પાચન અને પાચનતંત્ર

January, 1999

 પાચન અને પાચનતંત્ર

ખોરાકનાં દ્રવ્યોને વિઘટિત કરીને શરીરના પોષણ માટે પ્રવેશલાયક બનાવવાની ક્રિયા અને તે માટેનું અવયવી તંત્ર. તે ક્રિયામાં ભાગ લેતા અવયવો તે પાચનતંત્ર. પાચનક્રિયામાં યાંત્રિક (ભૌતિક) અને રાસાયણિક એમ બે પ્રકારની ક્રિયા થાય છે. ખોરાકનાં દ્રવ્યોને દાંત વડે કચરીને તેનો ભૂકો બનાવાય છે અને તેને લાળ તથા અન્ય રસો સાથે ભેળવીને ઢીલો તથા અર્ધઘન (semisolid) સ્વરૂપનો બનાવાય છે. પછી તેને ગળેથી ઉતારીને જઠરમાં અને આંતરડામાં હલાવવામાં આવે છે. આ પ્રક્રિયાઓ યાંત્રિક અથવા ભૌતિક છે. તેની સાથે સાથે ઉત્સેચકો(enzymes)ની મદદથી તેનું વિઘટન કરાય છે. તે એક રાસાયણિક ક્રિયા છે.

આહાર શરીર માટે અનિવાર્ય છે. તેનાથી શરીર બંધાય છે. વળી તેના વડે નવા ઉત્સેચકો, કોષોની અંગિકાઓ (organelles), હાડકાં તથા શરીરનાં વિવિધ અંગો અને અવયવો બને છે. આહારમાંથી શરીરને જોઈતી ઊર્જા (શક્તિ) મળે છે. ખોરાક રૂપે જે પદાર્થો લેવામાં આવે છે તે બધા કદમાં ઘણા મોટા હોય છે, અને તેથી તે સીધેસીધા કોષકલા (cell membrane) દ્વારા કોષમાં પ્રવેશી શકતા નથી. વળી શરીરના કોષો તેમને કોઈ રાસાયણિક પ્રક્રિયામાં પણ લઈ શકતા નથી. તેથી તેમનું વિઘટન કરીને તથા તેમના નાના નાના અણુઓ બનાવીને લોહી તેમની વાટે પેશીઓ સુધી પહોંચાડવામાં આવે છે. ખોરાકના મોટા અણુઓને નાના અણુઓમાં ફેરવવાની ક્રિયા મુખ્યત્વે જઠર તથા આંતરડામાં થાય છે. તેને ખોરાકનું પાચન કહે છે. જઠર અને આંતરડાને સંયુક્ત રીતે જઠરાંત્ર માર્ગ (gastrointestinal tract) કહે છે. તે માર્ગ ઉપરાંત પાચનક્રિયા(digestion)માં બીજા અવયવો પણ સક્રિય હોય છે; જેમ કે, મોઢું, અન્નનળી, યકૃત (liver), સ્વાદુપિંડ (pancreas), લાળગ્રંથિઓ વગેરે. આ બધા જ અવયવો એકઠા મળીને પાચનતંત્ર (digestive system) બનાવે છે. ન પચેલા ખોરાકના પદાર્થોને મળાશય (rectum) અને ગુદા દ્વારા શરીરમાંથી દૂર કરાય છે. તે અવયવો ઉત્સર્ગતંત્ર(excretory system)ના ભાગરૂપ ગણાય છે. ખોરાક મોં દ્વારા પ્રવેશીને જઠરાંત્ર માર્ગે આગળ વહે છે, જ્યાં તેનું પાચન થાય છે. પચેલો ભાગ લોહી તથા લસિકા (lymph) દ્વારા શરીરમાં પ્રવેશે છે. યકૃતમાં તેને શરીરને અનુરૂપ અણુઓમાં ફેરવવામાં આવે છે. તેને સ્વાંગીકરણ (assimilation) કહે છે. ખોરાકનો ન પચેલો ભાગ ગુદા વાટે બહાર નીકળી જાય છે. આમ મોંથી ગુદા સુધીની પોલી નળી જેવા અન્નના માર્ગને અન્નમાર્ગ કહે છે. તેનું મુખ્ય કામ પોષણપ્રાપ્તિ-(alimentation)નું હોવાથી તેને પોષણપ્રાપ્તિ માર્ગ (alimentary tract) અથવા નલિકા (canal) પણ કહે છે. વળી આંતરડામાં રહેલા કેટલાક જીવાણુઓ (bacteria) વિટામિન બી-જૂથ તથા વિટામિન-કેનું ઉત્પાદન પણ કરે છે. આમ, પાચનતંત્રમાં આવરી લેવાયેલા અવયવો આહારભક્ષણ, પાચન, અવશોષણ, પોષણદ્રવ્યોનું ઉત્પાદન તથા મળરૂપી કચરાનો નિકાલ કરવાનું કાર્ય કરે છે.

આહારભક્ષણનું નિયમન : સામાન્ય રીતે બે પ્રકારની સંવેદનાઓ વડે આહાર લેવાની ક્રિયાનું નિયમન થાય છે : (1) ભૂખ અથવા ક્ષુધા  (hunger) અને (2) આવર રુચિ (appetite). કશુંક પણ ખાવાનું ખાવાની ઇચ્છા થાય તેને ભૂખ કહે છે; જ્યારે કોઈ ચોક્કસ ચીજ ખાવાની ઇચ્છા થાય તો તેને રુચિ કહે છે. ભૂખ વધુ તીવ્ર પ્રકારની સંવેદના છે અને તેમાં ઘણી તકલીફ પણ થાય છે. મગજના નીચલા ભાગમાં અધશ્ચેતક (hypothalamus) નામનો એક વિસ્તાર આવેલો છે. તેના મધ્યરેખા તરફના ભાગમાં ચેતાકોષોનો એક સમૂહ આવેલો છે; જેને સંતોષકારી ચેતાકેન્દ્ર (satiety centre) કહે છે. જ્યારે અધશ્ચેતકના બહારના ભાગમાં આવેલા ચેતાકોષોના સમૂહને આહારરુચિ ચેતાકેન્દ્ર (appetite centre) કહે છે : અધશ્ચેતકના મધ્યરેખા તરફના ભાગને મધ્યવર્તી અધશ્ચેતક (medial hypothalamus) અને બહાર તરફના ભાગને પાર્શ્વવર્તી અધશ્ચેતક (lateral hypothalamus) કહે છે. આહારરુચિ ચેતાકેન્દ્રનું ઉત્તેજન થાય ત્યારે ભૂખ લાગે છે અને જ્યારે સંતોષકારી ચેતાકેન્દ્ર ઉત્તેજિત થાય છે ત્યારે ભૂખની સંવેદના શમી જાય છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝ, મેદ ઍસિડ કે ઍમિનોઍસિડનું પ્રમાણ ઘટે ત્યારે આહારરુચિ ચેતાકેન્દ્ર ઉત્તેજિત થાય છે અને ભૂખ લાગે છે. જ્યારે તે દ્રવ્યોનું પ્રમાણ વધે છે ત્યારે સંતોષકારી ચેતાકેન્દ્રનું ઉત્તેજન થાય છે અને ભૂખ શમી જાય છે. આ ઉપરાંત ખાતી વખતે ધીમે ધીમે પેટ ભરાવા માંડે છે. તેને કારણે જઠરની દીવાલમાં આવેલા તણાવની સંવેદનાઓ સ્વીકારતા ચેતાતંત્રીય સ્વીકારકો (neuroreceptors) ઉત્તેજિત થાય છે અને તેને કારણે પણ મધ્યવર્તી અધશ્ચેતકમાં આવેલું સંતોષકારી ચેતાકેન્દ્ર કાર્યરત થાય છે. તેથી જઠર વધુ પડતું ફૂલી જતું નથી. સામાન્ય રીતે આ પછી જ્યારે ખોરાકનું પૂરેપૂરું પાચન થઈ જાય ત્યારે જ પાછી ભૂખ લાગે છે.

આકૃતિ 1 : પાચનતંત્રના અવયવો : (1) મુખગુહા, (2) હોઠ, (3) દાંત, (4) જીભ, (5) કપોલીય અથવા પરાકર્ણ (parotid) લાળગ્રંથિ, (6) અવજિહવાકીય લાળગ્રંથિ, (7) અધોહનુલક્ષી, (8) ગળું (ગ્રસિની), (9) અન્નળી, (10) ઉરોદરપટલ, (11) જઠર, (12) યકૃત, (13) પિત્તાશય, (14) બરોળ, (15) સ્વાદુપિંડ, (16) પક્વાશય, (17) મધ્યાંત્ર, (18) અંતાંત્ર, (19) અંધાંત્ર, (20) આંત્રપુચ્છ, (21) આરોહી સ્થિરાંત્ર, (22) અનુપ્રસ્થ સ્થિરાંત્ર, (23) અવરોહી સ્થિરાંત્ર, (24) ડરૂપ સ્થિરાંત્ર, (25) મળાશય, (26) ગુદા.

પાચનક્રિયાઓ : પાચનતંત્રમાં પાંચ પ્રકારની જુદી જુદી ક્રિયાઓ થાય છે : (1) ભક્ષણ (ingestion), (2) લહરિગતિ (peristalsis) તથા અન્ય પ્રકારની ચલનક્રિયાઓ (movements) દ્વારા ખોરાકનું વહન અને મિશ્રણ, (3) પાચન, (4) અવશોષણ (absorption) તથા (5) મળત્યાગ (defaecation). ખોરાકનું પાચન બે રીતે થાય છે : (1) રાસાયણિક પાચન તથા (2) યાંત્રિક (mechanical) પાચન. ખોરાકમાંના કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન તથા ચરબીના મોટા અણુઓનું વિઘટન કરીને શરીરના કોષોમાં પ્રવેશી શકે તેમજ શરીરના કોષો જેમનો ઉપયોગ કરી શકે તેવડા નાના અણુઓ બનાવવાની ક્રિયાને રાસાયણિક પાચન કહે છે. તે ક્રિયા મુખ્યત્વે ઉત્સેચકો દ્વારા થાય છે. જીભ વડે ખોરાકના કોળિયાને મોંમાં ફેરવવાની ક્રિયા તેમજ તેને ગળામાં ઉતારવાની ક્રિયા, અન્નનળી દ્વારા લહરિગતિ વડે કોળિયાને જઠરમાં લઈ જવાની ક્રિયા, જઠરમાં વલોવણ થતું હોય તેવી રીતે ખોરાકને અને જઠરરસોને એકબીજા જોડે ભેળવવાની ક્રિયા તથા નાના આંતરડા વડે લહરિગતિ દ્વારા પચી રહેલા ખોરાકને આગળ લઈ જવાની ક્રિયાને યાંત્રિક પાચન કહે છે. આ ક્રિયા દરમિયાન ખોરાકને બરાબર વલોવીને પાચકરસો સાથે ભેળવવામાં આવે છે. મોઢામાં દાંત વડે ચાવીને કરાતી ખોરાકને ચીરવાની, ચાવવાની, કચરવાની કે ભૂકો કરવાની ક્રિયા પણ યાંત્રિક પાચનની ક્રિયા ગણાય છે.

પાચનતંત્રનું બંધારણ : પાચનતંત્રને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક વિભાગમાં જઠરાંત્રમાર્ગને આવરી લેવાય છે, જ્યારે બીજા વિભાગમાં અતિરિક્ત (accessory) અવયવોને આવરી લેવાય છે. જઠરાંત્રમાર્ગ અથવા પોષણપ્રાપ્તિ-નળી (alimentary canal) શરીરની ગુહા(cavity)માંથી પસાર થતી, મોઢાથી માંડીને ગુદા સુધીની, સળંગ નળી છે. કોઈ એક મૃત શરીરમાંની પોષણપ્રાપ્તિ-નળીની લંબાઈ 9 મીટર જેટલી થાય છે. જોકે જીવતી વ્યક્તિમાં તે સ્નાયુઓની સજ્જતા(tone)ને કારણે સહેજ ટૂંકી રહે છે. તેમાં આવરી લેવાતા અવયવોમાં મોં, ગળું (pharynx), અન્નનળી (oesophagus), જઠર (stomach) તથા નાના અને મોટા આંતરડાનો સમાવેશ થાય છે. જઠરાંત્રમાર્ગમાં ખોરાકનું યાંત્રિક તેમજ રાસાયણિક પાચન થાય છે તથા તેના દ્વારા ન પચેલા ખોરાકના ભાગનો નિકાલ પણ થાય છે. બીજા જૂથના અવયવોમાં દાંત, જીભ, લાળગ્રંથિઓ (salivary glands), યકૃત (liver), પિત્તાશય (gall bladder) તથા સ્વાદુપિંડ(pancreas)નો સમાવેશ થાય છે. દાંત અને જીભ મોઢાની બખોલમાં આવેલાં છે અને તેઓ ખોરાકના યાંત્રિક પાચનમાં મદદ કરે છે, જ્યારે બીજા બધા જ અવયવો જઠરાંત્રમાર્ગની બહાર રહેલા છે અને તેઓ ખોરાકના રાસાયણિક પાચન માટેના પાચકરસો(digestive juices)ને તેમાં નળી દ્વારા ઠાલવે છે.

(1) મુખગુહા (oral cavity) : તેની ચાર દીવાલો ગાલ, તાળવું અને જીભથી બનેલી છે. ગાલમાં કપોલીય સ્નાયુ (buccinator muscle) આવેલો છે. તેની બહાર ચામડીનું આવરણ આવેલું છે. તેની અંદરની સપાટી પરની શ્લેષ્મકલા પર અશૃંગીકૃત સ્તરીકૃત લાદીસમ અધિચ્છદ (nonkeratinized stratified squamous epithelium) આવેલું છે. દાંત, અવાળુ તથા ગાલ વચ્ચેના પોલાણને ગલોફું કહે છે. ગાલનો આગળનો ભાગ ઉપલા અને નીચલા હોઠ રૂપે ફેરવાય છે. હોઠ(lip)ને શાસ્ત્રીય ભાષામાં ઓષ્ઠ (labium) કહે છે. મુખછિદ્રને ઉપર તથા નીચેથી બાંધતા સ્નાયુની ગડી જેવા હોઠોની બહારની સપાટી પર ચામડી અને અંદરની સપાટી પર શ્લેષ્મકલાનું આવરણ હોય છે. હોઠના ચામડી અને શ્લેષ્મકલા વચ્ચે આવેલા ભાગને વિત્વક્કલા અથવા ઓષ્ઠકલા (vermillon) કહે છે. વિત્વક્કલાની હોઠ પરની સપાટી પર અશૃંગીકૃત – પારદર્શક અધિચ્છદ હોય છે તેથી નીચેની નસોમાંના લોહીના રંગે હોઠનો આ ભાગ લાલ રંગનો દેખાય છે. હોઠની અંદરની સપાટી પર એક નાની ઓષ્ઠબંધિકા (labial frenulum) નામની શ્લેષ્મકલાની ગડી હોય છે. તેના વડે હોઠ અવાળુ સાથે જોડાયેલો રહે છે. હોઠમાં મુખછિદ્રને ગોળ ફરતો મુખપરિવૃત્તીય સ્નાયુ (orbicularis oris muscle) આવેલો છે જે નાણાકોથળી(purse)નું મોં જે રીતે ચારે બાજુથી ગોળ ફરતે બંધ થાય છે તેવી રીતે મોંને બંધ કરે છે. ગાલ અને હોઠ ચાવતી વખતે કોળિયાને દાંતની વચ્ચે રાખે છે અને બોલતી વખતે પણ ઉપયોગી કાર્ય કરે છે. હોઠ અને અવાળુ તથા ગાલ અને અવાળુ વચ્ચેની જગ્યા(ગલોફું)ને મુખનિવેશ (vestible of mouth) કહે છે. મુખગુહાની છત તાળવા(palate)ની બનેલી છે. તાળવાના બે ભાગ પડે છે : (1) કઠણ તાળવું (hard palate) અને (2) મૃદુ તાળવું (soft palate). મુખગુહાના આગળના ભાગની છતમાં ઉપલા જડબાનું ઊર્ધ્વહનુ-અસ્થિ (maxilla) નામનું હાડકું અને 2 તાલવ્યાસ્થિઓ (palatine bones) આવેલાં છે. તે કઠણ તાળવું બનાવે છે. કઠણ તાળવું નાકના પોલાણ (નાસિકાગુહા, nasal cavity) અને મુખગુહા વચ્ચેની દીવાલ બનાવે છે. તાળવાનો પાછલો ભાગ સ્નાયુ અને શ્લેષ્મકલાની મૃદુ પેશીનો બનેલો છે. તેનો પાછલો છેડો નીચેની તરફ લબડે છે તેને અવતરણી (uvula) કહે છે. મૃદુ તાળવાની પાછલી કિનારી પરથી બંને બાજુએ સ્નાયુની એક-એક ગડી નીચે તરફ ઊતરે છે. તેને અગ્રસ્થ કાકડાસ્તંભ (anterior tonsillar fold) કહે છે. અગ્રસ્થ કાકડાસ્તંભો અને મૃદુ તાળવાથી બનતી કમાનને અગ્રસ્થ તાલવ્ય-ગ્રસની કમાન (anterior palatopharyngeal arch) કહે છે. આવી જ એક બીજી પશ્ચસ્થ તાલવ્ય-ગ્રસની કમાન (posterior palatopharyngeal arch) છે, જેને પશ્ચસ્થ કાકડાસ્તંભો (posterior tonsillar pillars) અને મૃદુ તાળવું બનાવે છે. અગ્રસ્થ અને પશ્ચસ્થ કાકડાસ્તંભોની વચ્ચે કાકડા આવેલા છે. તેમને ગ્રસની-કાકડા (pharyngeal tonsils) કહે છે. તે જ ગળામાં જોવા મળતા કાકડા છે. બંને કમાનોની વચ્ચે તાલવ્ય કાકડા (palatine tonsils) અને જીભના મૂળ પાસે જિહવાલક્ષી કાકડા (lingual tonsils) આવેલા છે. ગળામાંના કાકડા(tonsil)ની આગળનો અગ્રસ્થ કાકડાસ્તંભ (anterior tonsillar pillar) અને મૃદુ તાળવાની અવતરણી વચ્ચેના પોલાણ (ગ્રસનીદ્વાર, fauces) દ્વારા  મુખગુહા (oral cavity) અને ગળું એકબીજા સાથે જોડાય છે. મુખગુહામાં મુખનિવેશ અને ગલોફાંનો સમાવેશ થાય છે.

(1-અ) જીભ (જિહવા, tongue) : મુખગુહાના તળિયામાં સ્નાયુની બનેલી જીભ આવેલી છે. તે પાચનતંત્રનો એક અતિરિક્ત (accessory) અવયવ છે. તેમાં ઇચ્છાવર્તી સ્નાયુઓ આવેલા છે અને તેમના પર શ્લેષ્મકલાનું આવરણ આવેલું છે. જીભની બરાબર વચ્ચે એક પડદો આવેલો છે જે જીભને બે સરખા ભાગમાં વહેંચે છે. તે મધ્યરેખામાં આવેલો હોવાથી તેને મધ્યપટલ (median septum) કહે છે. જીભના બંને ભાગોમાં એકસરખા પ્રકારના બાહ્યવર્તી (extrinsic) 5 અને અંત:વર્તી (intrinsic) 4 સ્નાયુઓ આવેલા છે. બાહ્યવર્તી સ્નાયુઓ જીભની બહારના કોઈ ભાગ સાથે જોડાય છે અને તેઓ કોળિયો ચાવતી વખતે કે બોલતી વખતે જીભને મોઢામાં આગળ, પાછળ, ઉપર કે નીચે ફેરવે છે; જ્યારે અંત:વર્તી સ્નાયુઓ સંપૂર્ણપણે જીભની અંદર જ આવેલા છે અને તેઓ જીભનાં કદ અને આકારમાં ફેરફાર આણે છે. બાહ્યવર્તી સ્નાયુઓને હાયોજૈહિવક (hyoglossus) સ્નાયુ, કાસ્થિજૈહિવક (chondrogssus) સ્નાયુ, ચિબુકજૈહિવક (genioglosssus) સ્નાયુ, કંટકજૈહિવક (styloglosssus) સ્નાયુ તથા તાલવ્યજૈહિવક (palatoglossus) સ્નાયુ કહે છે.

આકૃતિ 2 : મુખગુહા. (અ) ખુલ્લા મોંની ફાડમાંથી જોવા મળતી મુખગુહા, (આ) જીભ, (ઇ) જીભનો આડો છેદ, (ઈ) લાળગ્રંથિઓ, (ઉ) દાંત, (ઊ) દંતપંક્તિ. (1) ગાલ, (2) ઉપલો હોઠ, (3) નીચલો હોઠ, (4) ઊર્ધ્વ ઓષ્ઠબંધિકા, (5) અધ:ઓષ્ઠબંધ, (6) નિવેશ, (7) અવાળું, (8) કઠણ તાળવું, (9) મૃદુ તાળવું, (10) અવસરણી, (11) તાલવ્ય-જિહવા કમાન, (12) ગ્રસનીદ્વાર (fances), (13) તાલવ્યગ્રસની કમાન, (14) કાકડા, (15) જીભ, (16) જિહવાબંધિકા, (17) દાંત, (18) કડવો સ્વાદ પારખવાનો વિસ્તાર, (19) ખાટો સ્વાદ પારખવાનો વિસ્તાર, (20) ખારો સ્વાદ પારખવાનો વિસ્તાર, (21) ગળ્યો સ્વાદ પારખવાનો વિસ્તાર, (22) જિહવાકીય કાકડા, (23) જિહવામૂળ, (24) અધિસ્વર યંત્ર, (25) સ્વાદાંકુર, (26) મોં ઉપરની પૃષ્ઠ સપાટી, (27) જીભની દાંત તરફની પાર્શ્વસપાટી, (28) જીભની નીચલી સપાટી, (29) શ્લેષ્મકલા, (30) અનુપ્રસ્થ સ્નાયુતંતુઓ, (31) અને (33) લંબ અક્ષીય સ્નાયુતંતુઓ, (32) મધ્યસ્થ પટલ, (34) કાન, (35) ચર્વક સ્નાયુ, (36) કપોલીય અથવા પરાકર્ણ લાળગ્રંથિ, (37) કપોલીય પરાકર્ણ – લાળગ્રંથિ નળી, (38) અવજિહવાકીય લાળગ્રંથિ, (39) અધોહનુલક્ષી લાળગ્રંથિનળી, (40) અધોહનુલક્ષી લાળગ્રંથિનળી, (41) દંતીય મુકુટ, (42) દંતીય ગ્રીવા, (43) દંતીય મૂળ, (44) દાંતની નસો, (45) દાંતની ચેતા, (46) ટોચ છિદ્ર, (47) જડબાનું હાડકું, (48) મલનલિકા, (49) મૃદુપેશીગુહા, (50) દંતિન, (51) બાળકોના દાંત (દૂધિયા દાંત), (52) પુખ્ત વયના દાંત (કાયમી દાંત), (53) ઉપલી દંતપંક્તિ, (54) નીચલી દંતપંક્તિ, (55) મધ્યસ્થ છેદક દાંત (central incisor), (56) પાર્શ્વછેદક દાંત (lateral incisor), (57) ભેદક દાંત, (રાક્ષી – canine), (58) દૂધિયા દાઢ, (59) પૂર્વદાઢ (premolar), (60) પુખ્ત દાઢ (molar).

તેઓ અનુક્રમે હાયોઇડ નામના હાડકામાંથી, અન્ય કાસ્થિ(cartilage)માંથી, ચિબુક(chin)ના હાડકામાંથી, ગળામાંના કંટકપ્રવર્ધ(styloid process)માંથી તથા તાળવામાંથી શરૂ થઈને (ઉદ્ગમ, origin) જીભમાં જોડાય છે (નિબદ્ધન, insertion). અંત:વર્તી સ્નાયુઓને ઊર્ધ્વ લંબાક્ષીય (longitudinalis superior) સ્નાયુ, અધ:લંબાક્ષીય (longitudinalis inferior) સ્નાયુ, જૈહિવક અનુપ્રસ્થીય (transversus linguae) સ્નાયુ તથા ઊર્ધ્વાક્ષજૈહિવક (verticularis linguae) સ્નાયુ કહે છે. આ બંને પ્રકારના સ્નાયુઓ ખોરાકના કોળિયાને મોઢામાં ફેરવે છે, લાળ સાથે ભેળવે છે તથા તેને ગળવામાં મદદરૂપ થાય છે. જીભની નીચલી સપાટી પર શ્લેષ્મકલાનો એક નાનો ભાગ ચોંટેલો હોય છે, જે જીભને ગળા તરફ પડી જતી અટકાવે છે. તેને જિહવાબંધિકા (lingual frenum) કહે છે. તે જ્યારે મોટો અને વધુ મજબૂત હોય ત્યારે તે બોલતી વખતના જીભના હલનચલનને અવરોધે છે. તેને જિહવાબંધિતતા(ankyloglossia)નો વિકાર કહે છે. ત્યારે તે શસ્ત્રક્રિયા વડે કાપીને નાનો કરવો પડે છે.

જીભની ઉપરની સપાટી પર અને કિનારી પર નાના ઊપસેલા અંકુરો (papillae) આવેલા છે. જીભના આગળના 2/3 ભાગમાં શંકુ-આકારી (filiform) અંકુરો છે, જેમાં સ્વાદ પારખવાની ક્ષમતા હોતી નથી. તેમની સાથે જીભની ટોચ પર બિડાલછત્ર (mushroom) જેવા બિડાલછત્રીય (fungiform) અંકુરો આવેલા છે. તે લાલ ટપકાં રૂપે જોવા મળે છે અને તેમાં સ્વાદ પારખવાના ચેતાતંતુઓ આવેલા છે. જીભના આગળના 2/3 ભાગના પાછલા છેડે અંગ્રેજી મૂળાક્ષર V જેવા ભાગમાં સ્વાદ પારખતા વૃત્તપુટિકામય (circumvallate) અંકુરો આવેલા છે. તેને કારણે જીભની ટોચ પર ગળ્યો સ્વાદ, કિનારીના આગળના છેડે ખારો અને પાછળના છેડે ખાટો સ્વાદ તથા જીભના પાછલા ભાગમાં કડવો સ્વાદ પરખાય છે.

(1-આ) લાળ અને લાળગ્રંથિઓ (salivary glands) : લાળ એ સૌપ્રથમ ઝરતો પાચકરસ છે. તે સતત ઝર્યા કરે છે. રોજ આશરે 1.5થી 2 લિટર લાળ ઝરે છે. તે મોઢાને સતત ભીનું રાખે છે. તે ખોરાકના કોળિયાને ભીનો કરીને લિસ્સો બનાવે છે, તેમાંનાં કેટલાંક દ્રવ્યોને ઓગાળે છે અને રાસાયણિક પાચનક્રિયાની શરૂઆત કરે છે. મોઢાની અંદરની દીવાલ પર આચ્છાદન (lining) કરતી શ્લેષ્મકલામાં નાની નાની ગલોફાગ્રંથિઓ (buccal glands) આવેલી છે, જેમાંથી પણ લાળ ઝરે છે. જોકે મુખ્ય લાળરસ મોઢાની બખોલની બહાર આવેલી મોટી લાળગ્રંથિઓની ત્રણ જોડમાંથી નલિકા દ્વારા મોઢામાં ઝરે છે. તેમનાં નામ છે : ગાલમાં આવેલી કપોલીય અથવા પરાકર્ણ (parotid) ગ્રંથિ, નીચલા જડબાની નીચે આવેલી અધોહનુલક્ષી (submaxillary) ગ્રંથિ અને જીભ અથવા ચિબુક(chin)ની નીચે આવેલી અવજિહવાલક્ષી (sublingual) અથવા અવચિબુકીય (submetal) ગ્રંથિ.

કપોલીય (પરાકર્ણ) ગ્રંથિ કાનની નીચે અને આગળ ગાલની અંદર ચામડી અને ચર્વકસ્નાયુ(masseter muscle)ની વચ્ચે આવેલી છે. કપોલીય (પરાકર્ણ) ગ્રંથિના લાળરસ ઉત્પન્ન કરતા કોષો નાની નાની વર્તુળાકાર ગ્રંથિલો (acini) બનાવે છે. એક ગ્રંથિલને acinus કહે છે. ગ્રંથિલોમાં કોષો વર્તુળના પરિઘ પર ગોઠવાયેલા હોય છે અને તેથી તેમની વચ્ચેનાં પોલાણોમાં લાળરસ ઝરે છે. આ પોલાણ લંબાઈને લઘુનલિકાઓ (ductules) બનાવે છે. નલિલિકાઓ એકઠી થઈને નળી બનાવે છે, જે ગાલમાંના ગલોફા સ્નાયુ(buccinator muscle)ને વીંધીને ગલોફામાં ઉપલી બીજી દાઢ પાસે ખૂલે છે. કપોલીય ગ્રંથિની નળીને કપોલીય  (પરાકર્ણ) ગ્રંથિનલી (parotid duct) કહે છે. કપોલીય (પરાકર્ણ) ગ્રંથિમાંથી ચહેરાના સ્નાયુઓની ચેતા (nerve) પસાર થાય છે. તેથી તેની શસ્ત્રક્રિયામાં કે રોગોમાં ક્યારેક ચહેરાનો લકવો થાય છે. અધોહનુલક્ષી ગ્રંથિ પણ સંયુક્ત ગ્રંથિલયુક્ત ગ્રંથિ છે. તે જીભના મૂળની નીચે તથા મોઢાની ગુહાના તળિયા(મુખગુહાતલ, floor of the mouth)ના પાછલા ભાગમાં આવેલી છે. તેની નળી મોઢાની શ્લેષ્મકલાની નીચે થઈને આગળના નીચલા મધ્ય છેદક (central incisor) દાંત પાસે ખૂલે છે. અવજિહવાકીય કે અવચિબુકીય લાળગ્રંથિ મુખગુહાતલના આગળના ભાગમાં આવેલી છે અને અનેક લઘુજિહવાકીય નલિકાઓ (lesser lingual ducts) દ્વારા મોઢામાં ખૂલે છે. લાળગ્રંથિની નળીઓમાં ક્યારેક પથરી થાય છે, જેને શસ્ત્રક્રિયા વડે દૂર કરી શકાય છે.

નાક-ગળાના ચેપને સમયે કોઈ પણ લાળગ્રંથિમાં ચેપ ફેલાય છે. કપોલીય ગ્રંથિ ખાસ કરીને ગાલપચોળિયું (લાપોટિયું) નામના (mumps)ના વિષાણુના ચેપથી થતા રોગમાં સૂજી જાય છે. તે સમયે દર્દીને તાવ આવે છે, ગાલ પર સોજો આવે છે અને ચાવતી તથા કોળિયો ગળે ઉતારતી વખતે દુખે છે. 20 %થી 35 % યુવાન પુરુષોમાં તે સમયે શુક્રપિંડમાં પણ ચેપ ફેલાય છે. ક્યારેક તેને કારણે વંધ્યતા આવે છે. ક્યારેક પેટમાં આવેલું સ્વાદુપિંડ પણ આ ચેપથી અસરગ્રસ્ત થાય છે. આ વિષાણુજન્ય ચેપ છે અને શરીરના પ્રતિરક્ષા(immunity)તંત્રને કારણે આપોઆપ શમે છે. લાપોટિયાનો થૂંકબિંદુઓથી ચેપ ફેલાય છે.

ગલોફાગ્રંથિઓ તથા 3 જોડવાળી લાળગ્રંથિઓમાંથી નળીઓ કે નલિકાઓ દ્વારા મોઢાના પોલાણમાં લાળ ઝરે છે. સામાન્ય રીતે રોજ 1થી 1.5 લિટર જેટલી લાળ બને છે, જેમાં 99.5 % પાણી હોય છે. તેના 0.5 % દ્રાવ્ય પદાર્થોમાં ક્ષાર, ઓગળેલા વાયુઓ અને કેટલાંક સેન્દ્રિય દ્રવ્યો હોય છે. સોડિયમ અને પોટૅશિયમના ક્લોરાઇડ, બાયકાર્બોનેટ તથા ફૉસ્ફેટ મુખ્ય ક્ષારો રૂપે હોય છે. સેન્દ્રિય પદાર્થોમાં મુખ્ય છે યુરિયા, યુરિક ઍસિડ, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, મ્યુલિન, જીવાણુનાશક ઉત્સેચક, લાયસોઝાઇમ તથા શર્કરાનું પાચન કરતો એમાયલેઝ નામનો ઉત્સેચક. જુદી જુદી લાળગ્રંથિમાંથી ઝરતી લાળમાં તફાવત હોય છે. કપોલીય ગ્રંથિમાં પાણી અને ઉત્સેચકો હોય છે, અધોહનુલક્ષી ગ્રંથિમાં શ્લેષ્મ પણ હોય છે જ્યારે અવજિહવાલક્ષી ગ્રંથિમાં મુખ્યત્વે શ્લેષ્મ અને પાણી હોય છે. તેથી પાછલી બે ગ્રંથિઓની લાળ સહેજ જાડી હોય છે.

લાળમાં રહેલું પાણી આહારમાંના દ્રાવ્ય પદાર્થને ઓગાળીને તેમનો સ્વાદ પારખવામાં મદદ કરે છે. તેમાંના ક્લૉરાઇડને કારણે શર્કરાનું પચન કરતો બહુશર્કરાપાચક (amylase) નામનો ઉત્સેચક સક્રિય બને છે. બાયકાર્બોનેટ અને ફૉસ્ફેટ વડે લાળનું pH મૂલ્ય 76.35થી 6.85 (થોડું અમ્લીય અથવા ઍસિડિક) રાખી શકાય છે. લાળમાંનું શ્લેષ્મિન (mucin) જ્યારે પાણીમાં ઓગળે છે ત્યારે તે શ્લેષ્મ (mucus) બનાવે છે. શ્લેષ્મ ચીકણો અને લીસો પદાર્થ છે; જે ખોરાકના અણુઓ વચ્ચે ઊંજણ(lubrication)નું કામ કરીને તેને લિસ્સો અને ગોળ કોળિયારૂપ બનાવે છે; જેથી તેને સહેલાઈથી ગળી શકાય. લયનકારી ઉત્સેચક (lysozyme) જીવાણુનો નાશ કરીને, અવાળુ તથા દાંતનું રક્ષણ કરે છે. લાળમાં યુરિયા અને યુરિક ઍસિડ જેવા પદાર્થોનો ઉત્સર્ગ પણ થાય છે.

