પાદલિપ્તસૂરિ (આશરે ઈસવી સનની બીજી સદી) : તરંગવતીની જૈન કથાના લેખક તથા આકાશગમનની સિદ્ધિ ધરાવનાર જૈન સાધુ. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતા ફૂલ્લશ્રેષ્ઠી અને માતા પ્રતિમાબહેન હતાં. તેમનો જન્મ વૈરાટ્યા દેવીની કૃપાથી થયો હતો. તેમનું નામ નરેન્દ્ર હતું, પણ ઔષધિઓનો પગે લેપ લગાડીને આકાશગમનની સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી તે પાદલિપ્તસૂરિ તરીકે જાણીતા થયા હતા.
બાળક નરેન્દ્ર વિદ્યાધર ગચ્છના આચાર્ય નાગહસ્તિસૂરિને અર્પણ કરાયો હતો, પણ સૂરિના કહેવાથી માતાએ તેમનું સાત વરસ સુધી લાલન-પાલન કર્યું. આઠમે વરસે ગુરુભાઈ સંગમસૂરિ પાસે તેમને શિક્ષણ માટે મૂકેલા. નરેન્દ્રની તીવ્ર યાદશક્તિને કારણે એક વખત સાંભળવાથી જ તેમને યાદ રહી જતું હતું. તેથી એક જ વરસમાં તેમણે વ્યાકરણ અને સાહિત્યનો પૂર્ણ અભ્યાસ કર્યો. દસમા વરસે તેમને ગુરુએ મથુરાના ઉત્તરાધિકારી પટ્ટધર તરીકે મોકલ્યા. થોડો વખત મથુરામાં રહીને તે પાટલિપુત્ર ગયા.
પાટલિપુત્રમાં મુરુન્ડ નામના રાજાએ તેમની પરીક્ષા કરી. તેમાં સફળ થતાં રાજાએ તેમની બુદ્ધિમત્તાની પ્રશંસા કરી. એક વખત મુરુન્ડ રાજાને માથાનો સખત દુખાવો થતાં સૂરિએ ઢીંચણને ટચલી આંગળી અડકાડીને દુખાવો દૂર કર્યો. રાજા સૂરિ પાસે અવારનવાર ધર્મગોષ્ઠિ માટે આવતા હતા.
ત્યારબાદ સૂરિએ પાટલિપુત્રથી નીકળીને શત્રુંજયની યાત્રા કરી અને ત્યાંથી માન્યખેટ ગયા. અહીં તેઓ આચાર્ય રુદ્રદેવસૂરિ તથા વિદ્યાપ્રવીણ શ્રમણસૂરિના સંપર્કમાં આવ્યા. તેમણે આર્ય ખપુટાચાર્ય પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમણે ‘પાદલિપ્ત’ નામની સાંકેતિક ભાષાની રચના કરી. પાદલિપ્તસૂરિની વિદ્વત્તાથી કૃષ્ણરાજ અને તેમની વિદ્વત્સભા ખૂબ પ્રભાવિત થયાં. કૃષ્ણરાજે પ્રતિબંધ હોવા છતાં તેમને નગરમાં થઈને વિહાર કરવા છૂટ આપી હતી.
અનુશ્રુતિ અનુસાર એક વખત પાદલિપ્તસૂરિ ઢંક (ઢાંક) ગયા. ત્યાં તેઓ સિદ્ધ નાગાર્જુનના પરિચયમાં આવ્યા. નાગાર્જુનસૂરિએ તેમને સિદ્ધ કરેલી રસની કૂપિકા શિષ્ય મારફતે મોકલી. પાદલિપ્તસૂરિએ તેમની સિદ્ધિથી અંજાયા વિના તેમનું મૂત્ર મોકલ્યું. નાગાર્જુને વાસથી મૂત્ર પારખી તે જમીન ઉપર ઢોળી નાખ્યું. મૂત્રના છંટકાવવાળી માટી સુવર્ણમય બની ગઈ. નાગાર્જુનસૂરિએ આચાર્યને આકાશમાં ઊડવાની વિદ્યા આપવા પ્રાર્થના કરી. તેમણે આચાર્યના પગ ધોયા. સ્વાદ, રંગ અને ગંધ ઉપરથી લેપની ઔષધિઓ નાગાર્જુને ઓળખી બતાવી અને તેઓ જાતે લેપ લગાડીને કૂકડાની માફક ઊડ્યા. પાદલિપ્તસૂરિએ ત્યારબાદ સુવર્ણસિદ્ધિનો ભેદ જણાવ્યો. આ શોધ બાદ નાગાર્જુને શત્રુંજય પર્વતની તળેટીમાં ગુરુના નામ ઉપરથી પાદલિપ્તપુર (પાલિતાણા) નગર વસાવ્યું. ત્યાં અનેક ચૈત્યો બનાવી મહાવીરસ્વામીની તથા પાદલિપ્તસૂરિની મૂર્તિઓની સ્થાપના કરી. તેમણે ગિરનાર ઉપર નેમિનાથનું મંદિર બંધાવ્યું અને નેમિનાથના જીવનનાં વિવિધ દૃશ્યો કોતરાવ્યાં.
પૈઠણ કે પ્રતિષ્ઠાનપુરમાં સાતવાહન રાજા હતો. તેની સભામાં તેમણે ‘તરંગલોલા’ (તરંગવતી) ઉપર વ્યાખ્યાન આપ્યું. આ સાંભળી બલમિત્રની સભાના પાંચાલ પંડિતે ટીકા કરી કે પ્રાકૃતમાં રચાયેલી કવિતા નાનો છોકરો પણ સમજી શકે, સંસ્કૃતમાં રચના કરો તો ખરા વિદ્વાન. સાતવાહન રાજાના ચાર પંડિતોએ રચેલા શ્ર્લોકની રાજાએ તેમના પરિવાર તથા ભોગવતીને પ્રશંસા કરવા કહ્યું; પણ કોઈએ વખાણ ન કર્યાં. ભોગવતીએ કહ્યું કે તે પાદલિપ્તસૂરિ સિવાય કોઈની કૃતિની પ્રશંસા કરતી નથી.
પાદલિપ્તસૂરિએ ‘દીક્ષા અને પ્રતિષ્ઠાવિધિ’ ઉપર ‘નિર્વાણકલિકા’ ગ્રંથ, જ્યોતિષવિષયક ‘પ્રશ્ર્નપ્રકાશ’ ગ્રંથ, ‘કાલજ્ઞાન’, ‘યોગરત્નાવલિ’ અને ‘તરંગવઈકથા’ ગ્રંથો રચ્યા છે. મૂળ ગ્રંથ ઉપરથી સંક્ષેપમાં નેમિચંદ્રગણિએ ‘તરંગલોલા’ ગ્રંથની 1643માં રચના કરી હતી. મૂળ પુસ્તક મળતું નથી. પાદલિપ્તસૂરિએ 32 ઉપવાસ કરીને શત્રુંજય તીર્થમાં દેહત્યાગ કર્યો હતો.
‘મુરુન્ડ’ શબ્દનો અર્થ સ્વામી થાય છે. ક્ષત્રપ રાજાઓના નામ આગળ સ્વામીપદ લગાડાય છે. તે ઉપરથી ઈ. સ. 123-163 (વિ. સં. 179થી 219) દરમિયાન આ સૂરિ થઈ ગયા હશે એવું પ્રભાવકચરિત્રના ભાષાંતરકારનું મંતવ્ય છે. જર્મન વિદ્વાન લોઇમાન પાદલિપ્તસૂરિ ઈસુની બીજી કે ત્રીજી સદીમાં થઈ ગયા એમ માને છે.
શિવપ્રસાદ રાજગોર