પાલખ : દ્વિદળી વર્ગના ચિનોપોડિયેસી કુળની એક વનસ્પતિ. તેની બે પ્રજાતિઓ છે : (1) Beta vulgaris Linn.; (2) Spinacia oleracea Linn.

[પાલખ-1] પ્રથમ પ્રજાતિને ‘બીટ’ પણ કહે છે અને તેની આર્થિક અગત્યને આધારે તેને બે જૂથમાં વહેંચવામાં આવે છે :

(I) સિસ્લા જૂથ : (i) ચાર્ડ અથવા સ્વિસ ચાર્ડ, (ii) બીટ પર્ણો (foliage beet) અથવા સ્પિનિજ-બીટ.

(II) ક્રૅસા જૂથ : (iii) સુગર-બીટ, (iv) બીટ મૂળ, ગાર્ડન-બીટ કે ટેબલ-બીટ, (v) મેન્ગલ અથવા મેનગોલ્ડ

સિસ્લા જૂથની જાતો પાલખની જાતો છે. તેનાં મૂળ માંસલ અને જાડાં હોતાં નથી; પર્ણોનો વિકાસ (આશરે 38 સેમી. લંબાઈ અને 25 સેમી. પહોળાઈ અથવા તેથી મોટાં) પુષ્કળ પ્રમાણમાં થાય છે. તે ઝાલરદાર (ruffled) કે કરચલીવાળાં (puckered); અને ઘણી વાર ખૂબ રંગીન હોય છે. તેના પર્ણદંડો અને મધ્ય શિરાઓ જાડાં હોય છે.

ક્રૅસા જૂથમાં મૂળ ટૂંકાં કે લાંબાં, ખોરાક-સંગ્રહી, જાડાં, સફેદ, પીળાં, ગુલાબી કે રતાશ પડતાં જાંબલી હોય છે.

વિલાયતી પાલખ (સ્પિનૅશિયા ઓલેરૅશિયા)

(i) ચાર્ડ (બં. બીટ પાલંગ, પાલંગ; હિં. બીજપાલક, પાલક, સાદા પાલક, વિલાયતી પાલક) એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ શાકીય લગભગ 70 સેમી. ઊંચી જાત છે. તેનાં પર્ણો અંડાકાર અને લાંબા પર્ણદંડવાળાં હોય છે; પુષ્પો સફેદ હોય છે અને પાતળી લાંબી શૂકી (spike) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. આ જાત ભારતમાં સામાન્ય રીતે વવાતી નથી; છતાં ઉત્તર ભારતનાં સપાટ મેદાનો અને ટેકરીઓવાળા પ્રદેશોમાં વાવવાની ભલામણ કરવામાં આવે છે.

જાતો : કૂણાં, માંસલ, ઊંચી ગુણવત્તા ધરાવતાં પર્ણોની દરેક કાપણી પછી નવાં પર્ણોનો ફાલ જલદી આવતો હોય અને જેમાં બીજનિર્માણ મોડેથી થતું હોય તે જાત સારી ગણાય છે. ભારતમાં ઑલગ્રીન, પુસા પાલક, પુસા જ્યોતિ, પુસા હરિત, જૉબ્નર ગ્રીન, એચ.એસ.23, પાલખ નં. 51-16, બૅનરજી જાયન્ટ, પંત કંપોઝિટ વગેરે જાતો ઉગાડવામાં આવે છે.

વાવેતર : તાપમાન અતિશય નીચું કે ઊંચું જતું ન હોય તેવા વિસ્તારમાં આખું વર્ષ ઉગાડી શકાય છે; પરંતુ આ પાકમાં ઊંચા તાપમાને ઉત્સ્ફુટન (bolting) થવાથી એક જ વાર કાપણી થઈ શકે છે, જેથી ઉત્પાદન ઓછું મળે છે. શિયાળા દરમિયાન લાંબા સમય સુધી કાપણી લઈ શકાતી હોવાથી વધુ ઉત્પાદન મળે છે.

પાલખ સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય, પરંતુ ચીકાશવાળી ગોરાડુ જમીન ઉત્તમ ગણાય છે. સાધારણ આલ્કેલાઇન કે ક્ષારવાળી જમીનમાં પણ તે થઈ શકે છે.

પાલખને વર્ષમાં ઘણી વાર ઉગાડી શકાય છે; પરંતુ મુખ્ય પાક તરીકે સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમિયાન ઉગાડવામાં આવે છે.

