પાટીલ, રાઘવેન્દ્ર (. 1951, બેટાગેરી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તેરુ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પ્રાણીવિજ્ઞાનમાં એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1973માં તેઓ અનાથ સેવાશ્રમ ટ્રસ્ટ પ્રિ. યુનિવર્સિટી કૉલેજ, મલ્લાડિહલ્લીમાં અધ્યાપક તરીકે જોડાયા અને ત્યાં (2008)માં પ્રિન્સિપાલ તરીકે જોડાયેલા છે.

તેઓ અંગ્રેજી અને હિંદીનું કામચલાઉ જ્ઞાન ધરાવે છે. 1976માં તેમણે લેખનકાર્ય આરંભ્યું. ભિન્ન ભિન્ન કૃતિઓના સંપાદન ઉપરાંત તેમણે 4 વાર્તાસંગ્રહો, એક નવલિકા, એક નવલકથા અને પ્રવાસવર્ણન આપ્યાં છે. તેમની ‘તેરુ’ નવલકથાને કર્ણાટક સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે તેમજ તેમને બે વાર કર્ણાટક સાહિત્ય અકાદમી પુરસ્કાર, કે. શિવરામ કારંથ પુરસ્કાર, ચદુરંગ પ્રશસ્તિ, વર્ધમાન પ્રશસ્તિ જેવા પુરસ્કારો સન્માનોથી નવાજવામાં કરવામાં આવ્યા છે.

રાઘવેન્દ્ર પાટીલ

તેમની પુરસ્કૃત કૃતિ ‘તેરુ’ માનવ-અસ્તિત્વ સાથે સંકળાયેલ ગંભીર સમસ્યાઓ દર્શાવીને એક સામંતશાહી સમાજની દમનકારી નીતિ ઉજાગર કરવામાં આવી છે. સ્વતંત્ર ભારતના ગ્રામીણ સમાજના વિવિધ નિયમનોના દાખલા, કથાઓ અને કર્મકાંડની વિગતો ઉપરાંત તેમાં પ્રદર્શિત તેમની આધ્યાત્મિક સમૃદ્ધિને કારણે આ કૃતિનું મહત્વ રહ્યું છે.

બળદેવભાઈ કનીજિયા