પાદપીડ અંતરિત (intermittent claudication)
January, 1999
પાદપીડ, અંતરિત (intermittent claudication) : ચાલતાં ચાલતાં થોડા થોડા સમયે પગના નળાની પાછળના સ્નાયુઓમાં દુખાવો થાય, લંગડાતું ચલાય અને ચાલવાનું બંધ કરવું પડે તેવો વિકાર. મહત્તમ સ્નાયુદુર્બળતા (myasthenia gravis) નામના રોગમાં દર્દી થોડું ચાલે ત્યારે તેના સ્નાયુમાં એકદમ દુર્બળતા આવી જાય અને તે ચાલી ન શકે તથા સ્નાયુ-સંકોચન બંધ થઈ જાય તેવું બને છે. તેમાં પીડા થતી નથી. અંગ્રેજી શબ્દ claudicationનો અર્થ લંગડાતાં ચલાવું તેવો થાય છે. તેને કારણે કેટલાક પારિભાષિક કોશ ‘અંતરિત લંગડાપણું’ એવો અર્થ આપી, મહત્તમ સ્નાયુદુર્બળતાનો પણ આ વિકારમાં સમાવેશ કરે છે. જોકે હાલ ફક્ત થોડા થોડા સમયે થતી સ્નાયુની પીડાને કારણે ચાલવાનું અટકવું એવી વ્યાખ્યા પ્રચલિત થયેલી છે. તે પ્રમાણે પગના સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ ઘટે ત્યારે થતા દુખાવાનો જ આ વિકારમાં સમાવેશ કરાય છે.
લોહી લઈને આવતી નસ(ધમની)માં અટકાવ, અવરોધ કે સંકીર્ણન (stenosis) હોય ત્યારે પગના સ્નાયુઓને પૂરતું લોહી મળતું નથી. ચાલવાની ક્રિયામાં થતાં સ્નાયુસંકોચનોને કારણે તેમની લોહીની જરૂરિયાત વધે છે, ખાસ કરીને ઑક્સિજનના પુરવઠા માટે. તે સમયે જો ધમનીના સંકીર્ણન કે અવરોધને કારણે આ વધારાનો લોહીનો પુરવઠો ન મળી રહે તો સ્નાયુમાં ઑક્સિજનની ઊણપ ઉત્પન્ન થાય છે. ઓછું લોહી મળવાની સ્થિતિને અલ્પરુધિરતા (ischemia) કહે છે. અલ્પરુધિરતાને કારણે સ્નાયુઓમાં દુખાવો થાય છે.
ધમનીઓમાં અવરોધનું મુખ્ય કારણ મેદજન્ય ધમનીકાઠિન્ય (atherosclerosis) હોય છે; પરંતુ ક્યારેક ઈજાને કારણે કે બીજી નસમાં જામેલા લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ) છૂટો પડીને નાની ધમનીમાં આવીને જામી જાય તે કારણ પણ હોય છે. અન્ય ધમનીમાંનો રુધિરગુલ્મ (thrombus) નાની ધમનીમાં જામી જાય તેને રુધિર ગુલ્મસ્થાનાંતરતા અથવા ગુલ્મસ્થાનાંતરતા (embolism) કહે છે. ગુલ્મસ્થાનાંતરતાને કારણે લોહીનો પુરવઠો ઘટે છે અને તેથી અલ્પરુધિરતા થાય અને સ્નાયુઓમાં દુખાવો પેદા થાય છે. જો તે પગના સ્નાયુમાં થાય તો તે સમયાંતરિત પાદપીડ કરે છે. અને જો તે હૃદયની ધમનીમાં અવરોધ કરે તો હૃદયના સ્નાયુમાં અલ્પરુધિરતા થાય છે અને તેથી છાતીમાં (હૃદયનો) દુખાવો થાય છે. હૃદયના સ્નાયુઓમાં લોહીનો પુરવઠો ઘટે તો તેને હૃદ્-સ્નાયુ-અલ્પરુધિરતા (myocardial ischemia) કહે છે અને તેનાથી થતા હૃદયના દુખાવાને હૃદ્-પીડ (angina pectoris) કહે છે. આમ ધમનીની દીવાલ જાડી થવાથી કે તેનું પોલાણ ઘટવાથી (દા. ત., મેદજન્ય ધમનીકાઠિન્યને કારણે) પગના સ્નાયુ ઉપરાંત હૃદયના સ્નાયુ, મૂત્રપિંડ, આંતરડું અને મગજમાં લોહીનો પુરવઠો ઘટે છે. તેથી એ અવયવની અલ્પરુધિરતા થાય છે અને જો તે સંપૂર્ણપણે બંધ થઈ જાય તો જે-તે અવયવનો તે ભાગ મૃત્યુ પામે છે. તેને પેશીપ્રણાશ (infarction) કહે છે. હૃદયસ્નાયુમાં થતા પેશીપ્રણાશને હૃદયસ્નાયુ પેશીપ્રણાશ (myocardial infarction) કહે છે તેવી જ રીતે મૂત્રપિંડમાં મૂત્રપિંડ પેશીપ્રણાશ તથા મસ્તિષ્કી પેશીપ્રણાશ (cerebral infarction) પણ થાય છે. મસ્તિષ્કી પેશીપ્રણાશ થાય તો હાથપગનો લકવો થાય છે.
ક્યારેક થોડાક સમય માટે મગજનો લોહીનો પુરવઠો અટકે તો અલ્પકાલી અલ્પરુધિરતા(transient ischemia)નો હુમલો થાય છે. આવી જ રીતે આંતરડામાં પણ અલ્પરુધિરતા કે પેશીનાશ (gangrene) થાય છે. આંતરડાના પેશીનાશ કે અલ્પરુધિરતાના હુમલામાં પેટમાં દુખાવો તથા આંત્રરોધ (intestinal obstruction) થાય છે. આમ મેદજન્ય ધમનીકાઠિન્યને કારણે પગના સ્નાયુ, હૃદય, આંતરડાં વગેરેનો લોહીનો પુરવઠો ઘટે તો તે અવયવમાં દુખાવો થાય છે અને જો તે પૂરેપૂરો બંધ થાય તો ત્યાં પેશીનો કોઈ ભાગ મરી જાય છે [જેને પેશીપ્રણાશ અથવા પેશીનાશ (gangrene) કહે છે.] જો બીજી ધમનીઓ દ્વારા જે તે ભાગનો પુરવઠો જળવાઈ રહે તો આવો વિકાર થતો અટકે છે. આવી બીજી ધમનીઓને સહવાહિનીઓ (collaterals) કહે છે.
ચિહ્નો, લક્ષણો અને નિદાન : પગની ધમનીઓના વિકારમાં પગના નળાની પાછળના ભાગમાં ચાલતી વખતે વારંવાર દુખાવો થાય છે. પહેલા જ પગલાથી દુખાવો થતો નથી અને ઊભા રહી જવાથી તે મટી જાય છે. આ રીતે તેને ઢીંચણના સંધિવા કે કરોડના મણકાની ગાદીના વિકારોથી અલગ પડાય છે. જેટલું અંતર દુખાવા વગર ચાલી શકાય છે તેને અપાદપીડઅંતર (claudication distance) કહે છે. તે જુદી જુદી વ્યક્તિમાં જુદું જુદું રહે છે. ડુંગર ચઢતાં, પવન સામે ચાલતાં, દોડતાં કે લોહીમાં હીમોગ્લોબિન ઓછું હોય અથવા હૃદયની નિષ્ફળતા થયેલી હોય તો અપાદપીડ અંતર ઓછું રહે છે. મોટેભાગે નળાની પાછળના સ્નાયુઓ(પશ્ચનળા સ્નાયુ, calf muscles)માં દુખાવો થાય છે; પરંતુ ક્યારેક તે જાંઘ અને બેઠક(buttocks)ના સ્નાયુઓમાં પણ થઈ આવે છે. કસરત કરતી વખતે કે ચાલતી વખતે બેઠકમાં દુખાવો થાય અને લૈંગિક દુર્બળતા (impotence) હોય તો તેને લેરિક(Leriche)નું સંલક્ષણ કહે છે. લખતાં લખતાં કે હાથ વડે પરિશ્રમ કરતાં હાથમાં સમયાંતરિત પીડ થવાનું ભાગ્યે જ બને છે.
પગની નસોનો વિકાર વધુ તીવ્ર થાય ત્યારે આરામ કરતી વખતે પણ પગમાં દુખાવો થાય છે. સૂઈ રહેવાથી તે વધુ તીવ્ર થાય છે અને પગને ઊંચો રાખવાથી વધે છે. પગને નીચે લબડતો રાખવાથી તે દુખાવો ઘટે છે. તેને આરામકાલીન પીડા (rest pain) કહે છે. તેને રાત્રે થતાં સ્નાયુઓનાં પીડાકારક સંકોચનો(સપીડ સ્નાયુ-સંકોચનો, muscle cramps)થી અલગ પાડવામાં આવે છે. સપીડ સ્નાયુસંકોચનો ટૂંકા સમય માટે હોય છે, જ્યારે આરામકાલીન પીડા સતત ચાલુ રહે છે. વિકારની તીવ્રતા વધે એટલે પગ ઠંડો પડે છે. તેમાં ખાલી ચઢે છે અને ઝણઝણાટી થાય છે. તેને ઊંચો કરીએ તો ફિક્કો પડે છે અને નીચે નમાવીએ તો જાંબલી રંગનો થાય છે. જો આવા રંગના ફેરફારો ન થતા હોય તો પગની ચેતાઓ(nerves)નો કોઈ રોગ છે કે નહિ તે જોઈ લેવાય છે. ક્યારેક પગની કેશવાહિનીઓમાંથી લોહી ઝમે તો લાલ ડાઘા પડે છે. પગને કેટલા ખૂણે ઊંચો કરવાથી તે ફિક્કો પડે છે તે ખૂણાને આધારે અલ્પરુધિરતાનો અંદાજ લગાવી શકાય છે.
પગની ધમનીમાં લોહી ફરતું બંધ થાય તો પગનાં આંગળાં અને અંગૂઠાની ચામડી ભૂરી પડે છે અને તેમાં પીડાકારક ચાંદાં પડે છે. ક્યારેક ચાંદાં છીછરાં, નાનાં અને ઝડપથી ન રુઝાય એવાં સુષુપ્ત (indolent) પ્રકારનાં હોય છે અને તે પગના પૃષ્ઠભાગ (dorsum of foot) કે પગના નળાવાળા ભાગ પર જોવા મળે છે. પગના ઘૂંટી(ankle)ના સાંધાની બંને બાજુએ હાડકાના ઊપસેલા ભાગની આસપાસ પણ આવાં ચાંદાં થાય છે. જો ધમનીમાં પૂરેપૂરો અવરોધ થાય તો આંગળીનો ભાગ મરી જાય છે. તે કાળો પડી જાય છે. તેને પેશીનાશ (gangrene) કહે છે. પેશીનાશ અંતિમ સ્થિતિ છે અને તેથી તેના પહેલાં થતાં લક્ષણો અને ચિહ્નોના સમૂહને પૂર્વપેશીનાશ (pregangrene) કહે છે. તેમાં આરામકાલીન પીડા, ઠંડા પગ, પગનો સોજો, ઝણઝણાટી થવી, પગની ચામડીના રંગનો ફેરફાર વગેરે લક્ષણોનો સમાવેશ થાય છે. ઉગ્ર (acute) વિકારમાં પગની સંવેદનાઓ જતી રહે છે અને પગના સ્નાયુઓનું હલનચલન બંધ થઈ જાય છે. લાંબા સમયના અવરોધવાળા વિકારમાં આવું થતું નથી.
ધમનીનો જે ભાગ અવરોધને કારણે બંધ થયો હોય તેની નીચે નાડીના ધબકારા હોતા નથી, પરંતુ જો સહવાહિકાઓ ઘણી વિકસેલી હોય તો તે ફક્ત મંદ થયા હોય છે. (જુઓ : નિસ્યંદ નાડીરોગ.) તેથી આવા દર્દીઓમાં બંને કાંડાં આગળની, ગળાની, જાંઘમાંની, ઢીંચણ પાછળની તથા ઘૂંટીની આગળ અને પાદ(foot)ના ઉપરના ભાગની નાડીના ધબકારા જોઈ લેવાય છે. ક્યારેક કસરત કર્યા પછી નાડીના ધબકારા 1-2 મિનિટ માટે જતા રહે છે. ધમનીમાં જે જગ્યાએ અવરોધ હોય ત્યાં ધ્રુજારી (bruit) અનુભવી શકાય છે. વિવિધ સ્થળના અવરોધથી થતો વિકાર સારણીમાં દર્શાવ્યો છે. ક્યારેક એકથી વધુ જગ્યાએ અવરોધ હોય તો ફક્ત ચિહ્નોને આધારે અવરોધનું સ્થાન નક્કી કરવું મુશ્કેલ બને છે. તેથી નિદાન-તપાસણીઓની જરૂર પડે છે.
નિદાન માટે વિવિધ પ્રકારની કસોટીઓ કરાય છે. લોહીના હીમોગ્લોબિનના પ્રમાણ માટેની કસોટી, મધુપ્રમેહ માટેની લોહીની કસોટીઓ તથા હૃદયની સ્થિતિ સમજવા માટેની કસોટીઓ કરાય છે. પગમાંના રુધિરાભિસરણને સમજવા માટે ડૉપ્લર અલ્ટ્રાસાઉન્ડની તપાસ કરાય છે. તેમાં સાધન વડે જે ધમનીમાંના લોહીના વહેણનો અભ્યાસ કરવાનો હોય તેના પર સતત અશ્રાવ્ય ધ્વનિતરંગો (ultrasound waves) ફેંકવામાં આવે છે અને વહેતા લોહીના કોષો પરથી પરાવર્તિત તરંગોને ઝીલીને તેના પરથી ચિત્રાંકનો (images) મેળવવામાં આવે છે તથા તેને અવાજમાં પણ પરિવર્તિત કરીને નાડીના ધબકારા સાંભળી શકાય છે. તેને એક અતિશય સંવેદનશીલ સ્ટેથોસ્કોપની રીતે પણ વાપરી શકાય છે. તે સમયે લોહીનું દબાણ માપવાના સાધનનો ઉપયોગ કરીને નાની ધમનીઓમાંનું લોહીનું દબાણ જાણી શકાય છે. વિવિધ પ્રકારનાં સાધનો વડે ડૉપ્લર તપાસ દ્વારા લોહીનાં વહેણ તથા તેમાં થતાં વમળો (turbulence) જાણી શકાય છે. જુદા જુદા રંગો વડે અલગ અલગ દિશાનાં વહેણ વિશે માહિતી મેળવી શકાય છે. આ રીતે ધમનીમાંના અવરોધનું સ્થાન નક્કી કરી શકાય છે. ધમનીમાંના અવરોધનું સ્થાન નક્કી કરવામાં ધમનીમાં એક્સ-રે-રોધી પદાર્થ નાખીને ધમનીની છાયાઓ મેળવાય છે. આવા ચિત્રણને ધમનીચિત્રણ (arteriography) કહે છે. કમ્પ્યૂટરની મદદથી ધમની સિવાયની બીજી બધી પેશીઓની છાયા નડે એવી યોજના કરીને ફક્ત ધમનીઓનું ચિત્રણ પણ મેળવાય છે. તેને digital substraction angiography કહે છે.
પેટ અને પગમાંની ધમનીઓમાં અવરોધથી થતો પાદપીડનો વિકાર
અવરોધનું સ્થાન |
પાદપીડના વિકારમાં જોવા મળતાં લક્ષણો અને ચિહ્નો |
|
1. | પેટમાંની હાધમની (aorta) અને બંને નિતંબપત્રી (iliac) ધમનીઓ | બંને બેઠક (buttocks), જાંઘ અને પશ્વનળા સ્નાયુઓમાં દુખાવો, ક્યારેક લૈંગિક દુર્બળતા, જાંઘ અને પગની અન્ય નાડીઓ બંધ, મહાધમની પર ધ્રુજારી |
2. | એક-નિતંબપત્રી ધમની | એક બાજુની જાંઘ અને પશ્વનળા સ્નાયુમાં દુખાવો, ક્યારેક બેઠકના સ્નાયુમાં દુખાવો, જાંઘ તથા પગની નાડીઓ બંધ |
3. | જાંઘ કે ઢીંચણની પાછળની ધમની | પગના નળાની પાછળના સ્નાયુઓમાં દુખાવો, પગ અને ઘૂંટી પાસેની નાડી બંધ, ઢીંચણની પાછળની નાડી બંધ |
4. | નળા કે પાદવાળા પગના ભાગની ધમનીઓ | જાંઘ અને ઢીંચણની પાછળ નાડીના ધબકારા ચાલુ, ઘૂંટી પાસેના ધબકાર બંધ, નળાની પાછળના સ્નાયુઓ અને પાદ(foot)માં ચાલતી વખતે પીડા |
સારવાર : કેટલાક દર્દીઓમાં 3 મહિનામાં આ વિકાર આપોઆપ શમે છે. તેનું કારણ સહવાહિકાઓનું ખૂલી જવું ગણાય છે. દર્દીને ચાલવાને બદલે વાહન વાપરવાનું સૂચવાય છે અને નિયમિત કસરત કરવાનું પણ કહેવાય છે. જેમના શરીરમાં ચરબી વધુ હોય તેમને ઘી, તેલ અને ચરબી વગરનો ખોરાક લેવાનું સૂચવાય છે અને વજન ઘટાડવાનું જણાવાય છે. તેમના મધુપ્રમેહ અને લોહીના ઊંચા દબાણના વિકારોને કાબૂમાં લેવાય છે. પગમાં ઈજા ન થાય અને તેની ચામડી બરાબર જળવાઈ રહે તેની કાળજી લેવાય છે. ઊંચી એડીનાં પગરખાં પહેરવાથી અપાદપીડ અંતર વધારી શકાય છે. કેટલીક દવાઓ આપવાથી ફાયદો રહે છે; જેમ કે, ઍસ્પિરિન ગઠનકોષો (platelets)નું જમા થવાનું ઘટાડે છે. નેફ્ટીડ્રોફ્યુરિલ ઑક્ઝેલેટ ઑક્સિજનની માગ ઘટાડે છે તથા ઑક્સપેન્ટિફાયલિન લોહીની શ્યાનતા (viscoity) ઘટાડે છે. હાલ પ્રોસ્ટાસાઇક્લિન વડે સારવાર કરવાના પ્રયોગો કરાઈ રહ્યા છે.
વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ ઉપલબ્ધ છે. અનુકંપી ચેતાશૃંખલા(sympathetic chain)ને કાપવાની ક્રિયા કરાય છે. અનુકંપી ચેતાશૃંખલા પેટની પાછળના ભાગમાં કરોડના મણકાની બંને બાજુએ આવેલી છે. તેમાંના ચેતાતંતુઓ ધમનીના સંકોચનમાં મહત્વનું કાર્ય કરે છે. ધમનીમાંનો અવરોધ દૂર કરવા માટે ધમનીમાંના પોલાણમાંનો ગઠ્ઠો દૂર કરીને ધમનીના પોલાણની પુનર્રચના કરાય છે, તેને પારત્વકીય પારગુહાકીય વાહિની પુનર્રચના (percutaneous transluminal angioplasty) કહે છે. વિવિધ પદ્ધતિઓ દ્વારા મેદતંતુચકતી(atheroma)ની પોપડીને ધમનીના પોલાણમાંથી દૂર કરી શકાય છે. ધમનીનું પોલાણ જાળવી રાખવા તેમાં પોલી નળી (stent) પણ મૂકી શકાય છે. જે ધમનીને આવી પ્રક્રિયાઓ દ્વારા ખોલી ન શકાતી હોય તેમનામાં શસ્ત્રક્રિયા કરી અવરોધ કરતા ભાગને બાજુ પર રાખી આગળ રુધિરાભિસરણ ચાલુ રહે તેવો નસોના જોડાણ વડે નવો માર્ગ કરાય છે. તેને ઉપપથ (bypass) શસ્ત્રક્રિયા કહે છે. તે માટે નિરોપ (graft) રૂપે ધમની, શિરા કે કૃત્રિમ પદાર્થ (ડૅક્રૉન) વપરાય છે. હિપેરીન વડે મુકાયેલા નિરોપમાં લોહી જામતું અટકાવાય છે. સામાન્ય રીતે આવી પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયાઓ લાંબા સમય સુધી સફળ રહે છે. જેઓમાં પેશીનાશને કારણે આંગળી કે પગનો જે ભાગ મરી ગયો હોય, તેને કાપીને કાઢી નાંખવો પડે છે, જેને અંગોચ્છેદન (amputation) કહે છે.
શિલીન નં. શુક્લ
સોમાલાલ ત્રિવેદી