પાટીલ, ભાઉરાવ પાયગૌંડા (. 1 સપ્ટેમ્બર 1887, કુંભોજ, જિ. કોલ્હાપુર; . 1 મે 1959, પુણે) : શિક્ષણપ્રસારક અને સમાજસુધારક. તેમણે સાંગલી જિલ્લાના ઐતવડે બુદ્રુક ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી કોલ્હાપુરમાં છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંના રાજા શાહુ મહારાજના પ્રભાવ હેઠળ તેમણે સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો. એ અરસામાં 7મા એડવર્ડની અર્ધ પ્રતિમાને ડામર લગાડવાના આરોપસર તેમને જેલયાત્રા કરવી પડી હતી. જેલવાસ દરમિયાન તેમણે આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કરેલો, કારણ તેમના મતે આ જૂઠો આરોપ હતો. જેલમાંથી મુક્ત થયા બાદ થોડો સમય મહારાષ્ટ્રનાં કારખાનાંઓમાં યંત્રોના વિવિધ ભાગોનું વેચાણ કરતા. આ કામગીરી દરમિયાન અનેક ગામડાંઓમાં તેમનો પ્રવાસ ચાલતો. આ પ્રવાસ દરમિયાન ગામડાંઓમાં શિક્ષણની કેવી હાલત હતી તે તેમણે જોયું. આ નિરીક્ષણથી મનોમન તેમને જીવનકાર્ય લાધ્યું.

શિક્ષણની સ્થિતિ બદલવા માટે તેમણે સાંગલી જિલ્લાના દુધગાંવ ખાતે આશ્રમ સ્થાપ્યો. એ જ રીતે કરાડની બાજુમાં આવેલા કાલેગામમાં 1919માં વિદ્યાર્થી છાત્રાલયની રચના કરી, જે પાછળથી રૈયત શિક્ષણ સંસ્થા તરીકે નામના પામી. 1924માં સાતારામાં અસ્પૃશ્યો સહિત બધી કોમોના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની રચના કરી, જેની સાથે રાજર્ષિ શાહુ મહારાજનું નામ જોડવામાં આવ્યું. 1927માં ગાંધીજીએ આ સંસ્થાની મુલાકાત લીધી ત્યારથી પાટિલે ખાદીનો પહેરવેશ સ્વીકાર્યો.

રાજકારણથી દૂર રહી તેઓ શિક્ષણપ્રસારના કાર્યમાં ખૂંપી ગયા. તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ શિક્ષણ મેળવવા આડેના અવરોધો દૂર કરી તેમને તેઓ વધુ અભ્યાસ માટે પ્રેરતા રહ્યા. આ સાથે મહારાષ્ટ્ર રાજ્યની સત્યશોધક ચળવળમાં જોડાઈને તેમણે શિક્ષણના કાર્યમાં ભારે પ્રદાન કર્યું. તેઓ બધી જ કોમના વિદ્યાર્થીઓને સગવડ આપતા અને સહાય કરતા તેથી તેમને રૂઢિચુસ્તોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું, પણ તેમણે પોતાનું કામ ચાલુ જ રાખ્યું. પુણે વિશ્વવિદ્યાલયે ડી.લિટ.ની માનદ પદવી દ્વારા તેમનું સન્માન કર્યું હતું. એવી જ રીતે ગાડગે મહારાજે પણ તેમનાં કાર્યોનું સન્માન કર્યું હતું. તેમની શિક્ષણસંસ્થાઓને ગાડગે મહારાજ મદદ કરતા હતા. પત્ની લક્ષ્મીબાઈ તેમનાં આ કાર્યોમાં નિષ્ઠાપૂર્વક સહાય કરતાં. આમ, તેમણે જ્યોતિબા ફુલે જેવા સમાજસુધારક અને રાજર્ષિ શાહુ મહારાજની શિક્ષણપ્રસારની ઇચ્છાને પરિપૂર્ણ કરી. તેમની રૈયત શિક્ષણ સંસ્થા 1980 સુધીમાં 312 માધ્યમિક શાળાઓનું અને 19 કૉલેજોનું સંચાલન કરતી હતી. આમ શિક્ષણપ્રસારનું કામ તેમની શિક્ષણસંસ્થા દ્વારા મોટા પાયા પર ચાલતું રહ્યું છે.

રક્ષા મ. વ્યાસ