બે હરોળ વચ્ચે 20થી 30 સેમી. અંતરે તેની વાવણી થાય છે. છુટ્ટી વાવણી (broad cast sowing) દ્વારા કે 15થી 20 સેમી.ના અંતરે હરોળમાં તેને ઉગાડાય છે. છુટ્ટી વાવણીમાં વાવેતર માટે 30થી 35 કિગ્રા./ હેક્ટર અને હરોળમાં વાવેતર કરવા 20થી 25 કિગ્રા./ હેક્ટર બીજ જરૂરી હોય છે.

લણણી : છુટ્ટી વાવણીથી ઉગાડેલ પાકમાં કુમળાં પાનવાળા આખા છોડ જ ઉપાડી તેની ઝૂડીઓ બનાવીને અથવા વજન ઉપર વેચાણ કરવામાં આવે છે; જ્યારે હરોળમાં વાવેલ છોડમાંથી પાનની કાપણી કરી વેચાણ કરવામાં આવે છે. શરૂઆતમાં રોપણી પછી 3થી 4 અઠવાડિયાં બાદ અને ત્યારપછી દર 15થી 20 દિવસે કાપણી કરી શકાય છે. જાત પ્રમાણે 4થી 6 કે 6થી 8 કાપણી મળે છે. કાપણી પદ્ધતિ દ્વારા 8થી 10 ટન/પ્રતિહેક્ટર ઉત્પાદન મળે છે.

સારણી-1 : બીટના કેટલાક પાકોનું રાસાયણિક બંધારણ (પ્રતિ 100 ગ્રા.)

ચાર્ડ પર્ણો પર્ણો બીટ મૂળ

મૂળ તાજું

પ્રવેગિત મૅન્ગલ પર્ણ મૂળ
પાણી ગ્રા. 91 88.4 87.7 1.0 92.1 90.8
પ્રોટીન ગ્રા. 2.8 3.4 1.7 24.4 13.0 1.3
લિપિડ ગ્રા. 0.4 0.8 0.1 2.0 2.8 0.1
N-મુક્ત નિષ્કર્ષ ગ્રા. 4.0 6.5 8.8 66.6 60.6 6.0
રેસો ગ્રા. 0.8 0.7 0.9 2.0 6.1 0.8
ભસ્મ ગ્રા. 1.2 2.2 0.8 4.0 17.5 1.0
કૅલ્શિયમ મિગ્રા. 105 380 18 260 20
ફૉસ્ફરસ મિગ્રા. 36 30 55 400 20
આયર્ન મિગ્રા. 2.5 16.2 1.0
કૅરોટિન, આઈ.યુ. 8720 9776 0.0
થાયેમીન મિગ્રા. 0.1 0.26 0.04
રાઇબોફ્લેબિન મિગ્રા. 0.2 0.56 0.09
નાયેસિન મિગ્રા. 0.4 3.3 0.4
વિટામિન ‘સી’ મિગ્રા. 38 70 10
કૅલરી, K cal 27 46 43 335

પર્ણોનો સ્પિનિજની જેમ ઉપયોગ થાય છે. પર્ણોનું રાસાયણિક વિશ્વેષણ સારણી-1માં આપવામાં આવ્યું છે. પર્ણોમાંથી તૈયાર કરેલ સાંદ્રક (concentrate) 91.3 % શુદ્ધ પ્રોટીન ધરાવે છે. તેના આવશ્યક ઍમિનોઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : આર્જિનિન 6.4 %, હિસ્ટિડીન 1.3 % અને લાયસીન 5.6 %. પર્ણો ફૉલિક ઍસિડ 320-1000 માઇક્રોગ્રા./100 ગ્રા. ધરાવે છે. પર્ણો અને પર્ણદંડો ત્રણ સુવાસિત ઘટકો, 3-આલ્કાઇલ-2-મિથૉક્સિપાયરેઝીનો (જ્યાં આલ્કાઇલ મૂલક તરીકે આઈસોપ્રોપાઇલ, આઇસોબ્યુટાઇલ અને સૅક-બ્યુટાઇલ હોય છે, સામાન્ય ફૅટી ઍસિડો અને અનેક મુક્ત ઍમિનોઍસિડોની હાજરી નોંધાઈ છે. સ્વિસ ચાર્ડ ગલગંડજનક (goitrogenic) હોઈ શકે છે. છોડ સક્ષમ સેલેનિયમ શોષક હોવાથી ઉપભોક્તા માટે જોખમરૂપ સિદ્ધ થઈ શકે તેમ હોય છે. પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે ચાર્ડ અન્ય પાકો કરતાં વધારે પ્રમાણમાં ધાતુનું શોષણ કરે છે, તેથી ચુનાયુક્ત પંક દ્વારા વારંવાર ભૂમિઉદ્ધાર (reclamation) કરવો જરૂરી છે.

