પાઠક, ગોપાલસ્વરૂપ (. 26 ફેબ્રુઆરી 1896, બરેલી; . 31 જુલાઈ 1982, દિલ્હી) : ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને અગ્રણી ધારાશાસ્ત્રી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1917) અને એલએલ. બી.(1919)ની પદવીઓ મેળવ્યા પછી અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં 1919-46 દરમિયાન વકીલાત કરી. 1946-60 દરમિયાન તેમણે લૉ કમિશનના સભ્ય અને કાનૂન સુધારા સમિતિના સભ્ય ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે કામગીરી બજાવી હતી. આ ગાળા દરમિયાન તેઓ અવારનવાર રાષ્ટ્રસંઘ ખાતે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય નિમાયા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે 1960માં તેમણે સંસદીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1966માં તેઓ કેન્દ્ર સરકારમાં કાનૂનમંત્રી બન્યા હતા. 1967માં મૈસૂર (કર્ણાટક) રાજ્યના રાજ્યપાલના હોદ્દા પર તેમની નિમણૂક થઈ હતી (1967-69). 1969માં ભારતના ઉપરાષ્ટ્રપતિપદ પર તેમની વરણી થઈ હતી (1969-74). આ પદ ભોગવ્યા પછી તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી હતી.

નવનીત દવે