પાર્કિન્સનનો રોગ : સ્નાયુઓના બળમાં ઘટાડો, આગળ નમીને લગભગ દોડતા હોય તેવી ચાલ અને કોઈ કાર્ય ન કરતા હોય ત્યારે થતી હાથની ધ્રુજારીવાળો રોગ. તેથી તેને સક્રિયક લકવો અથવા લકવાસમ પ્રકંપવા(paralysis agitans)ના નામે ઓળખવામાં આવે છે. 1817માં જેમ્સ પાર્કિન્સને તેને સૌપ્રથમ વર્ણવ્યો હતો. તેમણે એ વખતે નોંધ્યું હતું કે આ દર્દીઓમાં કંપવા, સ્નાયુના બળનો ઘટાડો, આગળ તરફ નમેલું ધડ, દોડતા હોય તેવી ચાલ હોવા છતાં તેમની સમજણ અને બુદ્ધિમાં કોઈ ઘટાડો થયેલો હોતો નથી. જ્યારે કોઈ ચોક્કસ કારણ વગર આ પ્રકારની તકલીફ થાય ત્યારે તેને પાર્કિન્સનનો રોગ કહે છે. પરંતુ ચેપ કે દ્રવ્યની ઝેરી અસરથી આ પ્રકારની તકલીફ થાય તો તેને પાર્કિન્સનતા કે પ્રકંપતા (parkinsonism) કહે છે.

કારણવિદ્યા : સામાન્ય રીતે તે પ્રૌઢાવસ્થા કે તે પછી જોવા મળે છે. તે ધીમે ધીમે વધે છે અને તેની તીવ્રતા લાંબા સમય સુધી વધ્યા કરે છે. તે 1 %થી 2 % કુટુંબોમાં જોવા મળે છે, પરંતુ મોટેભાગે તેના છૂટાછવાયા (sporadic) કિસ્સાઓ નોંધાયેલા હોય છે.

આ રોગનું કોઈ કારણ જાણમાં નથી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વભરમાં ફોન ઇકૉનૉમોના મસ્તિષ્કશોથ(encephalitis) નામના રોગનો વાવડ પ્રસર્યો હતો. તેના પછી જોવા મળેલો મગજનો વિકાર આ રોગનાં જ લક્ષણો ધરાવતો હતો. તે સમયે તેને મસ્તિષ્કશોથોત્તર (postencephitis) પાર્કિન્સનતા (parkinsonism) અથવા મસ્તિષ્કશોથોત્તર પ્રકંપતા (postencephatic parkinsonism) તરીકે ઓળખવામાં આવેલો. પાર્કિન્સનના રોગને નસોની દીવાલ જાડી થઈ જવાના ધમનીકાઠિન્ય (arteriosclerosis) નામના વિકાર સાથે કે મગજને થતી ઈજા સાથે કોઈ સંબંધ નથી. 1-મિથાયલ-4-ફિનાયલ-1, 2, 3, 6  ટેટ્રાહાઇડ્રોપાયરિડિન(MPTP)ના દ્રવ્યના આકસ્મિક ઇન્જેક્ષનથી જે ઝેરી અસર ઉદભવે છે તેમાં પાર્કિન્સનના રોગ જેવો વિકાર થાય છે. જોકે તેમાં થતી પેશીવિકૃતિ (histopathology) જુદા પ્રકારની હોય છે. તેને પણ પાર્કિન્સનતા કહે છે.

પેશીવિકૃતિ : આ રોગમાં પેશીમાં ઉદભવતી વિકૃતિને પૂરેપૂરી સમજી શકાઈ નથી. મગજની નીચે મસ્તિષ્ક-પ્રકાંડ (brain stem) નામનો ભાગ આવેલો છે. તેમાં કૃષ્ણદ્રવ્ય-વિસ્તાર (substantia nigra) અને નીલબિન્દુ-વિસ્તાર (locus ceruleus) નામના અનુક્રમે કાળા અને નીલા રંગના વિસ્તારો આવેલા છે. આ વિસ્તારોમાં કૃષ્ણવર્ણક (melanin) નામના રંગદ્રવ્ય (pigment) ધરાવતા ચેતાકોષો હોય છે. પાર્કિન્સનના રોગમાં આ કૃષ્ણવર્ણક ધરાવતા ચેતાકોષ નાશ પામે છે અને તેને સ્થાને રૂઝની પ્રતિક્રિયા રૂપે સ્નિગ્ધકોષિતા (gliosis) થઈ આવે છે. તે ઉપરાંત કોષોમાંના કોષરસ(cytoplasm)માં  ઇઓસિનરાગી અંત:પિંડો (inclusious) જોવા મળે છે. તેને લ્યુઇ(Lewy)ના પિંડો કહે છે : આમ, કાળો રંગ ધરાવતા ચેતાકોષોનો ઘટાડો, તે સ્થાને થયેલો સ્નિગ્ધ કોષો(glial cells)નો વધારો તથા કોષોમાં ઇઓસિનરાગી દ્રવ્યનો ભરાવો પાર્કિન્સનના રોગોમાં જોવા મળતી મુખ્ય પેશીવિકૃતિ છે. આ પ્રકારનો ફેરફાર તલીય ચેતાકેન્દ્ર(nucleus basalis)માં પણ જોવા મળે છે. મસ્તિષ્કશોથ પછી થતો પ્રકંપવા, MPTPની ઝેરી અસર તથા શાય-ડ્રેગરનું સંલક્ષણ જેવા વિકારોમાં લ્યુઇના પિંડો જોવા મળતા નથી.

લક્ષણો, ચિહનો અને નિદાન : આગળ નમી ગયેલું શરીર, સ્નાયુઓની અક્કડતા (stiffness), ધીમું હલનચલન, ચહેરા પરના ભાવોનું ન બદલાવું તથા જ્યારે કંઈક હેતુસરનું કાર્ય ન થતું હોય ત્યારે હાથની ધ્રુજારી  આ લક્ષણો અને ચિહનો દ્વારા સહેલાઈથી તેનું નિદાન થાય છે. દર્દી હેતુપૂર્વક હાથ હલાવે (કોઈ કાર્ય કરે) અથવા તો તે સંપૂર્ણપણે શાંત અને શિથિલ હોય ત્યારે હાથની ધ્રુજારી શમે છે. હાથની ધ્રુજારી તાલબદ્ધ હોય છે. સામાન્ય રીતે ધ્રુજારીની શરૂઆત એક હાથ કે પગમાં થાય છે અને ત્યારબાદ તે બીજા હાથ કે પગમાં જોવા મળે છે. સ્નાયુઓથી થતા હલનચલનને ચલન (kinesia) કહે છે. તેમાં ઘટાડો થાય છે તેથી તેને અલ્પચલન (hypokinesia) કહે છે. તેને કારણે મોં પરના ભાવ બદલાતા નથી, અવાજમાં એક જ પ્રકારનો સૂર નીકળે છે, શરીર આખાનું હલનચલન ધીમું બને છે અને ઊઠતાં-બેસતાં, જ્યારે અંગવિન્યાસ (posture) બદલાય ત્યારે જે પ્રકારનું હાથપગનું હલનચલન થતું હોય છે તે આ દર્દીઓમાં જોવા મળતું નથી. જ્યારે ધ્રુજારી ઓછી હોય છે ત્યારે દર્દી શિથિલન (relaxation) દ્વારા, હાથ-પગ હલાવીને કે હાથને ખીસામાં રાખીને છુપાવી શકે છે. ધ્રુજારી હાથ તથા મોં ઉપર વધુ જોવા મળે છે; પરંતુ તે પગ, જીભ, હોઠ, ડોકના સ્નાયુ તથા બંધ આંખની પલકોમાં પણ જોવા મળે છે. મોટેભાગે દર સેકન્ડે 4થી 5 કંપનો (tremors) થાય છે, પણ ક્યારેક તે વધીને 7થી 8 પણ હોય છે.

પાર્કિન્સનનો રોગ : પાર્કિન્સન રોગનો દર્દી. જુઓ (1) ચહેરાના સ્નાયુઓની અક્કડતાને લીધે ભાવશૂન્ય મહોરા જેવો ચહેરો, (2) આગળ તરફ ઝૂકેલું ધડ જાણે પોતાના ગુરુત્વ મધ્યબિંદુને પકડવા દોડતું શરીર, (3) આંગળીઓ વચ્ચે ટાંકણી કે સોયને ગોળ ગોળ ફેરવતા હોય તેવી ધ્રુજારી તથા (4) અક્કડ અને જમીન સાથે પાદ ઘસડાય તેવી નાનાં નાનાં પગલાંવાળી દોડતા હોય તેવી ચાલ.

આ રોગમાં ક્યારેય સંપૂર્ણ લકવો (paralysis) થતો નથી, પરંતુ સ્વૈચ્છિક હલનચલનમાં ઘટાડો જોવા મળે છે. ઊભા રહેવાના અંગવિન્યાસ માટેની જરૂરી સ્નાયુસજ્જતા(muscle tone)ના અભાવે દર્દી આગળ તરફ ઢળીને ઊભો રહે છે અને ચાલે ત્યારે ઝડપી, નાના અને જમીન સાથે ઘસાતાં પગલાંવાળી ચાલ ચાલે છે. તેથી જાણે વ્યક્તિ આગળ દોડતા તેના ગુરુત્વમધ્યબિંદુને પકડી પાડવા ઝડપથી દોડતો હોય તેવું દેખાય છે. શારીરિક તપાસ કરવાથી સ્નાયુબંધલક્ષી પરાવર્તી ક્રિયાઓ (tendon reflexes) અને પાદતલીય પરાવર્તી ક્રિયા (plantar reflex) સામાન્ય પ્રકારની છે તે જાણી શકાય છે. આ ઉપરાંત બધા જ પ્રકારની સંવેદનાઓ (sensations) પણ સામાન્ય હોય છે. દર્દીને સાંધા અને સ્નાયુઓમાં ઊંડે ઊંડે બેઠેલો દુખાવો થતો હોય છે; તેના સ્નાયુઓમાં અક્કડતા અને ધ્રુજારી વધતી જાય છે, જે પાછળથી વ્યક્તિને પોતાની સામાન્ય જરૂરિયાતો પૂરતું કાર્ય કરવામાં પણ અસમર્થ કરી દે છે. જોકે ક્યારેક તે અતિશય લાગણીઓના દબાણ હેઠળ ઝડપથી અને સક્ષમ રૂપે સંકુલ કાર્યો પણ કરી દે છે. જોકે આવી સક્ષમતા લાંબી ટકતી નથી. વળી ચિંતા, તણાવ, દુ:ખની લાગણી હોય ત્યારે તકલીફ વધે છે અને સંતોષની સ્થિતિમાં હોય ત્યારે દર્દીની તકલીફો પણ ઘટે છે. રોગનો વિકાર સતત વધતો હોવા છતાં યોગ્ય સારવાર સાથે દર્દી વર્ષો સુધી આનંદપૂર્ણ અને અસરકારક જીવન જીવી શકે છે.

પાર્કિન્સનના રોગમાં હમેશાં બૌદ્ધિક ક્ષીણતા (intellectual deterioration) જોવા મળતી નથી; પરંતુ તીવ્ર પાર્કિન્સનના રોગના વધુ ને વધુ કિસ્સાઓમાં દુર્મસ્તિષ્કતા(dementia)નો વિકાર થાય છે. તે અજાણપણે થાય છે. તેના શરૂઆતના લક્ષણ રૂપે દર્દી રાત્રિ સમયે સ્થળ કે સમયનું ભાન ગુમાવે છે. વધુ તીવ્ર વિકાર થાય ત્યારે અનેક પ્રકારના અવાજો કે દૃશ્યોની ભ્રમણા(hallucination) થાય છે. ઘણી વખતે લિવોડોપા નામની દવા વડે સારવાર કરવામાં આવે ત્યારે તે થઈ આવે છે.

નિદાનભેદ : એક પૂર્ણવિકસિત, આદર્શ લક્ષણોવાળા દર્દીમાં નિદાન કરવું મુશ્કેલ નથી; છતાં ઘણી વખત મગજની નસોના વિકારો, મગજને ઓછો ઑક્સિજન મળે તેવી અવસ્થાઓ તથા કેટલીક ધાતુઓની ઝેરી અસર થવાની સંભાવના વગેરેની ખાસ તપાસ કરવામાં આવે છે. મસ્તિષ્કશોથના રોગ પછી થતા પ્રકંપવાના વિકારમાં વધુ પડતી ઊંઘ આવવી, સભાન અવસ્થામાં ઘટાડો થવો તથા બેવડું દેખાવું વગેરે વિવિધ લક્ષણો જોવા મળે છે. ઘણી વખત પાર્કિન્સનનો રોગ અને મસ્તિષ્કશોથોત્તર પ્રકંપવાને એકબીજાથી અલગ પાડવાનું અઘરું પડે છે. રેઝરમિન અને ફિનોથાયેઝાઇન જૂથની દવાઓનો લાંબા સમયનો ઉપયોગ વિલંબિત દુષ્ચલન(tardy diskinesia)નું સંલક્ષણ ઉત્પન્ન કરે છે. તેનાં ઘણાં ચિહનો પાર્કિન્સનના રોગને મળતાં આવે છે. તેવી રીતે MPTPનું ઝેર પણ પાર્કિન્સનના રોગ જેવું નિદાનપ્રેરક ચિત્ર રજૂ કરે છે. કુસ્તીબાજોને વારંવાર માથા પર ફટકા પડવાથી મગજના કૃષ્ણદ્રવ્ય-વિસ્તાર(substanitia nigra)માં ઈજા થાય છે. મગજના ઐચ્છિક હલનચલનનું નિયંત્રણ કરતા ત્રિપાર્શ્વી ચેતાપથ(pyramidal tract)માં લોહીના પરિભ્રમણના વિકારોથી થતી ઈજા પણ પાર્કિન્સનના રોગ જેવું જ ચિત્ર રજૂ કરે છે. આ વિકારને ધમનીકાઠિન્યજન્ય પ્રકંપવા (arteriosclerotic parkinsonism) કહે છે. આમ વિવિધ અન્ય રોગ કે વિકારોને પાર્કિન્સનના રોગથી અલગ પાડીને તેમનું નિદાન કરવામાં આવે છે.

સારવાર : રોગના વિકાસને અટકાવવા કે પાછો વાળવા માટેની કોઈ સારવારપદ્ધતિ શોધાયેલી નથી; તેથી લક્ષણો અને તકલીફો ઘટાડવાના ઉપાયો યોજવામાં આવે છે. કસરત, સક્રિયતા તથા આરામ મળી રહે તેવી દૈહિક ચિકિત્સા (physical therapy) આપીને તંદુરસ્તી જાળવી રાખવાના ઉપાયો કરાય છે. બીજા કેટલાક લાંબા ગાળાના રોગોમાં જરૂર પડે છે તેમ આ રોગમાંયે લાગણીપોષક સારવારની જરૂર રહે છે.

દર્દીની જરૂરિયાત પ્રમાણે દવાઓની સારવાર અપાય છે. જો દર્દીને સ્થિર સ્થિતિમાં કંપવા થતો હોય તો ઍન્ટિકોલિનર્જિક જૂથની દવાઓ અપાય છે અને જો તેને હલનચલન સમયે કંપવા રહેતો હોય તો પ્રોપ્રેનોલોલ કે પ્રિમિડોન નામની દવા અપાય છે. લિવોડોપા નામની દવા હલનચલનમાં થતો ઘટાડો (અચલન, akinesia) તથા અંગવિન્યાસી અસંતુલન (postural imbalance) ઘટાડે છે. દર્દીને દવા આપવી કે નહિ તે નક્કી કરવા હોએન અને યારનો માપદંડ વપરાય છે. તેમાં રોગને 5 તબક્કામાં વહેંચવામાં આવેલો છે : (જુઓ સારણી 1.)

સારણી 1 : પાર્કિન્સનના રોગના તબક્કા

તબક્કો લક્ષણ અને ચિહ્ન
1. ડાબી અથવા જમણી એમ એક બાજુનો એકપાર્શ્વી (unilateral) વિકાર.
2. બંને બાજુનો-દ્વિપાર્શ્વી(bilateral) વિકાર, જેમાં અંગવિન્યાસ(posture) સામાન્ય હોય.
3. દ્વિપાર્શ્વી વિકાર, સામાન્ય અંગવિન્યાસી અસંતુલન (postural imbalance), પરંતુ દર્દી પોતાનું કાર્ય જાતે કરે.
4. દ્વિપાર્શ્વી વિકાર, વધુ તીવ્ર અસંતુલન, જેને કારણે દર્દીને મદદની જરૂર રહે.
5. તીવ્ર વિકાર, જેમાં દર્દી પથારી કે ઠેલણખુરસી(wheel chair)માં જકડાઈને પડેલો રહે.

પ્રથમ બે તબક્કામાં ઘણી વખત દવાની જરૂર પડતી નથી; ક્યારેક ઍન્ટિકોલિનર્જિક દવા કે એમેન્ટાડિન કે બંને અપાય છે. પાછલા ત્રણ તબક્કાઓમાં લિવોડોપા જરૂરી બને છે. સામાન્ય રીતે દવાની જે ઓછામાં ઓછી માત્રા(dose)થી તકલીફ ઘટે તે જ માત્રા અપાય છે. જરૂર પડ્યે તેમાં ધીમો અને ક્રમિક વધારો કરાય છે. ઍન્ટિકોલિનર્જિક દવા રૂપે ટ્રાઇહૅક્સિફેનિડાયલ, બેન્ઝટ્રોપિન, બાઇપેરિડિન અને પ્રોસાક્લિડિન વપરાય છે. ઓછી માત્રામાં આ દવાઓ ક્યારેક મોં સુકાવાની તકલીફ કરે છે. મોટી માત્રામાં તે માનસિક ગૂંચવણ, દૃષ્ટિ કે સ્પર્શની ભ્રમણા, ઝામરની તથા પેશાબને અટકાવી દેવાની તકલીફ કરે છે. વધુ ઝડપ સક્રિય કંપવાને અટકાવવા પ્રોપ્રેનોલોલ કે મેટોપ્રોલોલ જેવી બીટા એર્ડિનર્જિક દવા વપરાય છે. તે હૃદયના ધબકારા અને લોહીનું દબાણ ઘટાડે છે. પ્રોપ્રેનોલોલ ક્યારેક શ્વાસોચ્છ્વાસની તકલીફ કરે છે. પ્રાઇમિડોનમાં આ તકલીફો નથી અને તેથી હાલ સક્રિય કંપવા ઘટાડવા તેનો ઉપયોગ વધ્યો છે. એમેન્ટાડિન એક વિષાણુનાશક દવા છે. તેની પાર્કિન્સનના રોગમાંની ઉપયોગિતા આકસ્મિક રીતે જાણમાં આવી. તેની આડઅસરોમાં ચામડી પરના ફેરફારો, ઘૂંટી આગળ સોજો અને માનસિક ગૂંચવણ મુખ્ય છે. કેટલાક દર્દીઓમાં તેને લિવોડોપા સાથે આપવાથી વધુ ફાયદો થાય છે.