લાળના સ્રવણ(secretion)નું સમગ્ર નિયંત્રણ ચેતાતંત્ર(nervous system)ને અધીન છે. સામાન્ય રીતે મોઢાને ભીનું, જીવાણુરહિત રાખવા તથા બોલતી વખતે જીભ અને હોઠના હલનચલનને સરળ રાખવા માટે, પરાનુકંપી (parasympathetic) ચેતાતંત્રની ક્રિયાઓ દ્વારા, થોડા પ્રમાણમાં લાળ ઝર્યા કરે છે. સામાન્ય રીતે તે લાળ ગળી જવામાં આવે છે અને તેનું પુન:શ્ચક્રણ (recycling) કરાય છે; જેથી કરીને શરીરમાં પાણીની ખોટ ન ઉદભવે. શરીરમાં જ્યારે પાણી ખૂટે ત્યારે તેને નિર્જલીકરણ (dehydration) કહે છે. તે સમયે લાળ ઝરતી અટકી જાય છે અને મોઢું સુક્કું થઈ જાય છે. તેને કારણે તરસ લાગે છે, ભય, આશંકિતતા કે ચિંતાના સમયે પણ અનુકંપી (symphthetic) ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ મોં સુકાઈ જાય છે. મોંમાં ખોરાક પ્રવેશે એટલે લાળગ્રંથિઓનું ચેતાકીય ઉત્તેજન વધી જાય છે અને પુષ્કળ પ્રમાણમાં લાળ ઝરે છે. લાળ વગરની સુક્કી જીભ પર કોઈ ઘન પદાર્થ ઘસવાથી તેના સ્વાદાંકુરો ઉત્તેજિત થાય છે, જેના પ્રતિભાવ રૂપે ચેતાતંત્ર લાળ ઝરવાના ચેતા-આવેગો મોકલે છે. મગજના નીચલા ભાગમાં મસ્તિષ્કપ્રકાંડ (brain stem) નામનો ભાગ આવેલો છે. તેમાં 2 લાળલક્ષી ચેતાકેન્દ્રો (salivary centres) આવેલાં છે : ઊર્ધ્વ (superior) લાળલક્ષી ચેતાકેન્દ્ર અને અધ: (inferior) લાળલક્ષી ચેતાકેન્દ્ર. મોઢામાંથી આવેલી સંવેદનાઓ આ ચેતાકેન્દ્રોમાં ઝિલાય છે અને ત્યાંથી તે પરાનુકંપી ચેતાતંત્રની ચેતાઓ દ્વારા લાળગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. મસ્તિષ્કપ્રકાંડમાં મજ્જાસેતુ (pons) અને લંબમજ્જા (medulla oblongata) – એમ બે ભાગ આવેલા છે. ઊર્ધ્વ લાળલક્ષી ચેતાકેન્દ્ર મજ્જાસેતુમાં આવેલું છે અને અધ: લાળલક્ષી ચેતાકેન્દ્ર લંબમજ્જામાં આવેલું છે. આ ઉપરાંત ખોરાકના પદાર્થનાં સુગંધ, દેખાવ, સ્પર્શ કે તેની તૈયારીની જાણકારી માનસિક પ્રતિભાવ રૂપે લાળ ઝરવાનું શરૂ કરાવે છે. આ એક પ્રકારની અનુભવજન્ય પરાવર્તી ક્રિયા (condition reflex) છે. તેમાં અગાઉના અનુભવોની યાદદાસ્તને કારણે મોટા મગજના બહિ:સ્તર(cortex)માંથી શરૂ થતા ચેતાપથ (nerve tracts) મજ્જાસેતુ અને લંબમજ્જામાંનાં લાળ ઝરાવતાં ચેતાકેન્દ્રોને ઉત્તેજે છે. તેને કારણે વ્યક્તિ જેવો કોળિયો મોઢામાં મૂકે કે તરત જ તેનું પાચન શરૂ થાય છે. ક્યારેક અતિશય તીખો કે ચચરાટ કરે તેવો પદાર્થ ખવાઈ જાય ત્યારે જઠર અને નાના આંતરડાના ઉપરના છેડેથી ઉદભવતી સંવેદનાઓ લાળ ઝરાવતાં ચેતાકેન્દ્રો દ્વારા મોંમાં લાળ ઝરવાનું વધારે છે. તેને કારણે ચચરાટ કરતા ખોરાકની સાંદ્રતા (concentration) ઘટે છે. જમ્યા પછી થોડા સમય માટે મોંમાં લાળ ઝરવાનું ચાલુ રહે છે, જેને કારણે મોઢું ચોખ્ખું થઈ જાય છે તથા તેમાં રહેલા ચચરાટ કરતા પદાર્થની સાંદ્રતા ઘટીને શૂન્ય થાય છે.

(1-ઇ) દાંત : દાંત અથવા દંત (dentes) મોઢામાં આવેલી અતિરિક્ત અથવા વધારાની સંરચનાઓ છે. તેઓ ઉપલા અને નીચલા જડબામાં દંતીય પ્રવર્ધ(alveolar process)ની બખોલોમાં ગોઠવાયેલા હોય છે. દંતીય પ્રવર્ધ પર આવેલા શ્લેષ્મકલા(mucosa)ના આવરણને અવાળુ (gums, gingiva) કહે છે. અવાળુનું પડ બખોલની કિનારીને ઢાંકીને સહેજ બખોલમાં પણ પ્રવેશે છે અને ત્યાં તે અવાળુગર્ત (gingival sulcus) બનાવે છે. દાંત અને અવાળુ વચ્ચે આવેલી આ નાની ગર્તમાં કચરો ભરાઈ રહે છે, જે દાંતના સડાનું મહત્વનું કારણ ગણાય છે. દાંત સાફ કરતી વખતે આ કચરો દૂર થાય તે જરૂરી ગણાય છે. દાંતના મુખ્ય ત્રણ ભાગ છે : મુકુટ, ગ્રીવા અને મૂળ. બહાર દેખાતો ભાગ દંતીય મુકુટ (dental crown) છે અને બખોલમાં ચોંટેલો ભાગ દંતીય મૂળ (dental root) છે. તે બંનેના જોડાણના વિસ્તારને ગ્રીવા (cervix અથવા neck) કહે છે. દંતીય મૂળને હાડકાની બખોલ સાથે જોડતા તંતુઓના બનેલા તંતુબંધ(ligament)ને પરિદંતિલ તંતુબંધ (periodontal ligament) કહે છે. તે ચાવતી વખતનું દબાણ ઝીલે છે. દાંતનો મુખ્ય કઠણ ભાગ દંતિન (dentin) નામના દ્રવ્યનો બનેલો છે, જે દાંતને આકાર આપે છે અને કઠણ બનાવે છે. દંતિનની અંદર એક નાનું પોલાણ હોય છે. તેને મૃદુપેશીગુહા (pulp cavity) અથવા પેશીગુહા કહે છે. તે દાંતની અંદરનો પોચો ભાગ છે. તેમાં લોહીની નસો, લસિકાવાહિનીઓ (lymphatics) અને ચેતાતંતુઓ (nerve fibres) આવેલાં હોય છે. દંતમૂળની ટોચ પર એક છિદ્ર હોય છે; જેમાંથી નસો, લસિકાવાહિનીઓ અને ચેતાતંતુઓ તેમાં પ્રવેશે છે. ટોચ પરના છિદ્રને ટોચછિદ્ર (apical foramen) કહે છે. દાંતના મુકુટના દંતિન પર મીનાવરણ(enamel) હોય છે જે મોતી જેવો ચમકતો, સફેદ અને શરીરનો સૌથી કઠણ પદાર્થ છે. તેનો જાણે દંતિન પર મીનો ચઢાવેલો હોય તેવો દેખાવ હોય છે. તે કૅલ્શિયમ ફૉસ્ફેટ તથા કાર્બોનેટનો બનેલો હોય છે. તે ચાવતી વખતની ઈજાઓ અને મોઢામાંના ઍસિડવાળા પદાર્થથી દંતિનને નુકસાન થતું અટકાવે છે. દંતમૂળ પર મીનાવરણના પ્રકારનું હાડકાં જેવું કઠણ આવરણ આવેલું છે. તેને દૃઢબંધક (cementum) કહે છે. પરિદંતિલ તંતુબંધ તેની સાથે જોડાયેલો હોય છે.

દાંત ઉપલા અને નીચલા જડબામાં કમાન રૂપે ગોઠવાયેલા હોય છે. તેથી તેમની સપાટીઓને અગ્ર (anterior), પશ્ચ (posterior), મધ્યવર્તી (medial) કે પાર્શ્વવર્તી (lateral) એટલે કે અનુક્રમે આગળની પાછળની, અંદરની (મધ્યરેખા તરફની) કે બહારની સપાટી રૂપે વર્ણવી શકાતી નથી. તેમની પાસે આવેલી સંરચનાઓને આધારે ઓષ્ઠીય (labial) અથવા હોઠ તરફની, ગલોફાકીય (buccal) અથવા ગલોફા તરફની, જિહવાકીય (bingnal) અથવા જીભ તરફની, તાલવ્ય (palatal) અથવા તાળવા તરફની, મધ્યાગ્ર (mesial) અથવા આગળ તથા મધ્યરેખા તરફની તથા દૂરસ્થ (distal) એટલે કે કમાનના પાછલા છેડા તરફની સપાટી રૂપે વર્ણવાય છે. બે દાંત વચ્ચેનો સંબંધ પણ ‘મધ્યાગ્ર’ અને ‘દૂરસ્થ’ એવી સંજ્ઞાઓથી વર્ણવાય છે. ઉપલા અને નીચલા જડબાના દાંતની જે સપાટીઓ ચાવતી વખતે એકબીજાને સ્પર્શે છે તેને સંસ્પર્શક (occlusal) સપાટી કહે છે.

જીવનમાં દાંત બે વખત ઊગે છે. દાંતના ઊગવાને દંતોદભવ (dentition) કહે છે. બાળપણમાં દૂધિયા (deciduous) દાંત ઊગે છે, જે 6 મહિનાની ઉંમરથી 26 મહિનાની ઉંમર સુધી ઊગે છે. સામાન્ય રીતે દર મહિને એક જોડ દાંત ઊગે છે. કુલ 20 દાંત થાય છે. દરેક કમાનના અર્ધા ભાગમાં 2 છેદક (incisor), 1 રાક્ષી (canine) અથવા દલીય (cuspid) અને 2 દાઢ (molar) હોય છે. રાક્ષી દાંતની સંસ્પર્શક સપાટી પર 1 દલ (cusp) હોય છે, જ્યારે બંને દાઢની સંસ્પર્શક સપાટી પર 4 દલ હોય છે. છેદક અને રાક્ષી દાંતને 1-1 મૂળ હોય છે. જ્યારે ઉપલી દાઢને 3 અને નીચલી દાઢને 2 મૂળ હોય છે. છેદક દાંત આહારના પદાર્થને કાપે છે. રાક્ષી દાંત તેને ચીરે છે તથા દાઢ તેનો ભૂકો કરીને દળી નાખે છે. ચાવવાની ક્રિયાને ચર્વણ (mastication) કહે છે.

6થી 12 વર્ષની વય દરમિયાન બધા દૂધિયા દાંત પડી જાય છે અને તેમને સ્થાને કાયમી દાંત ફૂટવા માંડે છે. 6 વર્ષથી માંડીને પુખ્તવય થાય ત્યાં સુધીમાં 32 કાયમી દાંત ફૂટે છે. દૂધિયા દાઢને સ્થાને દ્વિદલીય (bicuspid) પૂર્વદાઢ (premolar) ઊગે છે. ઉપલી પૂર્વદાઢને 2 મૂળ હોય છે અને નીચલી પૂર્વદાઢને 1 મૂળ હોય છે. તે પણ દાઢની માફક ભૂકો કરવાની અને દળવાની ક્રિયા કરે છે. મોઢું મોટું થતું જાય તેમ તેમ પૂર્વદાઢની પાછળ ક્રમશ: 3 દાઢ ઊગે છે. સામાન્ય રીતે પહેલી દાઢ 6 વર્ષે, બીજી દાઢ 12 વર્ષે અને ત્રીજી દાઢ (ડહાપણની દાઢ) 18 વર્ષે કે તે પછી ઊગે છે. ઉપલી અને નીચલી કમાનોની ડાબી તેમજ જમણી બાજુએ 1-1 એમ કુલ 4 દાઢો લગભગ એકસાથે ઊગે છે. ઉત્ક્રાંતિ (evolution) સાથે કાળક્રમે આધુનિક માનવનું જડબું નાનું થયેલું છે, તેથી ત્રીજી દાઢને ઊગવા માટેની જગ્યાની તકલીફ પડે છે. તેથી કેટલીક વખત તે જડબાના દંતીય પ્રવર્ધમાં પુરાયેલી રહે છે. તેને અંતર્બદ્ધ દાંત (impacted tooth) કહે છે. તે દબાણ અને દુખાવો કરે છે અને તેથી તેને શસ્ત્રક્રિયાથી દૂર કરવી પડે છે. કેટલીક વ્યક્તિઓમાં તે નાની રહી જાય તો તેમને દૂર કરવી પડતી નથી.

(1-ઈ) મુખગુહામાં થતી પાચનક્રિયા : મોઢામાં રાસાયણિક અને યાંત્રિક (ભૌતિક) એમ બંને પ્રકારની પાચનક્રિયા થાય છે. લાળમાંનો બહુશર્કરાપાચક નામનો ઉત્સેચક સ્ટાર્ચનું પાચન શરૂ કરે છે. ખોરાકમાંના કાર્બોદિત પદાર્થોના મોટા અને સંકુલ અણુઓને સ્ટાર્ચ (વનસ્પતિજન્ય) કે ગ્લાયકોજન (પ્રાણીજન્ય) કહે છે. તેમાં શર્કરાના ઘણા અણુઓ એકબીજા સાથે જોડાઈને સ્ટાર્ચ કે ગ્લાયકોજનના મોટા અણુઓ બનાવે છે. તેમને બહુશર્કરા (polysaccharide) કહે છે. બહુશર્કરાપાચક તેમના આણ્વિક બંધ(molecular bonds)ને તોડીને બહુશર્કરાને નાના દ્વિશર્કરા(disaccharide)માં ફેરવે છે. લાળમાંનો બહુશર્કરાપાચક મોં, ગળું, અન્નનળી અને જઠરમાંની પ્રથમ 15થી 30 મિનિટ સુધી કાર્યરત રહે છે. મોઢાની દરેક સંરચના ભૌતિક પાચનમાં ભાગ લે છે. જીભ, ગાલ અને હોઠના સ્નાયુઓ ખોરાકને દાંતની વચ્ચે રાખે છે તથા તેને લાળ સાથે ભેળવવાનું કાર્ય કરે છે. જીભ પરના સ્વાદાંકુરો ચેતાકીય નિયંત્રણ દ્વારા લાળગ્રંથિઓમાંથી લાળ ઝરાવવાનું મહત્વનું કાર્ય કરે છે.

(1-ઉ) ગ્રસન (deglutition) : ખોરાકના કોળિયાને મોઢામાંથી જઠર સુધી પહોંચાડવાની ક્રિયાને ગળવું અથવા ગ્રસન કહે છે. તે એક ભૌતિક ક્રિયા છે. તેમાં જીભ, મુખગળું, ગળું તથા અન્નનળીના સ્નાયુઓ ભાગ લે છે. આ સમગ્ર ક્રિયાને લાળ તથા શ્લેષ્મ નામના પ્રવાહીઓ સરળ બનાવે છે. તેના ત્રણ તબક્કા છે : (1) ઐચ્છિક તબક્કો કે જેમાં વ્યક્તિ પોતે કોળિયાને મુખગળા સુધી લઈ જાય છે; (2) ગ્રસનીય (pharyngeal) તબક્કો કે જેમાં અનૈચ્છિક ક્રિયા રૂપે કોળિયો અન્નનળી સુધી પહોંચે છે અને (3) અન્નનળીલક્ષી તબક્કો કે જે પણ અનૈચ્છિક ક્રિયા છે અને કોળિયાને જઠર સુધી પહોંચાડે છે. કોળિયાને ગળવાની શરૂઆતની ક્રિયા વ્યક્તિની ઇચ્છાના નિયંત્રણમાં છે અને તેથી તેને ઐચ્છિક ક્રિયા કહે છે. તે સમયે જીભ કોળિયાને ઉપર અને પાછળની તરફ ધકેલે છે અને તાળવાની મદદથી તેને ગળામાં પ્રવેશ કરાવે છે. કોળિયો ગળામાં પ્રવેશે એટલે તે પછીની ગળવાની ક્રિયા વ્યક્તિની ઇચ્છા અનુસાર રહેતી નથી. સૌપ્રથમ સ્વરપેટી ઉપર તરફ ખસીને સ્વરછિદ્રઢાંકણ (epiglottis) પાસે લાવે છે, જેથી તેનું છિદ્ર બંધ થાય છે અને કોળિયો શ્વાસનળીમાં પ્રવેશતો નથી; પરંતુ સ્નાયુસંકોચનોને કારણે અન્નનળીમાં પ્રવેશે છે. તે સમય પૂરતું શ્વસનકાર્ય અટકે છે. જ્યારે કોળિયો ગળામાં પ્રવેશે છે ત્યારે ત્યાંનાં સ્થાનિક સંવેદના-સ્વીકારકો (sensory receptors) મસ્તિષ્ક પ્રકાંડના લંબમજ્જા અને મજ્જાસેતુના નીચલા ભાગમાં આવેલા ગ્રસનકેન્દ્ર(deglutition centre)ને સંવેદનાઓ પહોંચાડે છે. તેમાંથી પાછા આવતા આવેગો મૃદુ તાળવા અને અવતરણી(uvula)ના સ્નાયુઓને આદેશ આપીને ગળાનો નાક તરફનો ભાગ બંધ કરાવે છે અને સ્વરપેટીને ઉપર તરફ ખેંચવાના સ્નાયુઓને આદેશ આપી તેનું સ્વરછિદ્ર તેના ઢાંકણની મદદથી બંધ કરે છે. આ સમયે સ્વરરજ્જુઓ(vocal cords)ને પણ પાસે લાવીને સ્વરછિદ્ર પૂરેપૂરું બંધ કરાય છે. આ પ્રક્રિયા સમયે ગળા અને અન્નનળી વચ્ચેનું જોડાણ પહોળું થાય છે. આમ લગભગ 1થી 2 સેકન્ડમાં કોળિયો અન્નનળીમાં પ્રવેશે છે. તે પછી તુરત શ્વસનમાર્ગ ખૂલી જાય છે અને શ્વાસોચ્છવાસ શરૂ થાય છે. જો આ ક્રિયામાં કોઈ વિક્ષેપ ઉદભવે અને કોળિયાનો કોઈક અંશ શ્વસનમાર્ગમાં પ્રવેશે તો અંતરાશેની પરાવર્તી ક્રિયા દ્વારા તેને બહાર કાઢી નંખાય છે.

આકૃતિ 3 : ખોરાકનું ગ્રસન(deglutition)ના 3 તબક્કા : (અ) વ્યક્તિની ઇચ્છા દ્વારા નિયંત્રિત મુખગુહામાંનો ઐચ્છિક તબક્કો, (આ) વ્યક્તિની ઇચ્છા દ્વારા અનિયંત્રિત ગાળામાંનો અનૈચ્છિક તબક્કો, (ઇ) ત્રીજો અનૈચ્છિક અન્નનળીમાંનો  તબક્કો તથા, (ઈ) કોળિયાનો જઠરમાં પ્રવેશ. (1) કોળિયો, (2) જીભ, (3) કઠણ તાળવું, (4) મૃદુ તાળવું, (5) મુખગળું, (6) સ્વરછિદ્રક ઢાંકણ, (7) સ્વરપેટી, (8) અન્નનળી, (9) શિથિલ સ્નાયુસ્તર, (10) સંકોચાયેલા પરિવૃત્તીય સ્નાયુતંતુઓ, (11) સંકોચાયેલા લંબાક્ષીય સ્નાયુતંતુઓ, જે લહરગર્ભ ઉત્પન્ન કરે છે, (12) ખુલ્લો જઠરાન્નનળી-દ્વારરક્ષક, (13) જઠર.

હવે પછીના અન્નમાર્ગમાં, ગુદારક્ષક સ્નાયુ સિવાય, બધે અનૈચ્છિક ચેતાતંત્રનું નિયંત્રણ છે. તે એક પોલી નળી જેવો છે. તેમાં અન્નનળી, જઠર તેમજ નાના અને મોટા આંતરડાનો સમાવેશ થાય છે.

(2) અન્નમાર્ગની સામાન્ય સૂક્ષ્મપેશી (histology) : અન્નનળીથી ગુદા સુધીના અન્નમાર્ગની પોલી નળીની દીવાલમાં 4 આવરણો અથવા સ્તર આવેલાં છે. અંદરના પોલાણથી માંડીને બહારની તરફ આવતાં આવરણોનાં નામ છે : શ્લેષ્મસ્તર (mucosa), અવશ્લેષ્મસ્તર (submucosa), સ્નાયુસ્તર (muscularis) અને સતરલ સ્તર (serosa) અથવા અધિસ્તર (adventitia).

અન્નમાર્ગની દીવાલ પરનું આચ્છાદન (lining) શ્લેષ્મસ્તર કરે છે. તેના મુખ્ય ત્રણ ઉપસ્તરો છે : અધિચ્છદ (epithelium), પ્રમુખ સ્તરિકા (lamina propria) અને શ્લેષ્મિલ સ્નાયુસ્તરિકા (muscularis mucosae). અન્નમાર્ગના પોલાણના સીધા સંપર્કમાં અધિચ્છદ હોય છે અને તેની નીચે ઢીલું સંયોજીપેશી(connective tissue)નું સ્તર આવેલું હોય છે. તેને પ્રમુખ સ્તરિકા કહે છે. તેની નીચે અવયવી સ્નાયુની શ્લેષ્મિલ સ્નાયુસ્તરિકા આવેલી છે. મોં અને ગળામાં સ્તરીકૃત (stratified) અધિચ્છદ છે જે રક્ષણ તથા સ્રવણ(secretion)નું કાર્ય કરે છે. જ્યારે અન્યત્ર સાદું અધિચ્છદ હોય છે, જે સ્રવણ અને અવશોષણ(absorption)નું કાર્ય કરે છે. અન્નમાર્ગના અધિચ્છદ પર શૃંગીન (keratin) દ્રવ્ય હોતું નથી. પ્રમુખસ્તરિકાની ઢીલી પેશીમાં લોહીની નસો, લસિકાવાહિનીઓ (lymphaties) તથા લસિકાભ પેશીની ગંડિકાઓ (lymph nodules) હોય છે. કેટલીક સંપુટી-આવરણ વગરની લસિકાપેશીઓ પણ હોય છે. પ્રમુખ સ્તરિકામાંની ગ્રંથિઓ પાચન માટેનાં જરૂરી રસાયણો પણ બનાવે છે. અધિચ્છદ અને પ્રમુખ સ્તરિકાની નાની નાની ગડીઓ અંકુરો (villi) બનાવે છે. આમ તે અન્નમાર્ગના પોલાણની સપાટીને ઘણી મોટી કરે છે. આમ પાચન અને અવશોષણ માટે વધુ સપાટી મળી રહે છે. આ પ્રકારની ગડીઓ બનાવવામાં શ્લેષ્મિલ સ્નાયુસ્તરિકા મુખ્ય ભાગ ભજવે છે.

અવશ્લેષ્મસ્તર પણ ઢીલી સંયોજી પેશીનું બનેલું હોય છે. તેમાં ઘણી લોહીની નસો તથા ચેતાતંતુઓનાં જાળાં (ચેતાજાળ, nerve plexus) આવેલાં હોય છે. તેમાં સ્વાયત્ત ચેતાતંત્રના તંતુઓ આવેલા હોય છે. આ ચેતાજાળ અન્નમાર્ગના પાચકરસોના સ્રવણનું અને શ્લેષ્મિલ સ્નાયુસ્તરિકાના સ્નાયુતંતુઓનાં સંકોચનોનું નિયંત્રણ કરે છે.

સ્નાયુસ્તર ત્રીજું આવરણ બનાવે છે. મોં અને ગળામાં તે સ્તર ઐચ્છિક સ્નાયુઓનું બનેલું હોય છે અને તે ખોરાક ગળવાના ઐચ્છિક તબક્કામાં કાર્યરત રહે છે. બાકીના અન્નમાર્ગમાં તે અનૈચ્છિક સ્નાયુઓનું બનેલું હોય છે. અનૈચ્છિક સ્નાયુઓનાં બે ઉપસ્તરો આવેલાં હોય છે. પોલાણ તરફનું ઉપસ્તર પરિવૃત્તીય (circular) સ્નાયુતંતુઓનું બનેલું હોય  છે અને બહારનું ઉપસ્તર લંબાક્ષીય (longitudinal) સ્નાયુતંતુઓનું બનેલું હોય છે. સ્નાયુતંતુઓના સંકોચનને કારણે ખોરાકના પદાર્થોના નાના ટુકડા થાય છે, તે પાચકરસો સાથે ભળે છે. અને તેને અન્નમાર્ગમાં આગળ ધકેલી શકાય છે. આ ઉપરાંત આ સ્તરમાં સ્વાયત્ત ચેતાતંત્રની બંને શાખાઓના ચેતાતંતુઓની જાળ આવેલી હોય છે. તેને આંત્રપટીય ચેતાજાળ (mesenteric nerve plexus) કહે છે. તેના દ્વારા અન્નમાર્ગના અવયવોનું સંચલન (motility) નિયંત્રિત કરાય છે.

સૌથી બહારના સ્તરને સતરલ સ્તર કહે છે. તે ખરેખર એક સતરલ કલા(serous membrane)નું પડ છે, જેમાં સંયોજીપેશી અને અધિચ્છદ નામનાં બે ઉપસ્તરો હોય છે તેને અવયવી પરિતનકલા (visceral peritoneum) પણ કહે છે.

(2-અ) પરિતનગુહા : પરિતનકલા શરીરનું સૌથી મોટી સતરલ કલા હોય છે. તેનાં બે પડ હોય છે : પરિઘીય (parietal) અને અવયવી (visceral). બંને પડ એકબીજા સાથે સળંગ હોય તેમ જોડાયેલાં હોવાથી તેમની વચ્ચે એક પોલાણ ઉત્પન્ન થાય છે, જેને પરિતનગુહા (peritoneal cavity) કહે છે, જેમાં અવયવો ગોઠવાયેલા હોય છે. ઉદરીય ગુહાની દીવાલની અંદરની બાજુ પરિઘીય પરિતનકલાનું આવરણ હોય છે. અવયવી પરિતનકલા અવયવોનું બહારનું આવરણ બનાવે છે. તેને સતરલ સ્તર કહે છે. પરિતનગુહામાં પ્રવાહી ભરાયેલું હોય છે. તેને પરિતનતરલ (peritoneal fluid) અથવા પરિતનપ્રવાહી કહે છે. જ્યારે તે કોઈ રોગ કે વિકારને કારણે વધુ પ્રમાણમાં જમા થાય ત્યારે તેને જલોદર (ascites) કહે છે. સાદી ભાષામાં લોકો તેને પેટમાં પાણી ભરાવું પણ કહે છે. પેટમાંના અવયવોની માફક છાતીમાં આવેલા હૃદય અને ફેફસાં જેવા અવયવોને પણ પોતાનાં આગવાં આવરણો હોય છે; દા. ત., પરિહૃદ્કલા (pericardium) અને પરિફેફસીકલા (pleura). પરંતુ હૃદય અને ફેફસાં કરતાં જુદી રીતે પેટના અવયવો પરિતનકલાથી ઢંકાયેલા હોય છે. પેટના અવયવોની આસપાસ આગળ જાણે પરિતનગુહા આવેલી છે, જેમાં તે અવયવો ગડી પાડીને નિલંબિત (suspended) થાય છે. તેથી જઠર, નાનું આંતરડું, આંત્રપુચ્છ (appendix), પિત્તની નળીઓ વગેરેને પરિતનકલાની ગડીઓ (folds) એકબીજા સાથે કે પેટની પાછલી દીવાલ સાથે બાંધે છે. આ પરિતનકલાની ગડીઓમાંથી નસો, લસિકાવાહિનીઓ (lymphatics) અને ચેતાઓ જે તે અવયવ સુધી પહોંચે છે. આ ગડીઓને કારણે પાંચ મહત્વની સંચરનાઓ બને છે : (1) લઘુઆંત્રપટ (mesentery), જેને ટૂંકમાં આંત્રપટ પણ કહે છે; (2) સ્થિરાંત્રપટ (mesocolon); (3) દાત્રરૂપી તંતુબંધ (falciform ligament); (4) લઘુ ઉદરાગ્રપટલ (lesser omentum) અને (5) ગુરુઉદરાગ્રપટલ (greater omentum), જેને ટૂંકમાં ઉદરાગ્રપટલ (omentum) પણ કહે છે. નાના આંતરડાને પરિતનગુહામાં નિલંબિત કરતી ગડીને લઘુઆંત્રપટ અથવા આંત્રપટ કહે છે અને મોટા આંતરડાને પેટની પાછલી દીવાલ સાથે ચોંટાડતી ગડીને સ્થિરાંત્રપટ કહે છે. બંને ગડીઓ પાછળ પેટની પાછળની દીવાલ સાથે અને આગળ આંતરડાના સતરલ સ્તર સાથે જોડાયેલી હોય છે. દાત્રરૂપી તંતુબંધ યકૃતને પેટની આગળની દીવાલ સાથે અને ઉરોદરપટલ (thoracoabdominal diaphragm) સાથે જોડે છે. પેટ અને છાતી વચ્ચે આવેલા સ્નાયુના પડદાને ઉરોદરપટલ કહે છે. જઠર અને પક્વાશયને યકૃત સાથે જોડીને નિલંબિત કરવાનું કાર્ય લઘુઉદરાગ્રપટલ કરે છે, જેમાંથી પિત્તની નળી પસાર થાય છે. ગુરુઉદરાગ્રપટલ 4 સ્તરવાળી પડદા જેવી સંરચના છે, જે જઠરના સપાટી પરના સતરલ સ્તર સાથે જોડાયેલી છે. તે પેટના આંતરડા અને અન્ય અવયવોને ઢાંકતો આગળની તરફ લબડતો વક્ષોપવસ્ત્ર (apron) જેવો પડદો છે. તે તેના ઉપર તરફ જતા 2 પડની વચ્ચે મોટા આંતરડાના આડા ભાગ(અનુપ્રસ્થ સ્થિરાંત્ર, transverse colon)ને પણ વીંટાળી લે છે અને છેલ્લે પેટની પાછલી દીવાલ પરના પરિઘીય પરિતનકલા સાથે જોડાય છે. તેમાં સારી એવી ચરબીવાળી મેદપેશી (adipose tissue) હોવાથી તેને મેદીય વક્ષોપવસ્ત્ર (fatty apron) પણ કહે છે. તેમાં અનેક લસિકાગ્રંથિઓ (lymph nodes) આવેલી હોય છે. જો આંતરડામાં ક્યાંય ચેપ લાગે તો તેની વેળ આ લસિકાગ્રંથિઓમાં ઘાલે છે. જઠર કે આંતરડામાં ક્યાંય કાણું પડે તો તે સ્થળે ઉદરાગ્રપટલ જઈને તેને બંધ કરી દે છે. વળી જો કોઈ સ્થળે ચેપ કે પરુ થાય તો તે સ્થળે પણ ઉદરાગ્રપટલ ચોંટીને ચેપને પેટમાં પ્રસરતો અટકાવે છે. પરિતનકલાના ચેપને કારણે થતા વિકારને પરિતનકલાશોથ (peritonitis) કહે છે. બંને ઉદરાગ્રપટલો પરિતનગુહાને 2 ભાગમાં વહેંચે છે. લઘુઉદરાગ્રપટલ અને જઠરની પાછળના નાના પોલાણને લઘુગુહા (lesser sac) કહે છે અને બાકીની આખી પરિતનગુહાને ગુહા (greater sac) કહે છે. બંને ગુહઓ વિન્સલેટના છિદ્ર વડે એકબીજા સાથે જોડાય છે. આ છિદ્ર લઘુઉદરાગ્રપટલની મુક્ત કિનારીની પાછળ આવેલું છે. સ્વાદુપિંડના રોગોમાં ક્યારેક લઘુગુહિકામાં પ્રવાહી ભરાય છે. તેને છદમકોષ્ઠ (pseudocyst) કહે છે.

આકૃતિ 4 : પરિતનકલા અને પરિતનગુહા : (અ) પેટમાં બધાં આંતરડાંને ઢાંકતા ગુરુ ઉદરાગ્રપટલનું સ્થાન, (આ) જઠર અને યકૃત વચ્ચે આવેલો લઘુઉદરાગ્રપટલ તેમજ ગુરુ ઉદરાગ્રપટલ કાઢ્યા પછી દેખાતાં પેટનાં આંતરડાં, (ઇ) બંને આંતરડાંને નિલંબિત કરતા આંત્રપટ, (ઈ) પરિતનકલાની સંરચનાઓ, ઉદરાગ્રપટલો તથા લઘુગુહા અને ગુરુગુહાનાં સ્થાન : (1) પેટ, (2) પેટની આગળની દીવાલ દૂર કરીને દેખાતું દૃશ્ય, (3) જઠર, (4) યકૃત, (5) દાત્રરૂપ તંતુબંધ, (6) ઢંકાયેલું આડું સ્થિરાંત્ર, (7) ગુરુ ઉદરાગ્ર-પટલ, (8) પિત્તાશય, (9) લઘુઉદરાગ્રપટલ, (10) પક્વાશય, (11) આડું સ્થિરાંત્ર, (12) આરોહી સ્થિરાંત્ર, (13) અવરોહી સ્થિરાંત્ર, (14) ડરૂપ સ્થિરાંત્ર, (15) મળાશય, (16) નાનું આંતરડું, (17) સ્થિરાંત્રપટ, (18) મધ્યાંત્ર, (19) આંત્રપટ, (20) અંતાંત્ર, (21) પરિઘીય પરિતનકલા, (22) અવયવી પરિતનકલા, (23) મૂત્રાશય, (24) પુર:સ્થ ગ્રંથિ, (25) શુક્રપિંડ, (26) શિશ્ન, (27) આંત્રપુચ્છ, (28) ગુદાછિદ્ર, (29) સ્વાદુપિંડ, (30) લઘુગુહા, (31) ગુરુગુહા.

(3) અન્નનળી (oesophagus) : તે ગળા(ગ્રસની)ના નીચલા છેડાથી શરૂ કરીને જઠર સુધીની, સ્નાયુની બનેલી, શ્વાસનળીની પાછળ આવેલી, 23થી 25 સેમી. લાંબી, દબાઈ શકે તેવી નળી છે. તે ગ્રીવા અથવા કંઠ(cervical region)માંથી શરૂ થઈને છાતીના મધ્યભાગ (મધ્યવક્ષ, mediastinum) તથા ઉરોદરપટલમાંના છિદ્રમાંથી પસાર થઈને પેટમાં પ્રવેશે છે, જ્યાં તે જઠર સાથે જોડાય છે. ઉરોદરપટલમાંના છિદ્રને અન્નનલીય છિદ્ર (oesophageal hiatus) કહે છે. તેના નીચલા છેડે અધ: અન્નનળી દ્વારરક્ષક (lower oesophageal sphincter) અથવા જઠરાન્નનળી દ્વારરક્ષક (gastro-oesophageal sphincter) આવેલો છે જે જઠરમાંના પદાર્થોને અન્નનળીમાં પ્રવેશવા દેતો નથી. અન્નનળીમાં પ્રવેશેલો કોળિયો ગળામાં પાછો જતો ન રહે તે માટે તેના ઉપલા છેડે પણ ઊર્ધ્વ અન્નનળી દ્વારરક્ષક (upper oesophageal sphincter) હોય છે. આ બંને દ્વારરક્ષકો પરિવૃત્તીય સ્નાયુતંતુઓના જાડા પટ્ટા જેવા હોય છે. પરિવૃત્તીય (circular) સ્નાયુતંતુઓનો એક જાડો પટ્ટો છિદ્રને ખોલવા/બંધ કરવાનું કાર્ય કરતો હોય તો તેને દ્વારરક્ષક (sphincter) કહે છે. અન્નનળીનું મુખ્ય કાર્ય ગળામાંથી કોળિયાને જઠર સુધી પહોંચાડવાનું છે. આમ તે ખોરાક ગળવાની પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં કાર્યરત અવયવ છે.

અન્નનળીની કોળિયાને જઠર સુધી પહોંચાડવાની ક્રિયા અનૈચ્છિક ક્રિયા છે. મોં અને ગળામાંની ગળવાની ક્રિયાના 2 તબક્કા પછીનો ત્રીજો તબક્કો અન્નનળીમાં થાય છે. પરિવૃત્તીય અને લંબાક્ષીય સ્નાયુતંતુઓનાં વારાફરતી થતાં સંકોચનોથી અન્નનળીમાં એકમાર્ગી(ગળાથી જઠર તરફની) લહરગતિ (peristalsis) ઉત્પન્ન થાય છે. અન્નનળીના ગોળ ફરતા પરિવૃત્તીય સ્નાયુતંતુઓ સંકોચાય એટલે કોળિયાની ઉપરની અન્નનળી સંકોચાય છે અને તેનું પોલાણ બંધ થાય છે. તેથી કોળિયો મોં તરફ ખસી શકતો નથી. ત્યારબાદ અન્નનળીની લંબાઈને સમાંતર એવા લંબાક્ષીય સ્નાયુતંતુઓ સંકોચાય છે, તેથી કોળિયાની જઠર તરફની અન્નનળીનું પોલાણ પહોળું થાય છે અને કોળિયો તે તરફ ખસે છે. આમ સતત ક્રમશ: પરિવૃત્તીય અને લંબાક્ષીય સ્નાયુતંતુઓનાં સંકોચનોને કારણે લહરગતિ ઉત્પન્ન થાય છે અને ખોરાકનો કોળિયો મોંથી જઠર તરફ ખસે છે. વ્યક્તિ શીર્ષાસન કરીને કે દોરડેથી ઊંધી લટકાઈને પણ જો પાણી પીએ તો તેનું પાણી મોઢામાં પાછું આવવાને બદલે જઠરમાં જવા ઊંચે ચઢે છે. આમ અન્નનળીમાં ખોરાકનો કોળિયો ગુરુત્વાકર્ષણ બળને લીધે નહિ પરંતુ તેના સ્નાયુતંતુઓથી ઉદભવતી લહરગતિને કારણે જઠર તરફ ખસે છે. તેને કારણે અન્નનળીના બંને છેડે વધારાના પરિવૃત્તીય સ્નાયુઓ વડે બંધ રહે તેવાં દ્વારરક્ષકો આવેલાં છે, જે ચેતાતંત્રના આદેશો પ્રમાણે ખૂલે છે, પરંતુ તે ખોરાકના કોળિયાને અવળી દિશામાં જવા દેતા નથી. ખોરાકનો કોળિયો કે જઠરમાંનું પ્રવાહી અવળી દિશામાં ગતિ કરીને અન્નનળીમાં પ્રવેશે તો તેને વિપરીતગામિતા (regurgitation) કહે છે. અન્નનળીના નીચલે છેડે કોળિયો પહોંચે એટલે નીચલો દ્વારરક્ષક ખૂલીને કોળિયાને જઠરમાં પ્રવેશવા દે છે. અન્નનળીનું પાચનક્રિયામાં કામ યાંત્રિક પાચનને લગતું  છે અને તે ખોરાકના વહનમાં ઉપયોગી રહે છે.

યોગ્ય સમયે અન્નનળીના નીચલા દ્વારરક્ષકનું પહોળું થવું જરૂરી છે. તે ક્રિયાને દ્વારરક્ષક-શિથિલન (chalasia) કહે છે. જો તેના સ્નાયુતંતુઓ પૂરતા પ્રમાણમાં શિથિલ થઈને દ્વારરક્ષકને ખૂલવા ન દે તો તેને અશિથિલન(achalasia)નો વિકાર કહે છે. તેને કારણે ખોરાક અન્નનળીમાં ભરાઈ રહે છે અને અન્નનળી પહોળી થાય છે. પહોળી અન્નનળી છાતીમાં દબાણ અને દુખાવો કરે છે. આ પ્રકારનો વિકાર અન્નનળીના નીચલા દ્વારરક્ષકનું નિયંત્રણ કરતા ચેતાજાળ(nerve plexus)ના કાર્યમાં ઘટાડો કે બગાડો થાય ત્યારે થાય છે. આનાથી વિપરીત જો અન્નનળીનો નીચલો દ્વારરક્ષક પૂરેપૂરો બંધ ન થઈ શકે તો જઠરમાંનું ઍસિડવાળું પ્રવાહી અન્નનળીમાં પ્રવેશે છે અને ત્યાં તે બળતરા કરે છે. છાતીના વચલા ભાગમાં થતી બળતરાને હૃદયરોગના વિકારથી અલગ પાડવી પડે છે. તેની સારવાર રૂપે ઍસિડનું તટસ્થીકરણ (neutralization) કરતા પ્રત્યામ્લો (antacids) દવામાં અપાય છે.

આકૃતિ 5 : જઠર : (અ) જઠરનો બહારનો દેખાવ, (આ) જઠરનો અંદરનો દેખાવ, (ઇ) જઠરની રચના (ચિત્રાત્મક), (ઈ) જઠરની દીવાલનો આડછેદ – સૂક્ષ્મ સંરચના, (ઉ) જઠરની દીવાલનો આડછેદ, ફોટો – (1) અન્નનળી, (2) જઠરાંત્રનળી-દ્વારરક્ષક, (3) ઘુમ્મટતલ, (4) જઠરકાપ, (5) જઠરાંત-વિસ્તાર, (6) જઠરાંત દ્વારરક્ષક, (7) પક્વાશય, (8) ગુરુવક્ર સપાટી, (9) લઘુવક્ર સપાટી, (10) સતરલ સ્તર, (11) લંબાક્ષીય સ્નાયુસ્તર, (12) પરિવૃત્તીય સ્નાયુસ્તર, (13) તિર્યક્સ્નાયુસ્તર, (14) સ્નાયુસ્તર, (15) મોટી ગડી, (16) શ્લેષ્મસ્તર, (17) અવશ્લેષ્મસ્તર, (18) જઠરગ્રંથિનાં મૂળછિદ્રો.

(4) જઠર (stomach) : તેને હોજરી પણ કહે છે. તે અંગ્રેજી મૂળાક્ષર ‘J’ આકારની પોલી કોથળી જેવો અવયવ છે. અન્નનળી ઉરોદરપટલમાંથી પેટમાં પ્રવેશે કે તુરત જ તે જઠર સાથે જોડાય છે. જઠર પેટના ડૂંટી આસપાસના ભાગમાં તથા પાંસળીઓની નીચે વચ્ચે તથા ડાબી તરફના ભાગમાં આવેલું છે. જઠર તેના ઉપલા છેડે અન્નનળી સાથે તથા નીચલા છેડે નાના આંતરડાના પક્વાશય (deodenum) નામના ભાગ સાથે જોડાયેલું છે. તેના બંને છેડે દ્વારરક્ષકો આવેલા હોય છે. ઉપલા છેડાના દ્વારરક્ષકને જઠરાન્નનળી-દ્વારરક્ષક (gastrooesophageal sphincter) અથવા હૃદ્સમીપી દ્વારરક્ષક (cardiac sphincter) કહે છે. જ્યારે નીચલા છેડે આવેલા દ્વારરક્ષકને જઠરાંત(pyloric)-દ્વારરક્ષક કહે છે. દરેક વ્યક્તિમાં જુદા જુદા સમયે જઠરનું સ્થાન અને કદ બદલાય છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને કારણે ઉરોદરપટલ જઠરને દરેક શ્વાસે ઉપર-નીચે કરે છે. ખાલી જઠર એક સફરજન (sausage) જેવડું નાનું અને સંકોચાયેલું હોય છે અને તે પેટના ઉપલા ભાગમાં હોય છે; પરંતુ જમ્યા પછી તે મોટું થઈને ડૂંટીની નીચેના ભાગ સુધી પણ વિસ્તરે છે. આમ તે પુષ્કળ પ્રમાણમાં ખોરાકને એકસામટો લઈને એકઠો કરી શકે છે. જઠરની કોથળીને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે  (1) હૃદયસમીપ વિસ્તાર (cardia), જેમાં અન્નનળી પ્રવેશે છે; (2) ઘૂમટતલ (fundus), જે જઠરનો સૌથી ઉપરનો ઘૂમટ જેવો ભાગ છે; (3) જઠરકાય (body), જે મધ્યનો વિશાળ ભાગ છે અને (4) સૌથી નીચે જઠરાંતપ્રદેશ (pylorus) છે. જઠરાંતપ્રદેશને જઠરકાય સાથે જોડતો ભાગ પહોળો હોય છે. તેને જઠરાંતગુહા (pyloric antrum) કહે છે તેનાં સાંકડા ભાગને જઠરાંતનળી (pyloric canal) કહે છે, જેને છેડે જઠરાંત દ્વારરક્ષક (pyloric sphinctes) આવેલો હોય છે. તે પક્વાશય સાથે જોડાય છે. – જઠર ‘J’ આકારની કોથળી છે માટે તેની બહારની સપાટી પર અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બે પ્રકારના વળાંકો હોય છે. અંદરની અંતર્ગોળ વક્રસપાટી (curvature) નાની છે અને તેથી તેને લઘુવક્રસપાટી (lesser curvature) કહે છે અને બહારની બહિર્ગોળ અને મોટી સપાટીને ગુરુવક્રસપાટી (greater curvature) કહે છે.

જઠરનો નીચલો દ્વારરક્ષક ઓછો ખૂલે એવા બે પ્રકારના વિકારો જોવા મળ્યા છે  જઠરાંતીય સતતસંકોચન (pylorospasm) અને જઠરાંતીય સંકીર્ણન (pyloric stenosis). નાના શિશુમાં જો જઠરનો નીચલો દ્વારરક્ષક પૂરો ખૂલી ન શકે તો તેનું કારણ તેના સ્નાયુતંતુઓની અતિવૃદ્ધિ(hypertrophy)ને લીધે થતી સતત સંકોચાયા કરવાની સ્થિતિ છે. તેને કારણે જઠરમાં ખોરાકનો ભરાવો થાય છે, જઠર મોટું થાય છે અને શિશુને વારંવાર ઊલટીઓ થાય છે. એડ્રિનર્જિક જૂથની દવાઓ વડે દ્વારરક્ષકના સ્નાયુને શિથિલ કરી શકાય છે. નીચલા દ્વારરક્ષકના પરિવૃત્તીય (ગોળ ફરતા) સ્નાયુતંતુઓનો જથ્થો વધીને જો દ્વારરક્ષકમાં અવરોધ કરે તો તેને જઠરાંતીય સંકીર્ણન કહે છે. તેની સારવાર રૂપે શસ્ત્રક્રિયા કરાય છે.

અગાઉ દર્શાવેલી સૂક્ષ્મ પેશીરચના પ્રમાણે જઠરની દીવાલમાં પણ 4 પડ છે  શ્લેષ્મસ્તર, અવશ્લેષ્મસ્તર, સ્નાયુસ્તર અને સતરલ સ્તર. જ્યારે જઠર ખાલી હોય ત્યારે તેના શ્લેષ્મસ્તરમાં મોટી ગડીઓ પડે છે. તેમને મહાગડીઓ (rugae) કહે છે. મહાગડીઓને નરી આંખે જોઈ શકાય છે. સૂક્ષ્મદર્શક વડે તેને તપાસતાં તેના પર સ્તંભાકાર કોષોનું આચ્છાદન છે તે જણાઈ આવે છે. સ્તંભાકાર કોષોના આચ્છાદનને સ્તંભાકાર અધિચ્છદ(columnal epithelium) કહે છે. તેમાં છિદ્રો હોય છે, જેમના દ્વારા જઠરગ્રંથિઓની સૂક્ષ્મનલિકાઓ ખૂલે છે. જઠરગ્રંથિઓમાં ચાર પ્રકારના સ્રાવી કોષો (secretary cells) હોય છે, જે વિવિધ પ્રકારનાં દ્રવ્યો અને સ્રાવનું ઉત્પાદન કરે છે. ઉત્સેચકજનક (zymogenic) કોષોને મુખ્ય કોષો (chief cells) પણ કહે છે. તે જઠરીય પ્રોટીનપાચક (pepsin) નામના ઉત્સેચકના પૂર્વદ્રવ્ય-(precursoar substance)રૂપ જઠરીય પ્રોટીનપાચક-જનક- (pepsinogen)નું ઉત્પાદન કરે છે. જઠરીય પ્રોટીનપાચક ઉત્સેચક પ્રોટીનના અણુઓનું પાચન કરે છે. તે ઍમિનોઍસિડના અણુઓ વચ્ચેના પેપ્ટાઇડ બંધકો(bonds)ને તોડે છે. આ રીતે અનેક ઍમિનોઍસિડની શૃંખલાવાળું પ્રોટીન પેપ્ટાઇડના રૂપે નાના અણુઓમાં ફેરવાય છે. જઠરીય પ્રોટીનપાચક ઉત્સેચક જ્યારે  સ્થાનિક pHનું મૂલ્ય 2 હોય એટલે કે અમ્લીય (acidic) પરિસ્થિતિ હોય ત્યારે કાર્ય કરે છે. વળી, જઠરીય પ્રોટીનપાચક-જનક, જે અક્રિય દ્રવ્ય છે તેને સક્રિય સ્વરૂપ એટલે કે જઠરીય પ્રોટીનપાચક ઉત્સેચક બનાવવાનું કાર્ય પણ ઍસિડિક સ્થિતિમાં જ શક્ય છે. તે માટે જઠરમાં હાઇડ્રોક્લોરિક ઍસિડનું સ્રવણ જરૂરી બને છે. તે જઠરની દીવાલમાં આવેલા પરિઘીય (parietal) કોષો કરે છે. પરિઘીય કોષો વિટામિન બી-12ના અવશોષણ માટે જરૂરી આંતરિક ઘટક(intrinsic factor)નું પણ ઉત્પાદન કરે છે. જઠરરસમાં મેદપાચક ઉત્સેચક (lipase) તથા નાનાં બાળકોમાં દુગ્ધદ્રવ્યપાચક-ઉત્સેચક (rennin) પણ હોય છે. દૂધમાં દુગ્ધદ્રવ્ય (casein) નામનું એક દ્રવ્ય છે. જેને દુગ્ધદ્રવ્યપાચક નામનો ઉત્સેચક કૅલ્શિયમની હાજરીમાં પચવીને અર્ધઘન સ્વરૂપમાં ફેરવે  છે, જેથી દૂધનું જઠરમાં સરળતાથી પાચન થઈ શકે. શ્લેષ્મકોષો (mucous cells) શ્લેષ્મ નામનું ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે. આ ત્રણેય પ્રકારના કોષો નલિકાઓ દ્વારા જઠરમાં જે પ્રવાહી બનાવીને નાંખે છે તેને જઠરરસ (gastric juice) કહે છે. જઠરની દીવાલમાં ચોથા પ્રકારના કોષો પણ હોય છે તેમને અંત:સ્રાવી કોષો (endocrine cells) કહે છે. તે જઠરીન (gastrin) નામનો અંત:સ્રાવ ઉત્પન્ન કરે છે. જઠરીન જઠરના ગ્રંથિકોષોમાંથી પેપ્સિનોજન તથા ઍસિડનું સ્રવણ કરાવે છે, અન્નનળીના નીચલા દ્વારરક્ષકનું સંકોચન કરાવે છે, થોડાક પ્રમાણમાં જઠર અને આંતરડાનું હલનચલન વધારે છે અને જઠરાંત દ્વારરક્ષકને ખોલે છે.

જઠરનું અવશ્લેષ્મસ્તર પાચનમાર્ગના અન્ય અવયવોના અવશ્લેષ્મસ્તર જેવું જ છે, પરંતુ સ્નાયુસ્તરમાં 2ને બદલે 3 પડ આવેલાં છે – બહારનું લંબાક્ષીય સ્નાયુસ્તર, વચલું પરિવૃત્તીય સ્નાયુસ્તર અને અંદરનું તિર્યક (oblique) સ્નાયુસ્તર. લંબાક્ષીય સ્નાયુસ્તરમાં સ્નાયુતંતુઓ જઠરની લંબાઈને સમાંતર હોય છે. પરિવૃત્તીય સ્તરમાં તે ગોળ ફરતા હોય છે અને તિર્યકસ્તરમાં તે ત્રાંસા હોય છે. જઠરમાં આવેલા ખોરાકને આગળ-પાછળ તથા ઉપર-નીચે જાણે વલોવાતો હોય તેવો હલાવવાનો હોવાથી તિર્યક સ્નાયુતંતુઓનું પડ આવેલું છે. તે ખોરાકના દ્રવ્યને લાળ રસના શર્કરાપાચક, જઠરરસના પ્રોટીનપાચક તથા ઍસિડ સાથે પૂરેપૂરો ભેળવે છે. આ વલોવવાની ક્રિયા સમયે તે દ્રવ્ય નાના નાના ટુકડામાં વિભાજિત પણ થાય છે. આવું લગભગ એકરસ થયેલું અને અર્ધું પચેલું આહારદ્રવ્ય જઠરાંતનળી અને જઠરાંત-દ્વારરક્ષકમાં થઈને પક્વાશય(duodenum)માં પ્રવેશે છે.

જઠરનું બહારનું સ્તર સતરલ સ્તર છે; તેનાં બંને પડ જઠરની બંને વક્રસપાટીઓ પર જોડાઈને બે ઉદરાગ્રપટલો (omenta) બનાવે છે. જઠરની નાની (લઘુ) વક્રસપાટી પરથી શરૂ થતો લઘુઉદરાગ્રપટલ તેને યકૃત સાથે જોડે છે અને તેની કિનારીમાં પિત્તની નળીઓને બાંધી રાખે છે. જઠરની મોટી (ગુરુ) વક્રસપાટી પરથી નીકળતો મોટા પડદા જેવો ગુરુઉદરાગ્રપટલ આંતરડાને ઢાંકે છે અને તેના ઉપર તરફ પાછા જતા પડમાં મોટા આંતરડાના આડા ભાગને બાંધે છે.

જઠરમાં ભૌતિક (યાંત્રિક) તેમજ રાસાયણિક – એમ બંને પ્રકારનું પાચન થાય છે. જઠરમાં હળવું, તરંગીય (rippling) અને લહરસમ (peristaltic) હલનચલન થાય છે. તેને મિશ્રકારી તરંગો (mixing waves) કહે છે અને તે 15થી 25 સેકન્ડે થતા જોવા મળે છે. આ તરંગો ખોરાકને નાના કણોમાં ફેરવે છે અને જઠરરસ સાથે ભેળવીને  પ્રવાહી રૂપમાં લાવી દે છે. જઠરમાંના આ પાચકરસ-મિશ્રિત આહારી દ્રવ્યના પ્રવાહી સ્વરૂપને અર્ધપક્વરસ (chyme) કહે છે. જઠરના સૌથી ઉપરના ઘૂમટમાં વધારાનો આવેલો ખોરાક સમાય તેવી જગ્યા હોય છે માટે ત્યાં ઓછા તરંગો હોય છે. તેમાં રહેલો ખોરાક 1થી પણ વધુ કલાક માટે જઠરરસ સાથે નથી ભળતો. જોકે તે સમયે લાળમાંના ઉત્સેચક વડે તેમાં પાચન થતું રહે છે.

જઠરમાં રાસાયણિક પાચન ત્રણ પ્રકારના પાચકરસો વડે થાય છે – પ્રોટીનપાચક ઉત્સેચક (pepsin), મેદપાચક ઉત્સેચક (lipase) અને દુગ્ધદ્રવ્ય(casein)પાચક ઉત્સેચક (rennin). પ્રોટીનપાચક જઠરના કોષોને પચવી કાઢે નહિ તે માટે તેનું એક અક્રિય દ્રવ્ય તરીકે ઉત્પાદન કરાય છે. તેને જઠરીય પ્રોટીનપાચક-જનક કહે છે. તેથી તેના ઉત્પાદક કોષોને તે પચવી કાઢતો નથી. તે જઠરના પોલાણમાં ઍસિડની હાજરીમાં પ્રોટીનપાચક ઉત્સેચકમાં ફેરવાય છે. જઠરની દીવાલ પર શ્લેષ્મનું આવરણ થયેલું હોવાથી તેને પણ તે પચવી શકતો નથી કે તેને કોઈ ઈજા પહોંચાડતું નથી. જઠરરસમાંનો પ્રોટીનપાચક પ્રોટીનના મોટા અણુઓને નાના પેપ્ટાઇડ અણુઓમાં ફેરવે છે. દૂધમાં દુગ્ધદ્રવ્ય (casein) નામનો એક પદાર્થ હોય છે. તેના પાચન માટે તથા દૂધને પ્રવાહી સ્વરૂપમાંથી અર્ધઘન સ્વરૂપમાં લાવીને ઝડપથી આંતરડામાં પ્રવેશતું અટકાવવા માટે દુગ્ધદ્રવ્યપાચક ઉત્સેચક (rennin) નાનાં બાળકોના જઠરમાં હોય છે. રેનિન કૅલ્શિયમની હાજરીમાં કાર્ય કરે છે. જઠરમાંનો મેદપાચક ઉત્સેચક (lipase) pH 5 કે 6 હોય ત્યારે કામ કરે છે, માટે તેના દ્વારા દૂધમાંની ચરબીનું પાચન ઓછું થાય છે.

જઠરમાં જઠરરસ પ્રવેશે તે માટેનું નિયંત્રણ ચેતાતંત્ર (nervous system) તથા અંત:સ્રાવી તંત્ર (endocrine system) કરે છે. સ્વાયત્ત (autonomic) ચેતાતંત્રના પરાનુકંપી (parasympathetic) વિભાગની બહુવિસ્તારી ચેતા(vagus nerve)માંથી આવતા આવેગો જઠરરસનું સ્રવણ (secretion) વધારે છે. તેને કારણે ખોરાકનો દેખાવ, ગંધ કે સ્વાદ સાદી ચેતાકીય પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex action) કે અનુભવજન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયા (condition reflex) દ્વારા જઠરરસને જઠરમાં રેડે છે. ભય કે દુ:ખની લાગણી અનુકંપી ચેતાતંત્ર દ્વારા જઠરરસનું સ્રવણ ઘટાડે છે. તેને જઠરરસના નિયંત્રણનો શીર્ષલક્ષી (cephalic) તબક્કો કહે છે. ખોરાક જ્યારે જઠરમાં આવે ત્યારે તે જઠરની દીવાલનો તણાવ (tension) વધારે છે. તેને લીધે ચેતાકીય આવેગોની સંવેદના લંબમજ્જામાં જાય છે; જ્યાંથી પ્રતિક્ષિપ્ત ક્રિયા રૂપે જઠરરસનું સ્રવણ વધે છે. આ ઉપરાંત ખોરાકમાંના પ્રોટીન તથા આલ્કોહૉલ જઠરાંત-વિસ્તાર(pyloric area)ના શ્લેષ્મસ્તરને ઉત્તેજીને તેના દ્વારા ‘જઠરીન’ અંત:સ્રાવનું  ઉત્પાદન વધારે છે. જઠરીન જઠરરસનું સ્રવણ વધારવા ઉપરાંત તે અન્નનળીના નીચલા દ્વારરક્ષકને બંધ કરીને ખોરાકને પાછો અન્નનળીમાં પ્રવેશવા દેતો નથી. જઠર અને આંતરડાનું સંચલન (motility) વધારીને ખોરાકનું મિશ્રણ અને પાચન વધારે છે તથા જઠરાંત-દ્વારરક્ષક તથા અંતાંત્ર-અંધાંત્ર(iliocaecal)-દ્વારરક્ષકને સહેજ પહોળા કરે છે, જેથી પચેલો ખોરાક અનુક્રમે જઠરમાંથી પક્વાશયમાં અને અંતાંત્ર(ilium, નાના આંતરડાના છેલ્લા ભાગ)માંથી અંધાંત્ર(caecum)માં પ્રવેશે છે. મોટા આંતરડાના પ્રથમ ભાગને અંધાંત્ર કહે છે. જઠરરસના નિયંત્રણના આ તબક્કાની સંવેદનાઓ જઠરમાંથી ઉદભવતી હોવાથી તેને જઠરીય (gastric) તબક્કો કહે છે. અર્ધપચેલો ખોરાક જ્યારે નાના આંતરડાના શરૂઆતના ભાગ (પક્વાશય)માં પ્રવેશે છે ત્યારે તે પક્વાશયની દીવાલમાંના કોષોમાંથી પણ આંત્રીય જઠરીન(enteric gastrin)નું ઉત્પાદન કરાવે છે, જે થોડાક પ્રમાણમાં જઠરરસનું ઉત્પાદન કરે છે. આ છેલ્લા તબક્કાને જઠરરસના નિયંત્રણનો આંત્રીય (intestinal) તબક્કો કહે છે. જોકે આંત્રીય તબક્કામાં જઠરરસ ઝરતો બંધ થાય તેવી એક પરાવર્તી ક્રિયા પણ આવેલી છે. પક્વાશયમાં અર્ધપક્વરસ (chyme) પ્રવેશે એટલે તે લંબમજ્જામાં જતા ચેતા-આવેગોવાળી પરાવર્તી ક્રિયા દ્વારા જઠરરસનું સ્રવણ બંધ કરે છે. તેને આંત્રીય જઠરરસ અવદાબક પરાવર્તી ક્રિયા (enterogastric reflex) કહે છે. તેમાં જઠરમાં પાછા ફરતા આવેગો અનુકંપી ચેતાતંત્ર દ્વારા આવે છે. આ ઉપરાંત અમ્લીય (acidic) pH મૂલ્ય ધરાવતો અર્ધપક્વરસ આંતરડાની દીવાલના કોષોમાંથી વિવિધ અંત:સ્રાવોનું ઉત્પાદન કરાવે છે, જે જઠરરસનું અવદાબન કરે છે. આંતરડામાં ઉદભવતા અંત:સ્રાવો 4 છે : આંત્રીય જઠરીન (enteric gastrin), આંત્રસ્રાવક (secretin), પિત્તાશયપ્રેરિન (cholecystokinin) અને જઠર-અવદાબી પેપ્ટાઇડ (gastric inhibitary peptide).

જઠરની દીવાલમાંનો તણાવ અને જઠરમાંથી ઉત્પન્ન થતો જઠરીન અંત:સ્રાવ જઠરમાંના અર્ધપક્વરસને પક્વાશયમાં ઠાલવવાનું કાર્ય કરે છે. તે માટે તે જઠરાંત-દ્વારરક્ષક (pyloric sphincter)ને પહોળો કરીને ખોલી નાંખે છે. સામાન્ય રીતે જમ્યા પછી 2થી 6 કલાકમાં જઠરમાંનું બધું જ પ્રવાહી પક્વાશયમાં ઠલવાય છે. સૌથી ઝડપથી આંતરડામાં પ્રવેશતો ખોરાક શર્કરાવાળો હોય છે. પ્રોટીનયુક્ત આહારને થોડી વધુ વાર લાગે છે, જ્યારે મેદયુક્ત આહાર ઘણો લાંબો સમય લે છે. તેથી ચરબી કે તૈલી ખોરાક લીધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું જ લાગે છે. પક્વાશયમાં પ્રવેશતો અર્ધપક્વરસ પક્વાશયની દીવાલ પર તણાવ લાવીને કે તેના અમ્લીય ગુણને કારણે અગાઉ જણાવેલી ચેતાકીય પરાવર્તી ક્રિયા તથા ચાર પ્રકારના અંત:સ્રાવોના ઉત્પાદન દ્વારા જઠરરસના ઉત્પાદન તથા જઠરના ખાલી થવાના દરને ઘટાડે છે. જઠરમાંનો અર્ધપક્વરસ આંતરડામાં ઠલવાય અને જઠર ખાલી થઈ જાય તે પ્રક્રિયાને જઠરીય રિક્તીકરણ (gastric emptying) કહે છે. ક્યારેક જઠર નાના આંતરડા તરફ ખાલી થવાને બદલે અન્નનળી તરફ ખાલી થવા માંડે છે તો તેને ઊલટી થવી અથવા વમન (vomiting) કહે છે. જઠર અને ક્યારેક પક્વાશયમાંના પ્રવાહીની મોં વાટે બળપૂર્વક બહાર ફેંકાવાની ક્રિયાને વમન કહે છે. વમન થશે એવી સંવેદના થાય તો તેને ઊબકા કહે છે.

ઊલટી માટેની સૌથી વધુ અસરકારક સંવેદનાઓ જઠરની દીવાલનું ક્ષોભન (ચચરાટ) કે વધુ પડતા ખોરાક કે વાયુને કારણે ફૂલી જતા જઠરની દીવાલમાં વધતો તણાવ છે. ક્યારેક અણગમતું દૃશ્ય કે અણગમતી ગંધ હોય કે કોઈ પણ કારણે ચક્કર આવે તોપણ ઊલટી થાય છે. જઠરની દીવાલ, આંખ કે ગંધની જ્ઞાનેન્દ્રિયો કે કાનના અંદરના ભાગમાં સંતુલન જાળવતા અવયવમાંથી ઊઠતી સંવેદનાના આવેગો મગજની નીચે આવેલા લંબમજ્જા (medulla oblongata) નામના ભાગમાં જાય છે. ત્યાં વમનકેન્દ્ર (vomiting centre) નામનું ઊલટીની ક્રિયાનું નિયંત્રણ કરતું એક ચેતાકેન્દ્ર આવેલું છે. તેમાંથી પરાવર્તિત થઈને આવતી સંવેદનાઓ અન્નનળીના બંને દ્વારરક્ષકો, જઠર, અન્નનળી તથા જઠરાંત-દ્વારરક્ષકને તેમજ ઉરોદરપટલ તથા પેટની આગળની દીવાલના સ્નાયુઓને સંદેશો પહોંચાડે છે. તેને કારણે ક્રમશ: 7 ક્રિયાઓ થાય છે, જે ઊલટીમાં પરિવર્તિત થાય છે. સૌપ્રથમ વ્યક્તિ ઊંડો શ્વાસ લે છે અને ત્યારબાદ અન્નનળીનો ઉપરનો દ્વારરક્ષક ખૂલે છે સ્વરતંત્રનું છિદ્ર બંધ થાય છે. મૃદુ તાળવું ઉપર તરફ ઊંચકાઈને નાકને બંધ કરે છે. ઉરોદરપટલ અને પેટના સ્નાયુઓ સંકોચાય છે જેથી પેટમાંનું દબાણ વધે છે અને છેલ્લે અન્નનળીનો નીચલો દ્વારરક્ષક ખૂલે છે, જેમાંથી જોરથી જઠરમાંનું દ્રવ્ય અન્નનળી અને ગળા દ્વારા મોઢામાં આવે છે, જ્યાંથી તે બહાર ફેંકાય છે. નાક અને સ્વરતંત્રનાં છિદ્રો બંધ હોવાથી ઊલટી કરાતું દ્રવ્ય શ્વાસના માર્ગમાં પ્રવેશતું નથી. જો ઊલટી લાંબો સમય ચાલુ રહે તો પાણી, પોટૅશિયમ અને હાઇડ્રોજન આયનોની ઊણપ ઉદભવે છે. હાઇડ્રોજન આયનોની ઊણપ આલ્કલિતા(alkalosis)નો વિકાર સર્જે છે.

જઠરની શ્લેષ્મકલાના કોષો મોટાભાગનાં પોષણદ્રવ્યો માટે માર્ગ કરી આપતાં નથી. તેથી જઠરમાં પોષકદ્રવ્યનું અવશોષણ (absorption) ઘણું ઓછું થાય છે. આમ છતાં જઠરમાંથી પાણી, ગ્લુકોઝ, ક્ષારો અને આયનો, દારૂ તથા કેટલીક દવાઓનું અવશોષણ થાય છે. જઠરમાંથી અર્ધો પચેલો ખોરાક અર્ધપક્વરસના રૂપે નાના આંતરડાના શરૂઆતના, અંગ્રેજી મૂળાક્ષર ‘C’ના આકારના પક્વાશય (duodenum) નામના ભાગમાં જાય છે. પક્વાશયમાં નાના આંતરડાના પાચકરસો ઉપરાંત યકૃત(liver)માંથી આવતું પિત્ત (bile) અને સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુપિંડરસ (pancreatic juice) પણ અર્ધપક્વરસ સાથે ભળે છે અને ખોરાકની પાચનક્રિયા આગળ વધે છે.

(5) સ્વાદુપિંડ (pancreas) : પાચનતંત્રના અતિરિક્ત (accessary) અથવા વધારાના અવયવોમાં લાળગ્રંથિઓ ઉપરાંત યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે, જે ખોરાકના રાસાયણિક પચનમાં ભાગ લે છે. સ્વાદુપિંડ પોચું અને લાંબું અવયવ છે, જેમાં ગ્રંથિલો (acini) અને નલિકાઓ (tubules) આવેલી હોય છે. તે 12.5 સેમી. લાંબું અને 2.5 સેમી. પહોળું હોય છે. તે પેટના પાછલા ભાગમાં જઠરની પાછળ આવેલું છે. તેના 3 ભાગ ગણાય છે : શીર્ષ, કાય અને પુચ્છ. તેના પહોળા ભાગને શીર્ષ કહે છે. પક્વાશયના અંતર્ગોળ ભાગમાં સ્વાદુપિંડનું શીર્ષ ગોઠવાયેલું હોય છે. તે ડાબી અને ઉપરની તરફ સ્વાદુપિંડની કાય રૂપે ડાબા મૂત્રપિંડની આગળ થઈને લંબાય છે અને બરોળના પ્રવેશદ્વાર(hilum)માં પુચ્છ રૂપે સમાપ્ત થાય છે. સ્વાદુપિંડમાં ગ્રંથિકારી અધિચ્છદ(glandular epithelium)ના કોષોનાં નાનાં નાનાં ઝૂમખાં આવેલાં હોય છે. તેમાંના 1 % કોષો લાંગરહાન્સના કોષદ્વીપો (islet cells of Langerhans) બનાવે છે. તેમાં આલ્ફા, બીટા અને ડેલ્ટા કોષો હોય છે; જે અનુક્રમે ગ્લુકેગોન, ઇન્સ્યુલિન અને સોમેટોસ્ટેટિન નામના અંત:સ્રાવોનું ઉત્પાદન કરે છે. સ્વાદુપિંડમાંના ઇન્સ્યુલિન નામના અંત:સ્રાવની ઊણપ થાય ત્યારે મધુપ્રમેહનો રોગ થાય છે. આમ સ્વાદુપિંડ પાચનતંત્ર તથા અંત:સ્રાવી ગ્રંથિતંત્ર (endocrine system) એમ બે જુદાં જુદાં અવયવી તંત્રોનો સભ્ય છે. બાકીના 99 % કોષો પાચકરસ ઉત્પન્ન કરતા કોષોનાં નાનાં નાનાં ઝૂમખાં બનાવે છે, જેને ગ્રંથિલો (acini) કહે છે. તેમાંથી બહિ:સ્રાવી (exocrine) પાચકરસ બને છે, જે નાની નાની નળીઓમાં ઠલવાય છે. આ પાચકરસને સ્વાદુપિંડ-રસ (pancreatic juice) કહે છે. નાની નાની નળીઓ ભેગી થઈને એક મોટી સ્વાદુપિંડ નળી બનાવે છે, જે આખા સ્વાદુપિંડમાંથી પસાર થઈને સ્વાદુપિંડના શીર્ષ દ્વારા પક્વાશયમાં ખૂલે છે. સ્વાદુપિંડના શીર્ષમાં તેની સાથે પિત્તાશયમાંથી આવતી પિત્તનળી જોડાય છે અને તે બંને નળીઓ વૉટરનો વિપુટ (ampulla of Vater) બનાવે છે. વૉટરનો વિપુટ યકૃત-સ્વાદુપિંડી વિપુટ(hepatopancreatic ampulla)ના નામે પણ ઓળખાય છે. પક્વાશયની દીવાલમાં એક પક્વાશયી અંકુર (duodenal papilla) નામનો નાનો ઊપસેલો ભાગ હોય છે જેના એક છિદ્ર દ્વારા વૉટરનો વિપુટ ખૂલે છે. આમ સ્વાદુપિંડ અને પિત્તાશયમાંના રસો પક્વાશયમાં આવેલા અર્ધપક્વરસ (chyme) સાથે ભળે છે. જઠરાંત-વિસ્તાર(pylorus)થી લગભગ 10 સેમી. દૂર પક્વાશયી અંકુર આવેલું હોય છે. ક્યારેક એક વધારાની નળી દ્વારા પણ સ્વાદુપિંડરસ પક્વાશયમાં આવે છે. આવી વધારાની નળીનું છિદ્ર પક્વાશયી અંકુરથી 2.5 સેમી. ઉપર આવેલું હોય છે.

દરરોજ 1,200થી 1,500 મિલી. જેટલો સ્વાદુપિંડરસ પક્વાશયમાં ઠલવાય છે. તે રંગ વગરનું પારદર્શક પ્રવાહી છે અને તેમાં પાણી, કેટલાક ક્ષાર, સોડિયમ બાયકાર્બોનેટ તથા ઉત્સેચકો હોય છે. સોડિયમ બાયકાર્બોનેટને કારણે તેનું pH મૂલ્ય આલ્કલીકૃત (alkaline) હોય છે (7.1થી 8.2 pH). તેનું આલ્કલીપણું જઠરમાંના પ્રોટીનપાચકનું કાર્ય પૂર્ણ કરે છે અને પક્વાશયમાં કરવામાં આવતા પાચન માટે યોગ્ય વાતાવરણ સર્જે છે. સ્વાદુપિંડરસમાં 7 ઉત્સેચકો આવેલા છે : (1) કાર્બોદિત પદાર્થોનું પાચન કરતો સ્વાદુપિંડ શર્કરાપાચક ઉત્સેચક(pancreatic amylase), (2) પ્રોટીનનું પાચન કરતો સ્વાદુપિંડી પ્રોટીનપાચક ઉત્સેચક (trypsin), (3) પ્રોટીનનું-પાચન કરતો અર્ધપક્વરસીય પ્રોટીનપાચક ઉત્સેચક (chymotrypsin), (4) કાર્બૉક્સિ પૉલિપેપ્ટાઇડ-પાચક ઉત્સેચક(carboxypolypeptidase), (5) ચરબીનું પાચન કરતો સ્વાદુપિંડી મેદપાચક ઉત્સેચક(pancreatic lipase) તથા (6 અને 7) રિબૉ અને ડિઑક્સિરિબોન્યૂક્લીઇક ઍસિડનું પાચન કરતા અનુક્રમે રિબોન્યૂક્લીઇક પાચક ઉત્સેચક (ribonuclease) અને ડિઑક્સિરિબોન્યૂક્લીઇક પાચક ઉત્સેચક (deoxy-ribonuclease). જઠરરસમાંના પ્રોટીનપાચક ઉત્સેચકજનક (papsinogen)માંથી જેમ સક્રિય પ્રોટીનપાચક ઉત્સેચક (pepsin) બને છે, તેમ સ્વાદુપિંડી પ્રોટીનપાચક ઉત્સેચક અને અર્ધપક્વરસીય પ્રોટીનપાચક ઉત્સેચક પણ અક્રિય સ્વરૂપે પક્વાશયમાં પ્રવેશે છે. તે આંતરડાની દીવાલમાં બનતા આંત્રીય ગતિકારક ઉત્સેચક(enterokinase)ની હાજરીમાં અક્રિય સ્વરૂપ મેળવે છે. બંને ઉત્સેચકોનાં અક્રિય રૂપો અનુક્રમે સ્વાદુપિંડી પ્રોટીનપાચક ઉત્સેચકજનક (trypsinogen) અને અર્ધપક્વરસીય પ્રોટીનપાચક ઉત્સેચકજનક-(chymotrypsinagen)ને નામે ઓળખાય છે. કાબૉkdmf પૉલિપેપ્ટાઇડ પાચકરસ પણ અસક્રિય સ્વરૂપે જ પક્વાશયમાં પ્રવેશે છે અને તેનું સક્રિયીકરણ (activation) સ્વાદુપિંડી પ્રોટીનપાચક ઉત્સેચક કરે છે. આ સાતે પ્રકારના ઉત્સેચકો ખોરાકમાંના કાર્બોદિત પદાર્થો પ્રોટીન, ચરબી તથા ન્યૂક્લીઇક ઍસિડનું વિઘટન કરીને પાચન કરે છે. સ્વાદુપિંડરસના સ્રવણ(secretion)નું નિયંત્રણ ચેતાતંત્ર તથા અંત:સ્રાવો દ્વારા થાય છે. ખોરાકને જોઈને કે તેની ગંધ કે વાતને કારણે જેમ મોઢામાં લાળ અને જઠરમાં જઠરરસ ઝરે છે તેમ સ્વાદુપિંડમાંથી પણ બહુવિસ્તારી ચેતા દ્વારા આવેગોને કારણે સ્વાદુપિંડરસ ઝરવાનો શરૂ થાય છે. જઠરમાંથી પક્વાશયમાં પ્રવેશતા અર્ધપક્વરસમાં અર્ધા પચેલા પ્રોટીન તથા ચરબીના અણુઓ તથા વધુ કે ઓછી આસૃતિદાબવાળું પ્રવાહી પક્વાશયની શ્લેષ્મકલાને ઉત્તેજિત કરે છે અને તેમાંથી 2 પ્રકારના અંત:સ્રાવો લોહીમાં પ્રવેશે છે (અ) આંત્રસ્રાવક (secretin) એવા સ્વાદુપિંડરસનું સ્રવણ કરાવે છે, જેમાં બાયકાર્બોનેટ આયનોનું પ્રમાણ વધુ હોય અને (આ) પિત્તાશયપ્રેરિન (cholocystokiniun) ઉત્સેચકો વધુ હોય એવા સ્વાદુપિંડરસનું સ્રવણ કરાવે છે.

(6) યકૃત (liver) : પેટના ઉપલા અને જમણા ભાગમાં અને પાંસળીઓના પાંજરાની લગભગ અંદર 1.4 કિગ્રા. વજનનું યકૃત અથવા કલેજું આવેલું છે. તે ઉરોદરપટલની બરાબર નીચે આવેલું છે. તેની મોટાભાગની સપાટી પર પરિતનકલાનું આવરણ આવેલું છે. પરિતનકલાની નીચે એક ઘટ્ટ સંયોજી પેશી(connective tissue)નું સ્તર આવેલું છે.

આકૃતિ 6 : યકૃત અને સ્વાદુપિંડ : (અ) યકૃત અને સ્વાદુપિંડ, (આ) યકૃત વિખંડિકા : (1) ઉરોદરપટલ, (2) દાત્રરૂપી તંતુબંધ, (3) યકૃત (જમણો ખંડ),  (4) યકૃત (ડાબો ખંડ), (5) ડાબી યકૃતનલિકા, (6) જમણી યકૃતનલિકા, (7) સંયુક્ત યકૃતનલિકા, (8) પિત્તાશય, (9) પિત્તાશયનલિકા, (10) સામાન્ય પિત્તનલિકા, (11) સ્વાદુપિંડ, (12) સ્વાદુપિંડ પુચ્છ, (13) સ્વાદુપિંડકાય, (14) સ્વાદુપિંડશીર્ષ, (15) સ્વાદુપિન્ડનળી, (16) પક્વાશય, (17) પક્વાશયી અંકુર, (18) વૉટરનો વિપુટ, (19) યકૃત વિખંડિકા, (20) યકૃતકોષોની પટ્ટિકાઓ, (21) પિત્તનલિકાઓ,  (22) વિવરાભો, (23) મધ્યસ્થ શિરા, (24) નિવાહિકા શિરાની શાખા, (25) યકૃત ધમનીની શાખા, (26) પિત્તનળી, (27) પિત્તનલિકા, (28) યકૃતીય નિવાહિકા શિરા, (29) યકૃત ધમની. નોંધ : તીર લોહી તથા પિત્તના વહનની દિશા બતાવે છે.

યકૃતને 2 ખંડોમાં વહેંચવામાં આવે છે – ડાબો ખંડ અને જમણો. બંનેને દાત્રરૂપી તંતુપડ (falciform ligament) જુદા પાડે છે. જમણા ખંડ સાથે બે નાના ખંડો આવેલા છે : નીચેના ભાગમાં ચતુષ્કોણી ખંડ (quadrate lobe) અને પાછળના ભાગમાં પુચ્છીય ખંડ (caudate lobe). ઉરોદરપટલની નીચલી સપાટી પરથી પરિઘીય પરિતનકલા યકૃતની ઉપલી સપાટી તરફ એક પટલના રૂપે વળાંક લે છે અને તે યકૃતને 2 મુખ્ય ખંડોમાં દ્વિભાજતું દાત્રરૂપી તંતુપડ બનાવે છે. તેની મુક્ત કિનારીમાંથી રજ્જુરૂપ તંતુપડ (round ligament અથવા ligamentum teres) યકૃતને નાભિ સાથે જોડે છે. રજ્જુરૂપી તંતુપડ પુખ્ત વયે એક તંતુમય રજ્જુ(fibrous cord)ના જેવું દેખાય છે પરંતુ ગર્ભમાં તેમાંથી નાભિકીય શિરા (umbilical vein) પસાર થતી હતી.

યકૃતના મુખ્ય કોષો નાની નાની યકૃતીય ખંડિકાઓ (hepatic lobules) બનાવે છે, જેને સૂક્ષ્મદર્શક વડે જોઈ શકાય છે. યકૃતીય ખંડિકાઓમાં યકૃતકોષો(hepatic cells)ની પટ્ટિકાઓ (cords) આવેલી હોય છે, જે મધ્યસ્થ શિરા(central vein)ની આસપાસ અરીઓ(radii)ના રૂપે ગોઠવાયેલી હોય છે. યકૃતકોષોની પટ્ટિકાઓની વચ્ચે અંતશ્ચ્છદ(endothelium)ના કોષોથી આચ્છાદિત સૂક્ષ્મ વિવરાભો (hepatic sinusoids) નામની પોલી જગ્યાઓ છે, જેમાંથી લોહી પસાર થાય છે. વિવરાભની દીવાલમાં કુફરનાં તનુતન્ત્વી અંતછદીય કોષો (reticuloendothelial cells) પણ હોય છે. તે કોષીય કચરો તથા જીવાણુઓનું ભક્ષણ કરીને તેમનો નાશ કરે છે.

યકૃત બે રીતે લોહીનો પુરવઠો મેળવે છે : (અ) યકૃતધમની દ્વારા ઑક્સિજનયુક્ત લોહી તથા (આ) નિવાહિકા શિરા દ્વારા આંતરડાંમાંથી પચેલા અને અવશોષિત પોષકદ્રવ્યોવાળું પણ ઑક્સિજનરહિત લોહી. બંને પ્રકારની નસોની શાખાઓ યકૃતીય વિવરાભોમાં લોહી પહોંચાડે છે અને તેના દ્વારા ઑક્સિજન -પોષકદ્રવ્યો તથા શરીરમાં ફરતા કે આંતરડાંમાંથી અવશોષાયેલાં ઝેરી દ્રવ્યો યકૃતકોષો સુધી પહોંચે છે. યકૃતીય વિવરાભમાંનું લોહી મધ્યસ્થ શિરામાં પ્રવેશે છે, જે અંતે અધોમહાશિરા (inferior vena cava) દ્વારા હૃદય સુધી પહોંચે છે. યકૃતકોષોની પટ્ટિકાઓની બીજી સપાટી પરથી પિત્ત-નલિલિકાઓ (canaliculli) શરૂ થાય છે, જે નાની પિત્તનલિકાઓ બનાવીને છેવટે પિત્તનળીઓમાં ફેરવાય છે. યકૃતકોષો દ્વારા બનતું પિત્ત આ નળીઓ દ્વારા નાના આંતરડા સુધી પહોંચે છે. યકૃતમાં પ્રવેશતાં પોષકદ્રવ્યોનો ચયાપચય થાય છે અને તેનાં ચયાપચયી દ્રવ્યો લોહીમાં પ્રવેશે છે. યકૃત ઝેરી દ્રવ્યોનું બિનઝેરીકરણ (detoxification) કરે છે. યકૃતમાં આ પ્રકારની થતી રાસાયણિક ક્રિયાઓને લીધે તેનું તાપમાન સૌથી વધુ રહે છે. તે ચયાપચયી ક્રિયાઓનું મુખ્ય સ્થાન ગણાય છે.

યકૃત રોજ 800થી 1000 મિલી. જેટલો પિત્તરસ (bile) બનાવે છે. તેને ટૂંકમાં પિત્ત પણ કહે છે. તે પીળા છીંકણી કે દિવેલિયા લીલા (olive green) રંગનું પ્રવાહી છે. તેનું pH મૂલ્ય 7.6થી 8.6ની વચ્ચે (આલ્કેલાઇન) હોય છે. તેમાં પાણી, પિત્તક્ષારો, કોલેસ્ટેરૉલ, લેસિથિન નામનું ફૉસ્ફોલાઇપિડ, પિત્તરંજક દ્રવ્યો (bile pigments) અને કેટલાક આયનો હોય છે. તેમાં ઉત્સર્ગલક્ષી તથા પાચનલક્ષી દ્રવ્યો હોય છે. નાના આંતરડામાં ખોરાકમાંથી આવેલો તૈલી પદાર્થ નાની નાની ગોળીઓ અથવા મેદગોલિકાઓ (fat globules) રૂપે હોય છે. તેને નાનાં નાનાં મેદબિંદુઓ કે તૈલબિંદુઓ(fat droplets)માં વિભાજિત કરીને તેની આસપાસ પિત્તક્ષારોનું આવરણ બનાવાય છે. આવાં તૈલબિંદુઓ આંતરડામાંના પ્રવાહીમાં નિલંબિત (suppended) થાય છે. આ પ્રક્રિયાને તૈલનિલંબન (emulsification) કહે છે. તે ચરબી કે તૈલી પદાર્થોના પાચનની મહત્વની ક્રિયા ગણાય છે. આવાં તૈલબિંદુઓ (fat droplets) 1 માઇક્રૉનનો વ્યાસ ધરાવે છે. પિત્તમાંના પિત્તક્ષારો અને લેસિથિન કોલેસ્ટેરૉલને પિત્તમાં ઓગાળે છે. પિત્તમાંનું મુખ્ય રંજકદ્રવ્ય (pigment) બિલિરુબિન છે. તેને પિત્તવર્ણક (bilirubin) કહે છે. લોહીના રક્તકોષો તૂટે ત્યારે લોહ,  ગ્લોબિન નામનું પ્રોટીન અને બિલિરુબિન છૂટાં પડે છે. તે સમયે તે મેદદ્રાવી (fat soluble) હોય છે. તેને યકૃતકોષો જલદ્રાવી (water soluble) બનાવીને પિત્ત દ્વારા શરીરમાંથી બહાર કાઢે છે. પિત્તવર્ણક(bilirubin)નું આંતરડામાં વિઘટન થાય છે અને તે મળને તથા લોહી દ્વારા મૂત્રમાં જાય ત્યારે પેશાબને પીળો રંગ આપે છે. આ પીળો રંગ આપતા દ્રવ્યને મૂત્રીય પિત્તવર્ણજ (urobilinogen) અથવા મળપિત્તવર્ણજ (stercobilinogen) કહે છે. યકૃતના કોષોના વિકારમાં પિત્તવર્ણકને જલદ્રાવી બનાવી શકાતું નથી. પિત્તની નળીઓમાં અવરોધ હોય તો તેનો આંતરડાંમાં ઉત્સર્ગ થઈ શકતો નથી. લોહીના રક્તકોષો તૂટવાનો વિકાર થઈ આવે તો પિત્તવર્ણકનું ઉત્પાદન ઘણું વધે છે. આ બધી જ સ્થિતિઓમાં લોહીમાં પિત્તવર્ણક(bilirubin)નો ભરાવો થાય છે. તેને અતિ પિત્તવર્ણકરુધિરતા (hyperbilirubinomia) કહે છે. તેને કારણે આંખનો શ્વેતપટલ અને ચામડી પીળાં થાય છે. તેને કમળો (jaundice) થયો છે એવું કહે છે. આમ કમળો થવાનાં 3 મુખ્ય કારણો છે : (અ) લોહીના રક્તકોષોનું વધારે પ્રમાણમાં તૂટવું, (આ) યકૃતના કોષોમાં કોઈ રોગ કે વિકાર થવો અને (ઇ) પિત્તની નળીઓમાં અવરોધ થવો. તેમને અનુક્રમે રક્તકોષલયી (haemolytic) કમળો, યકૃતકોષીય (hepato-cellular) કમળો તથા અવરોધજન્ય (obstructive) કમળો કહે છે. અવરોધજન્ય કમળાની સારવાર શસ્ત્રક્રિયા વડે થતી હોવાથી તેને શસ્ત્રક્રિયાલક્ષી કમળો (surgical jaundice) પણ કહે છે.

પિત્તના સ્રવણનું નિયંત્રણ ચેતાતંત્ર, આંત્રસ્રાવક અંત:સ્રાવ તથા પિત્તક્ષારોનું લોહીમાંનું સ્તર – એમ ત્રણ પરિબળો દ્વારા થાય છે. બહુવિસ્તારી ચેતા વડે ઉત્તેજન થાય ત્યારે પિત્તના ઉત્પાદનનો દર બમણો થાય છે. આંત્રસ્રાવક અંત:સ્રાવ અને લોહીમાં પિત્તક્ષારોનું ઊંચું સ્તર પણ પિત્તના ઉત્પાદનનો દર વધારે છે. યકૃત વિવિધ કાર્યો કરે છે : (1) તે ચરબી, તેલ કે ઘીના પાચન માટે જરૂરી પિત્તક્ષારો બનાવે છે. (2) તે આલ્બ્યુમિન, પ્રોથ્રોમ્બિન, ફાઇબ્રિનોજન જેવા પ્રોટીનના અણુઓ તથા હિપેરિનનું ઉત્પાદન કરે છે. (3) તેના કુફરના કોષો લોહીના વૃદ્ધ રક્તકોષો તથા શ્વેતકોષો અને કેટલાક જીવાણુઓનું ભક્ષણ કરે છે. (4) યકૃતકોષોમાંના ઉત્સેચકો ઝેરી દ્રવ્યોનું વિઘટન કરીને તેમને બિનઝેરી બનાવે છે; દા. ત. એમોનિયાને યુરિયામાં પરિવર્તિત કરે છે, જે મૂત્રપિંડ તથા પ્રસ્વેદગ્રંથિઓ દ્વારા શરીરની બહાર કાઢી શકાય છે. (5) નવાં અવશોષિત (absorbed) પોષકદ્રવ્યોને બૃહદ્-અણુઓના રૂપમાં સંગૃહીત કરાય છે અથવા તેમને અન્ય સ્વરૂપમાં પરિવર્તિત કરાય છે; દા. ત., ગ્લુકોઝને ગ્લાયકોજન કે ચરબીના રૂપમાં સંગ્રહાય છે કે પ્રોટીન, ચરબી કે ગ્લાયકોજનને ગ્લુકોઝના રૂપમાં પરિવર્તિત કરાય છે, (6) તે ગ્લાયકોજન તાંબું, લોહ તેમજ વિટામિન-એ, ડી, ઇ તથા કેને સંગ્રહે છે. (7) તે કેટલાંક ઝેરને પણ સંગ્રહે છે, જેમનું બિનઝેરીકરણ થઈ શકતું ન હોય; દા. ત., ડીડીટી. (8) વિટામિન-ડીને સક્રિય સ્વરૂપમાં ફેરવવામાં તે મૂત્રપિંડના સહયોગથી કાર્ય કરે છે.

આકૃતિ 7 : અન્નમાર્ગની સૂક્ષ્મપેશીસંરચના (દા. ત., નાનું આંતરડું). (અ) અન્નમાર્ગનો આડછેદ, (આ) આંતરડાની દીવાલનો ટુકડો, (ઇ) દીવાલની સૂક્ષ્મરચના, (ઈ) આંતરડાનો દેખાવ દર્શાવતો ટુકડો, (ઉ) નાના આંતરડામાં જોવા મળતું વિખંડન. : (1) આંતરડાનું પોલાણ, (2) આંત્રપટ, (3) સતરલ સ્તર, (4) સ્નાયુસ્તર, (5) લંબાક્ષીય સ્નાયુ, (6) પરિવૃત્તીય સ્નાયુ, (7) અવશ્લેષ્મ સ્તર, (8) શ્લેષ્મસ્તર, (9) શ્લેષ્મીય સ્નાયુસ્તરિકા, (10) પ્રમુખ પડ, (11) અધિચ્છદ, (12) આંત્રાંકુર, (13) લસિકાભ પેશી, (14) સ્નાયુસ્તરીય ચેતાજાળ, (15) અવશ્લેષ્મીય ચેતાજાળ, (16) આંત્રગ્રંથિ, (17) બાહ્યગ્રંથિ (દા. ત., સ્વાદુપિંડ), (18) ગ્રંથિનલિકા, (19) લઘુશિરા, (20) ધમનિકા, (21) લસિકાવાહિની, (22) લસિલિકા, (23) કેશવાહિની જાળ, (24) નાના આંતરડાનો ટુકડો, (25) પરિવૃત્તીય સ્નાયુઓનું સંકોચન, (26) પરિવૃત્તીય સ્નાયુઓનું વિખંડન, શિથિલન, (27) અર્ધપક્વરસનું વિખંડન, (28) પાસપાસના વિખંડોમાંના અર્ધપક્વરસનું ઉત્સેચકો સાથે સંમિશ્રણ, (29) સંમિશ્રિત અર્ધપક્વરસ, (30) વિખંડન. નોંધ : (ક) અર્ધપક્વરસનું વિખંડન, (ખ) તથા (ગ) અર્ધપક્વરસના વિખંડોનું મિશ્રણ.

(7) પિત્તાશય (gall bladder) અને પિત્તની નળીઓ (bile ducts) : પિત્તાશય એક જામફળ(pear)ના આકારની 7થી 10 સેમી. લાંબી કોથળી છે, જે યકૃતની નીચલી અથવા અવયવી સપાટી પર એક બખોલ(fossa)માં આવેલી છે. તેની દીવાલમાં 3 સ્તર છે : (i) અંદરનું શ્લેષ્મસ્તર જેમાં જઠરની અંદરની દીવાલમાં હોય છે તેવી મહાગડીઓ (rugae) આવેલી છે. (ii) તેનું વચલું સ્તર સ્નાયુતંતુઓનું બનેલું હોય છે, જે અંત:સ્રાવી ઉત્તેજન થાય તો સંકોચાય છે અને પિત્તાશયમાંના પિત્તને પિત્તાશયનલિકા(cystic duct)માં ધકેલે છે. (iii) બહારનું આવરણ અવયવી પરિતનકલા(visceral peritoneum)નું બનેલું હોય છે. પિત્તાશયનું મુખ્ય કાર્ય યકૃતમાં બનેલા પિત્તનો સંગ્રહ કરીને તેને સાંદ્રિત (concentrated) બનાવવાનું છે. તે પિત્તને 10 ગણું સાંદ્રિત કરે છે. તે માટે તે પાણી તથા આયનોને અવશોષે છે. યકૃતમાંથી ઉત્પન્ન થતું પિત્ત પિત્તનલિકાઓ દ્વારા યકૃત-સ્વાદુપિંડી વિપુટ સુધી પહોંચે છે. જો પક્વાશયમાં અર્ધપક્વરસ(chyme) ન હોય તો આ વિપુટનો દ્વારરક્ષક (sphincter) બંધ હોય છે. માટે તે ઊભરાઈને પિતાશયનલિકા દ્વારા પિત્તાશયમાં ઠલવાય છે અને ત્યાં સંગૃહીત થાય છે. જ્યારે પક્વાશયમાં અર્ધપક્વરસ પ્રવેશે ત્યારે આંતરડાંના શ્લેષ્મસ્તરમાંથી પિત્તાશયપ્રેરિન (cholecystokinin) અંત:સ્રાવ લોહીમાં પ્રવેશે છે. તે પિત્તાશયને સંકોચીને તેમાંનું પિત્ત પક્વાશયમાં ઠાલવે છે.

યકૃતમાં યકૃતકોષોની પાસેથી પિત્તનલિલિકાઓ (bile canaliculi) શરૂ થાય છે, જે એકઠી થઈને નાની નળીઓ બનાવે છે. પિત્તનલિલિકાઓને પિત્તકેશવાહિનીઓ (biliary capillaries) પણ કહે છે. પિત્તની નાની નાની નળીઓ એકઠી થઈને યકૃતના બંને ખંડોમાંથી એક એક એમ બે – ડાબી અને જમણી યકૃતનળીઓ (hepatic ducts) બનાવે છે. બંને યકૃતનળીઓ ભેગી થઈને સામાન્ય (સંયુક્ત) યકૃતનળી (common hepatic duct) બનાવે છે. તેની સાથે પિત્તાશયનલિકા (cystic duct) જોડાય છે અને છેલ્લે સામાન્ય પિત્તનળી (common bile duct) બને છે, જે યકૃત-સ્વાદુપિંડી વિપુટ દ્વારા પક્વાશયમાં સ્વાદુપિંડ નળી સાથે ખૂલે છે. પિત્તની નળીઓ તથા પિત્તાશયમાં પથરી થાય અને જો તે પિત્તના વહેવાના માર્ગમાં અવરોધ કરે તો તે અવરોધજન્ય કમળો કરે છે.

(8) નાનું આંતરડું (small intestine) : તેને શાસ્ત્રીય પરિભાષામાં લઘુ-આંત્ર કહે છે, તથા તેને સંબંધિત સંરચનાઓ કે કાર્યોને આંત્રીય (enteric) એવું વિશેષણ લાગે છે. ખોરાકના પચન તથા પોષણદ્રવ્યોના અવશોષણનું મુખ્ય કાર્ય કરતી લાંબી નળી જેવા અવયવને નાનું આંતરડું કહે છે. તે જઠરાંત દ્વારરક્ષકથી શરૂ કરીને મોટા આંતરડા સુધી એક ગૂંચળાની માફક પેટના વચલા અને નીચલા ભાગમાં આવેલું છે. તેનો વ્યાસ 2.5 સેમી. હોય છે અને તે લગભગ 6.35 મીટર (21 ફૂટ) લાંબું છે. તેના 3 ભાગ પાડવામાં આવે છે : (અ) પક્વાશય (duodenum), (આ) મધ્યાંત્ર (jejunum) અને અંતાંત્ર (ileum). પક્વાશયની લંબાઈ 25 સેમી. હોય છે. તે અંગ્રેજી મૂળાક્ષર ‘C’ આકારની નળી છે. તે જઠરાંત-દ્વારરક્ષકથી શરૂ થઈને મધ્યાંત્રમાં ભળી જાય છે. મધ્યાંત્ર 2.5 મી. લાંબી નળી છે અને એક છેડે પક્વાશય સાથે અને બીજે છેડે અંતાંત્ર સાથે સળંગ જોડાયેલી હોય છે. નાના આંતરડાના છેલ્લા 3.6 મી.ના ભાગને અંતાંત્ર કહે છે. તે મોટા આંતરડા સાથે જોડાય છે. તે સ્થળે એકમાર્ગી કપાટ (valve) આવેલો છે. તેને અંતાંત્ર-અંધાંત્રીય (ileocaecal) વાલ્વ કહે છે.

નાના આંતરડાની સૂક્ષ્મ રચના અગાઉ જઠરાંત્રમાર્ગની સૂક્ષ્મ રચનાનું વર્ણન કરેલું છે તેવી જ છે. તેમાં 4 સ્તર અથવા પડળો હોય છે. તેના શ્લેષ્મસ્તર અને અવશ્લેષ્મસ્તરમાં કેટલીક જરૂરી વિશિષ્ટતાઓ કરવામાં આવેલી છે, જેથી પાચન અને અવશોષણનું તેનું કાર્ય યોગ્ય રીતે થઈ શકે. શ્લેષ્મસ્તરમાં ઘણા નાના ખાડા (pits) આવેલા છે, જેમાં આંત્રીય ગ્રંથિઓ (intestinal glands) આવેલી છે. તેમાં વિવિધ ઉત્સેચકો ઉત્પન્ન થાય છે, જે સંયુક્ત રીતે આંત્રીય રસ (intestinal juice) તરીકે ઓળખાય છે. પક્વાશયના અવશ્લેષ્મસ્તરમાં બ્રુનરની ક્ષારયુક્ત શ્લેષ્મની ગ્રંથિઓ આવેલી છે, જે આલ્કલીયુક્ત શ્લેષ્મ (mucus) બનાવે છે. તે આંતરડાની દીવાલનું બે રીતે રક્ષણ કરે છે : (અ) જઠરમાંથી આવતા અમ્લીય (acidic) દ્રવ્યનું તટસ્થીકરણ (neutralization) કરે છે અને (આ) ઉત્સેચકો વડે આંતરડાની દીવાલનું જ પાચન ન થઈ જાય તે માટેનું સંરક્ષક આવરણ બનાવે છે. શ્લેષ્મસ્તર અને અવશ્લેષ્મસ્તરમાં કેટલાક કોષો લઘુગોલકોષો (goblet cells) બને છે અને તેઓ પણ શ્લેષ્મનું ઉત્પાદન કરે છે. પચેલાં પોષકદ્રવ્યોનું અવશોષણ કરવા માટે મોટી સપાટીની જરૂર હોય છે, તેથી નાના આંતરડાની લંબાઈ ઘણી મોટી હોય છે. વળી તેના શ્લેષ્મસ્તર પર 0.5થી 1 મિમી.ના અંકુરો આવેલા છે. તેને આંત્રીય અંકુરો (intestinal villi) કહે છે. આંત્રીય અંકુરોની સપાટી પર અધિચ્છદ(epithelium)ના લઘુગોલકોષો સિવાયના બધા જ સ્તંભાકારી કોષો પર પણ આંગળીઓ જેવી નાની નાની (સૂક્ષ્મ) પ્રવર્ધિકાઓ (projections) આવેલી હોય છે. તેને સૂક્ષ્માંકુરો (micro villi) કહે છે. આંતરડામાં 40થી 50 લાખ જેટલા આંત્રીય અંકુરો હોય છે. આમ એકંદરે પાચન તથા અવશોષણ માટેની સપાટી ઘણી મોટી થઈ જાય છે. દરેક આંત્રીય અંકુરની સપાટી પર સૂક્ષ્માંકુરોવાળા સ્તંભાકાર કોષોનું આવરણ હોય છે અને તેની અંદર ધમનિકા (arteriole), લઘુ શિરા (venule), કેશવાહિનીઓ તથા લસિકાવાહિનિકા (small lymphatic vessel) અથવા લસિલિકા (lacteal) હોય છે. આ નાની નાની નસો પોષક દ્રવ્યોને રુધિરાભિસરણ તથા લસિકાભિસરણ(lymphatic flow)માં ભેળવે છે. અંકુરો અને સૂક્ષ્માંકુરો ઉપરાંત આંતરડાના શ્લેષ્મસ્તર અને અવશ્લેષ્મસ્તરની ઊંડી ગડીઓ પણ પડેલી હોય છે. તેને ગોળ ગડીઓ (plicae circulares) કહે છે અને તે આંતરડાના પોલાણને ગોળ ફરતા આખેઆખી કે અર્ધા ભાગમાં આવેલી હોય છે. તેને કારણે જ્યારે નાના આંતરડામાંથી અર્ધા પચેલા ખોરાકનું પ્રવાહી આગળ વધતું હોય ત્યારે તે સીધેસીધું જવાને બદલે સર્પિલ (spiral) ગતિથી વધે છે. નાના આંતરડાના સ્નાયુસ્તરમાં બે પડ છે : બહારનું પાતળું લંબાક્ષીય (longitudinal) સ્નાયુઓનું સ્તર અને અંદરનું પરિવૃત્તીય (circular) સ્નાયુસ્તર. પક્વાશયના એક મોટા ભાગ સિવાય સમગ્ર નાનું આંતરડું સતરલ સ્તર(serosa)થી વીંટળાયેલું છે અને તે આંત્રપટ(mesentery)ની મદદથી પેટની પાછલી દીવાલ સાથે લટકાવેલું હોય તેમ જોડાયેલું છે. આંતરડાના શ્લેષ્મસ્તરમાં લસિકાભ પેશી(lymphoid tissue)નાં આવરણ વગરનાં ઝૂમખાં હોય છે. અંતાંત્રમાંનાં આવાં ઝૂમખાંને પેયરની ચકતીઓ (Payer’s patches) કહે છે. આંતરડામાંની લસિકાવાહિનીઓ આંત્રપટમાંની લસિકાગ્રંથિઓમાં ખૂલે છે. આંત્રપટમાંની લસિકાગ્રંથિઓને આંત્રપટીય લસિકાગ્રંથિઓ (mesenteric lymphnodes) કહે છે.

આંત્રરસ (intestinal juice) પારદર્શક પીળું પ્રવાહી હોય છે, જેનું દિવસભરમાં 2થી 3 લિટરના દરે ઉત્પાદન થાય છે. તેનું pH મૂલ્ય 7.6 હોય છે. તેમાં પાણી, શ્લેષ્મ અને ઉત્સેચકો હોય છે. આંત્રરસમાં 3 પ્રકારના કાર્બોદિત પદાર્થોનું પાચન કરતા તથા પ્રોટીન અને ન્યૂક્લીઇક ઍસિડનું પાચન કરતા બીજા ઉત્સેચકો હોય છે. જવશર્કરા-પાચક ઉત્સેચક (maltose), શેરડીશર્કરા(sucrose) – પાચક ઉત્સેચક તથા દુગ્ધશર્કરા-પાચક ઉત્સેચક (lactose) – એમ કાર્બોદિત પદાર્થોને પચવતા 3 ઉત્સેચકો છે. આ ઉપરાંત એક પેપ્ટાઇડ પાચક ઉત્સેચક (peptidase) અને બંને પ્રકારના ન્યૂક્લીઇક ઍસિડ-પાચક ઉત્સેચકો પણ હોય છે. મુખ્ય પાચનક્રિયા અધિચ્છદીય કોષો(epithelial cells)માં થાય છે.

(8-અ) નાના આંતરડામાંનું પાચન : નાના આંતરડામાંનું પાચન યાંત્રિક (ભૌતિક) તથા રાસાયણિક – એમ બંને પ્રકારનું હોય છે. ભૌતિક પાચનના બે પ્રકારો હોય છે : વિખંડીકરણ (segmentation) અને લહરિગતિ (peristalsis). પાસપાસેના પરિવૃત્તીય સ્નાયુતંતુઓના સંકોચન અને શિથિલનથી નાના આંતરડાનું પોલાણ જુદા જુદા વિખંડો(segments)માં વહેંચાય છે. તેની સાથે તેમાંના અર્ધપચેલા ખોરાકનું પ્રવાહી (અર્ધપક્વરસ) પણ વિખંડિત થાય છે. પાસપાસેના પરિવૃત્તીય સ્નાયુતંતુઓના ક્રમિક સંકોચન અને શિથિલનથી વિખંડો આસપાસ ખસતા રહે છે અને આમ તેમાંનું દ્રવ્ય પાસપાસેના વિખંડોમાં ભળતું અને મિશ્ર થતું રહે છે. તે સમયે તે પાચકરસો સાથે પણ ભળે છે. સામાન્ય રીતે સંકોચન-શિથિલનનું ચક્ર દરેક મિનિટે 12થી 16 વખત થયાં કરે છે. તેને લીધે અર્ધપક્વરસ આગળ-પાછળ હાલ્યા કરે છે. સંકોચન અને શિથિલનની ક્રિયા અનુક્રમે પરાનુકંપી અને અનુકંપી ચેતાતંત્રની સંવેદનાઓને આધારે થાય છે.

નાના આંતરડામાંની લહરિગતિનો દર અને બળ અન્નનળી કે જઠરની લહરગતિ કરતાં ઓછો હોય છે. તેથી નાના આંતરડામાં અર્ધપક્વરસ દર સેકન્ડે 1 સેમી.ની ગતિએ આગળ વધે છે. આમ તે નાના આંતરડામાં 3થી 5 કલાક સુધી રહે છે. લહરિગતિમાં મુખ્યત્વે લંબાક્ષીય સ્નાયુતંતુઓનું સંકોચન-શિથિલન થાય છે અને તે પણ સ્વાયત્ત ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ થતું હોય છે.

નાના આંતરડામાં રાસાયણિક પાચનની પ્રક્રિયા પૂરી થાય છે. ખોરાકમાં મળતા કાર્બોદિત પદાર્થો 3 ભાગમાં વહેંચાય છે : (અ) એકશર્કરા (monosaccharide); દા. ત., ગ્લુકોઝ, ફળશર્કરા (fructose) વગેરે, (આ) દ્વિશર્કરા (disaccharide); દા. ત., જવશર્કરા (maltose), દુગ્ધશર્કરા (lactose), શેરડીશર્કરા (sucrose) વગેરે તથા (ઇ) બહુશર્કરા (polysaccharides); દા. ત., સ્ટાર્ચ અને ગ્લાયકોજન. લાળમાંનો લાળજન્ય બહુશર્કરાપાચક ઉત્સેચક (salivary amylase) સ્ટાર્ચ અને ગ્લાયકોજનને જવશર્કરા કે અન્ય દ્વિશર્કરામાં ફેરવે છે. દ્વિશર્કરામાં ગ્લુકોઝ કે અન્ય એકશર્કરાના 2 અણુઓ હોય છે, જ્યારે બહુશર્કરામાં તેના અનેક અણુઓ હોય છે. જઠરના ઍસિડિક વાતાવરણમાં કાર્બોદિત પદાર્થોનું પાચન અટકે છે, પરંતુ ફરીથી પક્વાશયમાં સ્વાદુપિંડી બહુશર્કરાપાચક ઉત્સેચક (pancreatic amylase) બાકી રહેલા સ્ટાર્ચમાંથી દ્વિશર્કરા બનાવે છે. જો ખોરાકમાં જવશર્કરા, શેરડીશર્કરા કે દુગ્ધશર્કરા જેવા દ્વિશર્કરાના અણુઓ આવેલા હોય તો તે છેક નાના આંતરડામાં દ્વિશર્કરાપાચક ઉત્સેચકો(disacch rideses)ના સંપર્કમાં આવે ત્યાં સુધી તેમના તેમ રહે છે. જે પ્રકારની દ્વિશર્કરા હોય તે પ્રકારનો તેનો પાચક ઉત્સેચક ગણાય છે; દા. ત., જવશર્કરાપાચક ઉત્સેચક (maltase), દુગ્ધશર્કરાપાચક ઉત્સેચક (lactase), શેરડીશર્કરાપાચક ઉત્સેચક (sucrase) વગેરે. આ ઉત્સેચકો અનુક્રમે જવ, દૂધ અને શેરડી કે ખાંડનું પાચન કરીને તેમને ગ્લુકોઝ કે ફળશર્કરા (fructose) નામના એકશર્કરાના સૌથી નાના અણુઓમાં રૂપાંતરિત કરે છે, જેમનું અવશોષણ થાય છે. આ પ્રકારની એકશર્કરામાં કાર્બનના 6 પરમાણુ હોવાથી તેને ષટ્કાર્બની શર્કરા (hexose) પણ કહે છે. આમ કાર્બોદિત પદાર્થોનું રાસાયણિક પાચન પૂરું થાય છે. 30 %થી 70 % હબસી અને 15 % અન્ય પ્રકારના માણસોમાં દુગ્ધશર્કરાપાચક ઉત્સેચક હોતો નથી અને તેથી તેઓ દૂધમાંની શર્કરાનું પાચન કરી શકતા નથી. જ્યારે દૂધ લે ત્યારે તેમને ઝાડા, ચૂંક અને વાયુપ્રકોપની તકલીફો થાય છે અને તેથી ક્યારેક શરીરમાંના ક્ષાર પણ ઘટે છે. ક્યારેક જઠરની શસ્ત્રક્રિયા કે આંતરડાંમાં ચેપ લાગે ત્યારે પણ તેવું થાય છે. આ વિકારને દુગ્ધશર્કરાલક્ષી અસહ્યતા (lactose intolerance) કહે છે.

સારણી 1 : ખોરાકનું પાચન

ખોરાકનો ઘટક કે કાર્યશીલ ઉત્સેચક તેનું અર્ધપક્વરૂપ પરિણામ સ્વરૂપ  (enzyme)
(1) કાર્બોદિત પદાર્થો (carbohydrates)
(અ) બહુશર્કરા (polysaccharide) બહુશર્કરાપાચક (polysaccharide) દ્વિશર્કરા disaccharide)
દા.ત., સ્ટાર્ચ કે યકોજન દા.ત., લાળજન્ય બહુશર્કરાપાચક (salivary amylase)

સ્વાદુપિંડી બહુશર્કરાપાચક (pancreatic amylase)

દા.ત., જવશર્કરા (maltose)

 

(આ) દ્વિશર્કરા (disaccharide) દ્વિશર્કરાપાક (disaccharide) ષટ્કાર્બની એકશર્કરા* (hexose)
દા.ત., જવશર્કરા (maltose) દા.ત, જવશર્કરાપાચક (maltase)   ગ્લુકોઝ
શેરડીશર્કરા (sucrose) શેરડીશર્કરાપાચક (sucrase) ગ્લુકોઝ અને ફળશર્કરા (fructose)
દુગ્ધશર્કરા (lactose) દુગ્ધશર્કરાપાચક (lactase) ગ્લુકોઝ અને પ્રદુગ્ધશર્કરા (galactose)
(2) પ્રોટીન
(અ) બહુપેપ્ટાઇડ (polypeptide) બહુપેપ્ટાઇડ-પાચક (polypeptidase) પેપ્ટાઇડ કે દ્વિપેપ્ટાઇડ (dipeptides)
દા. ત., જઠરીય પ્રોટીનપાચક (pepsin)
સ્વાદુપિંડી પ્રોટીનપાચક (trypsin)
અર્ધપક્વરસીય પ્રોટીનપાચક (chymotrypsin)
(આ) પેપ્ટાઇડ અને દ્વિપેપ્ટાઇડ પેપ્ટાઇડ-પાચક (peptidase) ઍમિનોઍસિડ*
દ્વિપેપ્ટાઇડપાચક (dipeptidase)

 

દા. ત., કાર્બૉક્સિપેપ્ટાઇડપાચક ઍમિનોપેપ્ટાઇડ પાચક
(3) ચરબી (મેદ)
(અ)    ટ્રાઇગ્લિસરાઇડ સ્વાદુપિંડી મેદપાચક (pancreatic lipase) મેદામ્લ (fatty acid) મૉનોગ્લિસરાઇડ
(4) ન્યૂક્લિઓટાઇડ્સ
(અ)    રિબોન્યૂક્લિઓટાઇડ રિબોન્યૂક્લિએઝ પંચકાર્બની એકશર્કરા* (pentose; દા. ત., રિબોઝ અને ડિઑક્સિરિબોઝ)
(આ)        ડિઑક્સિરિબોન્યૂક્લિઓટાઇડ ડિઑક્સિન્યૂક્લિએઝ નત્રલમૂલાણુ* (nitrogen base)

 

* પૂર્ણપક્વ સ્વરૂપો, જેમનું અવશોષણ થાય છે.

પ્રોટીનનું પાચન જઠરમાં શરૂ થાય છે. પ્રોટીનનો સૌથી નાનો અણુ ઍમિનોઍસિડ છે, જેના અણુઓ એકઠા થઈને પેપ્ટાઇડ કે બહુપેપ્ટાઇડ-(polypeptide)ના મોટા સંકુલ અણુઓ બનાવે છે. જઠરીય પ્રોટીન-પાચક ઉત્સેચક (pepsin), સ્વાદુપિંડી પ્રોટીનપાચક ઉત્સેચક (trypsin), અર્ધપક્વરસીય પ્રોટીનપાચક ઉત્સેચક (chymotrypsin) પ્રોટીનના બહુપેપ્ટાઇડ અણુઓનું વિઘટન કરીને તેમનું પેપ્ટાઇડ કે દ્વિપેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. તેવી જ રીતે સ્વાદુપિંડના કાર્બૉક્સિ-બહુપેપ્ટાઇડ-પાચક ઉત્સેચક બે પેપ્ટાઇડને જોડતા કાર્બૉક્સિજૂથને છૂટો પાડે છે. આંત્રરસમાંના પેપ્ટાઇડપાચક ઉત્સેચકો (peptidase) તથા દ્વિપેપ્ટાઇડ – પાચક ઉત્સેચક (dipeptidase) પેપ્ટાઇડનું વધુ પાચન કરીને ઍમિનોઍસિડના અણુઓ છૂટા પડે છે આંત્રરસમાંનો ઍમિનોપેપ્ટીડેઝ નામનો ઉત્સેચક ઍમિનોઍસિડના અણુઓને જોડતા બંધ(bonds)ને તોડે છે. આમ પ્રોટીનના મોટા સંકુલ અણુઓમાંથી તેમના એકમસ્વરૂપ ઍમિનોઍસિડ બનતાં પ્રોટીનનું પાચન પૂરું થાય છે અને ઍમિનોઍસિડનું અવશોષણ થાય છે.

ખોરાકમાંથી ચરબી, તેલ અને ઘીમાંના મેદના અણુઓને શાસ્ત્રીય રીતે ટ્રાઇગ્લિસરાઇડ કહે છે. તેમાં એક ગ્લિસેરૉલ અને 3 મેદામ્લો(fatty acid)ના અણુઓ હોય છે. ખોરાકમાંના તૈલી પદાર્થો તૈલગોલિકાઓ(globules)ના રૂપે – નાની નાની તૈલી લખોટીઓ જેવા ગઠ્ઠા રૂપે હોય છે. પિત્તક્ષારો તેમને 1 માઇક્રૉનના કદનાં મેદબિંદુઓ(fat droplets)ના રૂપમાં ફેરવીને તેમની આસપાસ એક આવરણ બનાવે છે. તેને તૈલનિલંબન (emulsification) કહે છે. સ્વાદુપિંડી મેદપાચક ઉત્સેચક (pancreatic lipase) આ નાના મેદબિન્દુઓમાંના ટ્રાઇગ્લિસરાઇડમાંથી મેદામ્લના 2 અણુઓ અને 1 મેદામ્લગ્લિસેરૉલનો સંયુક્ત અણુ છૂટો પાડીને ચરબીનું પાચન પૂરું કરે છે. મેદઅમ્લ અને મેદ-અમ્લ તથા ગ્લિસરોલના મૉનોગ્લિસરાઇડ નામના અણુઓનું અવશોષણ થાય છે.

રિબોન્યૂક્લિએઝ અને ડિઑક્સિન્યૂક્લિએઝ નામના ઉત્સેચકો જે તે પ્રકારના ન્યૂક્લિઓટાઇડ પર કાર્ય કરીને તેમનામાંની પંચકાર્બની-શર્કરા (pentose) અને નાઇટ્રોજન મૂળાણુ(nitrogen base)માં વિઘટિત કરે છે. આ રીતે પચેલા ન્યૂક્લિઓટાઇડનું અવશોષણ કરાય છે. જુદા જુદા પોષકદ્રવ્યના પાચનની ક્રિયા સારણી 1માં દર્શાવી છે.

આંત્રરસના ઉત્પાદન અને સ્રવણનું નિયંત્રણ અર્ધપક્વરસની હાજરીને કારણે ઉદભવતી સ્થાનિક પરાવર્તી ક્રિયા (reflex) તથા આંત્ર સ્રાવક તેમજ પિત્તાશયપ્રેરિન (cholecystokinin) નામના અંત:સ્રાવો કરે છે.

(8-આ) આંત્રીય અવશોષણ (intestinal absorption) : યાંત્રિક તથા રાસાયણિક પાચનની પ્રક્રિયાને અંતે ખોરાકમાંના મોટા અણુઓ અધિચ્છદીય કોષો(epithelial cells)ની નીચે આવેલી લોહીની નસો અને લસિકાવાહિનીઓમાં પ્રવેશી શકે તેટલા નાના અણુઓમાં ફેરવાય છે. તેથી ઍમિનોઍસિડ, ષટ્કાર્બની એકશર્કરાઓ જેવી કે ગ્લુકોઝ, ફળશર્કરા (fructose) અને ગ્લેક્ટોઝ તથા તૈલી પદાર્થોના નાના અણુઓ જેવા કે મેદામ્લો (fatty acids), ગ્લિસરૉલ અને ગ્લિસરાઇડમાં પરિવર્તિત થાય છે. પચેલા આહારનાં દ્રવ્યોનો લોહી કે લસિકા(lymph)માં પ્રવેશ થાય તે ક્રિયાને અવશોષણ (absorption) કહે છે. લગભગ 90 % જેટલું અવશોષણ નાના આંતરડામાં થાય છે; બાકીનું 10 % જેટલું અવશોષણ જઠર અને મોટા આંતરડામાં થાય છે. ન પચેલો કે અવશોષિત ન થયેલો ભાગ મોટા આંતરડામાં જાય છે. નાના આંતરડાની દીવાલમાં આવેલા આંત્રીય અંકુરો (આંત્રાંકુરો) દ્વારા અવશોષણ થાય છે. મુખ્ય 4 રીતે અવશોષણ થાય છે : પ્રસરણ (diffusion), સહાયપૂર્ણ પ્રસરણ (facilitated diffusion), આસૃતિ (osmosis) અને સક્રિય પરિવહન (active transport). આ ચારેય પ્રક્રિયાઓ ભૌતિક પ્રકારની છે. સમગ્ર પ્રવાહીમાં જે તે દ્રવ્યની સાંદ્રતા એકસરખી રીતે ફેલાય તેને પ્રસરણ કહે છે. સોડિયમના આયન તથા લઘુશૃંખલાવાન મેદામ્લો(short chain fatty acids)નું અવશોષણ પ્રસરણની પ્રક્રિયાથી થાય છે. તેવી જ રીતે ગુરુ-શૃંખલાવાન (long chained) મેદામ્લો અને મૉનોગ્લિસરાઇડવાળી મેદકંદુકિકાઓ (micelles) પણ પ્રસરણ વડે અવશોષિત થાય છે. ક્યારેક અન્ય દ્રવ્યોના પ્રસરણ કે સક્રિય પરિવહનની સાથે જોડાવાથી તે ક્રિયામાં એક પ્રકારની સહાય ઉત્પન્ન થાય છે. તેને સહાયપૂર્ણ પ્રસરણ કહે છે. ફળશર્કરાનું અવશોષણ સહાયભૂત પ્રસરણથી થાય છે. લોહી, બહિકોષીય તરલ (extracellular fluid) તથા આંતરડાંના પોલાણમાંના પ્રવાહીમાંનો આસૃતિદાબ (osmotic pressure) અલગ અલગ હોય છે. તેથી તેને સમધાત કરવા પાણીનું અવશોષણ થાય છે. વિવિધ વાહક પ્રોટીન(transport proteins)ના અણુઓ કેટલાંક પોષકદ્રવ્યોનું પરિવહન કરે છે. ક્યારેક તે માટે ઊર્જાનો વપરાશ પણ થાય છે. તેને સક્રિય પરિવહન કહે છે. દા. ત., ઍમિનોઍસિડ, દ્વિપેપ્ટાઇડ, ત્રિપેપ્ટાઇડ વગેરે.

બધા કાર્બોદિત પદાર્થો એકશર્કરા(monosaccharides)ના રૂપે અવશોષિત થાય છે. ગ્લુકોઝ અને ગેલૅક્ટોઝનું અવશોષણ એક પ્રકારનું સક્રિય પરિવહન છે, જેમાં સોડિયમના આયનો પણ અવશોષિત થાય છે. ફ્રુક્ટોઝનું અવશોષણ સહાયપૂર્ણ પ્રસરણથી થાય છે. અવશોષિત એકશર્કરાના અણુઓ લોહીની નસો દ્વારા પ્રથમ યકૃતમાં અને ત્યારબાદ લોહીમાં થઈને સમગ્ર શરીરમાં ફરે છે. પ્રોટીનના એકમરૂપ અણુઓ ઍમિનોઍસિડ-પક્વાશય અને મધ્યાંત્રમાંથી લોહીમાં પ્રવેશે છે. તેમનો આંત્રાંકુરમાંનો પ્રવેશ સક્રિય પરિવહન દ્વારા થાય છે અને આંત્રાંકુર કોષોમાંથી તે લોહીમાં સાદા પ્રસરણ વડે પ્રવેશે છે. ક્યારેક આંત્રાંકુરોમાં સક્રિય પરિવહનથી દ્વિપેપ્ટાઇડ અને ત્રિપેપ્ટાઇડના અણુઓ પણ પ્રવેશે છે, જેમનું આંત્રાંકુરકોષોમાં જલલયન (hydrolysis) થાય છે. જલલયનની પ્રક્રિયાથી તેમને ઍમિનોઍસિડમાં પરિવર્તિત કરાય છે, જે લોહી દ્વારા અનુક્રમે યકૃત અને હૃદયમાં થઈને સર્વાંગી રુધિરાભિસરણમાં પ્રવેશે છે.

પાચનક્રિયાને અંતે ચરબીનું મૉનોગ્લિસરાઇડ અને મેદામ્લોમાં રૂપાંતર થાય છે. 10 કે 12થી ઓછા કાર્બનવાળા મેદામ્લોને લઘુશૃંખલાવાન મેદામ્લો કહે છે. તે સાદા પ્રસરણ દ્વારા અવશોષિત થાય છે અને ત્યારબાદ ગ્લુકોઝ અને ઍમિનોઍસિડની માફક અનુક્રમે યકૃત અને હૃદયમાં થઈને સર્વાંગી રુધિરાભિસરણમાં પ્રવેશે છે. ગુરુશૃંખલાવાન મેદામ્લો તથા મૉનોગ્લિસરાઇડનું અવશોષણ અલગ રીતે થાય છે. તે બંને પિત્તના ક્ષારો સાથે મેદકંદુકિકાઓ બનાવે છે. તેનો વ્યાસ 25 આર્મસ્ટ્રૉંગ યુનિટ જેટલો હોય છે અને તેમાં પિત્તક્ષારોના 20થી 50 અણુઓ હોય છે. આવી મોટા કદની સંરચના હોવા છતાં તે આંતરડાના પ્રવાહીમાંના પાણીમાં ઓગળે છે. મેદકંદુકિકાઓના કેન્દ્રવિસ્તારમાંના મેદના અણુઓ પણ ઓગળેલા હોય છે. આવી મેદકંદુકિકાઓ જ્યારે આંત્રાંકુરના કોષોના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાંનું મેદદ્રવ્ય (મેદામ્લો અને મૉનોગ્લિસરાઇડ) કોષોમાં પ્રસરણની ક્રિયા દ્વારા પ્રવેશી જાય છે અને મેદકંદુકિકાઓ આંતરડાંના પોલાણમાં રહી જાય છે. મેદકંદુકિકાઓ તેમનું પરિવહનનું કાર્ય પુન: ચાલુ કરે છે અને મેદામ્લ તથા મૉનોગ્લિસરાઇડના બીજા અણુઓને આંત્રાંકુરો પાસે લાવે છે. આંત્રાંકુરના કોષોમાં મૉનોગ્લિસરાઇડની પાચનક્રિયા ચાલુ રહે છે અને તેમાંથી ગ્લિસરૉલ અને મેદામ્લના અણુઓ છૂટા પડે છે. આ પાચનક્રિયા અંત:કોષીય જાળ(endopasmic reticulum)માં થાય છે. ગ્લિસરૉલ અને મેદામ્લોના અણુઓ ફરીથી સંયોજાઈને ટ્રાઇગ્લિસરાલ્ડિહાઇડના અણુઓ બનાવે છે, જે ફૉસ્ફોલાઇપિડ અને કોલેસ્ટેરૉલના અણુઓ સાથે જોડાય છે. તેમની આસપાસ પ્રોટીનનું આવરણ બને છે.  આ નવા દ્રવ્યને પક્વમેદકંદુકો (chylomicrons) કહે છે અને તે પાણીમાં નિલંબિત સ્થિતિમાં (suspended) હોય છે. તેઓ લસિકાવાહિનીઓમાં પ્રવેશે છે અને વક્ષીય નળી (thoracic duct) દ્વારા ડાબી અવઅરીય શિરા(left subclavian vein)માં ઠલવાય છે. ત્યાંથી તે સર્વાંગી રુધિરાભિસરણમાં પ્રવેશે છે.

આંત્રાંકુરોમાંથી લોહીની નસો દ્વારા પરિવહન પામતાં પોષકદ્રવ્યો નિવાહિકા શિરા (portal vein) દ્વારા યકૃતમાં આવે છે અને ત્યાંથી તે હૃદયમાં થઈને સર્વાંગી રુધિરાભિસરણમાં પ્રવેશે છે. દા. ત., ગ્લુકોઝ, ઍમિનોઍસિડ વગેરે; જ્યારે આંત્રાંકુરમાંથી લસિકાવાહિની દ્વારા પરિવહન પામતાં તૈલી પોષકદ્રવ્યો વક્ષીય શિરા અને સર્વાંગી રુધિરાભિસરણમાં થઈને યકૃત ધમની દ્વારા યકૃતમાં આવે છે.

નાના આંતરડામાં રોજ 9 લિટર પાણી પ્રવેશે છે, જેમાં 7.5 લિટર વિવિધ સ્રાવનું હોય છે અને 1.5 લિટર આહારના રૂપે આવે છે. તેમાંથી 8થી 8.5 લિટરનું અવશોષણ થાય છે અને 0.5થી 1 લિટર મોટા આંતરડામાં પ્રવેશે છે. તેમાંનું મોટાભાગનું તેમાં અવશોષાઈ જાય છે. પાણીનું અવશોષણ આસૃતિની ક્રિયાથી થાય છે. સામાન્ય રીતે દર કલાકે 200થી 400 મિલિ. પાણી લોહીમાં પ્રવેશે છે. તેની સાથે ક્ષારો તથા પોષક-દ્રવ્યો પણ લોહીમાં પ્રવેશે છે. આંતરડાની દીવાલમાં પાણીનું પ્રસરણ બંને દિશામાં થઈ શકે છે. ખોરાકમાંના સોડિયમના ક્ષારો સાદા પ્રસરણ વડે અવશોષાય છે. તેનું અસક્રિય પરિવહન પણ શક્ય છે. ક્લોરાઇડ, આયોડાઇડ અને નાઇટ્રેટના આયનો અક્રિયપણે (passively) સોડિયમ સાથે પ્રવેશે છે. વિટામિન ડી અને પરાગલગ્રંથિના અંત:સ્રાવ-પૅરાથોર્મોનની મદદથી સક્રિય પરિવહન દ્વારા કૅલ્શિયમના આયનો પ્રવેશે છે. લોહ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ તથા ફૉસ્ફેટ માટે પણ સક્રિય પરિવહનની ક્રિયા જરૂરી બને છે. મેદકંદુકિકાઓની મદદથી થતા તૈલી દ્રવ્યોના અવશોષણ સાથે મેદદ્રાવ્ય વિટામિનો – એ, ડી, ઇ તથા કે – નું અવશોષણ થાય છે. મોટાભાગનાં જલદ્રાવ્ય વિટામિનો ‘બી’ જૂથ અને ‘સી’ના અવશોષણ અને પ્રસરણની ક્રિયા વડે થાય છે. વિટામિન બી-12 સાથે જોડાવા માટે જઠરમાં એક આંતરિક ઘટક (intrinsic factor) ઝરે છે, જેમનું સંયુક્ત સ્વરૂપ અંતાંત્ર સુધી આવે છે, જ્યાંથી વિટામિન બી-12 અવશોષિત થાય છે.

(9) મોટું આંતરડું (large intestine) : તેનું મુખ્ય કાર્ય અવશોષણની ક્રિયાને પૂર્ણ કરીને ન અવશોષાયેલા અવશેષને મળ રૂપે બહાર કાઢવાનું છે. તેમાંના જીવાણુઓ કેટલાંક વિટામિનોનું ઉત્પાદન પણ કરે છે. તે 1.5 મીટર લાંબું અને 2.5 સેમી. પહોળું છે. તે અંતાંત્રથી માંડીને ગુદાછિદ્ર (anus) સુધી લંબાયેલું છે. તે પેટની પાછલી દીવાલ સાથે સ્થિરાંત્રપટ (mesocolon) વડે જોડાયેલું છે. તેના 4 ભાગ છે : અંધાંત્ર (caecum), સ્થિરાંત્ર (colon), મળાશય (rectum) અને ગુદા (anal canal). નાના આંતરડાનો છેલ્લો ભાગ (અંતાંત્ર) જ્યાં મોટા આંતરડાના પહેલા ભાગ(અંધાંત્ર)માં ખૂલે છે ત્યાં શ્લેષ્મસ્તરની એક ગડી અંતાંત્ર-અંધાંત્ર કપાટ (ileocaecal valve) બનાવે છે. તે મોટા આંતરડામાંના દ્રવ્યને નાના આંતરડામાં પાછું જવા દેતો નથી. અંતાંત્ર-અંધાંત્રવાલ્વથી નીચેનો મોટા આંતરડાનો ભાગ એક બંધ કોથળી જેવો હોય છે અને તેને અંધાંત્ર કહે છે. તે 6 સેમી. લાંબું હોય છે. તેની સાથે એક વળ વળેલી પાતળી નળી જેવડું 8 સેમી. લાંબું આંત્રપુચ્છ (vermiformis appendix) જોડાયેલું હોય છે. આંત્રપુચ્છ અવયવી પરિતનકલાના આંત્રપુચ્છપટ્ટ (mesoappendix) નામના પડદા વડે અંતાંત્ર તથા પેટની પાછલી દીવાલ સાથે જોડાયેલું હોય છે.

આકૃતિ 8 : મોટું આંતરડું (સ્થિરાંત્ર) (1) આંત્રપુચ્છ, (2) અંધાંત્ર, (3) અંતાંત્ર, (4) આંત્રપુચ્છપટ, (5) સ્થિરાંત્રપટ, (6) આરોહી સ્થિરાંત્ર, (7) યકૃતીય (જમણો) સ્થિરાંત્રકોણ, (8) અનુપ્રસ્થ (આડું) સ્થિરાંત્ર, (9) બરોળીય (ડાબો) સ્થિરાંત્રકોણ, (10) અવરોહી સ્થિરાંત્ર, (11) સ્થિરાંત્ર સ્નાયુપટ્ટિકા, (12) ગોણિલ, (13) ડરૂપ સ્થિરાંત્ર, (14) મળાશય, (15) ગુદા, (16) ગુદાછિદ્ર, (17) અંતાંત્ર-અંધાંત્રીય વાલ્વ, (18) આંત્રપુચ્છનું મુખછિદ્ર.

અંધાંત્રના ઉપલા છેડે તેનું પોલાણ સ્થિરાંત્રના પોલાણ સાથે સળંગ છે. સ્થિરાંત્રના 3 ઉપવિભાગો છે : આરોહી સ્થિરાંત્ર (ascending colon), અનુપ્રસ્થ સ્થિરાંત્ર (transverse colon) અને અવરોહી સ્થિરાંત્ર (descending colon). આરોહી સ્થિરાંત્ર પેટના જમણા ભાગમાં અંધાંત્રથી શરૂ થઈને યકૃત સુધી ચઢે છે અને ત્યાંથી અનુપ્રસ્થ સ્થિરાંત્ર રૂપે ડાબી બાજુ વળે છે. આ વળાંકને જમણો સ્થિરાંત્રકોણ (right colonic flexure) અથવા યકૃતીય સ્થિરાંત્રકોણ (hepatic flexure) કહે છે. અનુપ્રસ્થ સ્થિરાંત્ર બરોળના નીચલા છેડે ફરીથી નીચે તરફ વળીને અવરોહી સ્થિરાંત્ર બને છે. આ ખૂણાને ડાબો સ્થિરાંત્રકોણ (left colonic flexure) કે બરોળીય સ્થિરાંત્રકોણ (splenic flexure) કહે છે. તેના નિતંબના હાડકા પાસેના ગુજરાતી ‘ડ’ અથવા અંગ્રેજી ‘s’ મૂળાક્ષર જેવા ભાગને ‘ડ’રૂપી સ્થિરાંત્ર (sigmoid colon) કહે છે. તે વાંકું વળીને મધ્યરેખા સુધી પહોંચે છે અને ત્રીજા ત્રિકાસ્થિ (third sacral) મણકા પાસે મળાશય સાથે સળંગ પોલાણની રીતે જોડાય છે.

મળાશય 20 સેમી. લાંબી નળી છે, જે ત્રિકાસ્થિ (sacrum) અને અનુત્રિકાસ્થિ (coccyx) નામના કરોડના નીચલા મણકાઓની આગળ આવેલું છે. તેના છેલ્લા 2 કે 3 સેમી. જેટલા ભાગને ગુદા (anal canal) કહે છે. ગુદાના શ્લેષ્મસ્તરમાં લંબાક્ષીય (longitudinal) ગડીઓ હોય છે તેને ગુદાસ્તંભો (anal columns) કહે છે. તેમાં ધમની અને શિરાઓનાં જાળાં હોય છે. આ નસો પહોળી થાય કે શોથ(inflammation)ને કારણે સૂજી જાય ત્યારે તે ઊપસી આવે છે. તેને ગુદમસા (anal piles) અથવા મસા (piles) કહે છે. તેમાં નસો મોટી થતી હોવાથી તેને વાહિની-મસા (haemorrhoids) પણ કહે છે. જો તે ગુદામાં રહે તો તેને પ્રથમ કક્ષાના મસા કહે છે. જો તે મળત્યાગ વખતે બહાર આવે તો તેને તેની બીજી કક્ષા કહે છે અને સતત ગુદા- છિદ્રની બહાર અપભ્રંશ (prolopsed) થયેલા મસાને ત્રીજી કક્ષાના મસા કહે છે. ગુદાના બહાર પડતા છિદ્રને ગુદાછિદ્ર (anus) કહે છે.

આકૃતિ 9 : ગુદાની સંરચના (1) મળાશય, (2) ગુદા, (3) આંતરિક ગુદા-દ્વારરક્ષક, (4) બાહ્યદ્વારરક્ષક (5) ગુદાસ્તંભો, (5) ગુદાછિદ્ર, (7) લોહીની નસો,

મોટા આંતરડાની રચના ઘણી રીતે નાના આંતરડાથી જુદી પડે છે. તેમાં આંત્રાંકુરો કે પરિવૃત્તીય ગડીઓ નથી. તેમાં સાદું સ્તંભાકારકોષોનું બનેલું અધિચ્છદ છે અને તેમાં શ્લેષ્મનું ઉત્પાદન કરતા અનેક કોષો છે. શ્લેષ્મસ્તરમાં છૂટીછવાઈ લસિકાભપેશીની ગંડિકાઓ છે. અવશ્લેષ્મસ્તર બધા જેવું છે, પણ સ્નાયુસ્તરમાંના લંબ-અક્ષીય સ્નાયુઓ આખા મોટા આંતરડામાં બધે નથી; પરંતુ તે 3 પટ્ટાના રૂપમાં હોય છે. તેને સ્થિરાંત્રપટ્ટ (taenia coli) કહે છે. દરેક પટ્ટો સ્થિરાંત્રની આખી લંબાઈમાં ફેલાયેલો હોય છે. તેમનાં સસજ્જ સંકોચનો(tonic contractions)ને કારણે મોટા આંતરડામાં જાણે સળંગ કોથળીઓ ગોઠવાયેલી હોય તેવું લાગે છે. તેને સ્થિરાંત્ર ગોણિલ (haustra) કહે છે. તેનું બહારનું સતરલ સ્તરનું આવરણ અવયવી પરિતનકલા બનાવે છે.

સામાન્ય રીતે અંતાંત્ર-અંધાંત્રવાલ્વ સહેજ ખુલ્લો હોય છે. તેને કારણે નાના આંતરડામાંનું પ્રવાહી થોડું થોડું અંધાંત્રમાં ઠલવાય છે. જ્યારે વ્યક્તિ ખોરાક લે ત્યારે જઠરમાંથી ઉદભવતી સંવેદનાઓ એક પ્રકારની જઠર-અંતાંત્રીય પરાવર્તી ક્રિયા(gastroilial reflex)ના રૂપે અંતાંત્ર અને અંધાંત્ર વચ્ચેના વાલ્વને ખોલે છે. વળી અંતાંત્રની લહરગતિ વધે છે તેથી અંતાંત્રમાંનું બધું જ પ્રવાહી મોટા આંતરડામાં ઠલવાઈ જાય છે. જઠરનો જઠરીન નામનો અંત:સ્રાવ પણ આ વાલ્વને શિથિલ કરીને ખોલવામાં મદદ કરે છે. જો અંધાંત્ર ભરાઈ જાય અને ફૂલે તો આ વાલ્વ બંધ થઈ જાય છે. અંધાંત્રમાં પ્રવાહી આવે એટલે સ્થિરાંત્રનું ચલન શરૂ થાય છે. અંધાંત્રમાં આવતું પ્રવાહી આરોહી સ્થિરાંત્રને પણ ભરે છે. નાના આંતરડામાંથી મોટા આંતરડામાં પ્રવાહીનું પ્રવેશવું એક સતત ક્રિયા હોવાથી ન પચેલા ખોરાકને મોટા આંતરડા સુધીનો સમયગાળો જઠરના રિક્તીકરણ-કાળ (gastric empting time) પર આધાર રાખે છે. મોટા આંતરડામાં 3 પ્રકારની ચલનક્રિયાઓ થાય છે : ગોણિલ-વલોવણ (haustral churning), સામાન્ય લહરગતિ અને મહાલહરગતિ (mass peristalsis). ગોણિલમાં થતું વલોવણ એ મોટા આંતરડાની વિશિષ્ટ ચલનક્રિયા છે. મોટા આંતરડાના ગોણિલમાં જ્યારે પ્રવાહી ભરાય ત્યારે ગોણિલ શિથિલ અને ફૂલેલા રહે છે. તેમના ફૂલવાની ક્ષમતા પૂરી થાય એટલે તેની દીવાલો સંકોચાય છે અને તે તેમનામાંનું દ્રવ્ય બીજા ગોણિલમાં ધકેલે છે. આ ઉપરાંત સામાન્ય લહરગતિના તરંગો પણ જોવા મળે છે, જેનો દર ધીમો છે – દર મિનિટે 3થી 12 જેટલો. અનુપ્રસ્થ સ્થિરાંત્રમાંથી એક બળવાન લહરગતિનો તરંગ ઊપડે તો મોટા આંતરડામાંનો બધો ન પચેલો પદાર્થ મળ રૂપે મળાશયમાં ધકેલાય છે. તેને મહાલહરગતિ કહે છે. જઠરમાં ખોરાક પ્રવેશે ત્યારે આ પ્રકારની મહાલહરગતિ ઉત્પન્ન થાય છે. દિવસમાં 3થી 4 વખત, ખોરાક લેતી વખતે કે તેના પછી તરત આવી મહાલહર ગતિ ઉદભવે છે.

મોટા આંતરડામાં પોતાના ઉત્સેચકની મદદથી કોઈ પાચન થતું નથી, પરંતુ તેમાંના જીવાણુઓ પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે, મોટા આંતરડાના શ્લેષ્મસ્તરની ગ્રંથિઓમાંથી શ્લેષ્મનો સ્રાવ ઝરે છે, પરંતુ તેમાં કોઈ ઉત્સેચકો હોતા નથી. મોટા આંતરડામાંના જીવાણુઓ પોતાના ઉત્સેચકોની મદદથી અર્ધપક્વરસમાંના કાર્બોદિત પદાર્થોમાં આથો (fermentation) લાવે છે અને તે દ્વારા હાઇડ્રોજન, અંગારવાયુ તથા મિથેનવાયુનું ઉત્પાદન કરે છે. તેને કારણે મોટા આંતરડામાં વાયુ ઉત્પન્ન થાય છે. તે પ્રોટીનમાંથી અનુક્રમે ઍમિનોઍસિડ અને તેમાંથી ઇન્ડૉલ, સ્કૅટોલ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને મેદામ્લો બનાવે છે. ઇન્ડૉલ અને સ્કેટૉલને કારણે એમની વિશિષ્ટ દુર્ગંધ પેદા થાય છે. થોડાક પ્રમાણમાં આ દ્રવ્યો લોહીમાં ભળીને યકૃતમાં જાય છે, જ્યાં તેમનું નિર્વિષીકરણ (detoxification) થાય છે અને આવા અલ્પવિષકારી પદાર્થો પેશાબ દ્વારા બહાર નીકળે છે. મોટા આંતરડામાંના જીવાણુઓ પિત્તવર્ણકમાંથી મળલક્ષી પિત્તવર્ણજ (sterobilirubin) બનાવે છે, જે મળને તેનો વિશિષ્ટ રંગ આપે છે. આ જીવાણુઓ વિટામિન ‘કે’ તથા વિટામિન ‘બી’ જૂથના કેટલાક ઘટકોનું ઉત્પાદન કરે છે જે લોહીમાં પ્રવેશે છે.

સામાન્ય રીતે મોટા આંતરડામાં અર્ધપક્વરસ 3થી 10 કલાક રહે છે. તેમાંનું પાણી અવશોષાય છે અને તેથી ઘન કે અર્ધઘન સ્વરૂપમાં આવે છે, જેને મળ (faeces) કહે છે. મળમાં પાણી, અસેન્દ્રિય ક્ષારો, અન્નમાર્ગના અધિચ્છદના ઊખડી ગયેલા કોષો, જીવાણુઓ, જીવાણુજન્ય દુર્યુક્ત દ્રવ્ય (decomposition products) અને ખોરાકનો ન પચેલો ભાગ હોય છે. મોટા આંતરડામાં પ્રવેશતાં 0.5થી 1 લિટર પાણીમાંથી 400થી 900 લિટર પાણી અવશોષાય છે. મોટાભાગનું અવશોષણ અંધાંત્ર અને આરોહી સ્થિરાંત્રમાં થાય છે. પાણી ઉપરાંત સોડિયમ અને ક્લોરાઇડવાળા ક્ષારો પણ અવશોષાય છે.

(10) મળત્યાગ : મહાલહરિગતિ મળને મળાશયમાં ધકેલે છે. તેને કારણે મળાશયની દીવાલમાં તણાવ ઉદભવે છે. તેના આવેગો મળત્યાગની પરાવર્તી ક્રિયાની શરૂઆત કરે છે. તેને પરિણામે મળાશયના લંબાક્ષીય સ્નાયુતંતુઓ સંકોચાય છે. આ સાથે વ્યક્તિ પોતે જાણીને પોતાના ઉરોદરપટલ તથા પેટની દીવાલના સ્નાયુઓને સંકોચે છે. તેના દ્વારા પેટમાં દબાણ વધે છે. તેને કારણે ગુદાછિદ્ર પાસેનો દ્વારરક્ષક ખૂલે છે અને મળ ગુદામાર્ગે બહાર આવે છે. જો આ ક્રિયાને અંતે મળત્યાગ ન થાય તો બીજી મહાલહરિગતિ આવે ત્યાં સુધી મળત્યાગ થતો નથી. મળત્યાગ કરવા માટે સવારે ચા કે પાણી પીવામાં આવે છે. ત્યારે જઠર-સ્થિરાંત્રીય પરાવર્તી ક્રિયા(gastrocolic reflex)ને કારણે મહાલહરિગતિ ઉત્પન્ન કરવાની ક્રિયા કરાય છે. નવજાત શિશુઓ અને કરોડરજ્જુમાં ઈજા થાય ત્યારે ગુદાદ્વારરક્ષક પરનું નિયંત્રણ હોતું નથી માટે દરેક મહા લહરગતિના તરંગ સાથે મળત્યાગ થાય છે. પુખ્તવયે ગુદાદ્વારરક્ષકને કારણે વ્યક્તિ તેના મળત્યાગના તરંગને અવરોધી શકે છે. ક્યારેક કરોડરજ્જુની ઈજામાં લહરગતિની પરાવર્તીક્રિયા બંધ થઈ જાય છે અને તેથી મળત્યાગ માટે જુલાબની જરૂર પડે છે.

(11) પાચનતંત્રના રોગો અને વિકારો : પાચનતંત્રમાં વિકાર ઉદભવે ત્યારે કેટલાક પ્રકારનાં લક્ષણો અને ચિહનો ઉદભવે છે; જેમ કે, અપચો (dyspepsia), હેડકી, કબજિયાત, પાતળા ઝાડા, ઊબકા અને ઊલટી, પેટમાં બળતરા કે દુખાવો, પેટમાં વાયુનો પ્રકોપ, મોં વાટે કે ગુદા વાટે રુધિરસ્રાવ (haemorrhage) વગેરે.

(11-અ) અપચો : પેટના ઉપલા ભાગમાં દુખાવો થાય, ભરાવો લાગે, વાયુનું દબાણ લાગે, જલદીથી પેટ ભરાઈ જાય, ઓડકાર આવ્યા કરે,  છાતીમાં બળતરા થાય, ખાટું પાણી ઉપર ચઢી આવે વગેરે. વિવિધ પ્રકારની તકલીફોને અપચો અથવા અર્જીણ કહે છે. તે થવાનાં ઘણાં કારણો હોય છે; જેમ કે, દવાને કારણે ઉદભવતી તકલીફ દા. ત., ઍસ્પિરિન, દુખાવો ઘટાડતી દવાઓ, ડિજૉક્સિન, થિયોફાયલિન, કેટલીક ઍન્ટિબાયૉટિક દવાઓ, કૉર્ટિકોસ્ટીરૉઇડ, દારૂ, કૅફીન વગેરે; પેટમાં ચાંદું; જઠરમાં એચ. પાયલોરી નામના જીવાણુનો ચેપ; સ્વાદુપિંડ તથા પિત્તમાર્ગના રોગો વગેરે. ક્યારેક મધુપ્રમેહ, ગલગ્રંથિ(thyroid gland)ના રોગો, હૃદયરોગ, પેટમાં ઉદભવેલું કૅન્સર કે સગર્ભાવસ્થા પણ અપચાની તકલીફ કરે છે. નિદાન માટે તેને પેટમાંનું ચાંદું કે અન્નનળીમાં પાછું પ્રવેશતું પ્રવાહી જેવા વિકારોથી અલગ પાડવું જરૂરી છે. ઘણી વખતે ધંધા કે લગ્ન સંબંધી સમસ્યાઓ,  મનોવિકારી ચિંતા, ખિન્નતા કે લૈંગિક સમસ્યાઓ પણ આ તકલીફ કરે છે. શારીરિક તપાસ કોઈ અન્ય રોગ નથી તેવું દર્શાવે છે. જરૂર લાગે ત્યારે અંત:દર્શક (endoscope) વડે જઠર અને અન્નનળીને તપાસવામાં આવે છે. અન્નનળી અને જઠરમાં નળી નાંખીને કરાતી આ પ્રકારની તપાસને અંત:નિરીક્ષા (endoscopy) કહે છે. તેને જઠરનિરીક્ષા (gastroscopy) પણ કહે છે. હાલ સારવાર રૂપે ઍસિડને તટસ્થ કરતી પ્રત્યામ્લો (antacid) નામની દવાઓ, હિસ્ટામિન-2 નામના સ્વીકારકનું કાર્ય બંધ કરતી દવાઓ તથા એચ. પાયલોરીના ચેપની સારવાર રૂપે એમૉક્સિસિલિન અને મેટ્રૉનિડેઝોલ અપાય છે. દર્દીમાં અપચાનાં લક્ષણો પ્રેરતી દવા ન લેવાનું સૂચવાય છે.

(11-આ) ઊબકા અને ઊલટી : ઊબકા એક અતિતીવ્ર પણ અસ્પષ્ટ અણગમતી સંવેદના છે, જેમાં વ્યક્તિને પેટમાંથી ઉછાળા મારતા હોય તેવી તકલીફ થાય છે. ક્યારેક તેના પછી ઊલટી (વમન) થાય છે. ઊલટીમાં પેટના સ્નાયુઓ સંકોચાય છે. જઠર અને અન્નનળી વચ્ચેનો દ્વારરક્ષક ખૂલી જાય છે અને જઠરમાંનું પ્રવાહી અને દ્રવ્ય મોં વાટે બહાર નીકળી આવે છે. પેટમાંનું ખાટું પ્રવાહી કોઈ ખાસ પ્રકારની પ્રક્રિયા વગર અન્નનળી કે ગળામાં ચઢી આવે તેને વિપરીતમાર્ગી વહન (regurgitation) કહે છે. તે અને ઊલટી અલગ અલગ પ્રક્રિયાઓ છે. ઊલટીની પ્રક્રિયાનું નિયમન કરતું એક ચેતાકેન્દ્ર લંબમજ્જા આવેલું છે અને તે શ્વસનકેન્દ્ર તથા વાહિનીચાલક કેન્દ્ર (vasomotor centre) સાથે સુસંગત રહીને કાર્ય કરે છે. તેના ચેતાતંતુઓ બહુવિસ્તારી ચેતા (vagus nerve) દ્વારા જઠર સુધી પહોંચે છે. જઠર, પિત્તમાર્ગ, આંતરડાં, પરિતનકલા(peritoneum)ના ચેપ કે અન્ય ક્ષોભન(irritation)માં શરીરની સમતુલા જાળવતા અંત:કર્ણના વિસ્તારમાં કે કેન્દ્રીય ચેતાતંત્રમાં વિકાર ઉદભવે ત્યારે તેમજ કોઈ દવા કે ઝેરને કારણે લંબમજ્જામાંનું વમનકેન્દ્ર (vomiting centre) ઉત્તેજિત થાય ત્યારે ઊલટી થાય છે. વધુ પડતી ઊલટી શરીરમાંથી પાણી ઘટાડે છે, પોટૅશિયમનું પ્રમાણ ઘટાડે છે. ક્યારેક પ્રવાહી ફેફસાંમાં પ્રવેશે તો ન્યુમોનિયા કરે છે તથા ક્યારેક જો અતિશય જોરથી ઊલટી થાય તો અન્નનળી અને જઠરના જોડાણ પાસે શ્લેષ્મકલામાં ચીરા પડે છે અને તો લોહીની ઊલટી થાય છે. તેને મેલોરિ-વિસનું સંલક્ષણ કહે છે. સારવાર રૂપે મૂળ કારણને દૂર કરવામાં આવે છે. ઊલટી થતી અટકાવતી દવાઓને પ્રતિવમન-ઔષધો (antiemetic drugs) કહે છે, જેના વિવિધ પ્રકારો છે. તેમાં પ્રોક્લોરપરેઝિન, પ્રોમિથેઝિન, મેટોક્લોપ્રેમાઇડ, સ્કોપોલેમિન તથા એન્ડેસેટ્રોન અને ગ્રેનિસેટ્રોન મુખ્ય છે. તે ઉપરાંત ડાયાઝેપામ જેવી મનને શાંત કરતી દવાઓ, કૉર્ટિકોસ્ટીરૉઇડ અને મૅરિજુઆના પણ ઊલટી મટાડે છે. કૅન્સરની દવાઓથી થતી ઊલટી માટે હાલ આમાંની ઘણી દવાઓ ઉપયોગી નીવડે છે.

(11-ઇ) હેડકી : સામાન્ય રીતે તે એક સામાન્ય અગવડ ઊભી કરતી સંવેદના છે જે ઝડપથી શમે છે, પરંતુ ક્યારેક તે લાંબી ચાલે છે. તે સમયે કદાચ કોઈ મહત્વના રોગનું લક્ષણ પણ હોઈ શકે. સામાન્ય અને જોખમરહિત હેડકીનાં કારણોમાં વાયુને કારણે જઠરનું ફૂલવું, મદ્યપાન અને ઉશ્કેરાટ, તણાવ કે અતિહાસ્યજન્ય લાગણીઓવાળી સ્થિતિ ગણાય છે. વધુ પડતું ખવાઈ જાય ત્યારે, વાયુવાળાં પીણાં લેવાયાં હોય ત્યારે કે ઘણી હવા ગળી જવામાં આવી હોય ત્યારે જઠરમાં વાયુ ભરાય છે અને તે ફૂલે છે. અતિશય ગરમ કે ઠંડું પાણી કે પીણું લીધું હોય અથવા ઠંડા પાણીના ફુવારામાં નાહ્યા હોય ત્યારે તાપમાનનો ફરક પણ હેડકી આણે છે. લાંબા સમયની કે વારંવાર થતી હેડકીનાં 100થી વધુ કારણો છે, જેમને મુખ્યત્વે 5 જૂથમાં વિભાજિત કરેલાં છે : (1) કેન્દ્રીય ચેતાતંત્રમાં ગાંઠ, ચેપ, ઈજા કે રુધિરાભિસરણમાં વિકાર; (2) મૂત્રપિંડી નિષ્ફળતાથી થતી મૂત્રવિષતા (uraemia), લોહીમાં અંગારવાયુનું ઘટી જવું અને અન્ય પ્રકારના વીજભારિત આયનો(electrolytes)ના વિકારો જેવા વિવિધ ચયાપચયના વિકારો; (3) બહુવિસ્તારી ચેતાનું ઉત્તેજન; (4) શસ્ત્રક્રિયા માટે બેભાન કરવાની ક્રિયા કે શસ્ત્રક્રિયા પછીની સ્થિતિ અને (5) માનસિક તથા અજ્ઞાતમૂલ (ideopathic) કે જેમાં કોઈ નિશ્ચિત કારણની ખબર ન હોય. કાનમાં બાહ્ય પદાર્થ, મોં-ગળામાં ગાંઠ, ન્યુમોનિયા, ફેફસાંમાં ગાંઠ, હૃદયરોગનો હુમલો, હૃદયના આવરણમાં થતો પરિહૃદ્શોથ (pericardities) નામનો ચેપજન્ય વિકાર, અન્નનળીમાં અટકાવ, ઉરોદરપટલ નીચે ગૂમડું, યકૃતનું મોટું થવું, યકૃતમાં કોઈ પણ કારણે સોજો આવવો, પિત્તાશયશોથ (cholecystitis), જઠરનું ફૂલવું, જઠરમાં ગાંઠ, સ્વાદુપિંડશોથ (pancreatitis), સ્વાદુપિંડમાં ગાંઠ વગેરે વિવિધ વિકારોમાં બહુવિસ્તારી ચેતાની ઉત્તેજના થાય છે અને હેડકી આવે છે. સાદી હેડકીની સારવાર રૂપે જીભને બહાર ખેંચવી, મૃદુ તાળવાને ચમચાથી ઉપર ધકેલવું, નાકની પાછળના ગળામાં રબરની નળી નાંખવી કે 1 ચમચી ખાંડ ચાવી જવી વગેરે સરળ તરકીબો અજમાવાય છે. શ્વાસ રોકવો, છીંકવું કે કોઈ કોથળીમાં જ શ્વાસોચ્છવાસ કરવાથી પણ હેડકી શમે છે. ક્યારેક આંખના ગોળાની ઉપર કે નિષ્ણાત દ્વારા ગળામાં આવેલી શીર્ષલક્ષી (carotid) ધમની પર ચોળવામાં (massage) આવે છે. ઢીંચણને વાળીને પેટમાં દબાવવા કે કૃત્રિમ શ્વસન વખતે સતત અતિદાબ શ્વસન કરાવવાથી પણ હેડકી શમે છે. પેટમાંના વાયુને નળી દ્વારા કે દવા વડે કાઢી નાંખવાથી પણ ફાયદો થાય છે. દવા રૂપે ક્લોરપ્રોમેઝિન તથા ફેનિટોઇન કે કાર્બોમેઝેપિન જેવી આંચકીરોધી દવાઓ અપાય છે. અન્ય દવાઓમાં મેટોક્લોપ્રેમાઇડ કે બેક્લોફેન વપરાય છે. હેડકીનું એક કારણ વાયુપ્રકોપ છે તેથી પ્રત્યામ્લો, રેનિટિડિન તથા મેટોક્લોપ્રેમાઇડ વડે સારવાર કરવામાં આવે છે. ક્યારેક દર્દીને મોઢા વાટે કશું અપાતું નથી અને નસ વાટે પ્રવાહી અપાય છે. ઍન્ટિબાયૉટિક વડે એચ. પાયલોરીનો ચેપ મટાડાય છે. હેડકીના કારણરૂપ કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર કરાય છે.

(11-ઈ) કબજિયાત : તે ઘણી વ્યાપક તકલીફ છે. તેમાં કઠણ કે થોડો મળ થવો કે મળની હાજત ન થવી તે બંને ગણી લેવામાં આવે છે. વ્યક્તિ વ્યક્તિ અને સમાજ સમાજ વચ્ચે કબજિયાત અને સામાન્ય મળત્યાગ(defaecation)ની હાજત અંગેનાં મંતવ્યોમાં ઘણો તફાવત હોય છે. તેથી દર્દીની કબજિયાત અંગેની શું વ્યાખ્યા છે તે સમજવું જરૂરી બને છે. કબજિયાતનાં મુખ્ય કારણોમાં ખોરાકમાં રેસાનું ઓછું પ્રમાણ અને મળત્યાગની અયોગ્ય ટેવ ગણવામાં આવે છે. ખોરાકમાં રોજ 10થી 12 ગ્રામ રેસા હોવા જોઈએ. તે શાકભાજી તથા ધાન્યના આખા દાણામાંથી મળે છે. વળી વ્યક્તિએ ખાતી વખતે 1થી 2 પ્યાલા પ્રવાહી લેવું જોઈએ. વળી વ્યક્તિને તેની હાજતની સંવેદના થાય ત્યારે તરત તે માટે જવાની ટેવ પાડવી પણ જરૂરી ગણાય છે. વૃદ્ધ, બીમાર, પથારીવશ અને અશક્ત વ્યક્તિમાં કબજિયાત વધુ જોવા મળે છે. કબજિયાતનાં અન્ય મહત્વનાં કારણોમાં મોટા આંતરડાના રોગો, મધુપ્રમેહ, અલ્પગલગંડિતા (hypothyroidism), અલ્પ પરાગલગંડિતા (hypoparathyroidism), મૂત્રવિષતા, બંને પગે પક્ષઘાત (લકવો), પાર્કિન્સનનો રોગ, પેટના નીચલા ભાગની શસ્ત્રક્રિયા, નશાકારક દવાઓનું સેવન, મૂત્રવર્ધક, ચૂંકરોધી કે દુખાવો ઘટાડતી દવાઓનો ઉપયોગ વગેરેનો પણ સમાવેશ થાય છે.

(11-ઉ) પાતળા ઝાડા (અતિસાર, diarrhoea) : પાતળા ઝાડા 2 પ્રકારના હોય છે : ઉગ્ર અને દીર્ઘકાલીન. વારંવાર થતા ઝાડામાં લોહી પડે અને તે આંતરડામાં લાગેલા ચેપને કારણે હોય તો તેને દુરાંત્રતા અથવા મરડો (dysentry) કહે છે.

પાતળા ઝાડા થાય ત્યારે દર્દીને વારંવાર મળની હાજત થાય છે. પાતળો મળ ઊતરે  છે અને પેટમાં આંતરડાંનું ચલન વધવાને કારણે ચૂંક આવે છે તથા ગુડગુડાટ થાય છે. દર્દીને હાજતની ઉતાવળ થઈ આવે છે. સામાન્ય રીતે દરરોજ નાના આંતરડાના પ્રથમ ભાગરૂપ એવા પક્વાશયમાં 10 લિટર પ્રવાહી પ્રવેશે છે; જેમાંનું ફક્ત 100 મિલિ. જેટલું પ્રવાહી મળમાં જાય છે. તબીબીવિદ્યાની દૃષ્ટિએ દિવસનો 250 ગ્રામથી વધુ મળ ઉત્પન્ન થાય તો તે ઝાડા થયા છે એવું સૂચવે છે.

ઉગ્ર અતિસાર અથવા ટૂંકા સમયના ઝાડાનાં કારણોને 2 જૂથમાં વહેંચાય છે : શોથજન્ય (inflammatory) અને અશોથજન્ય (noninflammatory). પેશીમાં ચેપ, ઈજા કે કોઈ અન્ય કારણે દુખાવો, સોજો, લોહીનો ભરાવો અને લાલાશ ઉદભવે તો તે વિકારને શોથ કહે છે. આંતરડામાં શોથને કારણે થતા ઉગ્ર અતિસારનું મુખ્ય કારણ ચેપ હોય છે. વિષાણુજન્ય (દા. ત., સાયટોમેગેલો વિષાણુ), પરોપજીવીજન્ય (દા. ત., અમીબાજન્ય ઝાડા) અને જીવાણુજન્ય (bacterial). જીવાણુ કોષવિષ (cytotoxin) ઉત્પન્ન કરીને કે આંતરડાની દીવાલમાં શોથકારી ચેપ સર્જીને ઝાડા કરે છે. ઈ. કોલી કે કેલૉસ્ટ્રિડિયમ ડિફિસાઇલ જેવા જીવાણુ વિષ ઉત્પન્ન કરીને ઝાડા કરે છે. શિગેલા, સાલ્મોનેલા વગેરે અનેક જીવાણુઓ આંતરડાંની દીવાલમાં ચેપ કરે છે, ચાંદાં પાડે છે અને લોહીવાળા ઝાડા કરે છે. તેને જીવાણુજન્ય દુરાંત્રતા (bacterial dysentery) કહે છે. અમીબા પણ ક્યારેક દુરાંત્રતા કરે છે. જીવાણુજન્ય દુરાંત્રતા(મરડો)માં ફક્ત લોહી અને પરુ જ હાજત રૂપે બહાર આવે છે. જ્યારે અમીબાજન્ય દુરાંત્રતા(મરડો)માં લોહી, પરુ સાથે મળ પણ હોય છે. એઇડ્ઝના રોગના દર્દીમાં સાયટોમેગોલો વિષાણુ આંતરડાંમાં ચાંદાં પાડીને લોહીવાળા ઝાડા અથવા વિષાણુજન્ય દુરાંત્રતા સર્જે છે. વધુ માત્રામાં કે વધુ વ્યાપ્તક્રિયાકારી (broad spectrum) ઍન્ટિબાયૉટિકના ઉપયોગથી આંતરડાંમાંના સહાયક જીવાણુઓ નાશ પામે છે અને ક્લૉસ્ટ્રિડિયમ ડિફિસાઇલ જેવા ઝેરી જીવાણુઓની સંખ્યા વધે છે. તેને કારણે ક્યારેક જીવલેણ ઝાડા થાય છે. આંત્રજ્વર (typhoid fever) એક પ્રકારનો આંતરડાંનો સાલ્મોનેલા પ્રકારના જીવાણુથી થતો ચેપી રોગ છે, જેમાં પણ પાતળા અને ઉગ્ર પ્રકારના ઝાડા થાય છે.

કેટલાક વિષાણુઓ, પરોપજીવીઓ અને જીવાણુ આંતરડાંમાં શોથજન્ય વિકાર કરતા નથી. તેઓ અશોથજન્ય ઝાડા કરે છે. રોટાવાઇરસ, જિયાર્ડિયા લેમ્બિયા, ક્રિપ્ટોસ્પોરિડિયમ, સ્ટૅફયલોકૉકસ ઑરિયસ તથા કૉલેરા કરતા જીવાણુ આ પ્રકારનો વિકાર સર્જે છે.

લગભગ 90 % ઉગ્ર ઝાડાના દર્દીઓમાં વિકાર 5 દિવસમાં શમે છે અને તે માટે સામાન્ય ઝાડા રોકતી દવાઓ અને પુષ્કળ પ્રવાહી જરૂરી બને  છે; તેથી ઝાડાના કારણરૂપ સૂક્ષ્મજીવને ઓળખવા માટેની તપાસ બિનજરૂરી ખર્ચ ગણવામાં આવે છે. વળી ફક્ત 3 % કિસ્સામાં જ મળમાંથી વ્યાધિકારક જીવાણુ ઉછેરી શકાય છે. શોથજન્ય ઝાડાના વિકારમાં 38.50 સે. કે વધુ તાવ હોય, લોહીવાળા ઝાડા હોય, પેટમાં સતત દુખાવો હોય અને 4થી 5 દિવસમાં તે શમતા ન હોય તો તે તબીબી સારવારની જરૂરિયાત સૂચવે છે. પુષ્કળ તરસ લાગે, મોં અને ચામડી સુક્કાં થઈ જાય, પેશાબ ઘટે અથવા બંધ થઈ જાય, અતિશય અશક્તિ આવી જાય, દર્દીની માનસિક સ્થિતિ નબળી પડે, પેટમાં સ્પર્શથી અતિશય દુખાવો થાય વગેરે અનેક લક્ષણો પણ તાત્કાલિક તબીબી ઉપચારની જરૂરિયાત સૂચવે છે. ઉગ્ર ઝાડાની સારવારમાં પોષણની જાળવણી, ક્ષાર, પાણી અને શર્કરાવાળો ખોરાક તથા જરૂર પડ્યે નસ વાટે કે મોં વાટે ક્ષાર-પાણીની સારવાર અપાય છે. ઝાડા રોકવા માટે અફીણજૂથ(opioid)ની લોપેરામાઇડ કે બિસ્મથ સબસેલિસિલેટ અપાય છે. ઉગ્ર ઝાડાના વિકારમાં ચૂંકરોધી દવાઓ ન આપવાનું સૂચવાય છે. ઍન્ટિબાયૉટિક રૂપે સિપ્રોફલૉક્સાસિન કે કોટ્રાઇમેક્ઝોલ અપાય છે. ક્યારેક ચોક્કસ અસરકારક ઍન્ટિબાયૉટિક શોધીને આપવી પડે છે.

લાંબા સમયના અથા દીર્ઘકાલીન અતિસારનાં કારણોને 6 જૂથમાં વહેંચવામાં આવે છે (જુઓ સારણી 2) :

સારણી 2 : દીર્ઘકાલીન અતિસાર(ઝાડા)નાં મુખ્ય કારણો

જૂથ             ઉદાહરણ
1. આસૃતિજન્ય (osmotic) ઝાડા પ્રત્યામ્લ ઔષધ (antacid), ર્લેાચ્યુલોઝ, સોર્બિટોલ, દૂધની શર્કરાને પચવતા લૅક્ઝેઝ નામના ઉત્સેચકની ઊણપ, મૅગ્નેશિયમવાળા જુલાબ
2. સ્રાવજન્ય (secretory) ઝાડા અંત:સ્રાવ ઉત્પન્ન કરતી ગાંઠ, ફિનાફ્થેલીન કે સેનાનો જુલાબ, પિત્તક્ષારોનું અવશોષણ, કેટલાંક ઔષધો
3. શોથજન્ય (inflammatory) ઝાડા મોટા આંતરડામાં ચાંદાં પાડતા વિવિધ રોગો; દા. ત., વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis), ક્રોહનનો રોગ, મોટા આંતરડામાં કૅન્સર, વિકિરણજન્ય (radiation induced) ઝાડા
4. અવશોષણ (malabsorption)

જન્ય ઝાડા

સંગ્રહણી, વ્હિપલનો રોગ, ક્રોહનનો રોગ, લિમ્ફોમા, કાપોસિનું સાર્કોમા, સાર્કોઇડોસિસ, સ્વાદુપિંડના રોગો, મધુપ્રમેહ, સ્કલેરોડર્મા તથા નાના આંતરડાના વિવિધ રોગો
5. સંચલન (motility)-જન્ય ઝાડા જઠરનો થોડો ભાગ કાપીને કાઢી નાંખ્યા પછી, બહુવિસ્તારી ચેતા (vagus nerve) કાપ્યા પછી, સ્ક્લેરોડર્મા, મધુપ્રમેહ, અતિગલગ્રંથિતા (hyper thyroidism), અતિસંવેદી આંત્રસંલક્ષણ (irritable bowel syndrome)
6. દીર્ઘકાલીન ચેપ જિયાર્ડિયા લેમ્બ્લિયા, ન્ટામિબા હિસ્ટોલિટિકાનો ચેપ અથવા ઍઇડ્ઝ-સંલગ્ન ચેપ; જેવા કે, સાયટોમેગેલો વિષાણુ, ક્ષય, કેટલાક પરોપજીવીઓ

લાંબા સમય સુધી ચાલતા કે વારંવાર થઈ આવતા ઝાડાના વિકારમાં અમીબાજન્ય રોગ, ક્ષય, અપશોષણ(malabsorption)નાં સંલક્ષણો મુખ્ય છે; પરંતુ તેમનું નિદાન ક્યારેક એકદમ સરળ પણ રહેતું નથી. સારવાર માટે મૂળ કારણરૂપ રોગ કે વિકારનું નિદાન જરૂરી બને છે.

(11-ઊ) જઠરાંત્રમાર્ગી રુધિરસ્રાવ (gastrointestinal haemorrhage) : હૉસ્પિટલમાં દાખલ થતા ઘણા દર્દીઓના દાખલ થવાનાં મુખ્ય કારણોમાં મોં કે ગુદા દ્વારા લોહી પડે તેવો વિકાર હોય છે. મોઢા વાટે લોહી પડે ત્યારે તેનું કોઈક કારણ પક્વાશયમાં 41 %, જઠરમાં 35 % અને અન્નનળીમાં 24 % હોય છે. પક્વાશય અને જઠરમાં ચાંદી પડી હોય તેવા 46 % દર્દીઓ હોય છે. ગુદા વાટે લોહી પડવામાં મોટા આંતરડાના વિવિધ રોગો ભાગ ભજવે છે. લગભગ 10 % કિસ્સામાં જઠર કે પક્વાશયમાંનો રુધિરસ્રાવ પણ ગુદા વાટે લોહી વહેવાનો વિકાર કરે છે. લોહી પડે ત્યારે તે કેટલું વહી ગયું છે તેનું નિદાન કરીને સૌપ્રથમ દર્દીની નાડી, લોહીનું દબાણ તથા અન્ય મહત્વની ક્રિયાઓ સ્થિર થાય માટે નસ વાટે લોહી કે/અને પ્રવાહી અપાય છે. ત્યારબાદ તેના કારણનું નિદાન કરીને સારવાર અપાય છે. મોં કે ગુદા વાટે લોહી પડે ત્યારે કરાતી વિવિધ પ્રકારની તપાસોમાં અંત:નિરીક્ષા (endoscopy) એક મહત્વની તપાસપદ્ધતિ ગણાય છે. જરૂર પડ્યે બેરિયમશ્રેણીનાં એક્સ-રે-ચિત્રણો, વાહિનીકરણ (angiography) કે વિકિરણચિત્રણ(isotope imaging)ની તપાસ પણ કરવામાં આવે છે. અન્નનળી, જઠર કે પક્વાશયમાં વહેલું લોહી જ્યારે આંતરડાંમાંથી પસાર થાય ત્યારે તેનું અમુક અંશે પાચન થાય છે. તે મળને કાળા રંગનો કરે છે. મળમાં સ્પષ્ટપણે લાલ રંગનું લોહી દેખાતું નથી, માટે આવા મળમાંના લોહીને અકળ રુધિરી મળ (occult blood in stool) કહે છે. જો ગુદા વાટે લોહી પડતું જોઈ શકાય તો તેને રુધિરી મળત્યાગ (haematochezia) કહે છે. લોહીની ઊલટીને રુધિરવમન (haemetemesis) કહે છે. જઠર અને પક્વાશયમાંથી ઊલટી રૂપે આવતું લોહી અમુક અંશે કાળું (કૉફી રંગનું) બને છે. શ્વાસના માર્ગમાંથી આવતું લોહી હંમેશાં લાલ હોય છે. તેને રુધિરોત્સાર (haemoptysis) કહે છે. મોંથી જો લાલ લોહી પડે તો તે સામાન્ય રુધિરોત્સાર હોય છે. તેમાં અન્નનળીમાંથી આવતું લોહી હોય છે અને જો તે કૉફી રંગનું હોય તો તે જઠર કે પક્વાશયના વિકારમાં થતો રુધિરવમનનો વિકાર છે એમ મનાય છે. સારવારમાં ચિકિત્સાલક્ષી અંત:નિરીક્ષા (therapeutic endoscopy), શસ્ત્રક્રિયા તથા દવાઓનો ઉપયોગ કરાય છે. એક અભ્યાસમાં લોહની ઊણપથી થતી પાંડુતા(anaemia)ના 63 % દર્દીઓમાં મોટા આંતરડાના (26 %) વિકાર, પક્વાશયમાં વ્રણ (11 %) તથા જઠરાંત્રમાર્ગના અન્ય અવયવોમાં કોઈ વિકાર જોવા મળ્યા હતા. આમ દેખીતી રીતે થતો રુધિરસ્રાવ જેટલો મહત્વનો છે તેટલો જ આવો અકળ (occult) રુધિરસ્રાવ પણ મહત્વનો ગણાય છે.

(12) જઠરાંત્રમાર્ગના વિકારોનું નિદાન : તેમાં કમ્પ્યૂટર-સંલગ્ન અક્ષીય આડછેદી ચિત્રણ (computerized axial tomography – CAT scan), અશ્રાવ્ય-ધ્વનિચિત્રણ (ultrasonography), બેરિયમ-શ્રેણીચિત્રણ (barium series), વિવિધ પ્રકારની અંત:નિરીક્ષા, અંત:નિરીક્ષિત વિપરીતમાર્ગી પિત્તનળી-સ્વાદુપિંડ-ચિત્રણ (endoscopic retrograde cholangiopancreatography, ERCP), પારત્વકીય પારયકૃતીય પિત્તનળી-ચિત્રણ (percutaneous transhepatic cholangiography, PTC), વિકિરણચિત્રણ, ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI) વગેરેનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે બેરિયમશ્રેણીની મદદથી નાના આંતરડાના નાના રોગવિસ્તારો દર્શાવી શકાતા નથી. તે માટે મોં વાટે એક નળીને મધ્યાંત્રના પ્રથમ ગૂંચળા સુધી લઈ જવાય છે; જેમાંથી બેરિયમનું પ્રવાહી અપાય છે. તેની સાથે ધકેલાતી હવા બેવડો વ્યતિભેદ (contrast) કરે છે. આ પ્રક્રિયાને લઘુઆંત્રીય બસ્તી (small bowel enema) કહે છે.

(12-અ) અંત:નિરીક્ષા (endoscopy) : પ્રકાશવાહી તંતુઓ-(optical fibres)વાળી પોલી નળીના બહારના છેડેથી પ્રકાશ નાંખીને શરીરના પોલાણમાં જોવાની (નિરીક્ષણ કરવાની) તથા જોઈને કોઈ ક્રિયા કરવાની પદ્ધતિને અંત:નિરીક્ષા કહે છે. તેને માટે વપરાતા સાધનને અંત:દર્શક (endoscope) કહે છે. જઠરાંત્રમાર્ગમાં મોં વાટે અથવા ગુદા વાટે અંત:દર્શક નાંખીને તપાસ કરી શકાય છે. મોં વાટે નંખાતા અન્નમાર્ગી અંત:દર્શકને જઠરાંત:દર્શક (gastroscope) કહે છે. ગુદામાર્ગે ફકત તપાસ કરવી હોય તો ગુદાદર્શક (proctoscope), ફક્ત ડ રૂપ સ્થિરાંત્ર(sigmoid colon)ની તપાસ કરવી હોય તો ડ-રૂપાંત્રદર્શક (sigmoidoscope) અને આખા મોટા આંતરડાની તપાસ કરવી હોય તો સ્થિરાંત્રદર્શક (colonoscope) વપરાય છે. તે માટેની પદ્ધતિઓને અનુક્રમે ગુદાનિરીક્ષા (proctoscopy), ડ-રૂપાંત્રનિરીક્ષા (sigmoidoscopy) તથા સ્થિરાંત્રનિરીક્ષા (colonoscopy) કહે છે. વિવિધ પ્રકારની અંત:નિરીક્ષા મુખ્ય 3 સ્થિતિઓમાં કરવામાં આવે છે. (અ) સારવારનું પરિણામ યોગ્ય ન હોય અથવા તેમાં ફેરફાર કરવાનો હેતુ હોય, (આ) કૅન્સર સિવાયના કોઈ રોગનાં લક્ષણોને આધારે કરાતી સારવાર સફળ ન થઈ હોય, અથવા (ઇ) ક્યારેક એક્સ-રે-ચિત્રણને સ્થાને અંત:નિરીક્ષા વડે જ પ્રારંભિક નિદાન કરવાનું નક્કી થયેલું હોય. તે સમયે તેનાથી જોખમ ઉદભવતું હોય, અવયવમાં કાણું પડ્યું હોય અથવા તેવી શંકા હોય તથા દર્દીનો સહકાર ન હોય તો અંત:નિરીક્ષા કરાતી નથી. આ ઉપરાંત અરુચિ થઈ હોય, વજન ઘટ્યું હોય અને જઠરના કૅન્સરની શંકા હોય, દર્દી ખોરાક ગળી ન શકતો હોય અથવા તે સમયે તેને દુખાવો થતો હોય, કારણ વગર સતત ઊલટી થતી હોય, છાતીમાં બળતરા થયા કરતી હોય, જઠરાંત્રમાર્ગમાંથી મોં કે ગુદા વાટે લોહી પડતું હોય, કુટુંબમાં સ્થિરાંત્ર સ્તંભ-મસાનો વિકાર (familial colonic polisposis) હોય તથા એક્સ-રે વડે જઠર કે પક્વાશયમાં ચાંદું પડ્યાનું, અવરોધ થયાનું કે કૅન્સર થયાનું નિદાન સૂચવાયું હોય તો અંત:નિરીક્ષા કરવી જરૂરી ગણાય છે. મોં વાટે કરાતી જઠરાંત:નિરીક્ષાનો સારવારલક્ષી ઉપયોગ પણ છે. પહોળી થયેલી નસો, ચાંદા કે ગાંઠમાંથી લોહી વહેતું હોય તો તેને અટકાવવા માટે અંત:દર્શક દ્વારા વીજગુલ્મન (electrocoagulation) કે પ્રકાશગુલ્મન (laser photocoagulation) જેવી પદ્ધતિ દ્વારા લોહી વહેતું હોય તે જગ્યાએ પેશીનો ગઠ્ઠો કરાય છે અથવા જરૂર પડ્યે ત્યાં કઠિનતંતુકારી (sclerozing) દવાનું ઇન્જેક્શન અપાય છે. અન્નનળી કે જઠરમાં કોઈ બાહ્ય પદાર્થ આવી ગયો હોય તો તેને દૂર કરી શકાય છે. ક્યારેક સ્તંભ-મસા જેવી ગાંઠ હોય તો તેને દૂર કરી શકાય છે. જઠર કે મધ્યાંત્રમાં પોષણદાયી નળી (feeding tube) મૂકવા માટે પણ અંત:દર્શકની મદદ લઈ શકાય છે. અન્નનળીનો જે ભાગ સાંકડો થયો હોય તેને પહોળો કરવા માટે ફુગ્ગારૂપી વિસ્ફારકો (baloon dilators) વપરાય છે. કૅન્સરના દર્દીમાં અવરોધને પસાર કરી જતી પસારનળી (stent) વપરાય છે; જેથી અન્નનળીના કૅન્સરનો દર્દી જો ખોરાક ગળી ન શકતો હોય તો તે આ નળી દ્વારા ગળી શકે છે.

સ્થિરાંત્રનિરીક્ષાની જરૂરિયાત માટેની પરિસ્થિતિઓ પણ સ્પષ્ટપણે નિશ્ચિત કરેલી છે. બેરિયમશ્રેણીનાં ચિત્રણોમાં ગાંઠ, અવરોધ કે સંકીર્ણન (stricture) જોવા મળે, ગુદા વાટે રુધિરસ્રાવ થાય, અકળ રુધિરી મળ હોય કે શ્યામ મળ (malaena) થાય, લોહની ઊણપવાળી પાંડુતાનું કારણ નિશ્ચિત ન થયેલું હોય, સ્થિરાંત્ર સ્તંભ-મસા (colonic polyp) અથવા વ્રણકારી સ્થિરાંત્રશોથ(ulcerative colitis)ના રોગોના દર્દીમાં દર 1થી 3 વર્ષે નિયમિત તપાસ કરવાની હોય, વારંવાર ઝાડા થતા હોય પણ કારણ જાણમાં ન હોય વગેરે જુદી જુદી સ્થિતિઓમાં સ્થિરાંત્રનિરીક્ષા કરાય છે. આવા નિદાનલક્ષી કાર્ય ઉપરાંત ઉપચારલક્ષી સ્થિરાંત્રનિરીક્ષા પણ કરાય છે; જેમ કે, લોહી ઝરતાં ચાંદાં કે નસોમાં ગુલ્મન (coagulation) કરવા માટે કે દવાનું ઇન્જેક્શન આપવા, બાહ્ય પદાર્થ પ્રવેશેલો હોય તો તેને દૂર કરવા, સ્તંભ-મસાને કાપીને દૂર કરવા, વિસ્ફારિત સ્થિરાંત્રતા(megacolon)ના વિકારમાં પહોળા થઈ ગયેલા મોટા આંતરડાને સંકોચવા, અવરોધ કરતા સંકીર્ણન વિસ્તારને પહોળો કરવા, આંત્રીય આમળ(intestinal volvulus)ની સારવાર વગેરે વિવિધ પ્રકારની સારવાર માટે પણ સ્થિરાંત્રદર્શકનો ઉપયોગ કરાય છે.

અંત:નિરીક્ષિત વિપરીતમાર્ગી પિત્તનળી-સ્વાદુપિંડી ચિત્રણ(ERCP)નો ઉપયોગ સામાન્યત: અવરોધજન્ય કમળાના નિદાનમાં થાય છે. ક્યારેક તેનો ઉપયોગ સ્વાદુપિંડના કૅન્સર કે શોથજન્ય (inflammatory) વિકારના નિદાનમાં પણ કરાય છે. તેના વડે પિત્તમાર્ગને નીચલે છેડે અવરોધ કરતી નાની પથરી દૂર કરવાની સારવાર આપી શકાય છે તથા ક્યારેક ત્યાં સંકીર્ણન (stricture) થવાથી માર્ગ સંકોચાઈ ગયો હોય તો પિત્તનું વહન સરળ બને માટે પસારનળી (stent) પણ મૂકી શકાય છે.

ઉદરનિરીક્ષા (laparoscopy) નામની પેટમાંની પરિતનગુહાનું નિરીક્ષણ કરવાની તથા તેમાંના અવયવોની શસ્ત્રક્રિયાની પદ્ધતિ હાલ ઘણી વિકસી છે. ઉદરનિરીક્ષાનો ઉપયોગ મુખ્યત્વે 3 રીતે થાય છે : ગર્ભાશય અને અંડપિંડના રોગોના નિદાન અને સારવાર માટે કરાતી ઉદરનિરીક્ષાને સ્ત્રીપ્રજનન-તંત્રલક્ષી ઉદરનિરીક્ષા (gynaecologic laparoscopy) કહે છે. પેટની અંદરના અવયવોની શસ્ત્રક્રિયા તેના વડે કરી શકાય છે. તેમાં ખાસ કરીને પિત્તાશય-ઉચ્છેદન (cholecystecotmy) નામની પિત્તાશયને કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા તેના વડે થાય છે. હાલ અન્ય પ્રકારની વિવિધ શસ્ત્રક્રિયાઓ પણ તેના વડે થાય છે. પશ્ચિમી દેશોમાં પિત્તાશય-ઉચ્છેદનની 90 % શસ્ત્રક્રિયા આ રીતે થાય છે. તેને કારણે પેટની દીવાલ પરના ટાંકાની સંખ્યા ઘટે છે અને દર્દીને હૉસ્પિટલમાં રહેવાની જરૂરિયાત પણ ટૂંકી થાય છે. ઉદરનિરીક્ષાનો ત્રીજો અને સૌથી વ્યાપક ઉપયોગ નિદાનલક્ષી છે; દા. ત., યકૃતમાંની ગાંઠનું પેશીપરીક્ષણ (biopsy) કરવું, જળોદર(ascites)નું કારણ શોધવું વગેરે. તે માટે અક્કડ ઉદરાંત:દર્શકને પેટમાં તેની દીવાલમાં એક છિદ્ર પાડીને ઉતારવામાં આવે છે. તે કરતાં પૂર્વે આંતરડાંને કે અન્ય અવયવને ઈજા ન પહોંચે માટે પેટમાં થોડી હવા (અંગારવાયુ) ભરવામાં આવે છે. તેને સવાત-પરિતનગુહા (pneumoperitoneum) કહે છે. સામાન્ય રીતે આંતરડામાં કાણું પડવાની કે લોહી વહેવાની સ્થિતિ માંડ 0.1 %થી 0.2 % કિસ્સામાં જ થાય છે. તેના વડે  ભાગ યકૃત, પિત્તમાર્ગ, બરોળ, ઉરોદરપટલ તથા પરિતનગુહાનું નિરીક્ષણ કરી શકાય છે. મોટું અને નાનું આંતરડું પણ કેટલેક અંશે જોઈ શકાય છે. તેની મદદથી કરાતી પેશીપરીક્ષણની ક્રિયા (biopsy) લગભગ 90 % કિસ્સામાં સચોટ રહે છે. પરિતનકલાશોથ (peritonitis), આંત્રરોધ (intestinal obstruction), રુધિરના ગંઠાવાની ક્રિયામાં વિકાર, પેટની દીવાલમાં ચેપ કે પરિતનીય બંધકતંતુતા (adhesions) હોય તો આ પ્રક્રિયા કરાતી નથી. પરિતનકલામાં ચેપને કારણે પીડાકારક સોજો આવે છે જેને પરિતનશોથ કહે છે. આંતરડાંમાં અવરોધ ઉદભવે તો તેને આંત્રરોધ કહે છે અને આંતરડાં જો એકબીજાં સાથે કે અન્ય અવયવ સાથે તંતુઓથી ચોંટી જાય તો તેને પરિતનીય બંધકતંતુતા કહે છે.

(13-અ) અન્નમાર્ગના અવયવોના કેટલાક રોગો અંગેની વિશિષ્ટ નોંધ : મોઢાના રોગો અને વિકારો : મોં, અવાળું, દાંત, જડબાં અને લાળગ્રંથિઓમાં લગભગ 200 પ્રકારના રોગો કે વિકારો થાય છે. મોંમાં થતા મુખ્ય વિકારોમાં મોઢું આવી જવું (મુખગુહાશોથ, stomatitis), જીભ આવી જવી (જિહવાશોથ, glossitis), મોંમાં સફેદ ડાઘ અથવા ચકતી થવી (leukoplakia) તથા થૂલિયો નામનો ફૂગના ચેપથી થતો રોગ થવો (thrush) વગેરેનો સમાવેશ થાય છે. આંતરડાંમાંના જીવાણુઓના પ્રકારમાં ફેરફાર થાય ત્યારે મોઢું આવે છે; દા. ત., કબજિયાત, ઝાડા થવા, અપચો થવો વગેરે. બરો મૂતરવો નામના હર્પિસ સિમ્પ્લેક્સના વિષાણુથી થતા મુખગુહાશોથમાં મોઢામાં વારંવાર ચાંદાં પડે છે. અન્ય વિષાણુઓ પણ આવો રોગ કરે છે. મોઢામાં થૂલિયો થવામાં મુખ્યત્વે મધુપ્રમેહ, એઇડ્ઝ તથા ઍન્ટિબાયૉટિક દવાઓનો દુરુપયોગ કારણભૂત છે. ક્યારેક મોઢામાં ક્યાંક ન રુઝાય એવું ચાંદું પણ પડે છે. તૂટેલા દાંતની ધારીથી થતા સતત ઘર્ષણથી મોઢામાં કૅન્સર ઉદભવે છે. મોઢામાં કૅન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ કે પાનમસાલાને ગલોફામાં મૂકી રાખવાની ટેવ ગણાય છે. જીભ પર જોવા મળતા અને ફરતા રહેતા કાળા ડાઘ મોટેભાગે કશું ખાસ સૂચવતા નથી. પરંતુ ક્યારેક તે એડિસનના રોગમાં પણ જોવા મળે છે. મોઢામાં થતા લાલાશ રંગના વિકારવિસ્તારો વિટામિન બી-જૂથની ઊણપને લીધે થાય છે. આ બધાંમાં મૂળ કારણ પ્રમાણે સારવાર કરવાનું સૂચવવામાં આવે છે.

(13-આ) લાળગ્રંથિના રોગો : લાપોટિયું કે ગાલપચોળું નામનો રોગ ગાલમાં આવેલી લાળગ્રંથિમાં મમ્સના વિષાણુથી થતો ચેપજન્ય શોથકારી (inflammatory) રોગ છે. ક્યારેક તેની સાથે સ્વાદુપિંડ કે શુક્રપિંડમાં પણ તેનો ચેપ જોવા મળે છે. તે ક્યારેક અનુક્રમે જીવનને જોખમી સ્વાદુપિંડશોથ (pancreatitis) કરે છે અથવા વંધ્યતા (sterility) આણે છે. તેમાં ગાલનો ભાગ સૂજી જાય છે અને ખાતી વખતે ઘણો દુખાવો થાય છે. સામાન્ય રીતે તે બંને બાજુએ સાથે અથવા વારાફરતી થાય છે અને આપોઆપ શમે છે. તેનો લાળ તથા થૂંકબિંદુઓથી ચેપ ફેલાય છે. લાળગ્રંથિની નળીમાં પથરી થાય ત્યારે પણ લાળગ્રંથિનો પીડાકારક સોજો આવે છે. તેની સારવાર માટે શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. લાળગ્રંથિમાં સૌમ્ય કે કૅન્સરની ગાંઠ થાય ત્યારે પણ તે મોટી થાય છે. મધુપ્રમેહ, યકૃતકાઠિન્ય (cirrhosis), અતિમેદપ્રોટીનરુધિરતા (hyperlipoproteinaemia), દીર્ઘકાલી સ્વાદુપિંડશોથ, વિષમઅતિકાયતા (acromegly), અલ્પજનનપિંડિતા (hypogonadism) તથા ફીનાયલબ્યૂટેઝોન નામની દવાના અતિરેકમાં પણ લાળગ્રંથિ મોટી થઈ જાય છે. જો તેના દ્વારા લાળનું સ્રવણ ઘટે તો મોઢું સુકાય છે. તેને મુખશુષ્કતા (xerostomia) કહે છે. તે અલ્પકાલીન કે દીર્ઘકાલીન હોય છે. ઍલર્જી સામે વપરાતી પ્રતિહિસ્ટામિન-ઔષધો(antihistaminics)નું સેવન, ગાલપચોળિયાનો રોગ, શરીરમાંથી પાણી ઘટી ગયું હોય તેવી નિર્જલતા-(dehydration)ની સ્થિતિ તથા ભય કે ખિન્નતા જેવા માનસિક વિકારોમાં થોડા સમય માટે મોઢું સુકાય છે. પ્રતિખિન્નતા ઔષધો (antidepressants), MAO  અવદાબક જૂથની દવાઓ, એટ્રોપિન જૂથની દવાઓ તથા કેટલીક લોહીનું દબાણ ઘટાડતી દવાઓનો લાંબા ગાળાનો ઉપયોગ દીર્ઘકાલીન મુખશુષ્કતા આણે છે. જોગ્રેનનું સંલક્ષણ, લાળગ્રંથિનો ક્ષય, એમિલોઇડતા, એઇડ્ઝ, અનિયંત્રિત મધુપ્રમેહ, ખિન્નતા, મોં-ગળાના કૅન્સર માટે અપાતી વિકિરણની સારવાર (radiotherapy) વગેરે વિવિધ રોગો, વિકારો કે સ્થિતિમાં પણ લાંબા ગાળાની મુખશુષ્કતા થાય છે. તેની લક્ષણલક્ષી સારવાર રૂપે ખાંડ વગરની કઠણ કૅન્ડી અને ચર્વણગુંદ (chewing gum) લેવાનું તથા વારંવાર પાણી પીવાનું અથવા ક્યારેક પાયલોકાર્પિન નામની દવા લેવાનું સૂચવાય છે.

(13-ઇ) ગળાના રોગો : તેમાં ગળામાં થતો, ગ્રસની-શોથ(pharyngitis)નો પીડાકારક સોજો, કાકડાનો પીડાકારક સોજો (કાકડાશોથ, tonsillitis), જીભના મૂળ અને ગળાની દીવાલમાં ઉદભવતું કૅન્સર, ડિફ્થેરિયા કે શ્વેતફૂગથી થતા શોથજન્ય વિકારોનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન કે ધૂમ્રપાન જીભના મૂળ કે ગળાના વિસ્તારોમાં કૅન્સર સર્જે છે. ગ્રસનીશોથ ઘણી વખત વિષાણુજન્ય હોય છે. આ ઉપરાંત ગ્રસનીશોથ, કાકડાશોથ અને ડિફ્થેરિયા વિવિધ પ્રકારના જીવાણુના ચેપથી થાય છે. ગળાના વિકારોમાં સામાન્ય રીતે દુખાવા સાથે કે દુખાવા વગર ગળવાની મુશ્કેલીનું તથા અવાજ બેસી જવાનું લક્ષણ ઉદભવે છે. ગળામાંનો ચેપ કે કૅન્સર બહાર કંઠમાંની લસિકાગ્રંથિઓ(lymphonodes)માં ફેલાય છે. તેને વેળ ઘાલવી કહે છે. ઘણી વખતે આવી વેળ ઘાલેલી કંઠમાંની ગાંઠથી જ નિદાન થાય છે.

(13-ઈ) અન્નનળીના રોગો અને વિકારો : અન્નનળી એક સાદી, સ્નાયુની બનેલી નળી છે. તેનાં મુખ્ય 2 કાર્યો છે : ખોરાકને જઠર તરફ લઈ જવો અને જઠરમાંથી તેને પાછો આવવા ન દેવો. અન્નનળીના વિકારોમાં આ બેમાંથી કોઈ એકની તકલીફ ઉદભવે છે. તેના રોગનાં લક્ષણોમાં ખોરાક ગળવાની તકલીફ (દુર્ગ્રસન, dysphagia), ગળતી વખતે દુખાવો થવો (સપીડગ્રસન, odynophagia), છાતીમાં બળતરા, ખાટું પાણી ગળામાં ચઢી આવવું, અન્નનળીની ચૂંકનો દુખાવો તથા ઊલટી વાટે લોહી પડવું (રુધિરવમન, hemetemesis) વગેરે ગણી શકાય. અન્નનળીમાં ખોરાકનો કોળિયો અટકી ગયો છે એવી સભાનતાને દુર્ગ્રસન કહે છે. તે કદી કોઈ માનસિક વિકારનું લક્ષણ હોતું નથી, જોકે જઠરાન્નનળી-દ્વારરક્ષકના અશિથિલનનો વિકાર કયારેક અતિશય લાગણીના ઊભરા સમયે વધે છે ખરો. સામાન્ય રીતે અન્નનળીમાં પડદા (webs) થયા હોય, કૅન્સર થયું હોય કે અન્નનળી સંકોચાઈ ગઈ હોય (સંકીર્ણન) ત્યારે યાંત્રિક પ્રકારનો અવરોધ થાય છે. તેથી પ્રવાહી કરતાં ઘન પદાર્થને ગળવામાં વધુ તકલીફ પડે છે. જઠરાન્નનળી-દ્વારરક્ષકના અશિથિલન(achalasia cardia)ના વિકારમાં ઘન પદાર્થ ગળી શકાય છે, પણ પાણી ઉતારતાં મુશ્કેલી પડે છે. સતત વધતો જતો દુર્ગ્રસનનો વિકાર કૅન્સર કે સંકીર્ણનની સંભાવના સૂચવે છે. કૅન્સરની સારવાર રૂપે શસ્ત્રક્રિયા, વિકિરણન (radiation) કે દવાઓ વડે ઉપચાર કરાય છે. અન્નનળી સંકોચાયેલી હોય તો તેને બલૂનની મદદથી પહોળી કરાય છે. લોહની ઊણપને કારણે અન્નનળીમાં પડદા ઉદભવે છે. તે થતા અટકાવવા લોહની ઊણપ દૂર કરવી જરૂરી છે. જરૂર પડ્યે અન્નનળીને પહોળી કરાય છે. લોહની ઊણપથી યુવાન સ્ત્રીમાં પાંડુતા, ચમચી આકારના નખ અને અન્નનળીમાં પડદા થાય તો તેને પ્લમરવિલ્સન કે પિટર્સનકેલીનું સંલક્ષણ કહે છે. તેમાંના 4 % દર્દીઓમાં પાછળની અન્નનળીનું કૅન્સર થાય છે. દાહક ઝેર લીધા પછી અન્નનળીમાં વિષાણુ કે ફૂગને કારણે ચેપ લાગવાથી, વિકિરણની સારવાર પછી કે જઠરનું પ્રવાહી અન્નનળીમાં વારંવાર ચઢી આવે તેવા વિકારમાં ખોરાક ગળતી વખતે દુખાવો થાય છે. તેને સપીડ ગ્રસન કહે છે. જઠરનું પ્રવાહી અન્નનળીમાં ચઢી આવે અને છાતીમાં બળતરા કરે તો તેને ઉરદાહ (heartburn અથવા pyrosis) કહે છે. સારવાર રૂપે પ્રત્યામ્લો(antacids)ના જૂથની દવા અપાય છે, જે જઠરના અમ્લ(acid)નું તટસ્થીકરણ કરે છે. તેને હૃદયપીડ(angina pectoris)થી અલગ પડાય છે. ક્યારેક તે કોઈ અન્નનળીના રોગમાં પણ જોવા મળે છે. જઠરાન્નનળી-દ્વારરક્ષક ઢીલો હોય તો જઠરમાંનું પ્રવાહી અન્નનળીમાં ચઢી આવે છે. તેને વિપરીતમાર્ગી-વહન (regurgitation) કહે છે. જો આ રીતે ખોરાકનું દ્રવ્ય ગળા સુધી આવી જાય તો તેને ચાવીને ફરીથી પેટમાં ઉતારી દેવાય છે. આ ક્રિયાને વાગોળવું (rumination) કહે છે. અન્નનળીનો અમુક ભાગ સંકોચાઈને ચૂંક જેવો વિકાર કરે છે. ઉરદાહ કે વિપરીતમાર્ગી વહનમાં તે જોવા મળે છે. ક્યારેક સોપારી ખાવાથી સ્નાયુઓના સંકોચનને કારણે પણ આવો દુખાવો થઈ આવે છે. સાદી ભાષામાં તેને ડચૂરો બાઝવો કહે છે. જઠરમાંથી આવતું લોહી જો ઊલટી રૂપે બહાર આવે તો તે અર્ધું પચેલું અને કૉફી રંગનું હોય છે. અન્નનળીમાં ઊભા ચીરા પડે કે કૅન્સર હોય તો લોહીવાળી ઊલટી થાય ને તેમાં લાલ લોહી આવે છે. અન્નનળીના નીચલા છેડે સર્વાંગી રુધિરાભિસરણ (systemic circulation) અને નિવાહિકાતંત્રીય રુધિરાભિસરણ-(portal circulation)ને જોડતી શિરાઓ આવેલી છે. યકૃતના રોગમાં કે અન્ય કારણોસર નિવાહિકાતંત્રમાં લોહીનું દબાણ વધે તો તેને નિવાહિકાતંત્રીય અતિરુધિરદાબ (potral hypertension) કહે છે. તે સમયે અન્નનળીના નીચલા છેડે નસો પહોળી થાય છે. તેને અન્નનલીય સર્પશિરાનો વિકાર (oesophageal varicosity) કહે છે. તેમાંથી પણ લોહીની ઊલટી થાય છે. અન્નનળીમાં ઝરતું લોહી જઠરમાં જઈને પછી પાછળથી ઊલટી રૂપે આવે તો તે વખતે તે કાળું અથવા કૉફીના રંગનું હોય છે. અન્નનલીય સર્પશિરાનો વિકાર હોય તો લોહી ચઢાવી તથા રુધિરાભિસરણને સ્થિર કર્યા પછી શેન્સ્ટેકન નળી વડે દબાણ આપીને કે પ્રોપેનોલોલ તથા અન્ય દવાઓ વડે તેને કાબૂમાં લેવામાં આવે છે. જરૂર પડ્યે તે માટે શસ્ત્રક્રિયા પણ કરાય છે. અન્નનળીમાંના વિપરીતમાર્ગી વહનને રોકવા તથા તેની સારવાર માટે માથું ઊંચું રાખીને સૂવાની તથા પેટ સહેજ ખાલી રહે તેટલું જ ખાવાની સલાહ અપાય છે. વળી પ્રત્યામ્લો, રેનિટિડિન, ફેમોટિડિન, ઓમિપ્રેઝોલ કે લેન્સોપ્રેઝોલ જેવી ઍસિડનું ઉત્પાદન ઘટાડતી દવાઓ તથા અન્નમાર્ગનું સંચલન યોગ્ય પ્રકારનું થાય તે માટે મેટોક્લોપ્રેમાઇડ કે સિઝાપ્રાઇડ જેવી દવાઓ વડે સારવાર કરાય છે.

અન્નનળીના અન્ય વિકારોમાં અંધનાલિતા (diverticulosis), ચેપ તથા ઈજાનો સમાવેશ થાય છે. એઇડ્ઝ કરતા વિષાણુના ચેપને કારણે થતા રોગમાં અન્નનળીની અંદર શ્વેત ફૂગ (candida), સાયટોમેગેલો વિષાણુ (cytomegalo virus) કે હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુનો ચેપ લાગે છે. અન્નનળીના કૅન્સરમાં કે તેની વિકિરણની સારવાર પછી પણ શ્વેત ફૂગનો ચેપ લાગે છે. ઍસિડ કે કૉસ્ટિક પ્રવાહી પી જવાથી અન્નનળીમાં દાહ લાગે છે. તેને કારણે અન્નનળીશોથ (oesophagitis), ફેફસીશોથ (pneumonia) તથા જીવનને સંકટરૂપ અન્ય પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ક્યારેક ટેટ્રાસાઇક્લિન, ડૉક્સિસાઇક્લિન, પોટૅશિયમની ગોળી, વિટામિન સી, ક્વિનિડિન કે ઍસ્પિરિન જૂથની દવાઓની ગોળી અન્નનળીમાં ફસાઈ જાય તો ત્યાં તે ચાંદું પાડે છે અને ઔષધટીકડીજન્ય અન્નનળીશોથ(pill-induced oesophagitis)નો વિકાર સર્જે છે. અન્નનળીમાં બહારથી ઈજા થાય તો તે મધ્યવક્ષશોથ(mediastinitis)નો જીવનને ભારે સંકટ કરતો વિકાર સર્જે છે. અન્નનળીનું કૅન્સર ક્યારેક શ્વાસનળી સુધી ફેલાય તો અન્નનળી અને શ્વાસનળી વચ્ચે સંયોગનળી(fistula)નું નિર્માણ થાય છે. તે સમયે પાણી પીવાથી ખાંસી ચઢે છે. તે ખૂબ વધી ગયેલા અન્નનળીના કૅન્સરનું લક્ષણ છે. તેની સારવાર રૂપે સંયોગનળીવાળા ભાગને પસાર કરી જવા કાં તો નાક-જઠરીનળી (Ryle’s tube) કે અન્નનળીની અંદર સ્થાપિત કરાતી પસારનળી(stent)નો ઉપયોગ કરાય છે.

