પાર્શ્વદેવ (બારમી સદી)

January, 1999

પાર્શ્વદેવ (બારમી સદી) : સંગીતના અગ્રણી શાસ્ત્રકાર. તેઓ દિગંબર જૈન આચાર્ય હતા. પિતાનું નામ આદિદેવ તથા માતાનું નામ ગૌરી હતું. એમનો સમય બારમી સદીના અંતથી તેરમી સદીની શરૂઆતનો ગણાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ એમનો સમય તેરમી સદીનો ઉત્તરાર્ધ છે. એમણે ‘સંગીતસમયસાર’ નામનો સંગીતવિષયક ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં નવ પ્રકરણ છે. અને તેમાં સ્વર, રાગ, વાદ્ય, તાલ, નૃત્ય વગેરે વિષયો પર એમણે શાસ્ત્રીય દૃષ્ટિકોણથી છણાવટ કરી છે. ગ્રંથનો નવમો અધ્યાય ‘વાદ-નિર્ણય’ અનુપમ ગણાય છે.

એમના ગ્રંથમાં ‘ગાણ્યાચે ઠાય ?’ ‘શરીરાચે ઠાય?’ વગેરે શબ્દો પણ આવતા હોવાથી તે મરાઠીભાષી સ્થળે રહેતા હોવા જોઈએ એવી એક માન્યતા છે. તેરમી સદીમાં શાઙર્ગદેવ-રચિત સંગીતના અધિકૃત ગ્રંથ ‘સંગીતરત્નાકર’ના ટીકાકાર સિંહભૂપાલે પોતાના ગ્રંથમાં પાર્શ્વદેવ તથા તેમના ગ્રંથ ‘સંગીતસમયસાર’ વિશે ઉલ્લેખો કર્યા છે, જે પરથી તેમના ગ્રંથની મહત્તા સિદ્ધ થાય છે.

પોતે જૈન ધર્મ પાળતા હોવા છતાં પાર્શ્વદેવે ઝાંઝ અથવા મંજીરાની જોડીને ‘શક્તિ’ તથા ‘શિવ’ની ઉપમા આપી છે. પોતાના પુસ્તકમાં એમણે સ્ફુરિત, કંપિત વગેરે સાત પ્રકારની ગમકનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. સંગીતના સપ્ત-સ્વરોના નામાભિધાન પર પણ એમણે સુંદર પ્રકાશ પાડ્યો છે.

તેઓ ‘શ્રુતિજ્ઞાન-ચક્રવર્તી’ તથા ‘સંગીતાકર’ની ઉપાધિઓ ધરાવતા હતા અને મહાદેવાચાર્યના શિષ્ય હતા.

બટુક દીવાનજી