પાર્કિન્સનનો સિદ્ધાંત : કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે જેટલો સમય ઉપલબ્ધ હોય તેના પ્રમાણમાં કાર્યનો વિસ્તાર થયા કરે છે તેવું પ્રતિપાદન કરતો સિદ્ધાંત, આ સિદ્ધાંતની રજૂઆત કરનાર સિરિલ નૉર્થકોટ પાર્કિન્સન ઇતિહાસના પ્રાધ્યાપક હતા. લંડનના પ્રખ્યાત સામયિક ‘ધી ઇકૉનૉમિસ્ટ’માં તેમણે પોતાનું નિરીક્ષણ લેખ-સ્વરૂપમાં 1957માં પ્રગટ કર્યું. તેમણે પોતાનો લેખ બ્રિટિશ નૌકાદળ તથા કૉલોનિયલ ઑફિસમાં સ્ટાફનું નિરીક્ષણ કરેલું તેના આધારે લખ્યો હતો. તેમનાં નિરીક્ષણ અને રજૂઆત રમૂજી પણ સચોટ હતાં. તેમણે જણાવ્યું કે વધુમાં વધુ કાર્યશીલ વ્યક્તિ પાસે જ સમય હોય છે. તેથી આવી વ્યક્તિ જે કાર્ય થોડીક જ ક્ષણોમાં પૂરું કરી શકે તે કાર્ય અન્ય વ્યક્તિને કરતાં આખો દિવસ જાય. ઉદાહરણ તરીકે તેમણે જણાવ્યું કે એક પોસ્ટકાર્ડ લખી ટપાલમાં નાખતાં સાધારણ રીતે ત્રણ મિનિટ થાય, પણ જો એ જ કાર્ય એક કામધંધા વગરની વૃદ્ધા કરવાની હોય તો પોસ્ટકાર્ડ શોધવું, ચશ્માં શોધવાં, પોસ્ટકાર્ડ જેને લખવાનું હોય તેનું સરનામું શોધવું, પત્રમાં શું લખવું તેનો વિચાર કરવો, ટપાલપેટીમાં નાખવા જતાં છત્રી સાથે લઈ જવી કે નહિ તે વિચારવું વગેરેમાં આખો દિવસ પણ નીકળી જઈ શકે. આવા એક સીધા સાદા ઉદાહરણથી પ્રો. પાર્કિન્સને જણાવ્યું કે કાર્ય પૂરું કરવા માટે જેટલો સમય ઉપલબ્ધ હોય તેના પ્રમાણમાં કાર્યનો વિસ્તાર થાય છે; કારણ કે કાર્ય સમયની સરખામણીમાં સાપેક્ષ છે. બ્રિટિશ નૌકાદળ તથા કૉલોનિયલ ઑફિસમાં કામ ઘટતું ગયું; પણ 5 % થી 6 %ના દરે સ્ટાફ વધતો ગયો. આમ સ્ટાફની સંખ્યા વધવાને કામના પ્રમાણ સાથે સંબંધ નથી. પાર્કિન્સનના સિદ્ધાંત પ્રમાણે સ્ટાફમાં જે વધારો થવાનો હોય તે થાય જ. પછી કરવાનું કામ એટલું જ રહે કે ઘટે. એનું કારણ એ છે કે દરેક અધિકારીને તાબેદાર કર્મચારીઓ વધારીને પોતાની પ્રતિષ્ઠા વધારવામાં રસ હોય છે અને તાબેદાર કર્મચારીઓ પોતાના અસ્તિત્વને વાજબી ઠરાવવા માટે નવું અને નવું બિનજરૂરી કામ ઊભું કર્યા કરે છે. આથી એક જ કાર્ય કરવામાં સમય વધારે જાય છે. પ્રો. પાર્કિન્સને તેમનો સિદ્ધાંત અસલમાં સરકારી નોકરશાહીને અનુલક્ષીને પ્રતિપાદિત કર્યો હતો; પરંતુ તજ્જ્ઞો હવે આ સિદ્ધાંતનો ઉલ્લેખ ઔદ્યોગિક અને વ્યાપારી ગૃહોની નોકરશાહી તથા કોઈ પણ સંસ્થામાં ઉદભવતી આવા પ્રકારની પરિસ્થિતિ માટે પણ કરે છે.

સતીશ વોરા