પાર્કસ ઑબ્ઝર્વેટરી ઑસ્ટ્રેલિયા

January, 1999

પાર્કસ ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી આશરે 300 કિમી. પશ્ચિમે આવેલા પાર્કસથી 20 કિમી ઉત્તરે, સમુદ્રની સપાટીથી લગભગ 392 મી.ની ઊંચાઈએ આવેલી ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રેડિયો-ખગોળ વેધશાળા. તે ઑસ્ટ્રેલિયન નૅશનલ રેડિયો એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી તરીકે ઓળખાય છે. 1971 સુધી દુનિયામાં જે દસેક જેટલા મોટા-મોટા રેડિયો-ટેલિસ્કોપ અસ્તિત્વમાં હતા, તેમાં અહીંના 64 મી. વ્યાસના રેડિયો-ટેલિસ્કોપનો ક્રમાંક છઠ્ઠો હતો. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં તો એના પ્રકારની આ પહેલી જ રેડિયો-વેધશાળા હતી. એના પ્રથમ નિયામક તો હતા જે. જી. બોલ્ટન નામના ખગોળશાસ્ત્રી, પરંતુ વેધશાળા અને એના રેડિયો-ટેલિસ્કોપના નિર્માણમાં ઈ. જી. બૉવેનનો ફાળો નોંધપાત્ર હતો. આ 64 મી.ની ‘ડિશ’ (રકાબી) ધરાવતા ટેલિસ્કોપનું સ્થાપન (mounting) ઉદ્વિગંશક (altazimuth) પ્રકારનું છે. અત્યંત શક્તિશાળી આ રેડિયો-ટેલિસ્કોપ 7,52,110 સેમી. કે પછી 1.35  સેમી. જેવડી ટૂંકી તરંગલંબાઈએ પણ કામગીરી કરી શકે છે. 1961થી કાર્યરત આ ટેલિસ્કોપનું સંચાલન ઑસ્ટ્રેલિયન નૅશનલ ઍસ્ટ્રૉનૉમી ઑબ્ઝર્વેટરીના રેડિયો-ફિઝિક્સ ડિવિઝન અંતર્ગત `કૉમનવેલ્થ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન’ (CSIRO) દ્વારા થાય છે.

આ ટેલિસ્કોપ સ્વતંત્ર કામગીરી કરવા ઉપરાંત, 1988થી ન્યૂ સાઉથ વેલ્સમાં જ આવેલાં ત્રણ અલગ અલગ સ્થળોએ ગોઠવવામાં આવેલા સંખ્યાબંધ રેડિયો-ટેલિસ્કોપ કે જે સમૂહમાં ‘ઑસ્ટ્રેલિયા ટેલિસ્કોપ’ તરીકે ઓળખાય છે, તેની સાથે જોડાઈને એના એક ઘટક તરીકે પણ કામગીરી બજાવે છે. આવું એક સ્થળ નરરાબ્રી પાસે કુલગૂરા ખાતે આવેલી પાઉલ વાઇલ્ડ વેધશાળામાં આવેલું છે. અહીં 22 મી. વ્યાસના એવા કુલ છ તરંગગ્રાહકો (antennae) આવેલા છે; જે પૈકી પાંચ તરંગગ્રાહકો પૂર્વ-પશ્ચિમ પથરાયેલા રેલમાર્ગ પર 3 કિમી. સુધી સરકી શકે છે, જ્યારે છઠ્ઠું ઍન્ટેના ત્યાંથી પશ્ચિમે આવેલું છે, જે પણ 3 કિમી. લાંબા રેલમાર્ગ પર સરકી શકે છે. ‘ઑસ્ટ્રેલિયા-ટેલિસ્કોપ’નો બીજો વિભાગ, અથવા કહો કે સ્થળ, મોપરાથી 100 કિમી. દક્ષિણે, સાઇડિંગ સ્પ્રિંગ ઑપ્ટિકલ ઑબ્ઝર્વેટરી નજદીક આવેલું છે, જ્યાં 22 મી. વ્યાસનું સાતમું ઍન્ટેના આવેલું છે તો ત્રીજું સ્થળ (વિભાગ) પાર્કસથી 200 કિમી. દક્ષિણે આવેલું છે. આ બધા તરંગગ્રાહકો ભેગા મળીને દ્વારક સંશ્લેષણ (apperture synthesis) અને દીર્ઘ આધાર-રેખા વ્યતિકરણમિતિ(long base line interferometry)ના સિદ્ધાંત પર કામ કરે છે. આને કારણે રેડિયો-ટેલિસ્કોપની વિભેદન-ક્ષમતા (resolving power) વધીને કોઈ એક 300 કિમી. વ્યાસની ‘ડિશ’ (રકાબી) ધરાવતા અત્યંત શક્તિશાળી રેડિયો-ટેલિસ્કોપની સમકક્ષ થઈ જાય છે. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આ પ્રકારનો, આટલો શક્તિશાળી આ એકમાત્ર રેડિયો-ટેલિસ્કોપ છે.

પાર્કસ ઑબ્ઝર્વેટરીનો 64 મી. વ્યાસનો વિરાટ રેડિયો-ટેલિસ્કોપ

ખગોળશાસ્ત્રમાં અવનવાં સંશોધન અહીંથી થયાં છે. 1963માં સૌપ્રથમ વાર અહીંથી જ ક્વાસારની શોધ કરવામાં આવી હતી તો પલ્સારો તો જેટલા આજ સુધીમાં જ્ઞાત છે એમાંના અડધોઅડધ અહીંથી જ શોધાયા છે. 1971માં આંતર-તારાકીય અંતરિક્ષ(interstellar space)માં રહેલા થાયોફૉર્માલ્ડિહાઇડ અને ફૉર્માલ્ડિમાઇનના કાર્બનિક અણુઓ (carbonic molecules) પહેલવહેલા અહીંથી જ શોધી-કાઢવામાં આવેલા. એ પછી તો ઘણાબધા આંતરતારાકીય અણુઓ (interstellar molecules) અહીંથી શોધવામાં આવ્યા છે.

ખગોળશાસ્ત્રની જેમ, અંતરિક્ષ-સંશોધનમાં Deep Space Networkમાં એટલે કે અંતરિક્ષ-સંદેશાવ્યવહારમાં તથા દૂર દૂર ગયેલાં અંતરિક્ષયાનોનું પગેરું કાઢવા માટે પણ આ વેધશાળાનાં ઉપકરણો ઉપયોગી કામગીરી બજાવે છે. યુરેનસ અને નેપ્ચૂન ગ્રહોની નજદીક જતા ‘વૉયેજર2’ યાન વખતે તથા હૅલીના ધૂમકેતુના આગમન વખતે એની પાસે ગયેલા ‘જિઓટો’ (Giotto) અંતરિક્ષયાન વખતે એમને શોધીને જરૂરી આદેશ આપવાની અહીંના ટેલિસ્કોપની કામગીરી આનાં ઉદાહરણો છે.

સુશ્રુત પટેલ