પાર્વતીપરિણય (1400) : વામનભટ્ટ બાણે રચેલું સંસ્કૃત નાટક. લેખક વત્સગોત્રના બાણભટ્ટ એવું નામ ધરાવતા હોવાથી કાદંબરીના લેખક બાણભટ્ટ મનાઈ ગયેલા. પાછળથી તેમને આ મહાન લેખકથી જુદા પાડવા વામન એવો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ નાટક પાંચ અંકોનું બનેલું છે અને તેમાં શિવ-પાર્વતીનાં લગ્નની વાર્તા વર્ણવાઈ છે. પ્રસ્તાવનામાં નાંદી પછી નાટક અને લેખકનો નિર્દેશ સૂત્રધારના નટી સાથેના સંવાદમાં છે. પ્રથમ અંકમાં આકાશમાર્ગે નારદ પૃથ્વી પર અવતરણ કરી હિમાલય અને મેનાને મળે છે. નારદ તેમને તેમની ગંગાથી નાની પુત્રી ગૌરી માટે શિવ યોગ્ય વર છે એમ કહી ગૌરીને તપસ્વી શિવની સેવા માટે મોકલવાની સલાહ આપી વિદાય લે છે. બીજા અંકમાં અપ્સરા રંભા તારકાસુરના ભયની વાત શિવના તપોવન તરફ જતી સખી વાસંતિકાને કરે છે. એ પછી ઇન્દ્ર પોતાના પ્રધાન  બૃહસ્પતિ સાથે રાક્ષસોનો ત્રાસ દૂર કરવા શિવ પાર્વતી સાથે પરણે તે વિશે મંત્રણા કરી કામદેવને તે કાર્ય સોંપે છે. ત્રીજા અંકમાં નારદ ઇન્દ્ર અને બૃહસ્પતિ પાસે આવીને કામદેવે પત્ની રતિ અને મિત્ર વસંતની સહાયથી શિવને ચલિત કરવા આત્મઘાતી પ્રયત્ન કર્યો એની વિગતો આપે છે. મૂર્ચ્છામાંથી જાગેલી રતિને આકાશવાણીથી શિવ-પાર્વતીનાં લગ્ન વખતે કામદેવની પુનર્જીવન પ્રાપ્ત થવાની ભવિષ્યવાણી જાણવા મળે છે. અપ્સરા રંભા ઇન્દ્રને પાર્વતીએ શિવને પ્રાપ્ત કરવા તપ શરૂ કર્યાના સમાચાર આપે છે. ચોથા અંકમાં શિવ પાર્વતીના તપની ખબર પાર્વતીની સખીઓ પાસેથી મેળવવા નંદીને વેશપલટો કરાવી મોકલે છે. નંદી પાસેથી પાર્વતીના તપની ખબર મેળવી વેશ બદલેલા શિવ પાર્વતી પાસે પહોંચી આત્મનિંદા દ્વારા પાર્વતીના પ્રેમની પરીક્ષા કરી પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પાર્વતીનો સ્વીકાર કરે છે. વિધિપૂર્વક માગું કરવા સપ્તર્ષિઓને મોકલવાનું કહી શિવ વિદાય લે છે. પાંચમા અંકમાં હિમાલય પોતાના કંચુકી શિલાધરને લગ્નની તૈયારીઓ અને નિમંત્રણોની વાત કરે છે. નારદ ત્યાં આવી પહોંચે છે. કૌશિકી લગ્નપ્રસંગે પાર્વતીની કરવામાં આવેલી શોભાનું વર્ણન કરે છે. જાન લઈ આવી પહોંચેલા શિવનું હિમાલય સ્વાગત કરે છે. બૃહસ્પતિ લગ્નનો વિધિ કરાવે છે. કામને પુનર્જીવિત કરવા નારદ શિવને વિનંતી કરે છે. તે પુનર્જીવિત થતાં મંગલકામના સાથે નાટક સમાપ્ત થાય છે.

કાલિદાસના ‘કુમારસંભવ’ પર આધારિત, દિવ્ય પાત્રો ધરાવતું આ નાટક પાછળનાં સંસ્કૃત નાટકો જેવું જ ઊર્મિકાવ્ય ધરાવે છે.

અમૃત ઉપાધ્યાય