પાલિ : રાજસ્થાનમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેની ઉત્તરે નાગૌર, ઈશાનમાં અજમેર, પૂર્વ અને અગ્નિમાં ઉદેપુર, પૂર્વમાં રાજસમંદ, નૈર્ઋત્યમાં સિરોહી, પશ્ચિમમાં જાલોર અને બાડમેર તથા વાયવ્યમાં જોધપુર જિલ્લા આવેલા છે. આ જિલ્લાનો કુલ વિસ્તાર આશરે 12,387 ચોકિમી. જેટલો છે. 1948 પહેલાં આ જિલ્લો જોધપુરના દેશી રજવાડાનો એક ભાગ હતો. તેનો પૂર્વ તરફનો મેદાની વિસ્તાર અરવલ્લી હારમાળાથી ઘેરાયેલો છે. લૂણી અને તેની શાખાનદીઓ આ વિસ્તારમાંથી પસાર થાય છે. ઘઉં, જુવાર, તેલીબિયાં અને કપાસ એ અહીંની મુખ્ય કૃષિપેદાશો છે. આ જિલ્લામાં તેલમિલો, કાપડની મિલો, કપાસ માટેનાં જિનિંગ કારખાનાં તેમજ ધાતુકામનાં કારખાનાં આવેલાં છે. 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 20,38,533 જેટલી છે.

શહેર : ભૌ. સ્થાન : 25o 46′ ઉ. અ. અને 73o 20′ પૂ. રે. આ શહેર લૂણીની શાખાનદી બાંદીના ઉત્તર તટ પર નજીકમાં જ આવેલું છે. આ સ્થળ ઘણા જૂના વખતથી આજુબાજુના ગ્રામીણ વિસ્તાર માટેનું વેપારી મથક બની રહેલું છે. આજે તો આ શહેરનો ઘણો વિકાસ થયો છે, તેથી જૂનું અને નવું પાલિ એવા બે વિભાગો અલગ પડે છે. શહેરમાં સુતરાઉ કાપડની મિલો, તેલ-મિલો, સુતરાઉ કાપડ પરનું છાપકામ – રંગકામ, તાંબા પરની કારીગરીનું કામ, હાથીદાંત અને સુખડના લાકડા પરની હસ્તકારીગરી જેવા નાના-મોટા ઉદ્યોગો વિકસ્યા છે. આ શહેર બિયાવર અને જોધપુર સાથે સડકમાર્ગે તથા રેલમાર્ગે જોડાયેલું છે. અહીં ઘણાં ઐતિહાસિક મંદિરો આવેલાં છે તથા હૉસ્પિટલ અને રાજસ્થાન યુનિવર્સિટી સંલગ્ન એક કૉલેજ પણ છે. અહીંનાં સોમનાથ અને નૌલખા મંદિરો ખૂબ જાણીતાં છે. નૌલખા મંદિરના પ્રાંગણમાં જ મસ્જિદ પણ છે, મુસલમાનોના આક્રમણથી મંદિરને બચાવવા તે બનાવાઈ હોય એમ મનાય છે. 1836માં અહીં ફેલાયેલા પ્લેગને કારણે ઘણાં માણસો મરણ પામેલાં. 2011 મુજબ આ શહેરની વસ્તી, 1,30,075 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા