પાર્શ્વનાથ (મૂર્તિવિધાન)

April, 2024

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન) : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જૈન ધર્મના સૌથી મોટા તીર્થંકરોમાંના એક છે. એમની મૂર્તિઓ લગભગ દરેક દેરાસરમાં દૃષ્ટિગોચર થાય છે. પૂજન માટેની ધાતુમૂર્તિઓ તો સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એમાં પરિકરયુક્ત બેઠેલી એટલે કે આસનસ્થ અન પરિકર સહિત કે પરિકર –રહિત પણ સર્પના છત્રવટાવાળી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી પ્રતિમાઓ પણ પ્રાપ્ત થાય છે. પાર્શ્વનાથનું મૂર્તિવિધાન વિગતપૂર્વક પ્રાપ્ત થાય છે. તેઓ સર્પના લાંછનવાળી નીલવર્ણી છે. તેમનું લાંછન નાગ-સર્પ છે તે સર્વવિદિત છે. શિલ્પમાં પાર્શ્વનાથના મસ્તક પર નાગફણા હોય છે. આ ફણા કવચિત્ ત્રણ, સાત, નવ, અગિયાર પણ હોય છે. જોકે જુદા જુદા ગ્રંથોમાં ફણાની સંખ્યા જુદી જુદી બતાવેલી હોય છે. મૂર્તિમાં આગળ ભદ્રપીઠ પર મધ્યમાં સર્પનું લાંછન અંકિત હોય છે. તેના યક્ષ પાર્શ્વ કે ધરણેન્દ્ર છે અને યક્ષી પદ્માવતીદેવી છે. ચામરધારી તરીકે રાજા અજિતરાજ હોય છે. તેમને દેવદાર વૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું હતું તેથી શિલ્પમાં એ પણ બતાવાય છે. પાર્શ્વયક્ષના હાથમાં સર્પ હોય છે અને યક્ષિણી પદ્માવતીના વાહન તરીકે નાગ હોય છે. સર્પે પાર્શ્વનાથના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાથી એમના મૂર્તિવિધાનમાં નાગ-સર્પનું પ્રાધાન્ય દર્શાવાયું છે.

પ્રવીણચંદ્ર પરીખ