(12-ઉ) જઠરના રોગો : જઠરની અંદરની દીવાલ પરનું શ્લેષ્મસ્તર ઍસિડ તથા જઠરીય પ્રોટીનપાચક ઉત્સેચક (pepsin) વડે વિકારયુક્ત થતું નથી, પરંતુ વિવિધ પ્રકારનાં પરિબળો તેની આ ક્ષમતાને ઘટાડે છે અને ત્યારે તેમાં પીડાકારક સોજો કરતા શોથ(inflammation)નો વિકાર થાય છે. તેને જઠરશોથ (gastritis) કહે છે. જઠરશોથ કરતું મુખ્ય કારણ હેલિકોબેક્ટર પાયલોરી નામના જીવાણુ(bacteria)થી લાગતો ચેપ છે. જઠરની દીવાલના અન્ય રોગોને જઠરરુગ્ણતા (gastropathy) કહે છે. સારણી 3માં તેમને ટૂંકમાં દર્શાવ્યા છે. આ ઉપરાંત અન્ય પ્રમુખ રોગોમાં પેપ્ટિકવ્રણ (peptic ulcer) તથા જઠરનું કૅન્સર છે.

સારણી 3 : જઠરશોથ અને જઠરરુગ્ણતાનાં કેટલાંક મુખ્ય કારણો

કારણ નોંધ
1. હેલિકોબેક્ટર પાયલોરીથી થતો જઠરશોથ તેના બે પ્રકાર છે : જઠરાંતનલી – (antrum)માં થતો ‘બી’ પ્રકાર, તથા સમગ્ર જઠરને અસર કરતો પૂર્ણજઠરશોથ (pangastritis) નામનો ‘એબી’ પ્રકાર
2. અપોષી ક્ષીણતાજન્ય (atrophic) જઠરશોથ તેના બે પ્રકાર છે : જઠરના ઘૂમટ-(fundus)માં થતો, સ્વકોષઘ્ની (autoimmune) જૂથનો વિઘાતક પાંડુતા (pernicious anaemia) કરતો ‘એ’ પ્રકાર, તથા ‘એબી’ પ્રકારના છેલ્લા તબક્કા જેવો અપોષી ક્ષીણતાજન્ય પૂર્ણજઠરશોથ (atrophic pangastritis)
3. રાસાયણિક ક્ષતિ-(erosion)વાળી અથવા રુધિરસ્રાવી જઠરરુગ્ણતા (haemorrhygics gastropathy) તેમાં દુખાવો અને સોજો ઘટાડતી, બિનસ્ટીરૉઇડી પ્રતિશોથ પીડાનાશકો જૂથની દવાઓ (દા. ત., ઍસ્પિરિન), આલ્કોહૉલ અને માનસિક તણાવની આડઅસર રૂપે થતો વિકાર
4. પ્રકીર્ણ અસરો અન્ય વિષાણુ, ફૂગ, ક્ષયના જીવાણુ કે ઉપંદશ(syphilis)ના સૂક્ષ્મજીવોનો ચેપ
દીર્ઘકાલીન રાસાયણિક ક્ષતિજન્ય જઠરશોથ, જેમાં લાંબા સમય સુધી રસાયણોને કારણે જઠરની દીવાલને   અસર થતી હોય
જઠરીય અલ્પરુધિરવાહિતા (gastric ischemia), જેમાં જઠરમાંના રુધિરાભિસરણની સમસ્યા હોય વિકિરણજન્ય (radiation induced) જઠરશોથ
રસાયણદાહકારી (corrosive) પદાર્થોને ગળવાથી થતો જઠરશોથ અન્ય પ્રકારના જઠરશોથ

સારણી 3માં દર્શાવ્યું છે તે પ્રમાણે, રાસાયણિક ક્ષતિજન્ય વિકારમાં જઠરરુગ્ણતા થાય છે, પણ પીડાકારક શોથ થતો નથી. તેમાં ખરેખર તો રસાયણો (દવા કેે દારૂ) વડે જઠરની અંદરની દીવાલને ક્ષતિ પહોંચે છે, છતાં તેમને રૂઢિગત પદ્ધતિથી જઠરશોથની ચર્ચામાં આવરી લેવાયા છે. એચ. પાયલોરીનો ચેપ સમગ્ર વિશ્વમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તે મુખ્યત્વે જઠરાંતનલી(antrum)માં ચેપ કરે છે, પરંતુ ક્યારેક જઠરકાય કે જઠરઘૂમટમાં પણ તેનાથી શોથનો વિકાર થાય છે. સામાન્ય રીતે ઊલટી, નાક-જઠરી નળી કે અંત:દર્શક વડે તેનો ચેપ ફેલાય છે. જાહેર સફાઈ તથા અંગત સફાઈના સિદ્ધાંતોના અમલ વડે તેનો પશ્ચિમના દેશોમાં ફેલાવો ઘટાડી શકાયેલો છે. તેના ઘટાડા સાથે પેપ્ટિક વ્રણ તથા જઠરના કૅન્સરના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયેલો છે. પેપ્ટિક વ્રણનાં કારણોમાં એચ. પાયલોરીના જીવાણુનો ચેપ સામેલ થવાને કારણે તેની દવાઓથી કરાતી સારવારમાં ટેટ્રાસાઇક્લિન, મેટ્રોનિડેઝોલ, બિસ્મથ સબસેલિસિલેટ, ક્લેરિથ્રોમાયસિન, એમૉક્સિસિલિન જેવી જીવાણુનાશક દવાઓને આવરી લેવાઈ છે. તે માટે હાલ ઓમિપ્રેઝોલ સાથેની કે તેના વગરની બે કે ત્રણ દવાઓને સમૂહમાં આપવાની પદ્ધતિ વિકસી છે. આ પ્રકારની દવાઓ લગભગ 90 % કિસ્સામાં સફળતા આપે છે. તેને કારણે પેપ્ટિક વ્રણ માટેની શસ્ત્રક્રિયાનું પ્રમાણ ઘટ્યું છે. જોકે પેપ્ટિક વ્રણની આનુષંગિક તકલીફો તથા જઠરના કૅન્સરમાં શસ્ત્રક્રિયાનો વ્યાપક ઉપયોગ  થાય છે.

(13-ઊ) જઠરાંત્રમાર્ગના સંચલનવિકારો (motility disorders) : જઠરાંત્રમાર્ગમાં બધે જ સ્નાયુતંતુઓનું સ્તર આવેલું છે, જે સ્થાનિક કે વ્યાપક ચલનક્રિયાઓ કરે છે. જઠરાંત્રમાર્ગની ચલનક્રિયાઓ વડે ખોરાકનું પાચન (યાંત્રિક પાચન) થાય છે તથા તે આગળની તરફ ધકેલાય પણ છે. પાતળા ઝાડા થવા, ચૂંક આવવી તથા કબજિયાત થવી એ ખૂબ જાણીતા સંચલનવિકારો છે. જઠર અને આંતરડાના હલનચલનનું નિયંત્રણ સ્વાયત્ત ચેતાતંત્ર તથા જઠરાંત્રીય અંત:સ્રાવો (gastrointestinal hormones) કરે છે. જઠરાંત્રમાર્ગમાં ખોરાક કે અર્ધપક્વરસની હાજરી પણ તેની ચલનક્રિયાને ઉત્તેજિત કરે છે. જઠરાંત્રીય સંચલનવિકારોના નિદાન માટે વિવિધ કસોટીઓ વિકસેલી છે. મધુપ્રમેહ, કેટલાક વિષાણુજન્ય ચેપ, મસ્તિષ્ક-પ્રકાંડ(brain stem)ના વિકારો, મનોવિકારી અરુચિ (anorexia nervosa), વિપરીતમાર્ગી વહનલક્ષી અથવા વિમાર્ગવહનલક્ષી અન્નનળીશોથ (reflux oesophagitis) તેમજ બહુવિસ્તારી ચેતા(vagus nerve)ને કાપી કાઢવાની બહુવિસ્તારી ચેતાછેદન (vagotomy) નામની શસ્ત્રક્રિયા પછી જઠરની ખાલી થવાની ક્રિયા ધીમી પડે છે. પક્વાશયમાં ચાંદું પડેલું હોય, સંગ્રહણીનો રોગ થયેલો હોય, સ્વાદુપિંડી અપર્યાપ્તતા (pancreatic insufficiency) થઈ હોય તો જઠરના ખાલી થવાની ક્રિયા ઝડપી બને છે. તેવી જ રીતે ગલગ્રંથિ(thyroid gland)નું કાર્ય ઘટે, ઍમિલોઇડતા થાય અથવા વિવિધ પ્રકારની સ્નાયુરુગ્ણતાઓ(myopathies)માં નાના આંતરડાનું હલનચલન ઘટે છે. મધુપ્રમેહ, આંતરડામાં ચેપ, ઍમિલોઇડતા, ગલગ્રંથિનું વધેલું કાર્ય, વિવિધ પ્રકારની ચેતારુગ્ણતાઓ (neuropathies), કાર્સિનૉઇડ સંલક્ષણ, મસ્તિષ્ક-પ્રકાંડનો કોઈ વિકાર કે ઉત્તેજનશીલ સ્થિરાંત્રતા(irritable bowel syndrome)ના રોગમાં નાના આંતરડાનું હલનચલન વધે છે, જેને કારણે ચૂંક તથા ઝાડાનો વિકાર થાય છે. મોટા આંતરડાનું હલનચલન ઘટાડતાં પરિબળોમાં અજ્ઞાતમૂલ કબજિયાતની તકલીફ, સતતસંકોચનશીલ સ્થિરાંત્રશોથ (spastic colitis), મધુપ્રમેહ, કરોડરજ્જુને ઈજા વગેરેનો સમાવેશ થાય છે. જુલાબ, પિત્તક્ષારો તથા કેટલાક માનસિક વિકારો મોટા આંતરડાનું હલનચલન વધારીને ઝાડા કરે છે.

(13-એ) અવશોષણનું સંલક્ષણ (malabsorption syndrome) : જ્યારે પોષકદ્રવ્યોનું અવશોષણ બરાબર ન થાય ત્યારે વિકાર થાય છે. તેને કુશોષણનું સંલક્ષણ પણ કહે છે. સારણી 4માં કયાં મુખ્ય પોષકદ્રવ્યો ક્યાંથી અવશોષિત થાય છે તે જણાવ્યું છે.

જઠરાંત્રમાર્ગ, યકૃત, સ્વાદુપિંડ તથા શરીરના અનેક બીજા અવયવોના રોગો અને વિકારોમાં અવશોષણના વિકારો થાય છે. કેટલાક મહત્વના રોગોમાં જઠર પર શસ્ત્રક્રિયા, સ્વાદુપિંડની અપર્યાપ્તતા, યકૃત તથા પિત્તમાર્ગના રોગો, નાના આંતરડાનો કોઈ ભાગ શસ્ત્રક્રિયાથી દૂર કરાયો હોય એવી સ્થિતિ, સંગ્રહણી (sprue), વ્હિપલનો રોગ, નાના આંતરડાનો ક્ષય કે લિમ્ફોમા, વિવિધ અંત:સ્રાવી ગ્રંથિઓના વિકારો, કાર્સિનૉઇડ સંલક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. તેના દર્દીને ઝાડા થાય છે, પૂરતી ભૂખ લાગવા છતાં વજન ઘટે છે તથા વિવિધ પોષકદ્રવ્યોની ઊણપ થઈ આવે છે. ચરબીનું અવશોષણ થાય તો ચીકણો, ગંધ મારતો અને વધુ કદનો મળ થાય છે જેને મળપાત્ર(comode)માંથી પાણી વડે દૂર કરતાં તકલીફ પડે છે. કેટલાક દર્દીઓને પેટમાં ચૂંક આવે છે અથવા ધીમો દુખાવો થાય છે. જો જમ્યા પછી કલાકે દુખાવો થતો હોય તો તે ક્યારેક આંતરડાંમાંનું રુધિરાભિસરણ ઘટ્યું છે એવું સૂચવે છે. પોષકદ્રવ્યોની ઊણપને કારણે હાડકાં પોચાં પડે છે, અંગુલિવંકતા(tetany)નો વિકાર થાય તો વારંવાર હાથપગની નસો ચઢી જાય છે અને આંગળીઓ વાંકી થઈ જાય છે, રાત્રિઅંધાપો આવે છે, રાત્રે વારંવાર પેશાબની હાજતે જવું પડે છે, ઋતુસ્રાવ અનિયમિત થાય અથવા ઘટી જાય છે. તે ઉપરાંત વિવિધ વિટામિનોની ઊણપનાં સંલક્ષણો પણ ઉદભવે છે.

સારણી 4 : મુખ્ય પોષકદ્રવ્યોના અવશોષણનાં સ્થાન

પોષકદ્રવ્ય અવશોષણ-સ્થાન
1. ચરબી, લોહ તથા કૅલ્શિયમ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ
2. પ્રોટીન નાના આંતરડાનો મધ્યભાગ
3. કાર્બોદિત પદાર્થ, ફોલિક ઍસિડ તથા અન્ય

જલદ્રાવી વિટામિનો

નાના આંતરડાનો શરૂઆતનો તથા મધ્યભાગ
4. વિટામિન બી-12, પિત્તક્ષારો નાના આંતરડાનો છેલ્લો ભાગ (અંતાંત્ર)
5. પાણી તથા ક્ષારો નાનું તથા મોટું આંતરડું મુખ્યત્વે અંધાંત્ર

કુશોષણના વિકારના નિદાનમાં ઝીણવટથી નોંધાયેલી પ્રશ્ર્નોત્તરી, શારીરિક તપાસ તથા વિવિધ પ્રકારની કસોટીઓ ઉપયોગી છે. સ્વાદુપિંડનું કાર્ય ઘટે ત્યારે તેને સ્વાદુપિંડી અપર્યાપ્તતા કહે છે. તેના નિદાનમાં બેન્ટિરોમાઇડ કસોટી, રુધિરરસીય ટ્રિપ્સિનસમ પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાની કસોટી, આંત્રસ્રાવક કસોટી (secretin test) વગેરે ઉપયોગી છે. ઉચ્છવાસમાં 14 C-ઝાયલોઝનું આમાપન (C-assay) કરવાથી નાના આંતરડામાં જીવાણુઓની અતિસંખ્યા-વૃદ્ધિ થઈ છે કે નહિ તે જાણી શકાય છે. ઉચ્છવાસ કસોટીઓમાં 14 C-ગ્લાયસિન, લેક્ચ્યુલોઝ-H2, લૅક્ટોઝH2નું પણ આમાપન કરીને વિવિધ વિકારોનું ચોક્કસ નિદાન કરાય છે. જરૂર પડ્યે નાના આંતરડાના જીવાણુઓનું સંવર્ધન કરાય છે અથવા પેશી-પરીક્ષણ (biopsy) માટે તેનો ટુકડો કાપી લેવાય છે. એક્સ-રે ચિત્રણો અને બેરિયમશ્રેણીનો નિદાનમાં વ્યાપક ઉપયોગ કરાય છે. અવશોષણ થવાના કારણમાં પાચનક્રિયાનો કોઈ વિકાર છે કે નહિ તે પણ શોધી કઢાય છે અને જે તે કારણને અનુરૂપ સારવાર અપાય છે.

(13-ઐ) આંતરડાંના અન્ય રોગો : તેમાં શોથજન્ય આંત્રીય રોગો-(inflammatory bowel disorder)નો સમાવેશ થાય છે. તે બે પ્રકારના છે : (1) પ્રાદેશિક લઘુ-આંત્રશોથ (regional enteritis) અથવા ક્રોહનનો રોગ તથા (2) વ્રણીય સ્થિરાંત્રશોથ (ulcerative colitis). સામાન્ય રીતે શ્વેત ચામડીવાળી યુરોપની પ્રજા તથા યહૂદીઓમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે તે યુવાન વયે થાય છે અને કેટલાંક કુટુંબોમાં જોવા મળે છે. સામાન્ય રીતે એવું જોવાયું છે કે ધૂમ્રપાન કરતા હોય તેમને ક્રોહનનો રોગ અથવા પ્રાદેશિક લઘુ-આંત્રશોથ થાય છે અને જેઓ ધૂમ્રપાન ન કરતા હોય તેમને વ્રણીય સ્થિરાંત્રશોથ થાય છે.

પ્રાદેશિક લઘુ-આંત્રીય શોથમાં મોઢાથી માંડીને ગુદા સુધીના અન્નમાર્ગમાં તે જોવા મળે છે. સામાન્ય રીતે નાના આંતરડાનો છેડો અને મોટા આંતરડાની શરૂઆત તેમાં અસરગ્રસ્ત હોવાથી તેને અંતાંત્રી સ્થિરાંત્રશોથ (ileocolitis) પણ કહે છે. સામાન્ય રીતે તેની શરૂઆત આંતરડામાંના નાના ચાંદાથી થાય છે. તે સ્થળે સામાન્ય રીતે લસિકાભપેશી (lymphoid tissue) એકઠી થયેલી હોય છે. ચાંદાં સપાટી પર પ્રસરે છે તેમજ આંતરડાની દીવાલમાં ચીરા (fissue) રૂપે ઊંડાં ઊતરે છે; જે આંતરડાના રોગવિસ્તારને આંત્રપટ, આંતરડાના બીજા ભાગ કે અન્ય અવયવ સાથે જોડે છે. તે માટે એક સંયોગનળી (fistula) પણ બને છે. 20 % દર્દીઓમાં રોગવિસ્તારો ચિરશોથગડ(granuloma)નું રૂપ ધારણ કરે છે. આવી સ્થિતિ વ્રણીય સ્થિરાંત્રશોથમાં ક્યારેય થતી નથી.

વ્રણીય સ્થિરાંત્રશોથમાં શ્લેષ્મસ્તરની સપાટી પર ચાંદાં પડે છે. 25 % દર્દીઓમાં તે ફક્ત મળાશયમાં જોવા મળે છે અને બીજા 25 %થી 50 %માં મળાશય તથા ડ-રૂપસ્થિરાંત્ર (sigmoid colon) કે અવરોહી સ્થિરાંત્ર અસરગ્રસ્ત હોય છે. મળાશયમાં રોગ હોય ત્યારે તેને મળાશયશોથ (proctitis) કહે છે અને મળાશય તથા ડ-રૂપસ્થિરાંત્રમાં તે હોય ત્યારે તેને મળાશયી ડ-રૂપસ્થિરાંત્રશોથ (proctocolitis) કહે છે. જો અવરોહી સ્થિરાંત્રમાં તે પ્રસર્યો હોય તો તેને વામપક્ષી સ્થિરાંત્રશોથ (left sided colitis) કહે છે અને જો તે બરોળીય સ્થિરાંત્રકોણ (splenic flexure) સુધી ફેલાયેલો હોય તો તેને બૃહદ્વ્યાપ્ત સ્થિરાંત્રશોથ (extended colitis) કહે છે. ક્યારેક આખું મોટું આંતરડું અસરગ્રસ્ત થાય છે ત્યારે તેને પૂર્ણસ્થિરાંત્રશોથ (pancolitis) કહે છે તેવું ત્રીજા ભાગના કિસ્સામાં જોવા મળ્યું છે. વ્રણીય સ્થિરાંત્રશોથનાં ચાંદાં ઉગ્ર શોથનો વિકાર કરે છે અને તે ભાગ્યે જ અવશ્લેષ્મકલા સુધી જાય છે. શ્લેષ્મકલામાં નાનાં નાનાં ગૂમડાં થાય છે.

બંને રોગોમાં ગુદામાર્ગે લોહી પડવું અને વિષસર્જિત વિસ્ફારિત-સ્થિરાંત્રતા(toxic megacolon)ની તકલીફ થાય છે. વિસ્ફારિત-સ્થિરાંત્રતાના વિકારમાં મોટું આંતરડું પહોળું થઈ જાય છે. તેને કારણે પેટમાં દુખાવો, પેટ ફૂલવું, પેટને સ્પર્શ કરીને હાથ ઉપાડવામાં આવે ત્યારે થતી વેદના, તાવ, ઝડપી નાડી, શરીરમાંનું પાણી ખૂટવું વગેરે વિવિધ તકલીફો ઉદભવે છે. તેને કારણે વિવિધ પ્રકારના ક્ષારો અને આયનોની ઊણપ પણ સર્જાય છે, જેમાં પોટૅશિયમની ઊણપ વધુ હોય છે; સાથે સાથે દર્દીના શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે (પાંડુતા), આલ્બ્યુમિન ઘટે છે અને શ્વેતકોષોનો વધારો થાય છે. સ્થાનિક લઘુ-આંત્રશોથમાં આંતરડાની દીવાલમાં ચિરશોથગડ, ગૂમડાં તથા સંયોગનળી થાય છે; જ્યારે વ્રણીય સ્થિરાંત્રશોથના દર્દીમાં ક્યારેક મોટા આંતરડાનું કૅન્સર ઉદભવે છે. મોટા આંતરડામાં વધુ વિસ્તારમાં ફેલાયેલો રોગ તથા 10 વર્ષથી વધુ ચાલેલો રોગ, કૅન્સરમાં પરિણમવાની વધુ શક્યતા ધરાવે છે; તેથી દરેક દર્દીને 10 વર્ષથી વધુ સમય થાય ત્યારે નિયમિત રૂપે કૅન્સર અંગેની તપાસ કરવાનું સૂચવાય છે. દર્દીના મોટા આંતરડામાં સ્થિરાંત્રનિરીક્ષા દ્વારા પેશીપરીક્ષણ માટે ટુકડો લઈને તેમાં દુર્વિકસન (dysplasia) કે કૅન્સર ઉદભવેલું છે કે નહિ તે નક્કી કરાય છે. જો દર્દીને દુર્વિકસન કે દુર્વિકસન-સંલગ્ન અર્બુદ (ગાંઠ) કે દોષવિસ્તાર (dysplasia associated mass or lesion, DAML) હોય તો શસ્ત્રક્રિયા કરીને તે ભાગ કાઢવાનું વિચારવામાં આવે છે, કેમ કે આવા સ્થળે પાછળથી કૅન્સર ઉદભવે છે.

દર્દીની તકલીફોની સમયાનુક્રમવાળી નોંધ, શારીરિક તપાસ, અંત:નિરીક્ષા તથા બેરિયમચિત્રણશ્રેણીવાળાં એક્સ-રે ચિત્રણો, સોનોગ્રાફી તથા સી.એ.ટી.-સ્કૅન વગેરે દ્વારા નિદાન કરાય છે. સારવારમાં ઍમિનોસેલિસિલેટ જૂથની દવાઓ તથા કૉર્ટિકોસ્ટીરૉઇડનો મુખ્ય ઉપયોગ કરાય છે. જરૂર પડ્યે ઍન્ટિબાયૉટિક દવાઓ તથા પ્રતિરક્ષાદાબકો(immuno-suppressants)નો ઉપયોગ કરાય છે. ક્રોહનના રોગમાં પોષણપૂર્તિ(nutritional support)નું ખાસ ધ્યાન રાખવું પડે છે. વ્રણીય સ્થિરાંત્રશોથને શસ્ત્રક્રિયા વડે મટાડી શકાય છે; પરંતુ ક્રોહનનો રોગ ફરીથી થવાની સંભાવના રહે છે.

આંતરડાંના રુધિરાભિસરણના ઘણા વિકારો વર્ણવવામાં આવેલા છે. તેવી જ રીતે જઠરાંત્રમાર્ગના બધા જ અવયવોમાં કૅન્સર પણ ઉદભવી શકે છે. ક્યારેક મોટા આંતરડામાં ગ્રંથિમય સ્તંભ-મસા (adenomatous polyps) થવાનો વ્યક્તિગત કે વારસાગત રોગ થાય છે. તે બે પ્રકારના હોય છે : અસ્તંભ-મસા (sessile polyp) અને સસ્તંભ-મસા (polyp with a stalk). કેટલાક અસ્તંભ-મસા (polyps) કરતાં સસ્તંભ-મસા વધારે હોય છે (90 %થી 92 %). સ્થિરાંત્રનિરીક્ષા દ્વારા તેમનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. સારવાર રૂપે સ્તંભ-મસાને કાપી કાઢવામાં આવે છે. તેને સ્તંભ-મસા-ઉચ્છેદન (polypectomy) કહે છે. તે ફરી ન થાય માટે આહારમાં રેસાવાળો વધુ ખોરાક અને બિનસ્ટીરૉઇડી પ્રતિશોથ પીડનાશકજૂથ(nonsteroidal anti-inflammatory analgesics, NSAIDs)ની એસ્પિરિન કે અન્ય દવાઓનો હાલ પ્રાયોગિક ધોરણે ઉપયોગ થાય છે. આવા સ્તંભ-મસામાં ક્યારેક કૅન્સર ઉદભવે છે; તેથી તેમની નિયમિત રૂપે ચકાસણી કરાય છે.

(13-ઓ) મળાશય અને ગુદાના રોગો : મળાશયના રોગોનો મોટા આંતરડાના રોગોમાં સમાવેશ કરાયેલો છે. ગુદાના મુખ્ય રોગો છે હરસ (piles) અથવા વાહિની-મસા (haemorrhoides), ગુદ્વિદર (anal fissure), ગુદમળાશયી ગૂમડું (anorectal abscess), ગુદમળાશયી સંયોગનળી (anorectal fistula) વગેરે. હરસ અથવા વાહિની-મસામાં લોહીની નસોવાળી ઢીલી પેશી મળમાર્ગમાં ઊપસી આવે છે. મળાશયમાંનું દબાણ તેમને નીચેની તરફ ધકેલે છે. આવા નીચે તરફ ધકેલાતી પેશીના જથ્થાને મસા કહે છે. તેને કારણે તેમાં રુધિરભારિતતા (congestion) થાય છે, ઘસારો થવાથી લોહી પડે છે અને તે નીચે તરફ ખસે છે માટે તેનો અપભ્રંશ (prolapse) થાય છે. આવા સંજોગોમાં તેમની સારવાર કરવી જરૂરી બને છે. મળ ઢીલો બને માટે પુષ્કળ પાણી તથા રેસાવાળો ખોરાક, જરૂર પડે ત્યારે જુલાબ તથા સ્થાનિક શેકની સારવાર અપાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં કાઠિન્યકારી ઔષધ(sclerosing agent)નું ઇન્જેક્શન અપાય છે અથવા તેમને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે.

મળમાર્ગમાંનાં ચાંદાં(ulcer)ને ગુદાવ્રણ (anal ulcer) કહે છે. ક્યારેક તે ચીરા (fissure) રૂપે ઊંડો ઊતરેલો હોય છે ત્યારે તેને ગુદવિદર (fisure in ano, anal fissure) કહે છે. મળત્યાગ વખતે દુખાવો થાય છે અને લોહીનાં બિંદુ પડે છે. 98 % પુરુષોમાં અને 90 % સ્ત્રીઓમાં તે ગુદાનળીની પાછલી દીવાલ પર હોય છે. જો તે મધ્યરેખામાં ન હોય તો તે કૅન્સર, ક્રોહનનો રોગ કે લૈંગિક સંક્રમણથી થતો કોઈક રોગ (sexually transmitted disease) હોવાની સંભાવના સૂચવે છે. મળ ઢીલો ઊતરે, સ્થાનિક મલમ લગાડતી વખતે ગુદાછિદ્ર બહેરું થાય અને સ્થાનિક શેક મળે તેવી સારવાર અપાય છે. સ્થાનિક શેક માટે દર્દીને હૂંફાળા પાણી ભરેલા સ્નાનપાત્ર(tub)માં નિતંબ સુધી ડુબાય એવી રીતે બેસવાનું સૂચવાય છે. તેને બેઠકસ્નાનશેક (sitz bath) કહે છે. લાંબા સમયના ગુદવિદરની સારવારમાં ગુદાદ્વારરક્ષક(anal sphincter)ને કાપવામાં આવે છે. તેને પાર્શ્વ ગુદાદ્વારરક્ષકછેદન (lateral anal sphicterotomy) કહે છે. આ સાદી સારવારથી 95 % કિસ્સામાં સારું થઈ જાય છે.

ગુદા અને મળાશયની આસપાસ તથા તેમની દીવાલમાં થતાં ગૂમડાંને ગુદમળાશયી (anorectal) ગૂમડાં કહે છે અને તેમાંથી ક્યારેક ગુદમળાશયી સંયોગનળી પણ ઉદભવે છે. આ પુષ્કળ પીડાકારક રોગ છે અને તેને શસ્ત્રક્રિયા વડે મટાડી શકાય છે. ગુદાદ્વારરક્ષક જ્યારે અક્ષમ બને અને ઢીલો થાય ત્યારે દર્દી મળત્યાગનું નિયંત્રણ ગુમાવે છે. ત્યારે તેને વારંવાર થોડો થોડો મળત્યાગ થયા કરે છે તેના કારણ રૂપે સ્થાનિક રોગોમાં દ્વારરક્ષક અસરગ્રસ્ત થયો હોય છે (દા. ત., સંયોગનળી કે ઈજા) અથવા તો તેનું ચેતાકીય નિયંત્રણ ઘટ્યું હોય છે.

(13-ઔ) પરિતનગુહા, આંત્રપટ તથા ઉદરાગ્રપટલોના રોગો : પેટની પરિતનગુહામાં પાણી ભરાય તેને જળોદર (ascites) કહે છે. તે ક્ષય કે કૅન્સર જેવા સ્થાનિક રોગોમાં કે આલ્બ્યુમિનની ઊણપ, યકૃત, મૂત્રપિંડ કે અંત:સ્રાવી ગ્રંથિના દેહવ્યાપી રોગોમાં પણ જોવા મળે છે. પરિતનગુહામાં ચેપ ફેલાય ત્યારે તેને પરિતનકલાશોથ (peritonitis) કહે છે. તેનું ઉગ્ર સ્વરૂપ ઘણી વખત જઠર કે આંતરડાંમાં કાણું પડવાથી થાય છે. તે સમયે શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. ઉગ્ર પરિતનકલાશોથ જીવનને માટે સંકટરૂપ સ્થિતિ સર્જે છે.

(13-ઔ) સ્વાદુપિંડ, યકૃત તથા પિત્તમાર્ગના રોગો : સ્વાદુપિંડમાં મુખ્ય બે રોગો થાય છે : સ્વાદુપિંડશોથ (pancreatis) અને સ્વાદુપિંડનું કૅન્સર. સ્વાદુપિંડશોથના 2 પ્રકાર છે : ઉગ્ર (acute) અને દીર્ઘકાલીન (chronic). તેને થવાનાં કારણોમાં મુખ્યત્વે સ્વાદુપિંડનળીમાં પથરી, કૅન્સર કે અન્ય કોઈ કારણે થતો અવરોધ; દારૂ કે મિથેનૉલ અથવા ઑર્ગેનોફૉસ્ફરસ જૂથના કીટનાશકોની ઝેરી અસર; વિવિધ પ્રકારનાં ઔષધો; લોહીમાં ટ્રાઇગ્લિસેરાઇડ કે કૅલ્શિયમનું વધેલું પ્રમાણ; સ્વાદુપિંડને ઈજા; સ્વાદુપિંડમાં ફેલાતો મમ્સ કે અન્ય વિષાણુજન્ય ચેપ અથવા માયકોપ્લાઝ્મા કે સાલ્મોનેલાના જીવાણુઓનો ચેપ, સ્વાદુપિંડના રુધિરાભિસરણ કે નસોના વિકારો તથા અન્ય પ્રકીર્ણ કે અજ્ઞાતમૂલ વિકારોનો સમાવેશ થાય છે. લોહીમાં પ્રોટીનપાચક ઉત્સેચક (amylase) તથા મેદપાચક ઉત્સેચક(lipase)નું સ્તર જાણવાથી નિદાન કરી શકાય છે. આ ઉપરાંત લોહીના શ્વેતકોષોનું વધેલું પ્રમાણ તથા સી.એ.ટી.-સ્કૅન દ્વારા સ્વાદુપિંડનો સોજો દર્શાવવાથી નિદાનને પુષ્ટિ મળે છે. તેની આનુષંગિક તકલીફોમાં લોહીનું ઘટતું દબાણ, શ્વસનતંત્ર કે મૂત્રપિંડની નિષ્ફળતા, શરીરમાં વ્યાપક સ્વરૂપે ફેલાતો ચેપ, લોહીમાં ગ્લુકોઝ કે કૅલ્શિયમનું ઘટી જવું, સ્વાદુપિંડની આસપાસ પ્રવાહી ભરાવાથી છદમકોષ્ઠ (pseudo cyst) બનવી, સ્વાદુપિંડનો કોષનાશ (necresis) થવો વગેરેનો સમાવેશ થાય છે. રાહતદાયી ઔષધો વડે સારવાર કરાય છે.

યકૃતના અનેક વિકારોમાં કમળો કે જળોદર થાય છે. તેના મુખ્ય વિકારોમાં યકૃતશોથ (hepatitis), વિષ કે ઔષધોથી થતી યકૃતીય ઈજા, યકૃતમાં પરોપજીવી, ફૂગ કે જીવાણુથી ચિરશોથગડ (granuloma) કરતો ચેપ, વિવિધ પ્રકારના ચયાપચયી રોગો, યકૃતકાઠિન્ય (cirrhosis of liver), યકૃતકૅન્સર તથા યકૃતનિષ્ફળતા તથા યકૃતીય મસ્તિષ્કરુગ્ણતા (hepatic encephalopathy) અથવા યકૃતીય ગાઢ બેભાન અવસ્થા(hepatic coma)નો સમાવેશ થાય છે. પિત્તમાર્ગના રોગોમાં પિત્તાશય તથા પિત્તનળીઓમાં શોથ, પથરી, કૅન્સર કે અન્ય અવરોધકારક વિકારોનો સમાવેશ થાય છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી