પાર્શ્વચન્દ્રસૂરિ

January, 1999

પાર્શ્વચન્દ્રસૂરિ (. 1481; . 1546, જોધપુર) : પાર્શ્વચંદ્ર ગચ્છના સ્થાપક જૈનાચાર્ય. તે હમીરપુરના નિવાસી વીસા પોરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી વેલગ શાહના પુત્ર હતા. તેમની માતાનું નામ વિમલાદેવી હતું. તેમણે 1490માં નાગોરી તપાગચ્છના આચાર્યશ્રી સાધુરત્નસૂરિની પાસે દીક્ષા લીધી. તેમણે ટૂંકસમયમાં જ સંસ્કૃત અને પ્રાકૃતનું; ન્યાય અને વ્યાકરણનું અધ્યયન કરી 1498માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું. પોતાની વિશિષ્ટ યોગ્યતાને લીધે 1543માં તેઓ ગચ્છનાયક બન્યા. તેમણે 13 બાબતોની પ્રરૂપણા કરી નવા ગચ્છની સ્થાપના કરી. તેમનો ગચ્છ ‘પાર્શ્વચન્દ્ર ગચ્છ’ના નામથી જાણીતો થયો. તે તેમના સમયના પ્રભાવશાળી આચાર્ય હતા. તેમણે જીવન દરમિયાન નાનામોટા કુલ 171 ગ્રંથોની – ખાસ કરીને ગુજરાતી અને હિન્દીમાં  રચના કરી. આમાં ‘સાધુવંદના’, ‘ગૌતમ સ્વામીનો રાસ’, ‘ચારિત્રમનોરથમાલા’, ‘વીતરાગસ્તવન’, ‘આગમછત્રીસી’, ‘ગુરુ-છત્રીસી’, ‘પાખી-છત્રીસી’, ‘મુહપત્તી-છત્રીસી’, ‘ઉત્તરાધ્યયન-છત્રીસી’, ‘જિનપ્રતિભા’ જેવી રચનાઓનો સમાવેશ થાય છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા