પાતાલયક્ષ (મૂર્તિવિધાન) : 14મા તીર્થંકર અનંતનાથના યક્ષ. શ્વેતાંબર અને દિગંબર પરંપરા પ્રમાણે આ યક્ષને ત્રણ મુખ અને છ હાથ હોય છે. તેનો વર્ણ રાતો હોય છે અને તે મગરનું વાહન ધરાવે છે. દિગંબર પરંપરામાં તેમના હાથમાં અંકુશ, ભાલો, ધનુષ્ય અને પાશ, હળ તેમજ ફળ હોય છે. તેના મસ્તક પર નાગની ત્રણ ફણાવાળું છત્ર હોય છે. શ્વેતાંબર પરંપરા પ્રમાણે તેમના જમણા હાથમાં પદ્મ, તલવાર અને પાશ તેમજ ડાબા હાથમાં નકુલ, ફળ અને અક્ષમાલા હોય છે. તેનું નામ પાતાલ, નાગરાજા અનંત સાથે સંકળાયેલું છે. નાગરાજા પણ પાતાલલોક કહેવાય છે. તેથી તેને પ્રતીક રૂપે ત્રણ ફણાવાળું છત્ર આપવામાં આવેલું છે. નાગ- લોકોના તે અધિષ્ઠાતા દેવ જણાય છે અને તેની સાથેનું હળ ખેતીનું પ્રતીક છે. આ યક્ષની પરિકર સિવાયની સ્વતંત્ર પ્રતિમાઓ મળી નથી.

પ્રવીણચંદ્ર પરીખ