પારસીઓનો કાયદો : જરથોસ્તી ધર્મના અનુયાયીઓ એટલે કે પારસીઓના સમાજમાં લગ્ન, લગ્નવિચ્છેદ, ઉત્તરાધિકાર આદિ બાબતોનું નિયમન કરતો કાયદો. તેમનાં ધર્મ, વતન અને પરંપરા પ્રમાણે તેમાં જરથોસ્તી સમાજની વિશેષતાઓ જોવા મળે છે. તે ‘પારસી લગ્ન અને લગ્નવિચ્છેદ ધારો 1936’  એ નામે ઓળખાય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિસ્તાર સિવાયના દેશના અન્ય સમગ્ર પ્રદેશોમાં તે લાગુ પડે છે.

પારસી કોમના લોકોની વસ્તી મુખ્યત્વે મહારાષ્ટ્રના મુંબઈ તથા પુણેમાં અને ગુજરાતના નવસારી, સૂરત, અમદાવાદ, વડોદરા, વલસાડ, બિલિમોરા તથા ઉદવાડામાં કેન્દ્રિત થયેલી છે. પરદેશોમાં તથા ભારતનાં અન્ય નગરોમાં પારસી વસ્તી છૂટીછવાઈ છે.

પારસી લગ્નધારા હેઠળ પારસી લગ્ન એટલે એવું લગ્ન જેમાં વર અને કન્યા બંને જરથોસ્તી ધર્મ પાળતાં હોય તથા વિધિ કરાવનારા ગોર પારસી દસ્તૂર કે મોબેદ હોય. પારસી સમાજમાં ધાર્મિક વિધિરહિત લગ્ન તેમજ વિધર્મી વ્યક્તિ સાથે લગ્ન પસંદ કરાતું નથી. મોટેભાગે એનો વિરોધ કરાય છે. આવા લગ્નથી જન્મેલા બાળકને જરથોસ્તી કે પારસી ગણવા કે નહિ તે સંબંધી તે કોમના લોકોમાં ઉગ્ર વિવાદ છે. બહુમતી મોબેદો આવાં સંતાનોની નવજોત વિધિ કરવા તૈયાર થતા નથી. નવજોત એ જરથોસ્તી ધર્મમાં પ્રવેશવિધિનો પ્રથમ સંસ્કાર છે. જોકે મોટાં નગરોમાં કેટલાક મોબેદો આ વિધિ કરે પણ છે. આ વિષયમાં પારસી પંચાયતો કે અંજુમનોમાં પણ એકમત જોવા મળતો નથી. વધુ પારસી વસ્તી ધરાવતાં સ્થળોએ પારસી અંજુમનો હોય છે. સમાજના પ્રશ્નો વિશે અંજુમને આપેલ નિર્ણય ઉથાપી શકાતો નથી. બહુમતી અંજુમનો પારસી સ્ત્રી અને વિધર્મી પુરુષનાં સંતાનને જરથોસ્તી ધર્મમાં પ્રવેશ આપવાનાં વિરોધી છે. આ વિષયમાં ધર્મસ્થાનમાં પ્રવેશ જેવી છૂટછાટ કોઈ કોઈ અંજુમન આપે છે તેનો પણ તેઓ વિરોધ કરે છે. પ્રણાલિકા એવી રહી છે કે પરધર્મીને પરણતી પારસી સ્ત્રીઓ પોતે જ આવા વિવાદ ટાળવા ધર્મસ્થાનોમાં જવાનો આગ્રહ રાખતી નથી. આવા એક પ્રસંગમાં પારસી પત્નીના અવસાન સમયે વિધર્મી પતિના પક્ષે મરનાર આજીવન જરથોસ્તી ધર્મનું પાલન કરતી હતી અને તેના અંત્યેષ્ટિ સંસ્કાર જરથોસ્તી ધર્મની વિધિ અનુસાર થાય તેવી તેની ઇચ્છા હતી, તેમ જણાવી તેનો અંતિમવિધિ તે પ્રમાણે કરવા માગણી કરી, જેનો મુંબઈ પારસી પંચાયતે અસ્વીકાર કર્યો અને સામા પક્ષની વાતની પુષ્ટિમાં પ્રમાણો માગ્યાં. પરધર્મીને પરણેલી કેટલીક પારસી મહિલાઓએ પોતાના ધાર્મિક અધિકારની રક્ષા માટે ન્યાયાલયોની દાદ માગી, જેમના ચુકાદામાં સરખે ભાગે ન્યાયાલયે મહિલાઓનો અધિકાર માન્ય રાખ્યો.

પારસીઓમાં લગ્નવિચ્છેદના પ્રસંગો બને છે, પણ લગ્નવિચ્છેદ પારસી વિધાન અનુસાર થયેલ હોય તો જ તે માન્ય થાય છે. પારસીઓનાં વિશેષ ન્યાયાલયો લગ્નવિચ્છેદની અરજીઓના સંદર્ભમાં બંને પક્ષોને સાંભળીને વિધિ અનુસાર નિર્ણય આપે છે. 1955 પહેલાં સત્ર-ન્યાયાલયોમાં વિવાદો માટે જ્યુરી પ્રથા પ્રચલિત હતી. મુંબઈ, કૉલકાતા તથા ચેન્નઈમાં મુખ્ય વિવાહ-ન્યાયાલયો (chief matrimonial courts) છે તથા તે સિવાયનાં મહત્વનાં નગરોમાં જિલ્લા વિવાહ-ન્યાયાલયો (district matrimonial courts) છે. તેમના અધ્યક્ષ ન્યાયાધીશોને પોતાનો નિર્ણય લેવામાં સહાય કરવા માટે જ્યુરીના સ્થાને પ્રતિનિધિ (delegate) નીમવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. આવા પ્રતિનિધિઓ પારસી હોવા જ જોઈએ એવો નિયમ છે. તેઓ વિવાદની સુનાવણીમાં બેસે છે. બંને પક્ષોની રજૂઆતો સાંભળે છે અને તેના અંતે તેઓ તેમનો નિર્ણય આપે છે. નિર્ણય સર્વાનુમતે અથવા બહુમતે અપાય છે. કાયદાના અર્થઘટન અને કાર્યવહીના વિષયો પરત્વે અધ્યક્ષ ન્યાયાધીશ માર્ગદર્શન આપે છે તે ધ્યાનમાં લઈને અંતિમ નિર્ણય અપાય છે. કોઈ પ્રસંગે પ્રતિનિધિઓ સરખે ભાગે વિભાજિત થાય, એટલે કે તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ ન્યાયાધીશ (presiding judge) વિવાદની વિગતો તપાસી પોતાનો અલાયદો નિર્ણય આપે છે અને તે નિર્ણય અંતિમ અને બધા પક્ષકારો માટે બંધનકર્તા ગણાય છે. આની સામે ઉચ્ચ ન્યાયાલય(high court)માં અપીલ કરવાની છૂટ હોય છે. ઉચ્ચ ન્યાયાલયના અપીલ-વિવાદના વિષયમાં તેના અધિકારો મર્યાદિત છે; જેમ કે નીચલી અદાલતનો નિર્ણય કાયદાની પ્રક્રિયા અનુસાર ન હોય, નિર્ણયને કાયદાનું સમર્થન પ્રાપ્ત થતું ન હોય, નિર્ણય કાયદાની જોગવાઈની વિરુદ્ધ હોય, નિર્ણય આપતી વેળાએ કેસમાં ગુણદોષ કે કાર્યવહી સંબંધી કોઈ મહત્વની ભૂલ થઈ હોય તેવા કિસ્સાઓમાં જ ઉચ્ચ ન્યાયાલય હસ્તક્ષેપ કરી શકે છે.

