પારસી રંગભૂમિ : મુખ્યત્વે પારસીઓ દ્વારા ચાલતી રંગભૂમિ, નાટ્ય-પ્રવૃત્તિ. તે દ્વારા પારસીઓ દ્વારા સંચાલિત નાટક-મંડળીઓ અને નાટ્યગૃહો ઉપરાંત પારસી દિગ્દર્શકો, અભિનેતા તથા અભિનેત્રીઓ, પારસી નાટ્યકારો તથા નાટકો અને તેનાં સંગીત-વેશભૂષા-રંગસજ્જા જેવાં અનેક અંગોનો સંદર્ભ સૂચવાય છે.

પારસી રંગભૂમિના ઉત્થાન અને વિકાસમાં પારસીઓનું જ મહત્વપૂર્ણ પ્રદાન રહેલું હોવા છતાં અન્ય કોમના કલાકારો પણ આ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. આ અન્ય કલાકારો ગુજરાતી, મરાઠી, હિન્દી જેવી વિવિધ ભાષાઓ સાથે સંકળાયેલા, મીર, મુસલમાન હિંદુ અને આંગ્લ એમ વિવિધ જાતિઓના હતા. આ પારસી રંગભૂમિનો ઉદય મુંબઈમાં થયો અને જોતજોતાંમાં સમગ્ર ભારતવર્ષનાં મહાનગરોમાં તેનો પ્રસાર થયો હતો.

‘પારસી રંગભૂમિ’નો એટલે કે પારસીઓ દ્વારા સ્થપાયેલી અનેક નાટક-મંડળીઓનો સમગ્ર ઇતિહાસ 1853માં ‘પહેલી પારસી નાટક-મંડળી’ સ્થપાઈ ત્યારથી થાય છે. આ રંગભૂમિ સમગ્ર ભારતવર્ષમાં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને સજીવ કરી સમાજ, નાટક અને રંગભૂમિના ઉત્થાન માટે અત્યંત પ્રયત્નશીલ રહી હતી.

પારસી રંગભૂમિમાં પારસી-ગુજરાતી, પારસી-હિન્દી, પારસી-ઉર્દૂ, પારસી-અંગ્રેજી – એમ અનેક ભાષાઓના રંગમંચનો સુભગ સમન્વય થયો હતો. એ રીતે ‘પારસી રંગભૂમિ’ને ‘ભારતીય રંગભૂમિ’ તરીકે પણ ઓળખાવાય.

ભવાઈ જેવું લોકનાટ્ય અને ભવાઈકાર જેવી નૃત્ય-ગીત-સંગીત- અભિનયાદિમાં પ્રવીણ કોમ હોવા છતાં ઓગણીસમી સદીના પાંચમા દાયકા સુધી ગુજરાત પાસે રંગભૂમિ ન હતી. વળી એક વિશેષ ધ્યાનપાત્ર બાબત એ છે કે પારસી રંગભૂમિ પૂર્વે અંગ્રેજ અમલદારોના મનોરંજન માટે ઇંગ્લૅન્ડથી નાટ્યમંડળીઓ આવતી જે શેક્સપિયરનાં નાટકો ઉપરાંત ઑપેરા પણ ભજવતી. 1842માં મુંબઈમાં જગન્નાથ શંકરશેઠે થિયેટર બંધાવી નાટકના મંચન માટે વ્યવસ્થિત સવલત ઊભી કરી. આ થિયેટર ગ્રાંટરોડ પર હોવાને કારણે ‘ગ્રાંટરોડ થિયેટર’, ‘શંકરશેઠની જૂની નાટકશાળા’, ‘બાદશાહી થિયેટર’ જેવાં વિવિધ નામોથી ઓળખાતું. આ થિયેટરમાં અંગ્રેજ નાટક મંડળીઓ તેમનાં નાટકો ભજવતી. 1846 પછી અંગ્રેજોનાં રહેઠાણ બદલાતાં, આ નાટકશાળા તેમને દૂર પડવા લાગી, આવવા-જવાની મુશ્કેલીઓ ઊભી થઈ. ઉત્તરોત્તર પારસીઓ અને હિન્દુ પ્રેક્ષકોની સંખ્યા વધવા લાગી. અંગ્રેજી નાટકોથી પ્રભાવિત થયેલી પારસી કોમે રંગભૂમિના ક્ષેત્રે પ્રવૃત્ત થવામાં આગેવાની લીધી અને આમ પારસી રંગભૂમિનો પાયો નંખાયો.

1853માં દાદાભાઈ નવરોજી અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સહયોગથી કેટલાક પારસી કલાકારોએ ભેગા મળી જે નાટક-મંડળીની સ્થાપના કરી તે ‘પારસી નાટક – મંડળી’ના નામે ઓળખાઈ. આ નાટક-મંડળીના માલિક ફરામજી ગુસ્તાદજી દલાલ હતા, જે તત્કાલીન નાટ્યપ્રેમીઓમાં ‘ફલુઘુસ’ના નામે ઓળખાતા હતા. વ્યાપારી વૃત્તિના, તીખા સ્વભાવવાળા ફરામજી દલાલ રંગભૂમિ-ક્ષેત્રે આજીવન જોડાયેલા રહ્યા હતા. મુંબઈમાં પારસીઓ દ્વારા સ્થપાયેલી આ સૌપ્રથમ મંડળી (1853-61) હતી. આ મંડળીએ 27 નાટકો ભજવ્યાની નોંધ છે. આ મંડળીએ ગુજરાતી રંગભૂમિનું મંગલાચરણ ‘રુસ્તમ જાબુલી અને સોહરાબ’ જેવી શાહનામાની લોકપ્રિય તેમજ નાટ્યાત્મક કથા ઉપર આધારિત નાટકથી તા. 29-10-1853ના રોજ કરેલું. નાટકની સાથે સ્થાનિક પ્રશ્નોને સ્પર્શતું ‘ધનજી ગરક’નું ફારસ પણ હતું. ‘બૉમ્બે ગૅઝેટ’, ‘ટેલિગ્રાફ અને કુરિયર’ નામનાં વર્તમાન પત્રોએ આ નાટકને આવકાર્યું હતું.

આ મંડળીના આગેવાનોમાં ફરામજી ગુસ્તાદજી દલાલ સાથે પેસ્તનજી ધનજીભાઈ માસ્તર હતા. અન્ય સભ્યોમાં કાવસજી નસરવાનજી કોહીદારૂ, નાનાભાઈ રુસ્તમજી રાણીના, દાદાભાઈ એલિયટ, મંચેરશા બે, મહેર હોમજી, ભીખાજી ખરસેદજી મૂસ, કાવસજી હોરમસજી બીલીમોરિયા (દાક્તર), રુસ્તમજી હોરમસજી હાથીરામ (દાક્તર) જેવી સમાજના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની શિક્ષિત વ્યક્તિઓ હતી.

આ નાટક-મંડળીને માર્ગદર્શન આપવા માટે પ્રો. દાદાભાઈ નવરોજી, ડૉ. ભાઉ દાજી લાડ, ખરશેદજી ન. કામા, અરદેસર ફરામજી મૂસ, જેહાંગીર બરજોરજી વાચ્છા, નવરોજી ફરદૂનજી અને ‘એદલજી પરૂશિયા’ને નામે જાણીતા શિક્ષક અને એક અખબારના તંત્રી એદલજી નસરવાનજી મઝગામવાળા હતા. શરૂઆતથી જ તેમનામાં રંગભૂમિના કામ માટે નિષ્ઠા અને સમૂહકાર્યની ભાવના હતી. શરૂઆતનું નાટક સારું ગયું હતું. નાટક જોવા માટે મોટેભાગે પારસીઓ અને યુરોપિયનો ઉપરાંત અન્ય વર્ગના પ્રેક્ષકો આવતા હતા. આ મંડળીએ લોકરંજન સાથે સખાવતી કાર્યો પણ કર્યાં હતાં. સ્ત્રીનો પાઠ પુરુષો કરતા. આ મંડળીએ સ્ત્રીઓ માટે પણ નાટકો ભજવેલાં. શેક્સપિયરનાં નાટકો આ મંડળીએ ભજવ્યાં હતાં.

1853થી 1869 સુધીના ગાળામાં વીસ જેટલી અવેતન નાટક-મંડળીઓ સ્થપાઈ, જેમાંની કેટલીક અલ્પાયુષી નીવડી, અને બાકીની આગળ જતાં ધંધાદારી નાટક-મંડળીઓમાં પરિવર્તિત થઈ ગઈ. પારસી રંગભૂમિનો ઇતિહાસ તપાસતાં અનેક નાટક મંડળીઓ વિશે અનેક પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે, પરંતુ રંગભૂમિ અને નાટકનું ઘેલું લગાડવામાં વિક્ટોરિયા નાટક-મંડળી, આલ્ફ્રેડ નાટક-મંડળી, એલ્ફિન્સ્ટન નાટક-મંડળી, ઝોરાસ્ટ્રિયન નાટક-મંડળી, ઓરિજિનલ વિક્ટોરિયા નાટક-મંડળી વગેરેના પ્રશસ્ય પ્રયાસો અને પ્રયોગો ગુજરાતી રંગભૂમિના ઉદયકાળે ઉપકારક નીવડ્યા.

પારસી રંગભૂમિ એક રીતે પ્રાયોગિક રંગભૂમિ હતી. પારસીઓએ અનેક રોમાંચક પ્રયોગો કર્યા. ઓરિજિનલ વિક્ટોરિયા નાટકમંડળીના ઉપક્રમે 1871માં દાદી પટેલે એદલજી ખોરી નામના નાટ્યકારના ‘સોનાના મૂલની ખોરશેદ’ નામના નાટકનું ઉર્દૂમાં રૂપાંતર કરાવી ભજવ્યું. ‘પાક નાઝનીન ઉર્ફે ઝરખરીદ ખુરશેદ’ના શીર્ષકથી થયેલ ઉર્દૂ રૂપાંતરના લેખક હતા બહેરામજી મર્ઝબાન. આમ, ઉર્દૂ નાટ્યસાહિત્યનું પહેલું નાટક તે ગુજરાતી નાટકનું રૂપાંતર હતું !

પારસી રંગભૂમિ દ્વારા જ ઉર્દૂ ગીત-નાટકનો પ્રારંભ થયેલો. વિક્ટોરિયા નાટક-મંડળીના પ્રયોગશીલ યુવાન દિગ્દર્શક દાદી પટેલે તે જમાનાના જાણીતા શાયર નસરવાનજી ખાનસાહેબ પાસે ‘બેનઝીર બદરે મુનીર’ નામનું ઑપેરા લખાવીને તે ભજવેલું.

રંગભૂમિને સ્ત્રી-પાત્રોની દેન પણ પારસી રંગભૂમિએ આપી. અત્યંત ક્રાંતિકારી વિચારો ધરાવનાર દાદી પટેલને પુરુષ કલાકારો દ્વારા ભજવાતાં સ્ત્રીપાત્રોની કૃત્રિમતા કઠી. પરિણામે સ્ત્રી-કલાકારોને રજૂ કરવાનું સાહસ તેમણે કર્યું. દાદી પટેલે ‘ઇન્દ્રસભા’ ભજવવાનું આયોજન કર્યું, જેમાં તેમણે હૈદરાબાદની બે નાચનારીઓને સ્ટેજ પર ઉતારી અને પોતે ‘ગુલફામ’ના પાત્ર રૂપે આવ્યા. હૈદરાબાદથી આવેલ આ નર્તકીઓમાં લતીફા બેગમ નામની નર્તકી નૃત્યમાં અત્યંત કુશળ હતી. દાદી પટેલનો આ પ્રયોગ નિષ્ફળ ગયો, પણ રંગભૂમિ પર સ્ત્રી-કલાકારોના આગમન માટેનાં દ્વાર તેમણે ખોલી આપ્યાં. આ પ્રસંગ બાદ અનેક અભિનેત્રીઓએ પારસી રંગભૂમિ દ્વારા અભિનયનાં અજવાળાં પાથર્યાં.

પારસી રંગભૂમિની અનેક નાટક-મંડળીઓ તેના વિકાસગાળા દરમિયાન સમગ્ર દેશમાં પથરાઈ ગઈ અને રંગભૂમિનું આકર્ષણ જગાવવામાં મહત્વપૂર્ણ યોગદાન અર્પણ કરી ગઈ. ભારતનું એવું એક પણ મહાનગર નહિ હોય, જ્યાં પારસી નાટક-મંડળીએ પોતાનાં નાટકો ન ભજવ્યાં હોય! માત્ર દેશમાં જ નહિ પણ વિદેશની ધરતી ઉપર પણ ભારતીય નાટક અને રંગભૂમિનો ડંકો પારસી નાટક-મંડળીઓએ વગાડ્યો ! મ્યાનમાર, શ્રીલંકા, રંગૂન, સિંગાપુર, ઇંગ્લૅન્ડ આદિ અનેક દેશો-નગરોમાં નાટકો ભજવી ત્યાંની પ્રજાને તેણે મંત્રમુગ્ધ કરી હતી. વિક્ટોરિયા નાટક-મંડળીના માલિક-દિગ્દર્શક-અભિનેતા-ગાયક ખુરશેદજી બાલીવાલાનાં ‘હરિશ્ચંદ્ર’ અને ‘અલાદીન’ નાટકો જોઈ મહારાણી વિક્ટોરિયા અને એડવર્ડ સાતમાએ તેમની પ્રશંસા કરી હતી.

પારસી રંગભૂમિના વિકાસમાં તેમના નાટ્યકારોનું પ્રદાન પણ અવિસ્મરણીય છે. અંગ્રેજી નાટકોનાં રૂપાંતર આપવા ઉપરાંત ઈરાનની તવારીખ, ભારતની પૌરાણિક તથા ઐતિહાસિક ભૂમિકા તથા સામાજિક વિષયવસ્તુ પર આધારિત નાટકો પણ તેમણે આપ્યાં. નાટ્યસર્જન દ્વારા પારસી નાટ્યકારોએ સામાજિક સુધારણા અને સ્વતંત્રતાના સંગ્રામમાં પરોક્ષ રૂપે નોંધપાત્ર ફાળો આપ્યો. પારસી નાટ્યકારોને રંગભૂમિ સાથે સીધો સંપર્ક હોવાને કારણે તેમનાં નાટકો અભિનેતાની દૃષ્ટિએ અત્યંત સફળ નીવડ્યાં હતાં.

પારસી રંગભૂમિના નાટ્યકારોએ જ ગુજરાતી એકાંકીઓનું સર્જન કર્યું; એટલું જ નહિ, તે સફળતાપૂર્વક રંગભૂમિ પર ભજવ્યાં. બમનજી કાબરાજીકૃત ‘સુખલાજીનાં સંકટો’, ‘ભૂલો પડેલો ભીમભાઈ’; નાનાભાઈ રાણીનાકૃત ‘વહેમાયેલી જર’, ‘એ તો રંગ છે રંગ’; ખુરશેદજી બાલીવાલારચિત ‘કાવલાની કચુંબર’, ‘ખુદાબખ્શ’, ‘ગુસ્તાદ ગામટ’, ‘મતલબબહેરો’; જહાંગીર પટેલ ‘ગુલફામ’કૃત ‘મધરાતનો પરોણો’ ‘ટૉપ્સીટર્વી’, ‘ઘેરનો ગવંડર’ આદિ એકાંકીઓની સૃષ્ટિ તપાસીએ તો તેમાં તખ્તાલાયકી તો ખરી જ, પણ સુવાચ્યતાનું તત્વ પણ સુપેરે ઊપસ્યું છે. ગુજરાતીના આદ્ય એકાંકીકારોમાં બમનજી કાબરાજી, ખુરશેદજી બાલીવાલા અને જહાંગીર પટેલ ‘ગુલફામ’ને ગણાવી શકાય.

અદી મર્ઝબાનથી પ્રારંભાતી પારસી રંગભૂમિની છબીમાં અર્વાચીનતાનાં લક્ષણો જોવા મળે છે. પારસી રંગભૂમિને અર્વાચીન રૂપે પ્રગટાવવા માટે અદી મર્ઝબાને અનેક પ્રયોગો કર્યા. તેમણે જૂની પારસી રંગભૂમિનાં પાંચથી છ કલાક ચાલતાં નાટકોની પરંપરા તોડી અઢીથી ત્રણ કલાકનાં નાટકો લખી તે સફળતાપૂર્વક ભજવી બતાવ્યાં. પરંપરાગત નાટકોમાં આવતાં ગીત-સંગીતને દૂર કરી નાટકની ગતિમાં આવતા અવરોધો દૂર કર્યા. તેમણે બોલચાલની ઘરગથ્થુ ભાષાનો આગ્રહ રાખી નાટકની ભાષામાંની કૃત્રિમ બેતબાજીયુક્ત ભરમાર દૂર કરી. અદી મર્ઝબાનનાં નાટકોનું મુખ્ય કેન્દ્ર સમકાલીન સમાજ, વિશેષ રૂપે પારસી સમાજ હતો. પરંપરિત નાટકોમાં આવતાં આઠ-દસ દૃશ્યો દૂર કરી એક જ સેટ પર નાટ્યભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના તેમણે કરી. અર્વાચીન પારસી રંગભૂમિના શિલ્પી તરીકે અદી મર્ઝબાનનું પ્રદાન અવિસ્મરણીય રહેશે.

અદીથી પ્રારંભાતી અર્વાચીન પારસી રંગભૂમિને શણગારી ફીરોઝ આંટિયા, હોમી તવડિયા, મીનુ નરીમાન, રતન માર્શલ, નરીમાન પટેલ, જહાંગીર રાણીના આદિ નાટ્યકારોએ. આજે અર્વાચીન પારસી રંગભૂમિના પ્રતીક રૂપે માત્ર યઝદી કરંજિયા ગ્રૂપ ઑવ ડ્રામૅટિક્સસૂરત કાર્ય કરી રહ્યું છે, જેના મુખ્ય સૂત્રધાર યઝદી કરંજિયા સફળ અભિનેતા-દિગ્દર્શક તરીકે ભારતભરમાં ખ્યાતિ પામેલા છે. યઝદી કરંજિયા ગ્રૂપની એક વિશિષ્ટતા એ રહી છે કે છેલ્લા અઢી દાયકાથી નાટક ભજવતી આ સંસ્થામાં એક જ કુટુંબનાં તમામ સભ્યો કલાકાર રૂપે સાથ અને સહકાર આપે છે ! આ નાટ્યસંસ્થાના પ્રારંભથી આજ સુધી ભજવાયેલાં તમામ નાટકોની આવક જે તે સંસ્થાના લાભાર્થે અર્પણ કરી સમાજસેવાનો ધર્મ પણ બજાવાય છે.

ગોપાલ શાસ્ત્રી

દિનકર ભોજક