પાર્શ્વનાથ (. . પૂ. 877, વારાસણી; . . પૂ. 777, બિહાર) : જૈનોના તેવીસમા તીર્થંકર. તેમની માતા વામાદેવી હતાં અને પિતા કાશી રાજ્યના રાજા અશ્ર્વસેન હતા. તે ઉરગવંશના કાશ્યપ ગોત્રના હતા. આર્યેતર વ્રાત્યક્ષત્રિયોની નાગજાતિની સંભવત: એક શાખા ઉરગવંશ હતી. નાની વયમાં જ પાર્શ્ર્વે પોતાના પરાક્રમ અને વીરત્વનો પરિચય કરાવી દીધો હતો. ભરયુવાન વયે લગ્ન કર્યા વિના જ સંસારનો ત્યાગ કરી જૈન શ્રમણ બની તેમણે સંયમસાધના અને તપનો માર્ગ ગ્રહ્યો. લગભગ 30 વર્ષની ઉંમરે તેમને અહિચ્છત્ર શહેરની બહાર વનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી 70 વર્ષ સુધી જીવોને દુ:ખમુક્તિના માર્ગનો ઉપદેશ કરતા રહ્યા અને છેવટે પૂરાં સો વર્ષની ઉંમરે સમ્મેતશિખર પર્વત ઉપર નિર્વાણ પામ્યા.

પાર્શ્વનાથ (પરંપરાગત શિલ્પપ્રતિમા)

તેમના ચાતુર્યામ ધર્મનો નિર્દેશ જૈન આગમ ઉત્તરાધ્યયનસૂત્રમાં તેમજ બૌદ્ધ પિટકોમાં છે. યામ એટલે યમ (= વ્રત). તેમણે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચાર યમોનો ઉપદેશ આપ્યો. બ્રહ્મચર્યનો સમાવેશ અપરિગ્રહમાં જ કરી લેવામાં આવતો. પંચાગ્નિ તપ જેવા અજ્ઞાનભર્યા તપનો તેમણે વિરોધ કર્યો.

નાગદેવ, ધરણેન્દ્ર અને નાગદેવી પદ્માવતી પાર્શ્વનાથનાં ભક્ત શાસનદેવતાઓ છે. તેમણે અનેક અસામાન્ય વિપત્તિઓમાં પાર્શ્વ ભગવાનનું રક્ષણ કર્યું. પાર્શ્વપ્રભુની મૂર્તિમાં તેમના મસ્તક ઉપર નાગની ફણાઓનું છત્ર હોય છે. મૂર્તિમાં નીચેે નાગનું લાંછન (ચિહ્ન) હોય છે. જર્મન વિદ્વાન હર્મન યાકોબી અને અન્ય અર્વાચીન સંશોધકોએ પાર્શ્વની ઐતિહાસિકતા સ્થાપી છે અને સ્વીકારી છે. ભગવાન મહાવીરનાં માતાપિતા પાર્શ્વનાં અનુયાયીઓ હતાં એવા ઉલ્લેખો આગમોમાં છે. પાર્શ્વની પરંપરાના સ્થવિર શ્રમણોના ઉલ્લેખો પણ જૈન આગમો અને બૌદ્ધ પિટકોમાં છે.

નગીનભાઈ જીવણલાલ શાહ