પાદદાહ : પગમાં દાહ/બળતરા પેદા કરતો એક પ્રકારનો વાતરોગ. વધુ પડતા ચાલવાથી (ખાસ કરીને ખુલ્લા પગે), તપીને ગરમ થયેલા રસ્તા ઉપર ચાલવાથી કે શરીરનો પિત્તદોષ વિકૃત થઈ રક્તમાં ભળી શરીરના હાથ, પગ જેવાં અંગોના અંતભાગમાં સ્થિર થતાં આ રોગ થાય છે. અહીં પગની શિરા(veins)નાં મુખ જ્યારે વાયુદોષથી અવરોધાય છે ત્યારે રક્તમાં રહેલ પિત્તદોષ એક સ્થળે સ્થિર થઈ જતાં પગમાં દાહ/બળતરા પેદા કરે છે.

પાદદાહને મળતો બીજો એક રોગ ‘પાદહર્ષ’ છે. બે વચ્ચેનો તફાવત એ છે કે પાદહર્ષરોગ વાયુ અને કફદોષથી થાય છે; જ્યારે પાદદાહ એ પિત્ત અને રક્તઆવૃત વાયુથી થાય છે.

ચિકિત્સા : દાહ પિત્તવિકાર હોવા છતાં આ રોગમાં ચિકિત્સા વાયુદોષ અંગેની (વાત-પિત્તશામક) થાય છે. તેથી આ રોગ આયુર્વેદમાં વાતરોગમાં ગણાયો છે અને વાતવ્યાધિની માફક તેની સામાન્ય ચિકિત્સા પિત્તદોષના અનુબંધને લક્ષમાં રાખીને કરવાની હોય છે. આ માટે ક્ષિપ્રમર્મની ઉપરના બે આંગળ પ્રદેશમાં શિરાવેધ કરવાનો તથા વાતરક્ત (gout) રોગની ચિકિત્સા કરવાનો આદેશ છે.

ઉપાયો : (1) નાગકેસરના ચૂર્ણને સો વાર ધોયેલા ઘી(શતધૌતઘૃત)માં મિશ્ર કરી, દાહવાળા પગ કે હાથ પર લેપ કરવો. (2) દશમૂળ ક્વાથનો ઉકાળો બનાવી તેમાં પગ બોળવા. (3) મસૂરની દાળ નવશેકા પાણીમાં વાટી, તેમાં થોડું ઘી નાખી, ઘૂંટી ને પગ ઉપર લેપ કરવો. (4) પગને જરાક તપાવી, તે ઉપર માખણનો લેપ કરવો કે ગરમ માખણનું પગના તળિયે માલિસ કરવું. (5) એરંડાનાં મીંજ (ફોતરાં કાઢેલાં બીજ) ગાયના દૂધમાં વાટીને, પગે લેપ કરવો. (6) એરંડાનાં મૂળ અને લીમડાની ગળોનો ઉકાળો કરી તેમાં 1 ચમચી ગાયનું ઘી નાખી પીવું કે તે ઉકાળામાં ઘી સિદ્ધ કરી ગરમ દૂધમાં તે સિદ્ધ ઘી 1 ચમચી પીવું, તેમજ તે ઘીથી પગે માલિસ કરવું. (7) તલને કડાઈમાં શેકી, દૂધ સાથે ઉકાળી, તેને વાટીને દાહ પર લેપ કરવો.  (8) લઘુમંજિષ્ઠાદિ ક્વાથ : મજીઠ, ત્રિફળા, કડુ, વજ, હળદર, દેવદાર, નસોતર, લીમડાની ગળો અને લીમડાની અંતરછાલ એટલાં ઔષધો સરખા ભાગે લઈ તેનો ઉકાળો કરી તેમાં અર્ધી ચમચી દિવેલ અને એક ચમચી ગાયનું ઘી મિશ્ર કરી રોજ સવાર-સાંજ પીવું. (9) શતાવરી અને જેઠીમધનું ચૂર્ણ 10 ગ્રામ જેટલું લઈ, દૂધમાં નાંખી તેમાં એલચી તથા ખાંડ નાંખી ઉકાળીને રોજ પીવું. (10) શતાવરી ઘૃત, કે પંચતિક્ત ઘૃત 1 ચમચી ગરમ કરેલા દૂધમાં નાંખી પીવું તેમજ તે જ ઘીથી પગે માલિસ કરવું. (11) મહાચંદનાદિ તેલ કે ભૃંગરાજ તેલ જરા ગરમ કરી પગે માલિસ કરવું. (12) ખાંડ-લીંબુનું શરબત બનાવી, તેમાં જરા મરીનું ચૂર્ણ નાંખી પીવું. (13) આમળાનો રસ કે તેનું ચૂર્ણ 5થી 10 ગ્રામ જેટલું રાતે પલાળી સવારે તેમાં તજ 1 ગ્રામ તથા ખાંડ 1 ચમચી નાખી પીવું.

પરેજી : આ રોગમાં ‘વાતરક્ત’રોગની પરેજી પાળવાની હોય છે.

પથ્ય : જૂના ઘઉં, જૂના જવ, સાઠી (લાલ) ચોખા, સારા ચોખા, મગ, ચણા, બકરી કે ગાયનાં ઘી-દૂધ-માખણ, તુવેરદાળ, કડવા ખાટા અને મધુર પદાર્થો; બાફેલું ભોજન (વઘાર્યા વિનાનું), મસૂરદાળ, ઘીવાળાં સૂપ, શતાવરી, જેઠીમધ, ગળો, ત્રિફળા, વરિયાળી, ગુલાબ, ચંદન વગેરે હિતકર છે.

અપથ્ય : પાદદાહમાં ખારા, તીખા, તળેલા, ગુણમાં તથા સ્પર્શમાં ગરમ એવા પદાર્થો, કઠોળ, દહીં, અથાણાં, મરચાં, રાઈ, મેથી, હિંગ, રીંગણાં, અડદ, કળથી, લસણ, ડુંગળી વગેરે અપથ્ય છે. અગ્નિતાપ નજીક બેસવું, વધુ તીવ્ર તડકામાં ચાલવું, બપોરના ખુલ્લા પગે રસ્તે ચાલવું, પરસેવો થાય તેવાં કાર્યો કરવાં, શ્રમ, મૈથુન વગેરે કાર્યોનો ત્યાગ કરવો હિતાવહ છે.

બળદેવપ્રસાદ પનારા