પાવલોવ, ઇવાન (. 26 સપ્ટેમ્બર 1849, ર્યાઝમ (Ryazam), રશિયા; . 27 ફેબ્રુઆરી 1936, મૉસ્કો, રશિયા) : પાચનક્રિયા અંગેના તેમના સંશોધનકાર્ય માટે 1904ના તથા તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના 1904ના નોબેલ પારિતોષિકવિજેતા. તેમના આ કાર્યને આધારે વધુ વિકાસ કરીને પાચનમાર્ગ પર અન્ય પ્રયોગો કરી શકાયા, જેને કારણે તે અંગેનું જ્ઞાન વિકસ્યું છે. તેઓ એક ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. સેન્ટ પીટર્સબર્ગ (હાલની લેનિનગ્રાડ) યુનિવર્સિટીની રશિયન તબીબી અકાદમીમાં રસાયણવિદ્યા અને દેહધર્મવિદ્યા વિષયમાં અભ્યાસ કરીને (1883) તેમણે એમ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેમણે જર્મનીમાં 2 વર્ષ માટે પાચનક્રિયા અને રુધિરતંત્રનો અભ્યાસ કર્યો. આ બે વર્ષોમાં તેમણે મગજ વડે કેવી રીતે આ પ્રકારની શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ થાય છે તેનો અભ્યાસ કર્યો. રશિયા પાછા આવીને તેમણે હૃદ્-વાહિની તંત્ર (cardiovascular system) પર પ્રયોગો શરૂ કર્યા. 1890માં તેઓ ઇમ્પીરિયલ મેડિકલ અકાદમીમાં પ્રોફેસર તરીકે જોડાયા. ત્યાં તેમણે કૂતરાઓ પર અનેક ક્રમબદ્ધ પ્રયોગો કર્યા. 1891માં તેઓ સેન્ટ પીટર્સબર્ગ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એક્સપેરિમેન્ટલ મેડિસિનના દેહધર્મવિદ્યા વિભાગના નિયામક તરીકે નિમાયા. તે સ્થાન પર તેમણે 45 વર્ષ કામ કર્યું. તે વિભાગની પ્રયોગશાળાના વડા તરીકે પણ 30 વર્ષ સુધી રહ્યા. પાછળથી સોવિયેત સરકારે તેમને લેનિનગ્રાડથી 84 કિમી દૂર કોલ્ટુશિગમાં એક સુંદર પ્રયોગશાળા બનાવી આપી હતી.

ઇવાન પાવલોવ

1888માં તેમણે સ્વાદુપિંડ(pancreas)માં રસસ્રાવી ચેતાતંતુઓ (secretary nerve fibers) છે તેવું દર્શાવ્યું. તેમણે જઠરના પાચકરસના સ્રવણ(secretion)માં 10મી કર્પરીચેતા(cranial nerve)નું મહત્વ પણ બતાવ્યું. તેમણે એ પણ દેખાડી બતાવ્યું કે, જઠરનો પાચકરસ હંમેશાં અમ્લીય (acidic) હોય છે. તેમણે પાચનના 3 તબક્કાઓ પણ દર્શાવ્યા : (1) ચેતાકીય (nervous), (2) જઠરાંતીય (pyloric) અને (3) આંત્રીય (intestinal). તેમણે, સ્વાદુપિંડના રસસ્રવણ માટે અંત:સ્રાવની જરૂર પડે છે એવું બેયલિસ અને સ્ટાર્લિંગનું અગાઉનું સંશોધન પુન: સાબિત કરી બતાવ્યું. તેમનાં તે સમયનાં સંશોધનો તેમણે પ્રકાશિત કર્યાં હતાં.

