પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન)

April, 2024

પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન) : 23મા તીર્થંકર પાર્શ્વનાથનો યક્ષ. આ યક્ષ સમગ્ર યક્ષસૃષ્ટિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્વેતાંબર અને દિંગબર બંને સંપ્રદાયો પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ફણાનું છત્ર છે. કૂર્મ તેનું વાહન છે. શ્વેતાંબર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સર્પ, બિજોરું અને સર્પ હોય છે. દિગંબર પ્રમાણે સર્પ, પાશ અને વરદ હોય છે. પાર્શ્વનાથની મૂર્તિઓમાં પાર્શ્વયક્ષ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પાર્શ્વનાથ ભગવાનનાં સ્વતંત્ર દેરાસરોના અંતરાલ અથવા મંડપના ગવાક્ષમાં પણ ધરણેન્દ્રની ભવ્ય પ્રતિમાઓનાં દર્શન થાય છે. ‘ત્રિશલાકાપુરુષચરિત’માં હેમચંદ્રાચાર્ય લખે છે કે પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનવાળો, કૃષ્ણવર્ણ ધરાવતો, હાથીના જેવું મુખ ધરાવતો, નાગની ફણાના છત્રથી શોભતો, ચાર ભુજાવાળો, બે વામભુજામાં નકુલ અને સર્પ   અને બે દક્ષિણભુજામાં બિજોરું અને સર્પ ધારણ કરનારો પાર્શ્વ નામે યક્ષ શાસનદેવતા થયો. પાતાલલોકમાં તે   ધરણેન્દ્ર કે ધરણીધર શેષનાગ તરીકે પ્રખ્યાત થયો. તેણે પોતાના હાથમાં સ્વયં સર્પોના રાજા વાસુકિને ધારણ કરેલો છે, જે એનું પ્રભુત્વ વ્યક્ત કરે છે.

પ્રવીણચંદ્ર પરીખ