ચાર્ડનો લગભગ સંપૂર્ણત: શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તેના જાડા પર્ણદંડો અને મધ્યશિરાઓનો કઢી બનાવવામાં કે તેનો રાંધવામાં અને માખણ સાથે ઉપયોગ છે. કેટલીક વાર તેમનો સૂપને સુવાસિત કરવામાં ઉપયોગ થાય છે. પાલખ-પનીર સારી હોટલોમાંનું પ્રચલિત શાક છે.

પાલખનું શાક પચવામાં સહેલું હોવાથી માંદા માણસને આપવામાં આવે છે. રેસાનું પ્રમાણ વધારે હોવાથી જઠર અને આંતરડાને સ્વચ્છ રાખે છે. વળી વિટામિન ‘એ’ અને લોહતત્વ જેવાં ખૂબ જ ઉપયોગી પોષકતત્વોનું પ્રમાણ વધારે હોય છે. પાલખ, કોબીજ અને ટામેટાંના મિશ્રણથી બનાવેલો સૂપ ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત હોય છે.

આહારનિષ્ણાતોએ રોજિંદા ખોરાકમાં વ્યક્તિદીઠ દરરોજ 300 ગ્રા. શાકભાજીમાં 100 ગ્રા. લીલાં પાંદડાવાળી શાકભાજીનો સમાવેશ કરવા ભલામણ કરેલ છે.

(ii) બીટ પર્ણો અથવા સ્પિનિજ બીટ

‘બીટ-પર્ણો’ કે ‘સ્પિનિજ-બીટ’ નામો બજારમાં ગાર્ડન-સ્પિનિજ (Spinacia oleracea Linn.) અને ગાર્ડન-બીટ માટે પણ વાપરવામાં આવે છે. બીટ-પર્ણો કે સ્પિનિજ-બીટ(બં. બીટપાલંગ, હિં. દેશી પાલક, સં. પાલક્ય)ની જાત ટટ્ટાર કે જમીન પર પથરાતી, સ્થાનિક, એકવર્ષાયુ, 30થી 190 સેમી. ઊંચી જાત છે અને શાકભાજીના પાક તરીકે વાવવામાં આવે છે. તેનું પ્રકાંડ નક્કર અને ખાંચવાળું હોય છે. પર્ણો હૃદયાકાર, અખંડિત, લાલ કે લાલ ટપકાં સાથે લીલા રંગનાં હોય છે.

સ્પિનિજ-બીટ ઉત્તર ભારતનાં સપાટ મેદાનોમાં શાકભાજી તરીકે પુષ્કળ પ્રમાણમાં વાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેનું વાવેતર ખાસ થતું નથી; પરંતુ બૅંગાલુરુમાં તેને ઉગાડવાના સફળ પ્રયત્નો થયા છે.

તેથી જુદા જુદા પ્રદેશોમાં અનેક સ્થાનિક જાતો સુલભ છે; પરંતુ શુદ્ધ જાતો જાણીતી નથી.  સારી જાતનાં લક્ષણોમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા નાજુક પર્ણો, પ્રત્યેક કાપણી (cutting) પછી સારું અને ઝડપી પુનર્જનન (regeneration) તથા વિલંબિત બીજનિર્માણનો સમાવેશ થાય છે. સારણી-2માં કેટલીક સુધારેલી જાતોનાં લક્ષણો આપવામાં આવ્યાં છે.

સારણી-2 : સ્પિનિજ બીટની કેટલીક વ્યાપારિક જાતોની લાક્ષણિકતાઓ

જાત ઉદભવ જમીનનો pH રંગ ખાદ્ય ભાગ

(સેમી.માં)

ગઠન કાપણીની સંખ્યા પાકનો

સમયગાળો

પર્ણોનું

સરેરાશ

ઉત્પાદન

કિઘ./હૅ.

નોંધ
1 ઑલ ગ્રીન IARI, 78 એકસરખો 15.5 x 10.0 રેસાવિહીન 56 સપ્ટે.ડિસે. 126.46
નવી દિલ્હી ઘેરો લીલો નાજુક
2 જૉબ્નર ગ્રીન S-No. 5માં 710 એકસરખો 24.0 x 15.5 જાડાં, રસાળ, નાજુક, 8 સપ્ટે.જાન્યુ. 251.69 અંતિમ કૃષિ-આબોહવા-
વિકૃત જાત, ઉદ્યાન, લીલો ઉગ્ર સુવાસ કીય પ્રદેશોમાં ઊગી
કૃષિ-વિભાગ, શકે છે. વિપુલ ઉત્પાદક
યુનિ. ઑવ્ ઉદેપુર,
જૉબ્નર કૅમ્પસ
3 S-No, 5 સ્થાનિક 710 એકસરખા 12.0 x 7.5 થોડાંક રેસાયુક્ત, 6 સપ્ટે.ડિસે. 98.05
(રાજસ્થાન) ઘેરા લીલાથી નાજુક
લીલો
4 પુસા જ્યોતિ IARI લીલો 24.0 x 15.5 રસાળ, જાડાં, 10 સપ્ટે.ફેબ્રુ. 483.1 સારી પુનર્જનનક્ષમતા
નવી દિલ્હી નાજુક પર્ણો વિલંબિત (bolting)
ઉચ્ચ પોષણમૂલ્ય

વનસ્પતિ-રસાયણ  સ્પિનિજ બીટનાં પર્ણોમાં ઍસ્કૉર્બિક ઍસિડ (40.9 મિગ્રા.) સારા પ્રમાણમાં (40.9 મિગ્રા.) હોય છે; ઉપરાંત કૅલ્શિયમ, આયર્ન (4.8 મિગ્રા.) અને રાઇબોફ્લેવિન હોય છે. બધી જ શાકભાજીઓમાં તે વિટામિન Aનો સૌથી સારો (25,000 આઈ. યુ.) સ્રોત છે. સ્પિનિજ બીટમાં આવશ્યક ઍમિનોઍસિડો (ખાસ કરીને લાયસીન) વિપુલ પ્રમાણમાં હોય છે.

પર્ણ પ્રોટીન સાંદ્રક (પર્ણોના શુષ્ક વજનના આધારે 8.8 %)માં અશોધિત પ્રોટીન 71.75 %, ઈથર નિષ્કર્ષ 7.3 %, ભસ્મ 14.5 %, આયર્ન 1.15 ગ્રા. અને ફૉસ્ફરસ 69.0 મિગ્રા./100 ગ્રા. હોય છે. તેનું જૈવિક મૂલ્ય 65.2 જેટલું હોય છે. પર્ણપ્રોટીન સાંદ્રકનું આવશ્યક ઍમિનોઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : મિથિયોનીન 1.7; કુલ લાયસીન 5.9 (પ્રાપ્ય 5.5) અને ટ્રીપ્ટોફેન 1.6 ગ્રા./16 ગ્રા. N (શુષ્કતાને આધારે) લીલાં પર્ણોમાં, કુલ ઑક્સેલેટ 13.82, દ્રાવ્ય ઑક્સેલેટ 11.34, કૅલ્શિયમ 133 અને ફૉસ્ફરસ 0.28 %. પર્ણો શુષ્કતાને આધારે નાઇટ્રોજન 2.27 % ધરાવે છે.

ભારતીય ઔષધચિકિત્સામાં બીટ બલ્ય તરીકે જાણીતી વનસ્પતિ છે અને યકૃત તથા બરોળના રોગોની ચિકિત્સામાં ઉપયોગી છે. પર્ણો શીતન (cooling) અને રેચક હોય છે. તે દાઝ્યા ઉપર અને વ્રણ ઉપર લગાડવામાં આવે છે. બીજ શીતન અને સ્વેદક (diaphoretic) હોય છે.

[પાલખ-2] તેનું વૈજ્ઞાનિક નામ Spinacia oleracea Linn. (સં. પાલક્ય, મધુસૂદની; હિં. પાલક, ઇસ્ફનાજ; બં. પાલંગ, પિન્નિસ; મ. ગુ. પાલખ; તે. ડુમ્પાબછાલી, મેટ્ટુરબછાલી; ક. મુકુંદનગીડ, પાલક્ય, સ્પિનિજસાંપ્યુ; ઉડિયા મીઠા પાલંગ; પં. પાલક, ઇસ્ફનાક; ફા. અ. અસ્પનાખ; અં. ગાર્ડન સ્પિનિજ છે.) તે દ્વિદળી વર્ગમાં આવેલી ચિનોપોડીએસી કુળની વનસ્પતિ છે.

