પાલિત, દિવ્યેન્દુ (જ. 5 માર્ચ, 1939, ભાગલપુર, બિહાર ; અ. 3 જાન્યુઆરી 2019 કૉલકાત્તા) : બંગાળી કવિ, નવલકથાકાર, પત્રકાર, ટૂંકી વાર્તા તથા ફિલ્મ અને નાટકોના સમીક્ષક. પશ્ચિમ બંગાળના જાદવપુર વિશ્વવિદ્યાલયમાં તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ કરી તેમણે એમ.એ.ની ઉપાધિ મેળવી. પત્રકારત્વનો વ્યવસાય સ્વીકારી ‘આનંદ બાજાર’ પત્રિકા કૉલકાત્તામાં તેઓ વરિષ્ઠ સહાયક સંપાદક તરીકે કાર્ય કરતા હતા એમણે દસ નવલકથાઓ, ટૂંકી વાર્તાઓના આઠ સંગ્રહો અને છ કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યા છે. ફિલ્મ અને નાટકનું તેમનું સમીક્ષાકાર્ય નોંધપાત્ર છે. એમને આનંદ પુરસ્કાર (1984), રામકુમાર ભુવાલકા પુરસ્કાર (1986) અને પશ્ચિમ બંગાળ સરકારના બંકિમચંદ્ર સ્મૃતિ પુરસ્કારથી સંમાનિત કરવામાં આવ્યા છે.
‘અનુભવ’ (1997) નવલકથાને સાહિત્ય અકાદમી(દિલ્હી)એ બંગાળીમાં લખાયેલી તે વર્ષની શ્રેષ્ઠ કૃતિ તરીકેનો 1998નો પુરસ્કાર આપ્યો છે. આમાં એક પરિણીત સ્ત્રીની પોતાની સમસ્યાઓ અને પ્રસંગોની વાત એવી તો કલાત્મક રૂપે કહેવાઈ છે કે તે વાત વ્યક્તિની મટી જઈ સમષ્ટિની બની જાય છે. આ નવલકથા ભારતીય નવલકથામાં મહત્વપૂર્ણ યોગદાન કરતી પ્રભાવક કૃતિ છે.
વિ. પ્ર. ત્રિવેદી