વીસમી સદીના આરંભનાં વર્ષોમાં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં આવેલા એક વિવાદે ભારે ઉત્તેજના ફેલાવી. તે વિવાદની સુનાવણી દરમિયાન તે પૂર્વેના નિર્ણયોની પણ છણાવટ થઈ. તારણ રૂપે છત્રીસ મુદ્દાઓ વિચારાર્થે પ્રસ્તુત કરવામાં આવ્યા. તેમાંના બે મહત્વના મુદ્દામાં પ્રથમ મુદ્દો એ હતો કે ધારો કે કોઈ વિધર્મી પાછળથી પારસી ધર્મ સ્વીકારે તો તેને પારસીઓની ધાર્મિક સંસ્થાઓ દ્વારા અપાતા લાભો મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય કે નહિ ? પૂર્વપક્ષ એવો હતો કે ધર્માંતરથી પારસી બનેલી વ્યક્તિને આવા કોઈ લાભ મળી શકે નહિ. વિધર્મીનો પારસી ધર્મ અંગીકાર કરવાનો તેનો અધિકાર આ કેસના ચુકાદા દ્વારા માન્ય રખાયો. પણ ન્યાયમૂર્તિ દાવરે તેમના ચુકાદામાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે ભારતીય પારસીઓએ વિધર્મીઓનું જરથોસ્તી ધર્મમાં ધર્માંતર કરાવવા કોઈ પ્રયાસો કર્યા નથી અને ધર્માંતરની કોઈ વાતને પારસીઓના ધર્મે કોઈ સમર્થન કે ઉત્તેજન આપ્યું નથી. મૃત્યુ બાદ અંત્યેષ્ટિ માટે દોખમા ભણી લઈ જવાના પારસીના શબની વિધિઓમાં પરધર્મીને પ્રવેશ અપાતો નથી; એટલું જ નહિ, પરંતુ શબના મુખનાં દર્શનની તક કે અવસર પણ વિધર્મીને અપાતો નથી. આવી નિર્ધારિત મર્યાદાઓનું પારસીઓ દ્વારા ગંભીરતાથી અને સચોટ રીતે પાલન કરવામાં આવે છે. તેથી જ વિધર્મીને જરથોસ્તી ધર્મમાં પ્રવેશ મળ્યો એમ ત્યારે જ ગણી શકાય જ્યારે એ વ્યક્તિ પારસી થવા સંબંધી સઘળી ધાર્મિક વિધિઓમાંથી પસાર થઈ હોય  એવું મંતવ્ય ન્યાયમૂર્તિ દાવરે પોતાના ચુકાદામાં વ્યક્ત કરેલ છે.

પારસીઓના જરથોસ્તી ધર્મમાં જન્મેલા બાળકનો ‘નવજોત’ નામની ધાર્મિક ક્રિયા દ્વારા વિધિવત્ ધર્મપ્રવેશ કરાવવામાં આવે છે. અન્ય વિધિઓમાં પારસી કોમમાં જન્મેલ બાળકને સુદરેહ (મલમલનું ઝભલું) અને ઊનમાંથી વણેલી કસ્તી અથવા કુસ્તી (કંદોરો), અવસ્તાના પવિત્ર મંત્રોચ્ચાર કરતા-કરાવતા મોબેદો દ્વારા પહેરાવવામાં આવે છે. બાળકની વય 7, 9 કે 11 વર્ષની હોય ત્યારે નવજોત-ક્રિયા થાય છે. કન્યાની નવજોત વિધિ તેને રજોદર્શન થાય તે પૂર્વે સંપન્ન કરવામાં આવે છે.

ધાર્મિક વિધિઓ પારસી સંવત અનુસાર કરવામાં આવે છે. સંપ્રદાય પ્રમાણે કદમી, શહેનશાહી અને ફસલી  એમ સહેજ જુદા ત્રણ પ્રકારો પારસી સંવતમાં પ્રચલિત છે. સામાન્ય રીતે વર્ષમાં 365 દિવસો લેવાય છે. મહિનો ચંદ્રની ગતિ અનુસાર 30 દિવસનો ગણાય છે. 360 દિવસ પછી વર્ષનો મેળ મેળવવા 5 દિવસ ગાથાના ઉમેરવામાં આવે છે. કદમી નવા વર્ષનો એક મહિનો પૂરો થાય ત્યારે શહેનશાહી વર્ષનો આરંભ થાય છે. ફસલી સંવતમાં દર ચાર વર્ષે એક દિવસ ઉમેરવામાં આવે છે. હિંદુ સંવત પ્રમાણે, ચૈત્ર પ્રતિપદાથી મેષારંભથી બેસતું વર્ષ ગણાય છે, તે દિવસે ખ્રિસ્તી સંવત પ્રમાણે ઘણુંખરું 21મી માર્ચ આવે છે. પારસી નવરોજની ઉજવણી પણ એ રીતે કરવામાં આવે છે.

પારસીઓના લગ્નસંબંધમાં કાયદાની જેમ, પ્રથાનું બંધન પણ હોય  છે. આ પ્રથાની કેટલીક વિગતો રસપૂર્ણ હોય છે; દા. ત., વરકન્યાની પસંદગી પહેલાં મા-બાપો કરતાં; હવે તેઓ પોતે કરે છે. કેટલાક લોકો રાશિ તથા ગ્રહમેળનો આગ્રહ રાખે છે. વરપક્ષ કન્યાને કપડાં, માછલી અને દહીં મોકલે છે. મોકલેલાં કપડાં કન્યા પહેરે છે. કન્યાવાળા સામા પક્ષને વીંટી-વાઘો આપે છે. કેટલાક લોકો શુભ મુહૂર્ત જોવડાવે છે. મંડપારોપણ કરી કેટલાક જૂના મતવાળા પારસીઓ વરકન્યાને તેડીને તેને સ્નાન કરાવીને પીઠી ચોળે છે. મંડપના સ્તંભની પ્રદક્ષિણા વરકન્યા દ્વારા કરવામાં આવે છે. લગ્નના દિવસે સવારે પહેરામણીની વિધિ થાય છે. સાંજે કન્યાપક્ષની સ્ત્રીઓ વરને ઘેર કૂંડી લઈ જાય છે. તેમાં કપડાં, વાસણો આદિ હોય છે. વરની મા તેને વધાવીને સ્વીકારે છે. શ્રીફળ વધેરાય છે. કૂંડીના જળમાં રૂપાનાણું નાખી કન્યાની બહેન અથવા અન્ય સ્ત્રીને તે આપે છે. લગ્નનો સમય થતાં વરરાજા ચાંલ્લો કરી, હાર પહેરી, હાથમાં શ્રીફળ લઈ કન્યાને ઘેર મંડપમાં પહોંચે છે. જાન કે વરઘોડામાં સાજનમહાજન સાથ આપે છે. શ્રીફળ વધેરી, ઓવારણાં લઈને વરને પ્રવેશ અપાય છે. તે પછી સ્ત્રીઓ પ્રવેશે છે. પહેલી વિધિમાં વરકન્યા વચ્ચે અંતરપટ રખાય છે. સૂતરના તાંતણે બંનેને બાંધવામાં આવે છે. પરસ્પર અક્ષતવર્ષા કરાય છે. મોબેદો ઝંદ તથા સંસ્કૃત ભાષામાં આશીર્વચન ઉચ્ચારે છે. વિવાહમાં વર અને કન્યાની પરસ્પર સંમતિ પુછાય છે. કન્યાની બહેન વરના પગ દૂધ વડે ધૂએ છે. વર અને કન્યા દ્વારા કંસારપ્રાશન કરાવાય છે. એકીબેકી રમાય છે. ફરી આશીર્વાદ આપી કન્યાનાં વળામણાં કરાય છે. કન્યાપક્ષ વરને ત્યાં રાચરચીલું મોકલે છે. આઠમે દિવસે કન્યા પિતૃગૃહે આવી સાંજે શ્વશુરગૃહે તાંબડી ભરી ઘઉં સાથે પાછી ફરે છે. પારસીઓમાં એકપત્ની-પ્રથા છે; પરંતુ વિધવા તથા વિધુર પુનર્લગ્ન કરી શકે છે.

ઉત્તરાધિકાર ક્ષેત્રે પારસીઓમાં બે પદ્ધતિ છે. વીલ કે વસિયતનામું કરેલું હોય તેવા પ્રસંગોમાં વિવાદને ભાગ્યે જ અવકાશ હોય છે. મરનારની ઇચ્છા પ્રમાણે તેની મિલકતની વ્યવસ્થા થાય છે પરંતુ અવસાન-સમયે આવી સ્પષ્ટતાનો અભાવ હોય ત્યાં ભારતીય ઉત્તરાધિકાર ધારો 1925ની જોગવાઈઓ, ખાસ કરીને પ્રકરણ ત્રણની કલમ 50થી 56 સુધીની, છેલ્લા 1991ના સુધારા પ્રમાણેની તેને લાગુ પાડવામાં આવે છે.

તેની કલમ 50 પ્રમાણે મરનારના જીવનકાળમાં જન્મેલા અથવા ગર્ભસ્થ હોઈ મરણ પછી જન્મેલા વારસો વચ્ચે ભેદ ગણ્યો નથી. મરનારનાં સંતાનોમાં કોઈ તેની પૂર્વે મરણ પામ્યું હોય અને પાછળ વિધવા કે વિધુર ન હોય તો આવા, પૂર્વે મરણ પામનાર સંતાનનો ઉત્તરાધિકાર ગણાતો નથી. મરનારનાં વારસોમાં જો કોઈ વિધવા કે વિધુર હોય તે જો મરનારના જીવનકાળ દરમિયાન બીજાં લગ્ન કરે તો તેમનો મરનારની મિલકતમાં ઉત્તરાધિકાર માન્ય રખાતો નથી.

જૂની કલમ 51 અને 52ના સ્થાને 1991ના સુધારાથી નવી એક જ કલમ 51 ઉમેરવામાં આવી છે. તે મુજબ મરનારનાં માતાપિતામાંથી બંને કે ગમે તે એક વિદ્યમાન હોય તો તેમનો ઉત્તરાધિકાર સ્વીકાર્યો છે, પણ તેનું પ્રમાણ સંતાનોમાંના દરેકને જે મળે તેનાથી અડધું ઠરાવવામાં આવ્યું છે. મરનારની વિધવાને કે વિધુરને સંતાનના જેટલો જ ભાગ મળે છે.

મરનારનાં સંતાનો તેના જીવનકાળ દરમિયાન મરણ પામ્યાં હોય તેવા સંજોગોમાં લાગુ પાડવાની જોગવાઈ કલમ 53 દ્વારા કરવામાં આવી છે. આવા કિસ્સામાં મરનારનું સંતાન વિદ્યમાન છે તેમ ગણીને તેનો ભાગ પાડવામાં આવે છે. તેમાંથી તેની વિધવા તથા તેનાં સંતાનોને ભાગ મળે છે. આ સંતાન જો પુત્રી હોય તો તેનાં સંતાનોને ભાગ મળે છે. અહીં દૂરસ્થ પેઢીના સગાને ઉત્તરાધિકાર પ્રાપ્ત થતો હોય પણ તેમનું અવસાન આ પૂર્વે થયેલું હોય તો તેમને પણ મરનારના મરણ સમયે જાણે કે તે જીવિત હતા તેમ માની તેમનો ઉત્તરાધિકાર ગણવામાં આવે છે.

કલમ 54માં પેઢીગત વંશજોના ઉત્તરાધિકાર સંબંધી વિશેષ જોગવાઈ છે. મરનારની પાછળ કોઈ પેઢીગત ઉત્તરાધિકારી ન હોય તો મરનારની વિધવાને કે મરનારના વિધુરને મિલકત અડધો ભાગ મળે છે. જો પેઢીગત વિધવા કે વિધુર હયાત હોય તો મરનારની વિધવા કે મરનારના વિધુરને ત્રીજો ભાગ તથા પેઢીગત વિધવા કે વિધુરને એકત્ર રૂપે ત્રીજો ભાગ મળે છે. આ ત્રીજા ભાગમાંથી પેઢીગત વિધવા કે વિધુરોના ભાગ પડે છે. મરનારનાં વિધવા કે વિધુર વિદ્યમાન ન હોય પણ પેઢીગત વિધવા કે વિધુર વિદ્યમાન હોય તો તે સમગ્ર વચ્ચે મરનારની મિલકતનો ત્રીજો ભાગ વહેંચાય છે. બાકીની સંપત્તિ અનુસૂચિ 2ના વિભાગ 1 પ્રમાણે વહેંચાય છે. આ વિભાગમાં ક્રમથી, ઉપસ્થિતિ પ્રમાણેના અધિકારીઓ જણાવ્યા છે; ઉદા., માતા અને પિતા, તે ન હોય તો સગાં ભાઈબહેન તથા સંતાનો, તે ન હોય તો દાદા-દાદી અને નાના-નાની, તે ન હોય તો તેમનાં વંશજો…. એ રીતે સૂચિ આગળ વધે છે. ધારા 55માં આવી જોગવાઈ આગળ લંબાવી છે. મરનારને પેઢીગત વંશજ, વિધવા કે વિધુર અથવા પેઢીગત વંશજનાં વિધવા કે વિધુર ઉત્તરાધિકારી પણ વિદ્યમાન ન હોય, ત્યારે અનુસૂચિ 2ના વિભાગ 2 પ્રમાણે મરનારની મિલકતની વહેંચણી કરાય છે. તેમાં પિતામાતા, ભાઈબહેન આ ક્રમ વિભાગ 1 પ્રમાણે મુકાયા છે. વ્યવહારમાં એ પ્રકારના સંજોગો અત્યંત વિરલ છે. છેલ્લે કલમ 56માં ઉપરની કોઈ પણ કલમ હેઠળ કોઈ ઉત્તરાધિકારી ન મળે તો તે પછી મરનારના સંબંધી હોય તેવાં સગાંસંબંધીઓ વચ્ચે સંપત્તિની વહેંચણી કરવામાં આવે એવું તેમાં પ્રાવધાન છે.

કેરસી જહાબક્ષ શેઠના

પ્રવીણ જે. ગાંધી