તે ઉન્નત (erect), એકવર્ષાયુ, 30-60 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે અને 2100 મી.ની ઊંચાઈ સુધી સમગ્ર ભારતમાં ઉગાડવામાં આવે છે. તેનાં પર્ણો એકાંતરિત, અંડ-લંબચોરસ (ovate-oblong), વિવિધ રીતે ખંડિત, લીસાં, કોમળ અને રસાળ હોય છે.

તેનાં પુષ્પો એકલિંગી(unisexual), લીલાં નર પુષ્પો અગ્રસ્થ (terminal) ગોઠવાયેલાં હોય છે અને પર્ણવિહીન શૂકી (spike) ઉપર થાય છે. માદા પુષ્પો કક્ષીય (axillary) અને ગુચ્છમાં થાય છે. ફળ સખત, ચપટાં દૃતિ (utricle) પ્રકારનાં હોય છે. તેઓ કંટમય પ્રાવર જેવી રચનામાં આવરિત હોય છે. બીજ ઊર્ધ્વ (vertical) હોય છે.

તેની જાતો(varieties)ને બે જૂથોમાં વહેંચવામાં આવે છે : પહેલા જૂથમાં ત્રિકોણાકાર પર્ણો અને કાંટાળાં બીજ ધરાવતી અને બીજા જૂથમાં ગોળ પર્ણો અને લીસાં બીજ ધરાવતી જાતોનો સમાવેશ થાય છે. કેટલાક વૈજ્ઞાનિકો તેમને બે અલગ જાતિઓ (species) તરીકે ઓળખાવે છે. ભારતની આબોહવામાં ‘વર્જિનિયા સેવૉય’, ‘લૉંગ સ્ટૅન્ડિંગ બ્લૂમ્સડેલ’ અને ‘બૅનર્જી જાયન્ટ’ જાતો ઉગાડવામાં આવે છે.

ઊંચી ઉત્પાદનક્ષમતા, ઊંચું પોષણમૂલ્ય અને આબોહવા અને ભૂમિની વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂલન-ક્ષમતા માટે તે જાત જાણીતી છે. તે ઠંડી ઋતુમાં થતો શાકભાજીનો પાક છે. તેનું વાવેતર સ્વતંત્રપણે કે વટાણા અને કોબીજ સાથે મિશ્ર પાક તરીકે થાય છે. તે સપાટ મેદાનોમાં સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન અને ડુંગરાળ પ્રદેશોમાં ફેબ્રુઆરી-એપ્રિલમાં ઉગાડાય છે.

તે 15oથી 19o સે. તાપમાને સારી રીતે થાય છે; છતાં 7o સે. તાપમાન કે તીવ્ર હિમ-પ્રપાતને પણ સહન કરી શકે છે. લઘુદિવસી સ્થિતિમાં પર્ણોની વૃદ્ધિ સારી થાય છે. તેને ચીકાશવાળી ગોરાડુ કે માટી(silt)વાળી ભૂમિ ખૂબ અનુકૂળ હોય છે. રેતાળ ભૂમિમાં તેને ઉગાડવામાં આવે ત્યારે સેંદ્રિય પદાર્થો અને નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવામાં આવે છે. તે આલ્કેલાઇન ભૂમિમાં થઈ શકે છે; તેને ઍસિડિક ભૂમિ અનુકૂળ નથી.

તેની છુટ્ટી વાવણી થાય છે અથવા તેને હરોળમાં ઉગાડવામાં આવે છે. હરોળો વચ્ચેનું અંતર 30 સેમી. અને બે પાસપાસેના છોડ વચ્ચેનું અંતર 10 સેમી. જેટલું રાખવામાં આવે છે. વાવેતર માટે પ્રતિ હેક્ટરે 30થી 40 કિગ્રા. બીજની જરૂરિયાત હોય છે.

તે ટૂંકી ઋતુનો પાક છે અને વાવેતર પછી 6થી 8 અઠવાડિયાંમાં છોડ પર 5થી 6 પર્ણો હોય ત્યારથી પુષ્પનિર્માણ થાય ત્યાં સુધી કાપણી કરી શકાય છે. સપાટ મેદાનોમાં થતી જાતોનો વૃદ્ધિસમય લાંબો હોવાથી તેની કાપણી 3થી 4 વાર થઈ શકે છે. તેનું ઉત્પાદન પ્રતિ હૅક્ટરે 60થી 100 ટન જેટલું થાય છે.

