પાઠક, જગન્નાથ (. 1934, સહસરામ, બિહાર) : સંસ્કૃત ભાષાના બિહારી કવિ અને પંડિત. તેમના કાવ્યસંગ્રહ ‘કપિશાયની’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ‘કપિશાયની’ સંસ્કૃતમાં લખાયેલ મૌલિક રચના છે. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1965માં સંસ્કૃતમાં એમ.એ.ની અને 1968માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ અલ્લાહાબાદ ખાતેની ગંગામઠ ઝા સેન્ટ્રલ સંસ્કૃત વિદ્યાપીઠ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે સંસ્કૃતમાં અને સંસ્કૃતમાંથી અનેક કાવ્યોનું ભાષાંતર કરવા ઉપરાંત અનેક ગ્રંથોનું પાઠસંપાદન પણ કર્યું છે. તેમણે હિંદીમાં પણ લેખનકાર્ય કર્યું છે.

આ પુરસ્કૃત કૃતિ તેમાંના વિષયોની સાંપ્રત સમય સાથેની નિસબત, પરંપરાના અનુસંધાનમાં તેનું રચનાવિધાન, તેમાંની સ્વરૂપગત પ્રયોગલક્ષિતા તથા પ્રવાહી અને આકર્ષક ભાષાશૈલી જેવી વિશેષતાઓને કારણે આધુનિક સંસ્કૃત સાહિત્યમાં ગણનાપાત્ર છે.

મહેશ ચોકસી