પાઠક, જયંત હિંમતલાલ (. 20 ઑક્ટોબર 1920, ગોઠરાજગઢ, દેવગઢબારિયા, જિ. પંચમહાલ; . 1 સપ્ટેમ્બર 2003, સૂરત) : ગુજરાતી કવિ, વિવેચક, સંસ્મરણ-લેખક. 1938માં મૅટ્રિક; 1943માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ.; 1945માં એ જ વિષયો સહિત મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.. 1960માં અધ્યાપન દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.. બી.એ. થયા પછી 1943-47 દરમિયાન હાલોલની શાળામાં શિક્ષક. પછી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકોમાં પત્રકાર. 1953થી 1980 (નિવૃત્તિ) સુધી એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં પ્રાધ્યાપક અને કેટલાંક વર્ષ ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન(સૂરત)ના અધ્યક્ષ.

એમના કાવ્યસંગ્રહો ‘મર્મર’ (1954, સંવર્ધિત આવૃત્તિ 1957), ‘સંકેત’ (1960), ‘વિસ્મય’ (1964), ‘સર્ગ’ (1969), ‘અન્તરીક્ષ’ (1975),  ‘અનુનય’ (1978), ‘મૃગયા’ (1983), ‘શૂળી ઉપર સેજ’  (1988), ‘બે અક્ષર આનંદના’ (1992), ‘દ્રુતવિલંબિત’(2003) અને ‘અક્ષર પગલે’ છે. એમના અમૃત મહોત્સવ પ્રસંગે એમની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘ક્ષણોમાં જીવું છું’ નામે પ્રગટ થયો છે. ‘વગડાનો શ્વાસ’ (1980), ‘જયંત પાઠકનાં કાવ્યો’ (1990) એમની કવિતામાંથી પસંદ કરેલી કાવ્યરચનાઓના સંચયો છે.

જયંત હિંમતલાલ પાઠક

એમનું વિવેચનકાર્ય પણ એટલું જ નોંધપાત્ર છે. એમનો પીએચ.ડી. નિમિત્તે લખાયેલો સંશોધન મહાનિબંધ ‘આધુનિક કવિતાપ્રવાહ’ (1963) નામે પ્રગટ થયો છે. સુન્દરમ્ દ્વારા ‘અર્વાચીન કવિતા’(1946)માં વિવેચાયેલ ગુજરાતી કવિતા પછીની કવિતાની વિવેચના કરતો એ ગ્રંથ છે. એમના અન્ય વિવેચનગ્રંથો ‘આલોક’ (1966), ‘રામનારાયણ વિ. પાઠક : સર્જક  અને વિવેચક’ (1970), ‘ભાવયિત્રી’ (1974), ‘વસંતધર્મીનું વિદ્યામધુ’ (1985) અને ‘કિમપિદ્રવ્યમ્’ (1987) છે. એમના કાવ્યાસ્વાદોનું પુસ્તક ‘કાવ્યલોક’ (1973) નામે પ્રગટ થયું છે. અન્ય સાથે સંયુક્ત રૂપે લખાયેલા એમના વિવેચનગ્રંથોમાં ‘ટૂંકી વાર્તા : સ્વરૂપ અને સાહિત્ય’ (1968), ‘ઝવેરચંદ મેઘાણી’ (1968) અને ‘સાહિત્યિક નિબંધો’(1977)નો સમાવેશ થાય છે. એમના અમૃત મહોત્સવ નિમિત્તે એમના વિવેચનલેખોનો સંગ્રહ ‘અર્થાત્’ (1997) નામે પ્રસિદ્ધ થયો છે.

કાવ્યાસ્વાદમાં એમની દૃષ્ટિ કાવ્યનાં સૌંદર્યતત્વોને પ્રગટ કરી આપવા તરફ રહે છે. ‘વસંતધર્મીનું વિદ્યામધુ’ આનંદશંકર ધ્રુવ વિશે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ છે. એમાં આનંદશંકર ધ્રુવ વિશે સર્વાંગી વિચારણા રજૂ થઈ છે. ‘અર્થાx’માં એમની પોતાની કવિતા અને તેની સર્જનપ્રક્રિયા વિશેના લેખ તથા પ્રશ્ર્નોત્તરી નોંધપાત્ર છે. વિવેચનમાં એમની શૈલી સંયત, સૌષ્ઠવપૂર્ણ અને અનાકુલ છે.

એમણે સ્મરણો-નિબંધોમાં ‘વનાંચલ’ (1967, છઠ્ઠું પુનર્મુદ્રણ 1994), ‘તરુરાગ’ (1987) અને ‘તરુરાગ અને નદીસૂક્તો’ (1995), ‘મનોમેળ તે મૈત્રી’(2001) કૃતિઓ આપી છે. ‘વનાંચલ’ એમના કિશોરજીવનની સ્મૃતિકથા છે, જે નર્મદ સુવર્ણચંદ્રકપ્રાપ્ત કૃતિ છે. એમાં તીવ્ર અતીતઝંખના, ગોઠગામાશ્રિત શૈશવ, પ્રકૃતિ, વનપ્રદેશ અને ગ્રામીણ સંસ્કૃતિ આદિનું નિરૂપણ કાવ્યકલ્પ શૈલીમાં થયું છે. દાદા, પિતા, માતા, સ્વજનો અને સ્વયં વન્યપ્રકૃતિનાં જીવંત ચિત્રો અહીં એમણે આપ્યાં છે.

એમણે કરેલા અન્ય કવિઓના કાવ્યસંચયો તે ‘કાવ્યકોડિયાં સંપુટ : 3’ (1981), ‘કલાપીનાં કાવ્યો’ (1990), ‘નર્મદનાં કાવ્યો’ (1991) છે. અન્ય સાથે કરેલાં સંપાદનોમાં ‘કાવ્યસંચય : 3’ (1981), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો’ (1987) અને વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ષદૃષ્ટિપૂર્તિ ગ્રંથ ‘ઉપાયન’(1962)નો સમાવેશ થાય છે.

એમણે અન્ય સાથે ‘ચેખૉવની શ્રેષ્ઠ નવલિકાઓ’ (1957, જેનું નૂતન સંસ્કરણ ‘ચેખૉવની શ્રેષ્ઠ વાર્તાઓ’ નામે 1989માં થયું છે) નામે અનુવાદ કર્યો છે. એમના સ્વતંત્ર અનુવાદોમાં ‘ધીરે વહે છે દોન, ભાગ – 3’ (1961), ‘ક્રાન્તિની કથા’ (1978) અને ‘વૉર્ડ નંબર સિક્સ’(1989)નો સમાવેશ થાય છે. ‘ક્રાન્તિની કથા’ ચાર્લ્સ ડિકન્સની ‘એ ટેલ ઑવ્ ટુ સિટિઝ’નો અનુવાદ છે.

એમના કાવ્યસંગ્રહ ‘અનુનય’નો, 1993માં તથા સ્મરણકથા ‘વનાંચલ’નો અને અમૃત મહોત્સવ નિમિત્તે એમનાં ચૂંટેલાં 75 કાવ્યોના સંગ્રહ ‘પંચસપ્તતિ’ના હિન્દી અનુવાદ અનુક્રમે 1993, 1996 અને 1996માં થયેલ છે. ‘દ્રુતવિલંબિત’નો 2003માં મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયો છે.

એમને સાહિત્યિક સિદ્ધિઓ બદલ ‘કુમાર’ ચંદ્રક (1957), નર્મદ સુવર્ણચંદ્રક (1964-68), રણજિતરામ સુવર્ણચંદ્રક (1976), ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (1982-83), સોવિયેત દેશ નેહરુ ઍવૉર્ડ (1974), સાહિત્ય અકાદમીદિલ્હી ઍવૉર્ડ (1979), કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક વગેરે સન્માનો પ્રાપ્ત થયાં છે. 1980 દરમિયાન તેઓ ‘ગુજરાતી અધ્યાપક સંઘ’ના વરાયેલા પ્રમુખ હતા. 1990-91નાં વર્ષો દરમિયાન તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. તે નર્મદ સાહિત્ય સભા(સૂરત)ના ઉપપ્રમુખ અને પછીથી પ્રમુખ પણ થયા હતા. વળી નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ(સૂરત)ના પણ તેઓ પ્રમુખ હતા.

મનોજ દરુ