પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત)

January, 1999

પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત) : કન્નડ લેખક. વીરશૈવ સંપ્રદાયના કવિ. એમનો જન્મ કર્ણાટકના ગોદાવરી જિલ્લાના પાલ્લુરિ ગામમાં. પિતાનું નામ બસવેશ. ગુરુનું નામ ગુરુકિંગાર્ય. એમણે શાસ્ત્રાર્થમાં ઘણા પંડિતોને પરાજય આપ્યો હતો. ગણપુરના રાજા જગદેવમલ્લે એમનું સન્માન કર્યું હતું.

સોમનાથે તેલુગુ અને સંસ્કૃતમાં પણ કાવ્યરચનાઓ કરી છે. તેલુગુના પ્રાચીન કવિઓમાં એમનું ઊંચું સ્થાન છે. તેલુગુમાં રચાયેલા એમના ‘બસવપુરાણમુ’નું પ્રાચીન તેલુગુ કાવ્યસાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન છે. એમને ‘તત્વવિદ્યાકલાપ’, ‘કવિતાસાર’, ‘અન્યદૈવકોલાહલ’ જેવી અનેક ઉપાધિઓ મળેલી.

‘શીલસંપાદને’-એ ગદ્યગ્રંથ છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત શ્ર્લોકો પણ છે. એ  ‘વીરશૈવ’ સંપ્રદાય વિશેનો ટીકાટિપ્પણી સહિત સમજૂતી આપતો ગ્રંથ છે. ‘સહસ્રગણનામ’ એ ‘વિષ્ણુસહસ્રનામ’ની સમજૂતી આપતો ગ્રંથ છે. ‘પંચરત્ન’માં બસવેશ્વરનાં સ્તુતિકાવ્યો છે. ‘સદગુરુ રગળૈ’ એમના ગુરુનું મહિમાગાન છે. ‘ચેન્નબસવસ્તોત્રમ્ રગળૈ’ તથા ‘ સરણુ વર્ણન રગળૈ’ પણ વીરશૈવ સંપ્રદાય વિશેની સમજણ આપતા ગ્રંથો છે.  ઉપર્યુક્ત ત્રણેય ગ્રંથો રગળૈ છંદમાં છે.

ચન્દ્રકાન્ત મહેતા