તેના ખાદ્ય ભાગ(87 %)ના રાસાયણિક બંધારણમાં ભેજ 92.1 %; પ્રોટીન 2.0 %; ચરબી 0.7 %; રેસા 0.6 %; ખનિજ દ્રવ્ય 1.7 %; અને કાર્બોદિતો 2.9 % હોય છે; ઉપરાંત, કૅલ્શિયમ 73 મિગ્રા.; ઑક્ઝેલિક ઍસિડ 84 મિગ્રા.; પોટૅશિયમ 206 મિગ્રા.; લોહ 10.9 મિગ્રા.; ફૉસ્ફરસ 21 મિગ્રા.; સોડિયમ 58.5 મિગ્રા.; તાંબું 0.01 મિગ્રા.; સલ્ફર 30 મિગ્રા; અને ક્લોરિન 54 મિગ્રા./100 ગ્રા. હોય છે. નિર્જળ પર્ણોમાં અન્ય ખનિજો, નિકલ 0.42 મિગ્રા.; મગેનીઝ 9.61 મિગ્રા.; મોલિબ્ડેનમ 0.08 મિગ્રા.; જસત 13.53 મિગ્રા. અને સ્ટ્રૉન્શિયમ 0.077 મિગ્રા., કોબાલ્ટ 0.007થી 0.12 મિગ્રા./100 ગ્રા. હોય છે. સેલેનિયમ અને આયોડિન 20.1 માઇક્રોગ્રામ/100 ગ્રા. હોય છે.

પાલખ ખનિજદ્રવ્યો, વિટામિન ‘બી’ સંકુલ, ઍસ્કૉર્બિક ઍસિડ, વિટામિન ‘કે’ અને કૅરોટિનનો સારો સ્રોત ગણાય છે. તેનાં પર્ણોમાં વિટામિન ‘એ’ 9,300 આઈ. યુ.; થાયેમિન 0.03 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.07 મિગ્રા.; નિકોટિનિક ઍસિડ 0.5 મિગ્રા. અને ઍસ્કૉર્બિક ઍસિડ 28 મિગ્રા./100 ગ્રા. તથા ફૉલિક ઍસિડ 0.12 મિગ્રા./100 ગ્રા. હોય છે.

પર્ણોમાં કુલ ઑક્ઝેલેટ 1.014 % હોય છે; તે પૈકી દ્રાવ્ય ઑક્ઝેલેટ 0.96 % હોય છે. તેનું પ્રમાણ ઊંચું હોવાથી ખોરાકમાં કૅલ્શિયમ લગભગ અપ્રાપ્ય બને છે. તેથી નાનાં બાળકો, ગર્ભવતી સ્ત્રી અને કૅલ્શિયમની ઊણપ ભોગવતા દર્દીઓને તેની ભાજી આપવામાં આવતી નથી.

પર્ણોનો ખાદ્ય ભાગ પાણી 92.5, સ્ટાર્ચ 0.27, સેલ્યુલોઝ 0.64, લિગ્નિન 0.13 અને કુલ આહારિક રેસા 2.3 ગ્રા./100 ગ્રા. ધરાવે છે.

પાલખના રસના જલાપઘટક(hydroysate)માંથી ફ્લેવોનૉઇડ એગ્લાયકોનોને અલગ કરી, તેમને શુદ્ધ કરવામાં આવ્યા છે; જેમાં 5, 4-ડાઇહાઇડ્રૉક્સિ- 3′,3′-ડાઇમિથૉક્સિ6, 7-મિથિલીનડાયૉક્સિફ્લેવૉન (C18H14O8); 3, 5, 7, 4-ટેટ્રાહાઇડ્રૉક્સિ-6, 3′-ડાઇમિથૉક્સિફ્લેવૉન અને 3, 5, 7, 3′, 4′-પેન્ટાહાઇડ્રૉક્સિ-6-મિથૉક્સિફ્લેવૉનનો સમાવેશ થાય છે.

ફ્લેવોનૉઇડો – પાલખ વિપુલ પ્રમાણમાં ફ્લેવોનૉઇડો ધરાવે છે. ક્વિર્સેટિન, માયરિસેટિન, કૅમ્પ્ફેરૉલ, એપિજેનિન, લ્યુટિઓલીન, પેટુલેટિન, સ્પાઇનેસેટિન, જે સેઇડીન, 4′-ગ્લુક્યુરોનાઇડ, 5′, 3′, 4′-ટ્રાઇમિથૉક્સિ-6 : 7-મિથિલીન ડાયૉક્સિફ્લેવૉન-4′-ગ્લુક્યુરોનાઇડ, 5, 4′-ડાઇહાઇડ્રૉક્સિ-3, 3-ડાઇમિથૉક્સિ-6:7 મિથિલીનડાયૉક્સિફ્લેવૉન-4′-ગ્લુક્યુરોનાઇડ, 54′-ડાઇહાઇડ્રૉક્સિ-3, 3′-ડાઇમિથૉક્સિ-6, 7, મિથિલીન-ડાયોક્સિફ્લેવૉન (C18H14O8), 3, 5, 7, 3′, 4-પેન્ટાહાઇડ્રૉક્સિ-6-મિથૉક્સિફ્લેવૉન.

ફીનૉલીય સંયોજનો : પૅરા-કાઉમેરિક ઍસિડ, ફેરુલિક ઍસિડ, ઓર્થો-કાઉમેરિક ઍસિડ.

કૅરોટિનૉઇડો  સ્પિનિજમાં લ્યુટીન, b-કૅરોટીન, વાયોલેઝેન્થિન અને 9′-(z)-નીઓઝેન્થિન હોય છે.

વિટામિન  વિટામિન A (-કૅરોટિન સ્વરૂપે) ઘણી ઉચ્ચ સાંદ્રતાએ સ્પિનિજમાં હોય છે. ઉપરાંત, તે વિટામિન E, C અને K તથા ફૉલિક ઍસિડ અને ઑક્ઝેલિક ઍસિડ ધરાવે છે.

ખનિજો  સ્પિનિજમાં મૅગ્નેશિયમ, મગેનીઝ, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, આયર્ન, ઝિંક, કૉપર અને પોટૅશિયમ હોય છે.

પાલખમાં કૅલ્શિયમની જૈવપ્રાપ્યતા (bioavailability) 100 % કૅલ્શિયમની તુલનાએ 47 % જેટલી હોય છે.  રાંધેલો પાલખનો નમૂનો પાણી 91.7 %, ઝિંક 1.16 મિગ્રા., આયર્ન 4.14 મિગ્રા. અને કૉપર 0.17 મિગ્રા./100 ગ્રા. ધરાવે છે.

પાલખના પ્રોટીનનું પાચન કેસીન કરતાં વધારે ધીમા દરે થાય છે. આવશ્યક ઍમિનોઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : આર્જિનીન 5.4 %, હિસ્ટડીન 1.8 %, લાયસીન 5.8 %, ફિનાઇલ ઍલેનીન 5.8 %, મિથિયોનીન 1.8 %, થ્રિઓનીન 4.6 %, લ્યુસીન 8.2 %, આઇસોલ્યુસીન 4.2 % અને વેલાઇન 6.0 %. પાલખમાં  ઍલેનીન, ઍસ્પાર્ટિક ઍસિડ, સેરીન, સિસ્ટીન અને ટ્રિપ્ટોફૅન પણ હોય છે.

પર્ણો હિસ્ટેમીન (N-N-ડાઇમિથાઇલહિસ્ટેમીન, ટ્રાઇમિથાઇલહિસ્ટેમીન અને N-ઍસિટાઇલહિસ્ટેમીન), ઍસિટાઇલકોલીન અને સ્ટેરૉલો [(શુષ્કતાને આધારે 0.05 – 0.18 %), મુક્ત અને ઍસ્ટરીકૃત (મુખ્યત્વે -સ્પાઇનેસ્ટેરૉલ, 7-સ્ટિગ્મેસ્ટેરૉલ અને કોલેસ્ટેરૉલ પણ હોય છે.)] ધરાવે છે. તાજાં પર્ણોમાં કુલ ફ્લેવિનના 10-25 % મુક્ત ફ્લેવિન તરીકે જોવા મળે છે. પેટુલેટિન, ક્વિર્સેટિન (0.019 મિગ્રા./ગ્રા.), 6-(હાઇડ્રૉક્સિમિથાઇલ)-લ્યુમેઝીન, 3-હાઇડ્રૉક્સિટાયરેમીન, રુટિન (17 મિગ્રા./100 ગ્રા.), સેપૉનિન, કૅટેચૉલ અને હૅક્ઝાડેકા-7, 10, 13ટ્રાઇઇનૉઇક ઍસિડ પણ હોય છે. લિપિડો 2-7 % ફૉસ્ફૅટીડો ધરાવે છે. આ ફૉસ્ફેટીડોમાં લેસિથિન, કોલેમીન, સિફેલિન અને ફૉસ્ફેટિડીલ ગ્લીસરૉલનો સમાવેશ થાય છે. પર્ણોમાં પૉલિફીનૉલ ઑક્સિડેઝ વિપુલ પ્રમાણમાં હોય છે.

બીજ 3.1 % જેટલું ઘેરું લીલું મેદીય તેલ ઉત્પન્ન કરે છે. તે મિરિસ્ટિક, પામિટિક, સ્ટીઅરિક, ઑલેઇક અને લિનોલૅઇક તથા C16 અને C20 અસંતૃપ્ત ફેટી ઍસિડ ધરાવે છે. બીજમાં ગ્લાયકોપ્રોટીન-બંધિત હૅક્ઝોસૅમાઇન હોય છે.

પ્રણાલિકાગત (traditonal) ઉપયોગો : વનસ્પતિ મધુર, શીતન, વાતાનુલોમક (carminative), મૃદુ રેચક (laxative), વિષરોધી (alexipharmic) છે. તેનો રુધિર અને મગજના રોગો, દમ, કુષ્ઠ (leprosy), પિત્તદોષ (biliousness)માં ઉપયોગ થાય છે. તેનાથી કફ થાય છે. તેનો પથરીની ચિકિત્સામાં ઉપયોગ કરવામાં આવે છે. તે અલ્પગ્લુકોઝરક્ત (hypoglycemic) ગુણધર્મ ધરાવે છે.

પર્ણો શીતન, મૃદુકારી (emollient), જ્વરહર (antipyretic), પથ્યકર (wholesome), મૂત્રલ (diuretic), પરિપાકી (maturant), મૃદુ, રેચક, સુપાચ્ય (digestible), કૃમિહર (anthelmintic) હોય છે. તેનો મૂત્રીયકણિકાશ્મરી (urinary concretion), ફેફસાં અને આંતરડાનો સોજો, ગલદાહ (sore throat), સાંધાનો દુ:ખાવો, તૃષા, કટિશૂળ (lambago), શરદી, છીંકો આવવી (sneezing), આંખોમાં બળતરા, દાદર, ખસ, ખૂજલી, સફેદ દાગ (leucoderma), વાયુવિકાર (flatulence) અને જ્વરમાં ઉપયોગ થાય છે.

બીજ તાવ, શ્વેતપ્રદર (leucorrhoea), મૂત્રસ્રાવ, કટિશૂળ, મગજ અને હૃયના રોગો(યુનાની)માં ઉપયોગી છે. બીજ મૃદુરેચક અને શીતન હોય છે. તેનો શ્વાસની તકલીફોમાં, યકૃતના સોજામાં અને કમળામાં ઉપયોગ થાય છે. મૂત્રીય અશ્મરી માટે લીલો છોડ આપવામાં આવે છે.

ઔષધગુણવિજ્ઞાન (pharmacological) ગુણધર્મો  :

પાલખના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે : ગેમા વિકિરણ સામે રક્ષણ, પ્રતિ-ઉપચાયી (anti-oxidant), સસ્તની DNA પોલિમરેઝનો પ્રતિરોધ (inhibition), સલ્ફાઇટ ઑક્સિડેઝ સક્રિયતા, યકૃતસંરક્ષી (hepatoprotective), ખંડજનકતા (clastogenisity) પ્રતિરોધ, પ્રતિકૅન્સર (anticancer), CNS-અવસાદક [(CNS-central Nervous System) depressant] માનવજઠરીય ગ્રંથ્યાર્બુદ (adenocarcinome) કોષોના વિપુલોદભવન-(proliferation)નો પ્રતિરોધ, કૃમિહર સક્રિયતા, પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial).

તેનો સૂપ અને સૅલાડ બનાવવામાં ઉપયોગ થાય છે. તે ક્લોરોફિલ નિર્માણ માટેનું કાચું દ્રવ્ય ગણાય છે. તેમાં રહેલા લિપિડ પ્રતિજીવાણુક ગુણધર્મો ધરાવે છે.

આયુર્વેદ અનુસાર, પાલખ તીખી, મધુર, પથ્યકર, શીતળ, રુક્ષ, ખારી, વાતલ, ગ્રાહક, ભેદક, તર્પણ, પિત્તકર, ગુરુ, વિષ્ટંભકારક અને સ્વાદુ હોય છે અને રક્તપિત્ત, કફ, મદ, શ્વાસ અને વિષદોષનો નાશ કરે છે.

બળદેવભાઈ પટેલ

રમણભાઈ પટેલ