તે પછી તેમણે એક પ્રયોગ કર્યો. પહેલાં તેમણે એક કૂતરાને ખોરાક આપવાની સાથે થોડા થોડા સમયે ઘંટડી પણ વગાડી. તેમણે આ પ્રયોગ દ્વારા દર્શાવ્યું કે થોડા સમય પછી કૂતરાનું ચેતાતંત્ર (nervous system) શીખી લે છે કે ઘંટડીનો અવાજ (રણકાર) અને ખોરાકને કોઈક સંબંધ છે, જેને કારણે ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે તેના મોંમાંથી લાળ ઝરવા માંડે છે. પાવલોવે આ પ્રકારના કૂતરાના વર્તનને અનુભવજન્ય અથવા શરતી ચેતાકીય પરાવર્તી ક્રિયા (conditioned reflex) તરીકે ઓળખાવ્યું અને કૂતરા દ્વારા તેને શીખવાની ક્રિયાને અનુભવજ્ઞાનપ્રાપ્તિ (conditioning) કહી. સામાન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયા શીખી શકાતી નથી, જ્યારે તેની સરખામણીમાં આ પ્રકારની અનુભવજન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયાને શીખી શકાય છે. કૂતરો જ્યારે ખાય છે ત્યારે તેને લાળ પડે છે, પરંતુ તેનું કારણ તેની સામાન્ય અંતર્ગત (innate) પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. તેમાં કોઈ અગાઉનો અનુભવ મહત્વનો હોતો નથી; પરંતુ ખોરાક જોઈને લાળ પડવા માંડે તો તે તેની અનુભવજન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયાને કારણે થાય છે. શરૂઆતથી ઉછેરતી વખતે જો કૂતરાને ખોરાક તરીકે માંસ બતાવેલું ન હોય તો તેને તે અંગેનું કોઈ અનુભવજન્ય જ્ઞાન ઉત્પન્ન થતું નથી તથા તે માંસને ખોરાક તરીકે ઓળખતો પણ નથી. તેથી તેને માંસ જોઈને લાળ પડતી નથી. આમ તેમણે સ્પષ્ટ દર્શાવ્યું કે ખોરાકને જોઈને પડતી લાળ અનુભવજન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયા છે.

શીખવાના મનોવિજ્ઞાન અંગેનાં તેમનાં સંશોધનોમાં તેમણે દર્શાવ્યું હતું કે આવા પ્રકારની અનુભવજન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયા (ચેતાપરાવર્તી ક્રિયા) શીખતી વખતે જો કોઈ વિક્ષેપ થાય તો તે બરાબર શીખી શકાતી નથી. આવા વિક્ષેપો બે પ્રકારના છે : (1) બાહ્ય અને (2) આંતરિક. આજે આપણે સહુ જાણીએ છીએ તે પ્રમાણે ભણતી વખતે થતો અવાજ શીખવાની ક્રિયામાં બાહ્ય વિક્ષેપ (external interruption) કરે છે. તેવી જ રીતે જો ઘંટડી વગાડતી વખતે ખોરાક આપવાનું બંધ કરવામાં આવે તો પછી ફક્ત ઘંટડીના રણકારે કૂતરાના મોંમાંથી લાળ પડવાની બંધ થઈ જાય છે. આ આંતરિક વિક્ષેપ છે. આ પ્રકારનો પ્રતિક્ષિપ્ત ક્રિયામાંનો વિક્ષેપ કાયમી હોતો નથી.

પાવલોવે એ પણ જણાવ્યું કે આવી શીખવાની પ્રતિક્ષિપ્ત ક્રિયા ફક્ત વધુ વિકસિત પ્રાણીઓમાં જ જોવા મળે છે. તેમણે આ શોધોનો ઉપયોગ ભૂલથી થતા તીવ્ર અને મંદ પ્રકારના મનોવિકારો (psychosis and neurosis) સમજાવવામાં પણ કર્યો હતો. આજે લાલબત્તી પાસે અભાનપણે રોકાઈ જવાય છે તે ખરેખર તો એક પ્રકારની શીખેલી અનુભવજન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયા જ છે. આ બાબતના સંશોધને તેમને કાયમ માટે મહાન સંશોધક તરીકેની પ્રતિષ્ઠા અપાવી છે.

પાવલોવની અનુભવજન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયાથી ઉત્પન્ન જ્ઞાનનો ઉપયોગ દેહધાર્મિક ક્રિયાવિધિ (physiology), માનસશાસ્ત્ર (psychology), મનશ્ચિકિત્સાવિદ્યા (psychiatry) તથા શિક્ષણમાં થાય છે. તે ઉપરાંત તેના વડે મોટા મગજના કાર્યનું વિશ્લેષણ પણ થઈ શકે છે.

પાવલોવે તેમના મૃત્યુ સુધી કૂતરાઓ પરના પ્રયોગો ચાલુ રાખ્યા હતા. તેઓ માર્કસવાદ અને સોવિયેત પદ્ધતિના વિરોધી હતા, છતાં પણ દેશમાં તેમનું ઘણું સન્માન હતું અને તેમને દેશના દરેક મહત્વના વૈજ્ઞાનિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેમને વિશ્વનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક આપવાનું સૂચવાયું હતું, પરંતુ સ્વીડનની અકાદમીને તેમનાં સંશોધનોના ખરાપણા માટે શંકા પડી હોવાને કારણે, પૂરી ચકાસણી બાદ તે પારિતોષિક એનાયત થયું હતું.

શિલીન નં. શુક્લ