પાતાલ : હિન્દુ પુરાણોની માન્યતા પ્રમાણે પૃથ્વીની નીચે આવેલો પ્રદેશ. સકળ  બ્રહ્માંડમાં ચૌદ લોક છે તેમાંથી પૃથ્વીલોકની નીચે આવેલા સાત લોકોને પાતાલ કહે છે અથવા સૌથી નીચે આવેલા સાતમા લોકને પણ પાતાલ કહે છે. આ સાતેય લોકોનાં નામ વિષ્ણુપુરાણ મુજબ : (1) અતલ, (2) વિતલ, (3) સુતલ, (4) તલાતલ, (5) મહાતલ, (6) રસાતલ અને (7) પાતાલ છે. દરેક લોક દસ હજાર યોજન લાંબો અને દસ હજાર યોજન પહોળો છે. આ સાત લોકો ધનધાન્યથી ભરેલા અને સ્વર્ગ જેવું સુખ આપનારા છે. ત્યાં સૂર્ય અને ચંદ્ર ફક્ત પ્રકાશ આપે છે, ગરમી કે ઠંડી આપતા નથી. શિવપુરાણમાં (1) પાતાલ, (2) તલ, (3) અતલ, (4) વિતલ, (5) તાલ, (6) વિધિપાતાલ, (7) શર્કરાભૂમિ અને (8) વિજયા એમ આઠ પાતાલલોક છે; પરંતુ ભાગવત વગેરેમાં સાત પાતાલલોક સ્વીકારવામાં આવ્યા છે. તેમાં

(1) અતલલોકની જમીન કાળા રંગની છે. તેમાં મય દાનવનો પુત્ર બલ રહે છે. તેણે 96 પ્રકારની જાદુઈ માયાની સૃદૃષ્ટિ અતલમાં રચી છે.

(2) વિતલલોકની જમીન સફેદ રંગની છે, ત્યાં શિવ અને પાર્વતી પોતાના પાર્ષદો સાથે રહે છે. શિવના વીર્યમાંથી નીકળેલી હાટકી નદીમાંથી નીકળતું હાટક એટલે સોનું દૈત્યસ્ત્રીઓ મુશ્કેલીથી ધારણ કરે છે.

(3) સુતલલોકની જમીન લાલ રંગની છે. ત્યાં પ્રહલદનો પૌત્ર બલિરાજા રહે છે અને તેના દ્વાર પર ભગવાન વિષ્ણુ રાતદિવસ ચક્ર સાથે પહેરો ભરે છે. આ બીજા પાતાલલોક કરતાં વધુ સમૃદ્ધ અને સુખદ છે.

(4) તલાતલલોકની જમીન પીળા રંગની છે. ત્યાં મયદાનવ રહે છે. તે જાદુગરોનો સ્વામી છે.

(5) મહાતલલોકની જમીન ખાંડથી ભરેલી માટી છે. ગરુડની ઓરમાન માતા કદ્રૂના ખૂબ ક્રોધી પુત્ર સાપ ત્યાં રહે છે.

(6) રસાતલલોકની જમીન પથરાળ છે. ત્યાં ઇન્દ્રથી ડરતા દૈત્યો, દાનવો અને પણિ નામના અસુરો રહે છે.

(7) છેલ્લા પાતાલલોકની જમીન સોનાની બનેલી છે. ત્યાં વાસુકિ નામનો સર્પરાજ, અને શંખ, શંખચૂડ, કૂલિક, ધનંજય વગેરે મોટા શરીરવાળા સાપો રહે છે. તેની નીચે ત્રીસ હજાર યોજન પછી અનંત ઉર્ફે શેષનાગ રહે છે જેની ફેણ ઉપર પૃથ્વી રહેલી હોવાની પુરાણોની કલ્પના ખૂબ જ જાણીતી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી