પાટીલ, પ્રતિભા (. 19 ડિસેમ્બર 1934, જળગાંવ, ખાનદેશ પ્રદેશ, મહારાષ્ટ્ર) : ભારતીય પ્રજાસત્તાકનાં 13મા અને સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. મહારાષ્ટ્ર રાજ્યમાંથી સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બનીને બંને રીતે તેમણે ઇતિહાસ સર્જ્યો છે. તે પૂર્વે તેઓ રાજસ્થાનનાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. પ્રાથમિક, માધ્યમિક અને એમ.એ. સુધીનું શિક્ષણ મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં આવેલ જળગાંવ ખાતે. ત્યારબાદ એલએલ.એમ. પદવી સુધીનું કાયદાશાસ્ત્રનું શિક્ષણ મુંબઈની સરકારી લૉ કૉલેજમાં લીધું અને જન્મસ્થાન જળગાંવ ખાતે વકીલાત શરૂ કરી. મૂળ રાજસ્થાનના પરંતુ જળગાંવ ખાતે લાંબા સમયથી કાયમી ધોરણે સ્થાયી થયેલા દેવીસિંગ રામસિંગ શેખાવત સાથે વિવાહબદ્ધ.

પ્રતિભા પાટીલ

1962-85ના ગાળામાં મહારાષ્ટ્ર રાજ્ય મંત્રીપરિષદનાં સભ્ય. ઉપર્યુક્ત ગાળા દરમિયાન તેમણે નગરવિકાસ અને ગૃહનિર્માણ, શિક્ષણ, પર્યટન,  સંસદીય કાર્ય, આરોગ્ય, સમાજકલ્યાણ અને સાંસ્કૃતિક કાર્ય જેવા જુદા જુદા વિભાગોના મંત્રીપદે કાર્ય કર્યું હતું. જુલાઈ 1979માં મહારાષ્ટ્રમાં શરદ પવારના નેતૃત્વ હેઠળ પુરોગામી લોકદળ(PLD)ના નેતૃત્વ હેઠળ રચવામાં આવેલ મંત્રીમંડળના કાર્યકાળ દરમિયાન પ્રતિભા પાટીલ વિરોધ પક્ષના નેતા રહ્યાં. 1985માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય બન્યાં અને એ રીતે સંસદીય કારકિર્દીનો પ્રારંભ કર્યો. માત્ર એક વર્ષમાં રાજ્યસભાની ઉપસભાપતિની સૂચિ(panel)માં સ્થાન મેળવ્યું. (નવેમ્બર, 1986થી નવેમ્બર, 1988) આ જ સમયગાળા દરમિયાન તેમણે ‘સંસદીય અધિકાર ભંગ’ (Violation of Parliamentary Rights & Privileges) જેવી મહત્ત્વની સમિતિના અધ્યક્ષપદે કામ કર્યું. 1988-1990 દરમિયાન મહારાષ્ટ્ર કૉગ્રેસનાં પ્રદેશાધ્યક્ષ. 1991માં મહારાષ્ટ્રના અમરાવતી મતદાર વિભાગમાંથી લોકસભામાં પ્રથમવાર નિર્વાચિત (1991-1996). 1996-2004ના ગાળા દરમિયાન પ્રત્યક્ષ રાજકારણમાંથી સ્વૈચ્છિક રીતે અલગ રહ્યાં. 2004-2007 દરમિયાન રાજસ્થાનનાં રાજ્યપાલ. જૂન 2007માં કેન્દ્રના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન. ઉપર્યુક્ત નામાંકન કૉગ્રેસ, સાથી પક્ષો અને ડાબેરી જૂથ વચ્ચેની રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પસંદ કરવામાં ઊભી થયેલ મડાગાંઠના ઉકેલ રૂપે (compromise candidate) તેમને છેલ્લી ઘડીએ પ્રાપ્ત થયેલું; જેમાં ડાબેરી પક્ષો અને રાષ્ટ્રીય કૉગ્રેસના તથા યુ.પી.એ.નાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ અગત્યની ભૂમિકા ભજવેલી. 21 જુલાઈના રોજ નૅશનલ ડૅમૉક્રેટિક એલાયન્સ (NDA) સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર અને તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંગ શેખાવત સામે 3,06,810 જેટલા મતોની બહુમતીથી રાષ્ટ્રપતિપદ માટે નિર્વાચિત ઘોષિત થયાં. 24 જુલાઈ, 2007ના રોજ 2007-12ની મુદત માટે ભારતીય પ્રજાસત્તાકના વિધિવત્ રાષ્ટ્રપતિનું તેમણે પદ ગ્રહણ કર્યું. તેમણે નિવૃત્ત થતા રાષ્ટ્રપ્રમુખ (2002-07) એ. પી. જે. અબ્દુલ કલામ પાસેથી આ હોદ્દાનાં સૂત્રો સ્વીકારેલાં છે.

છેલ્લાં 45 વર્ષથી એટલે કે વર્ષ 1962થી પ્રતિભા પાટીલ રાજકારણમાં સક્રિય રહ્યાં. રાષ્ટ્રીય કૉંગ્રેસના અત્યંત વફાદાર સભ્યોમાં તેમની ગણના થતી હતી. 1962માં જળગાંવ મતદાર મંડળમાંથી તેઓ કૉંગ્રેસનાં ઉમેદવાર તરીકે મહારાષ્ટ્ર વિધાનસભાનાં સભ્ય બન્યાં હતાં અને ત્યારથી તેમની રાજકીય કારકિર્દીના શ્રીગણેશ થયેલા. 1978માં તેમના રાજકીય ઘડવૈયા (mentor) યશવંતરાવ ચવાણે કૉંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો ત્યારે પણ પ્રતિભા પાટીલ ઇન્દિરા ગાંધી, એટલે કે ઇન્દિરા કૉગ્રેસ સાથે જ રહ્યાં હતાં. 1980માં મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીની પસંદગી થવાની હતી ત્યારે તે પદ માટે અગ્રસ્થાને જે ઉમેદવારો હતા તેમાં પ્રતિભા પાટીલનું નામ પણ મોખરે હતું.

રાજકારણ ઉપરાંત સામાજિક કાર્યકર તરીકે પણ તેઓ મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશના જળગાંવ જિલ્લામાં જાણીતાં છે. જળગાંવ ખાતે સ્થાપવામાં આવેલ ‘પ્રતિભા મહિલા સહકારી બક’ના તેઓ સંસ્થાપક છે. વળી જળગાંવ ખાતેના ખાંડના કારખાનાનાં તેઓ સંસ્થાપક ચૅરમેન છે. જળગાંવ ખાતે વિચરતી જાતિનાં બાળકો માટે જે શાળા ચલાવવામાં આવે છે તથા ઇતર પછાત કોમો(OBC)નાં બાળકો માટે જે નર્સરી સ્કૂલો ચલાવવામાં આવે છે તેનું સંચાલન પણ પ્રતિભા પાટીલ કરે છે.

તેમને રમતગમતનો ભારે શોખ છે. કૉલેજકાળ દરમિયાન રમતગમતની ઘણી સ્પર્ધાઓમાં તેમણે વિજય મેળવ્યો હતો અને ટેબલ-ટેનિસની રમતમાં તો તેમણે તેમની કૉલેજની ચૅમ્પિયનશિપ પણ મેળવી હતી. ચીનના આક્રમણ વખતે 1962માં જળગાંવ જિલ્લામાં મહિલા ગૃહરક્ષકદળ સંગઠિત કરવામાં તેમની મોખરાની ભૂમિકા હતી.

તેમની કેટલીક સામાજિક પ્રવૃત્તિઓને કારણે જ રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારના નામાંકનના સંદર્ભમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધને તેમની કરેલી પસંદગી વિવાદાસ્પદ બની હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે