.

વિ. પ્ર. ત્રિવેદી