લિવોડોપા મગજના રોગગ્રસ્ત વિસ્તારોમાં ડોપામિનનું  પ્રમાણ વધારે છે અને તેથી 75 % દર્દીઓમાં અચલન(અને અસંતુલન)ની તકલીફો ઘટાડે છે. અચલન એટલે હલનચલનમાં ઘટાડો અને અસંતુલન એટલે ઊઠતાં બેસતાં પડી જવાની સંભાવના. લિવોડોપા આ બંને મુખ્ય તકલીફોને ઘટાડે છે. હાલ તે કાર્બિડોપા નામની દવા સાથે ભેળવીને અપાય છે, જેથી લિવોડોપાની જરૂરી માત્રા ઘટાડી શકાય છે. તેને કારણે ઊબકા અને ઊલટી જેવી આડઅસરો ઘટી ગઈ છે. હાલ લિવોડોપા મુખ્ય દવા બની ગઈ છે અને તેની સાથે જરૂર પડ્યે અન્ય દવાઓ બેન્ઝાટ્રોમિન, એમેન્ટોડિન કે બ્રોમોક્રિપ્ટીન ઉમેરાય છે. બ્રોમોક્રિપ્ટીન સામાન્ય રીતે લિવોડોપા સાથે અપાય છે; તેની આડઅસરો લિવોડોપાની આડઅસરો જેવી જ હોય છે.

મગજના અંદરના ભાગમાં ચેતક (thalamus) નામનો ચેતાકેન્દ્રોનો એક સામૂહિક વિસ્તાર આવેલો છે. તેના વક્ષપાર્શ્વી (ventrolateral) ભાગમાં, અથવા તો મગજના એક બીજા અલ્પરંજિત ચેતાગોલ (globus pallidus) નામના ભાગમાં શસ્ત્રક્રિયા વડે ઈજા કરવામાં આવે તો પાર્કિન્સનના રોગની ઘણી તકલીફો શમે છે. આ માટે ત્રિપરિમાણી શસ્ત્રક્રિયા(sterotaxic surgery)ની પદ્ધતિ વપરાય છે. મુખ્ય તકલીફો હોય તે બાજુના ચેતક કે સામેની બાજુના અલ્પરંજિત ચેતાગોલમાં સ્થાનિક ઈજા-વિસ્તાર (focal lesion) સર્જીને સારવાર કરવામાં આવે છે. જો કે તે માટે કયા દર્દીને વધુ લાભ થશે તે શોધી કાઢવું જરૂરી ગણાય છે, કેમ કે તેને કારણે ક્યારેક કાયમી પ્રકારની ઈજા થાય છે. ગર્ભમાંથી કૃષ્ણદ્રવ્ય-વિસ્તાર મેળવીને તેનું પ્રત્યારોપણ (transplantation) કરવાના સફળ પ્રયોગો થયેલા છે. તેવી જ રીતે દર્દીના પેટમાં આવેલી અધિવૃક્ક ગ્રંથિના મધ્યક(adrenal medulla)ની પેશીનું મધ્યમસ્તિકમાં પ્રત્યારોપણ કરાય છે. તેવી રીતે ડેપ્રિનિલ નામની એક દવા વડે રોગનો વિકાસ અટકાવવામાં પણ સફળતા મેળવવાના પ્રયોગો ચાલે છે.

વિવિધ પ્રકારની સારવારપદ્ધતિઓની ઉપલબ્ધિ છતાં મૂળભૂત વિકારચેતાકોષોની અપક્ષીણતા (neuronal degeneration) ઘટાડવામાં સફળતા મળી નથી. વળી તકલીફોમાં વધઘટના તબક્કાઓ પણ આવે છે. તેથી દવાની માત્રાને યોગ્ય રૂપની રાખવા માટે વારંવાર શારીરિક તપાસની જરૂર પડે છે. દૃષ્ટિ અને સ્પર્શની ભ્રમણા અને ક્રમશ: વધતી જતી દુ:મસ્તિષ્કતા માટે ખાસ સારવાર ઉપલબ્ધ નથી. આમ, હાલ ઉપલબ્ધ સારવારપદ્ધતિઓની પણ ઘણી મર્યાદાઓ છે.

શિલીન નં. શુક્લ

બશીર એહમદી