પાદવિન્યાસ : મકાનોના નકશા માટે પ્રચલિત શબ્દ. જમીનતલ કે ભૂતલને પણ ઇમારતના ‘પગલા’ તરીકે વર્ણવાય. જમીન-સ્તરે મકાનની ઇમારતી છબીને પાદવિન્યાસ તરીકે વર્ણવાય છે. મકાનોના બાંધકામની પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે ઇમારતની દીવાલો તથા આધારોનાં રેખાંકન પ્રથમ જમીન પર કંડારાય છે અને તેના આધારે બાંધકામની શરૂઆત કરાય છે. આ રેખાંકનને પણ પાદવિન્યાસ કહેવાય છે. મંદિરોના સ્થાપત્યમાં આ રેખાંકન સમગ્ર ઇમારતના પ્રમાણ માટે મૂળભૂત ગણાતું. આ રેખાંકનના આધારે દીવાલોની જાડાઈ, મંદિરોના આંતરિક ગૃહનું માપ તથા તેના માળખાનું માન-પ્રમાણ ઘડવામાં આવતું. પાદવિન્યાસ આ રીતે સમગ્ર ઇમારત માટેનો મહત્વનો આધાર રહેતો હતો.

રવીન્દ્ર વસાવડા