પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)

January, 1999

પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)

ખોરાકનાં પ્રાશન, સંગ્રહ, પાચન અને શોષણ સાથે સંકળાયેલું પ્રાણીઓનું તંત્ર. જટિલ સ્વરૂપના ખોરાકને તેના વિઘટન દ્વારા સાદા સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયાને પાચન (digestion) કહે છે. આ પ્રક્રિયામાં પાણીની હાજરીમાં ઉત્સેચકો ખોરાકી પદાર્થોનું રૂપાંતરણ તેના વિવિધ એકમોમાં કરે છે. જીવરસનું બંધારણ આ એકમોને આભારી છે. આવા કેટલાક અણુઓમાં સૌરશક્તિ સંઘરેલી હોય છે. આ શક્તિ જૈવ ક્રિયાઓના સંચાલન માટે અગત્યની છે. શોષણ પછી આ તંત્રમાં રહેલ શેષ ઘટકોને, તંત્રને છેડે આવેલ મળમાર્ગમાં સંઘરવામાં આવે છે; પછી વખતોવખત તેનો ત્યાગ થાય છે.

પાચનતંત્રની મુખ્યનલિકાને અન્નમાર્ગ (alimentary canal) કહે છે. અન્નમાર્ગમાં થતાં વિવિધ કાર્યોને અનુલક્ષીને ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં તેનું વિભાજન મુખગુહા, કંઠનળી, અન્નનળી, જઠર અને આંતરડું  આમ મુખ્ય પાંચ ભાગોમાં કરવામાં આવેલું છે.

મુખગુહા : પ્રાથમિક કક્ષાએ મુખગુહા ખોરાકના પ્રાશન માટે અનુકૂલન પામેલી હોય છે. તેની અંદરની સપાટી સ્તરિત અધિચ્છદ- (stratified epithelium)થી ઘેરાયેલી હોય છે. આ અધિચ્છદનો ઉપલો સ્તર લાદીસમ (squamous) (દા. ત., માનવી), પક્ષ્મલ (ciliary) (દા. ત., દેડકો) અને શૃંગી (horny) (દા. ત., પક્ષી) જેવી પેશીઓનો બનેલો હોય છે. નીચલી કક્ષાનાં પૃષ્ઠવંશી પ્રાણીઓની અધિચ્છદ પેશીમાં શ્લેષ્મસ્રાવી (mucous secreting) કોષોનો સમાવેશ થાય છે. સસ્તનોમાં શ્લેષ્મસ્રાવી કોષો લાળગ્રંથિમાં રૂપાંતર પામેલા હોય છે.

હોઠ (lips) : સરીસૃપો અને સસ્તનોમાં મુખદ્વાર હોઠ નામે ઓળખાતાં બે માંસલ અંગો વડે ઘેરાયેલું છે. સામાન્યપણે તે જાડાં હોય છે. ચરનાર (grazing) પ્રાણીઓમાં તે પરિગ્રાહી (prehensile) અંગો તરીકે કાર્ય કરીને ખોરાકગ્રહણમાં અગત્યનો ભાગ ભજવે છે. પક્ષીઓમાં હોઠને સ્થાને શૃંગી ચાંચ આવેલી હોય છે. તે જે તે પક્ષીના વિશિષ્ટ પ્રકારના ખોરાકના ગ્રહણ માટે અનુકૂલન પામેલી હોય છે.

દંતવિન્યાસ (dentition) : માછલી, ઉભયજીવી અને સરીસૃપોમાં દાંત જડબાનાં હાડકાં કે તેની સપાટી સાથે સંલગ્ન (fused) હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ખોરાકને છટકી જતો અટકાવવામાં થાય છે. ઝેરી સાપ જેવાં પ્રાણી દાંતનો ઉપયોગ દુશ્મનના શરીરમાં વિષ રેડવામાં કરે છે. પક્ષીઓને દાંત હોતા નથી. સસ્તનોમાં દાંત જડબામાં આવેલ ગર્ત(socket)માં જડાયેલા હોય છે. દાંતનો ઉપયોગ ખોરાકનું ગ્રહણ અને તેના ટુકડા કરી ભૂકો બનાવવા જેવી પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય છે.

જીભ : માછલીઓમાં જીભ અચલિત (immovable) હોય છે. દેડકામાં જીભનો આગલો છેડો મુખગુહાની નીચલી સપાટી સાથે ચોંટેલો હોય છે, જ્યારે પાછલો છેડો મુક્ત હોય છે. કીટક જેવાં ભક્ષ્યો પોતાની આસપાસ ફરતાં હોય ત્યારે દેડકો જીભને બહાર કાઢી ભક્ષ્યને પકડે છે અને તેને તરત જ મોંમાં ધકેલે છે. સાપોમાં અને કેટલાક અન્ય સરીસૃપોમાં જીભનો આગલો છેડો દ્વિશાખીય હોય છે. તેનો ઉપયોગ ગંધગ્રાહી અંગ તરીકે થાય છે. કાચંડા(chameleon)ની જીભ લાંબી હોય છે. ભક્ષ્યને પકડવા તે પોતાની જીભને ચાબુકની જેમ મોંમાંથી બહાર કાઢી, છેડાની મદદથી ખોરાકને ઘેરે છે. તે તેને ઝડપથી મોંમાં ધકેલે છે. પક્ષીઓને માંસલ જીભ હોતી નથી. સસ્તનોમાં જીભ પરિગ્રાહી અંગ તરીકે ખોરાકનું ગ્રહણ કરવાનું અને તેને મુખગુહાની અંદર ફેરવવાનું કામ કરે છે. પરિણામે ખોરાક દાંત સાથેના સંપર્કમાં આવતાં તેનો ભૂકો બને છે, અને મોંમાં તેનું મિશ્રણ લાળરસ સાથે થાય છે. મુખગુહામાં અને ખાસ કરીને જીભ પર જાતજાતની સ્વાદગ્રાહી અંગિકાઓ (taste receptors) આવેલી હોય છે. તેની મદદથી ખોરાકને પારખવામાં આવે છે.

કંઠનળી (pharynx) : પાચનતંત્રનો આ ભાગ શ્વસનાંગ તરીકે પણ ઉપયોગી છે. માછલીઓમાં કંઠનળીના પાર્શ્વ ભાગ સાથે ઝાલરો (gills) ચોંટેલી હોય છે. પક્ષી અને સસ્તનોમાં સખત તાળવું (palate) મુખગુહાનું વિભાજન શ્વસનગુહા અને અન્નગુહા  એવા બે સ્વતંત્ર ભાગોમાં કરે છે. તાળવાની ઉપર આવેલ ભાગને નાસિકાકંઠનળી (naso-pharynx) કહે છે. જ્યારે મુખગુહાના સાતત્યમાં આવેલા ભાગને કંઠનળી (oro-pharynx) કહે છે. અન્નનળી (oesophagus)ની આગળ આવેલો ભાગ સ્વરયંત્ર-કંઠનળી (laryngo-pharynx) નામે ઓળખાય છે.

અન્નનળી : શીઘ્રગતિએ થતી ક્રમાકુંચન પ્રક્રિયા (peristalsis) એ અન્નનળીનું વૈશિષ્ટ્ય છે. અન્નનળી કંઠનળીને જઠર સાથે જોડે છે. અન્નનળીના સ્નાયુઓ સારી રીતે વિકાસ પામેલા હોય છે. માછલી અને ઉભયજીવીઓમાં પ્રમાણમાં અન્નનળી ટૂંકી હોય છે, જ્યારે સ્થળચર (terrestrial) પૃષ્ઠવંશીઓના ગરદનના વિકાસ સાથે અન્નનળી પણ લાંબી બને છે અને નિશ્ચિત સ્વરૂપ ધારણ કરે છે. માણસના શરીરમાં અન્નનળી આશરે 25.0 સેમી. જેટલી લાંબી હોય છે.

બીજગ્રહણ કરનાર અને ભક્ષ્ય પકડનાર પક્ષીઓમાં અન્નનળીનો નીચલો ભાગ અન્નપુટ(crop)ના નામે ઓળખાતો એક વિશિષ્ટ ખંડ બનાવે છે. તે અલ્પ સમય માટે ખોરાકસંગ્રાહક તરીકે ઉપયોગી નીવડે છે. વિપુલ ખોરાકનો અન્નપુટમાં સારા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવે છે. અન્નપુટમાં પચનક્રિયા થતી નથી પરંતુ લાળ તેમજ અન્નનળીમાંથી થતા સ્રાવથી ખોરાક ભીનો બને છે. પરિણામે ખોરાક જઠરમાં પ્રવેશતાં પચનક્રિયા ઝડપી બને છે. કબૂતરમાં અન્નપુટની અધિચ્છદીય પેશીમાંથી કેટલીક અન્નપુટ-ગ્રંથિઓ રચાયેલી હોય છે. સંવનનકાળ દરમિયાન તે એક ચરબીજન્ય પદાર્થનો સ્રાવ કરે છે. તેની અસર હેઠળ ખોરાકનું દહીં જેવા પદાર્થમાં રૂપાંતર થાય છે. આ પદાર્થને કબૂતરનું દૂધ (pigeon’s milk) કહે છે. પક્ષી પોતાનાં બચ્ચાંને આ દૂધ ખવડાવે છે.

જઠર (stomach) : અન્નનળી પછી કોથળી રૂપે આવેલો અન્નમાર્ગનો આ ભાગ સારી રીતે વિસ્તરેલો છે. ખોરાક અહીં અલ્પ સમય માટે સંઘરાય છે. ત્યાં ખોરાકનું પાચન પણ થતું હોય છે. ખોરાક સાથે હાનિકારક એવાં કેટલાંક રસાયણો, પરોપજીવી સજીવો અને વિષદ્રવ્યો પણ શરીરમાં પ્રવેશતાં હોય છે. જઠરમાં ખોરાકના પ્રવેશ સાથે હાઇડ્રોક્લૉરિક ઍસિડનો સ્રાવ થાય છે. તે હાનિકારક પદાર્થોને નિષ્ક્રિય બનાવે છે. ઍસિડિક માધ્યમમાં જઠરના ઉત્સેચકો ક્રિયાશીલ અને સક્ષમ બને છે. હાઇડ્રોક્લોરિક ઍસિડ આ માધ્યમ પૂરું પાડે છે.

મોટા જથ્થામાં ખોરાક લીધો હોય ત્યારે, વાગોળનારાં પ્રાણીઓ ઝડપથી તે લઈ લે છે. શાકાહારી પ્રાણીઓનું જઠર વિસ્તૃત અને પહોળું હોય છે. વાગોળનાર બળદનું જઠર 225 લિટર ખોરાક સમાય તેટલું મોટું હોય છે. વાગોળનાર પ્રાણીઓનું જઠર ચાર ખંડોમાં વિભાજિત હોય છે. ખંડોને આમાશય કહે છે. પહેલું આમાશય સૌથી મોટું એટલે કે આમાશયના કુલ 80 % જેટલું હોય છે. આ આમાશયમાં લાળમિશ્રિત ખોરાક વલોવાય છે. બૅક્ટેરિયા દ્વારા આંશિક પાચન અને આથવણ પ્રક્રિયા પણ અહીં થાય છે. અહીંથી ખોરાક આમાશયના બીજા ખંડમાં પ્રવેશે છે. ત્યાં ખોરાકનું વાગોળ(cud)માં રૂપાંતર થાય છે. વિશ્રાંતિકાળ દરમિયાન આ વાગોળ મુખગુહામાં પુન: પ્રવેશે છે. આ તબક્કે ખોરાકમાં વધુ લાળ ઉમેરાય છે. ખોરાકનું ચર્વણ થાય છે. ત્યારબાદ વાગોળ ત્રીજા અને ચોથા આમાશયમાં પ્રવેશે છે. ચોથા આમાશયમાં જઠરગ્રંથિઓ આવેલી છે. છેલ્લા આમાશયને સાચા જઠર તરીકે વર્ણવી શકાય. તેથી સામાન્ય રીતે પહેલાં ત્રણ આમાશયો અન્નનળીના શેષભાગ તરીકે પણ ઓળખાય છે.

આકૃતિ 1 : વાગોળનાર સસ્તન પ્રાણી ગાયનું જઠર

પક્ષીઓમાં જઠર ગ્રંથિલ જઠર (proventriculus) અને પેષણી (gizzard) એમ બે ભાગમાં વિભાજિત હોય છે. ગ્રંથિલ જઠરમાં ખોરાક ને શ્લેષ્મરસ (mucus) અને પાચકરસો (digestive fluids) સાથે ભેળવવામાં આવે છે. આ રસ-મિશ્રિત ખોરાક હવે પેષણીમાં પ્રવેશે છે. પેષણીને ઘંટી સાથે સરખાવી શકાય. બીજભક્ષી પ્રાણીઓ ખોરાક સાથે થોડીક કાંકરી પણ ચણી લે છે. કાંકરીને લીધે પેષણીમાં ભૂકો બની તે લોંદામાં ફેરવાય છે. પરિણામે પચનક્રિયા વેગીલી બને છે.

સસ્તનોમાં અન્નનળી અને જઠર વચ્ચે એક સ્નાયુ-મુદ્રિકા (sphinctor) આવેલી હોય છે. તે જ પ્રમાણે બીજી સ્નાયુ-મુદ્રિકા જઠર અને પક્વાશય વચ્ચે આવેલી હોય છે. માંસાહારી અને માનવીનું જઠર સાદું હોય છે. અન્નનળી સાથે સંકળાયેલ જઠરનો ભાગ પહોળો હોય છે અને ક્રમશ: બીજે છેડે તે સાંકડો બને છે. શ્લેષ્મ-પડની બનેલી જઠરની અંત:સ્થ સપાટીને ચાર ભાગમાં વહેંચી શકાય : પહેલો ભાગ અન્નનળીની સપાટીને મળતો આવે છે. બીજા ભાગમાં શ્લેષ્મનો સ્રાવ કરનાર ગ્રંથિઓ હોય છે. ત્રીજા ભાગમાં ઍસિડ તેમજ ઉત્સેચક ગ્રંથિઓ આવેલી હોય છે, જ્યારે શેષભાગમાં શ્લેષ્મનો સ્રાવ થાય છે.

આકૃતિ 2 : પક્ષી અને ગાયના અન્નમાર્ગો

આંતરડું (intestine) : જઠર પછીના અન્નમાર્ગના શેષ ભાગને આંતરડું કહે છે. શરૂઆતના ભાગમાં ખોરાકનું પાચન થાય છે, જ્યારે વચલા ભાગમાં શેષ ખોરાકનું પાચન તેમજ શોષણક્રિયા થાય છે. આ ભાગોને નાનું આંતરડું કહે છે. શેષ એટલે કે મોટા આંતરડામાં પાણીનું શોષણ કરવા ઉપરાંત અપાચિત ભાગને મળ રૂપે સંઘરવામાં આવે છે.

નાનું આંતરડું પ્રમાણમાં લાંબું હોય છે. લાંબું હોવાને કારણે આંતરડાંના શોષણક્ષેત્રનો વિસ્તાર વધે છે. વનસ્પત્યાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું પ્રમાણમાં વધુ લાંબું હોય છે. દાખલા તરીકે ગાયનું નાનું આંતરડું આશરે 45 મી. લાંબું હોય છે. માનવીમાં તેની લંબાઈ આશરે 6.5 મી. જેટલી છે. ગાય અને માનવીમાં મોટાં આંતરડાંની લંબાઈ અનુક્રમે 9 અને 2 મી. હોય છે.

આકૃતિ 3 : પૃષ્ઠવંશી પ્રાણીઓના અન્નમાર્ગ અને તેની સાથે સંકળાયેલ આનુષંગિક અંગો : (અ) દેડકો, (આ) સરીસૃપ, (ઇ) પક્ષી (કબૂતર) અને (ઈ) સસ્તન (ગિનીપિગ).

નાના આંતરડાની અંદરની સપાટીએ અનેક આડી ગડીઓ આવેલી હોય છે. તેમને ‘વર્તુલાકાર વલિક’ (plicae circulares) કહે છે. આ ગડીઓને લીધે આંતરડાંની અંદરની સપાટીનો વિસ્તાર ઘણો વધે છે. વધારામાં આ સપાટી પર સૂક્ષ્માંકુરો (villi) રૂપે અનેક પ્રવર્ધો આવેલા હોય છે. માનવીનાં આંતરડાંમાં આશરે 50 લાખ જેટલા સૂક્ષ્માંકુરો હોય છે. સૂક્ષ્માંકુરના અંદરના ભાગમાં કેશવાહિનીની જાળ આવેલી હોય છે. આ ઉપરાંત વચલા ભાગમાંથી એક મધ્યસ્થ લસિકા-કેશિકા(lymph-capillary) પસાર થાય છે. પાસે-પાસેના સૂક્ષ્માંકુરો વચ્ચે આવેલ આંતરડાની સપાટીએ લિબરકૂનની પ્રગુલ્ફિકાઓ (crypts of lieberkohn) ખૂલે છે. તેના તલસ્થ ભાગમાં પેનેથના કોષો હોય છે. આ કોષોમાં એની અનેક ખરબચડી કણિકાઓ સંઘરેલી હોય છે. તે ઉત્સેચકોનો સ્રોત ગણાય છે.

આકૃતિ 4 : પૃષ્ઠવંશી પ્રાણીઓના નાના આંતરડાની આંતરિક રચના નાનું આંતરડું પક્વાશય (duodenum), મધ્યાંત્ર (jejunum) અને ક્ષુદ્રાંત્ર (ileum) – આમ ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે.

આકૃતિ 5 : (અ) પક્વાશયમાં ખૂલતી જઠર અને સ્વાદુપિંડ ગ્રંથિઓ. (આ) આંતરડાં સાથે સંકળાયેલી શિરિકાઓની જાળ

પક્વાશય : અહીં સૂક્ષ્માંકુરો અને લિબરકૂનની પ્રગુલ્ફિકા ઉપરાંત શ્લેષ્મનો સ્રાવ કરતી બ્રુનરની ગ્રંથિઓ પણ હોય છે. અન્નમાર્ગ સાથે સંકળાયેલ યકૃત અને સ્વાદુપિંડ-ગ્રંથિઓ પણ એક સામાન્ય નલિકા દ્વારા પક્વાશયમાં ખૂલે છે. પક્વાશય અને નલિકા વચ્ચે ઑડીનો મુદ્રિકા-સ્નાયુ (sphinctor of Oddi) હોય છે. તેના નિયંત્રણ હેઠળ પક્વાશયમાં યકૃત અને સ્વાદુપિંડમાં સ્રવતા પાચકરસોનું નિયમન થાય છે.

જેજુનમ અને ક્ષુદ્રાંત્ર : જેજુનમમાં વર્તુલાકાર નલિકાઓ સારી રીતે વિકાસ પામેલી હોય છે; પરંતુ આ નલિકાની સંખ્યામાં ક્રમશ: ઘટાડો થાય છે. ક્ષુદ્રાંત્રના પશ્ચભાગમાં આ નલિકા હોતી નથી. આ પ્રદેશમાં ખાસ કરીને ક્ષુદ્રાંત્રમાં અનેક લસિકાગ્રંથિઓ (lymph-nodules) ખૂલે છે. પેયરના પટ્ટા (Payer’s patches) તરીકે ઓળખાતા અનેક સમૂહોમાં તે વહેંચાયેલી હોય છે.

મોટું આંતરડું : સસ્તનોની સરખામણીમાં અન્ય પૃષ્ઠવંશીઓમાં મોટું આંતરડું પ્રમાણમાં ટૂંકું હોય છે અને તે નાના આંતરડાથી સાવ જુદું પડેલું હોતું નથી. અસસ્તનોના મોટા આંતરડાના ગુદાદ્વારના છેડે તે અવસારણી (cloaca) નામનું એક વિશિષ્ટ અંગ બનાવે છે. અન્નમાર્ગ ઉપરાંત ઉત્સર્ગતંત્ર અને પ્રજનનાંગો-બંને માટે અવસારણી કામ કરે છે.

આકૃતિ 6 : યાકૃતશિરિકા (મધ્યસ્થ શિરાની ફરતે આવેલ યકૃત-તકતી અને યાકૃતશિરિકા)

સસ્તનોમાં મોટું આંતરડું અંધનાલ (caecum), આંત્રપુચ્છ (appendix), બૃહદાંત્ર (colon) અને મળાશય (rectum)  એમ ચાર ભાગોમાં વહેંચાયેલું હોય છે. સેલ્યુલોઝનું સારા પ્રમાણમાં પાચન થતું હોય તેવાં તૃણાહારી જેવાં પ્રાણીઓમાં અંધનાલ લાંબું અને વીંટળાયેલું હોય છે. આ પ્રદેશમાં બૅક્ટેરિયા વસે છે અને તેણે કરેલ ઉત્સેચકની અસર હેઠળ સેલ્યુલોઝનું પાચન થાય છે. માનવીમાં અંધનાલ નાનું હોય છે. તેને છેડે આંત્રપુચ્છ આવેલું હોય છે. બૃહદાંત્ર દોઢ મી. લાંબું હોય છે. શ્લેષ્મસ્તરમાં લિબરકૂનની પ્રગુહિકાઓ પ્રમાણમાં વિસ્તૃત હોય છે. આ પ્રદેશમાં શ્લેષ્મના સ્રાવ સાથે પાણીનું શોષણ પણ થાય છે. નહીં પચેલ ભાગ મળ તરીકે ઓળખાય છે અને તે મળાશયમાં સંઘરાય છે. માનવીમાં મળાશય 17 થી 18 સેમી. લાંબું હોય છે. સંઘરેલા મળને કારણે તે પહોળું બને છે. શ્લેષ્મની અસર હેઠળ મળ ગુદા-દ્વાર તરફ ખસે છે. મળમાં નહિ પચેલા શેષ ખોરાક ઉપરાંત પિત્તરસ, શ્વેતકણ, બૅક્ટેરિયા, શ્લેષ્મ, ઉત્સેચકો અને વિઘટન પામેલ અધિચ્છદ કોષોના ભંગાર જેવાનો સમાવેશ થાય છે. બૅક્ટેરિયા પ્રોટીનોનું વિઘટન કરીને નિરુપયોગી ઘટકોમાં રૂપાંતર કરે છે. આ નકામા પદાર્થોમાં ટ્રિપ્ટોફૅનના વિઘટનથી બનેલા ઇંડોલ અને સ્કૅટૉલ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. મળની દુર્ગંધ માટે આ રસાયણો જવાબદાર હોય છે.

યકૃત : અન્નમાર્ગ સાથે સંકળાયેલી આ ગ્રંથિ ચયાપચયની દૃષ્ટિએ અત્યંત મહત્વની છે. આંતરડામાંથી પસાર થતું રુધિર, શોષણ કરેલા ખોરાકને યાકૃતિક નિવાહી શિરા (hepatic portal vein) દ્વારા યકૃતમાં ઠાલવે છે. યકૃતમાં રુધિર દ્વારા પ્રવેશેલા ખોરાકના કેટલાક અંશ સંગૃહીત થાય છે. જરૂરિયાત પ્રમાણે સંઘરેલા ખોરાક પર ચયાપચયી પ્રક્રિયાઓ થતી હોય છે.

યકૃતની રચનાને તકતીઓની બનેલી ત્રિમિતીય જાલક (network) સાથે સરખાવી શકાય. યકૃતના કોષો મુખ્યત્વે યાકૃતિક-મૃદુતક (hepatic parenchyma) કોષોના બનેલા હોય છે. પેશી વચ્ચે જ્યાં ત્યાં નળાકાર (tubular) અવકાશ હોય છે. તેને યાકૃતિક કક્ષ (labyrinth hepatus) કહે છે. આ કક્ષ યાકૃતિક કેશિકા (liver capillaries) કે શિરાકીય ગુહા(sinusoids)થી વ્યાપેલો હોય છે. યકૃતના કાર્યાત્મક એકમો આ ગુહાકીય તંત્ર સાથે જોડાયેલા હોય છે, અને તે નિવાહી (portal) અને યકૃત-નલિકાના સંપર્કમાં હોય છે.

શિરાકીય ગુહા અને યકૃત-કક્ષ વચ્ચે આવેલ અવકાશને ડિસ્સેનો અવકાશ કહે છે. મૃદુતક પેશીમાં આવેલા સૂક્ષ્માંકુરો શિરાકીય ગુહાના સંપર્કમાં હોય છે.

આકૃતિ 7 : યકૃતની ત્રિમિતીય સૂક્ષ્મરચના

પિત્તતંત્ર (bile system) : મૃદુતક કોષો વચ્ચેથી પિત્તનલિકાઓ(bile canaliculi) પસાર થાય છે. મૃદુતક કોષોની ફરતે આ નલિકાઓ ષટ્કોણી જાલ બનાવે છે. હાલની માન્યતા મુજબ તે મૃદુતક પેશીને આંતર અવકાશના વિસ્તરણ તરીકે ગણવામાં આવે છે. અન્નમાર્ગની વિશ્રામી અવસ્થામાં પિત્તરસનો સંગ્રહ પિત્તાશય(gall bladder)માં કરવામાં આવે છે. પચનક્રિયા દરમિયાન એક સામાન્ય નલિકા પિત્તરસ અને સ્વાદુરસને પક્વાશયમાં ઠાલવે છે.

સ્વાદુપિંડ : બાહ્યસ્રાવી (exocrine) તેમજ અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓનું બનેલું આ એક સંયુક્ત અંગ છે. બાહ્યસ્રાવી કોષોનો સ્રાવ એક સામાન્ય નલિકામાંથી વહે છે અને આ સ્રાવ પક્વાશયમાં ઠલવાય છે. અંત:સ્રાવી કોષો સ્રાવને સીધો રુધિરવાહિનીઓમાં ઠાલવે છે.

બાહ્યસ્રાવી સ્વાદુપિંડ : આ ભાગની પેશી મુખ્યત્વે ગુચ્છ-કોષ્ઠકો(acini)ની બનેલી હોય છે. કોષ્ઠકોના કોષો પિરામિડ આકારના હોય છે. આ કોષોનો તલસ્થ પ્રદેશ કોષ્ઠકની બાહ્ય સપાટી બનાવે છે, જ્યારે સાંકડો છેડો ગ્રંથિની અંદરની સપાટીએ આવેલો હોય છે. તલસ્થ ભાગમાં કોષકેન્દ્ર હોય છે. અને ત્યાં ગૉલ્ગિ સંકુલ (Golgi complex) સારી રીતે વિકાસ પામેલું હોય છે. સ્વાદુપિંડની મુખ્ય નલિકા વિસર્ગ નલિકા તરીકે ઓળખાય છે. તે યકૃતનલિકાની સાવ નજદીક પક્વાશયમાં ખૂલે છે. સ્વાદુપિંડના મુખ્ય ભાગમાં એક સહાયક (accessory) નલિકા આવેલી હોય છે. તેને સેન્ટોરિનીની નલિકા કહે છે. તે પણ સ્વાદુરસને પક્વાશયમાં ઠાલવે છે.

આકૃતિ 8 : સ્વાદુપિંડની સૂક્ષ્મ રચના

અંત:સ્રાવી સ્વાદુપિંડ : બાહ્યસ્રાવીની વચ્ચે જ્યાં ત્યાં લૅંગરહૅન્સના કોષપુંજ (islets of Langerhans) પ્રસરેલા હોય છે. પ્રત્યેક કોષપુંજનો વ્યાસ 30થી 300 માઇક્રોમી. વચ્ચે હોય છે. પુખ્ત માનવીના સ્વાદુપિંડમાં 2 લાખથી 23 લાખ જેટલા કોષપુંજો આવેલા હોય છે. આ કોષપુંજો બાહ્ય સપાટીએથી સંયોજક પેશીથી ઘેરાયેલા હોય છે. કોષપુંજના કોષ સૂત્રાકારે ગોઠવાયેલા હોય છે. પુંજમાં α અને β એમ બે પ્રકારના કોષો હોય છે. α કોષોમાં અમ્લરંજક કણો આવેલા હોય છે. તે આલ્કોહૉલમાં અદ્રાવ્ય હોય છે. β કોષોમાં અલ્કલીરંજક અને આલ્કોહૉલમાં દ્રાવ્ય કણો હોય છે.

આ કોષો ઉપરાંત સ્વાદુપિંડમાં D અને 6 અન્ય પ્રકારના કોષો પણ આવેલા હોય છે. D કોષો સ્ટોમૅટોસ્ટેનિનનો સ્રાવ કરે છે. બાળકોમાં D સવિશેષ હોય છે. D કોષો અંત:સ્રાવી કોષોનું નિયમન સ્થાનિક કક્ષાએ કરે છે. અન્ય કોષો પૉલિપેપ્ટાઇડો, ગૅસ્ટ્રિન અને સીક્રિટિન જેવા પાચક રસોના સ્રાવ કરે છે.

પચનક્રિયા

ખોરાકના ઘટકો પ્રાણીઓનો બાંધો મજબૂત કરે એવાં તત્ત્વો પૂરાં પાડવા ઉપરાંત, કાર્યશક્તિના સ્રોત તરીકે અગત્યનો ભાગ ભજવે છે. આહારમાં સંકીર્ણ સ્વરૂપના કાર્બોદિતો, લિપિડો, પ્રોટીનો ઉપરાંત વિટામિનો હોય છે. સાદાં ખનિજતત્ત્વો અને પાણી પણ સજીવોના આવશ્યક પોષણકારી ઘટકો બને છે.

પચનક્રિયા એ બાહ્યકોષીય પ્રક્રિયા છે. તે અન્નમાર્ગના પોલાણમાં પ્રવર્તે છે. જાતજાતની ગ્રંથિઓ અન્નમાર્ગમાં ખૂલતી હોય છે. તેમાં શ્લેષ્મસ્રાવી ગ્રંથિઓ, હાઇડ્રોક્લૉરિક ઍસિડ અને વિવિધ ઉત્સેચકોના સ્રાવોનો સમાવેશ થાય છે. વળી તેમાં વિવિધ કક્ષાએ પચનક્રિયાનું નિયમન કરતી અંત:સ્રાવી ગ્રંથિઓ પણ આવેલી હોય છે. પચેલા અને વિટામિનો જેવા દ્રાવ્ય સ્વરૂપના અન્ય ખોરાકી પદાર્થોને યકૃતનિવાહી તંત્ર યકૃત તરફ લઈ જાય છે. યકૃતમાં ખોરાકના વિશિષ્ટ ઘટકો પર ચયાપચયી પ્રક્રિયા થાય છે. અદ્રાવ્ય સ્વરૂપના વિશિષ્ટ ખોરાકનો સંગ્રહ પણ ત્યાં થતો હોય છે. રુધિર વાટે યકૃતમાંથી પસાર થતો ખોરાક વિવિધ અંગો તરફ યોગ્ય પ્રક્રિયા માટે જાય છે.

મુખગુહા : મુખગુહા ખોરાકનું ગ્રહણ કરે છે. ઘણાં પ્રાણીઓની મુખગુહામાં દાંત હોય છે. કેટલાંક પ્રાણીઓમાં આ દાંત ભક્ષ્યને છટકી જતાં અટકાવે છે. સસ્તનોના દાંત ચર્વણક્રિયામાં મદદરૂપ બને છે. તેનાથી ખોરાકનો ભૂકો થાય છે. મુખગુહામાં સ્રવતા લાળરસ સાથે તેનું મિશ્રણ થાય છે અને તેનો લોંદો બને છે. ખોરાકનો લોંદો બનાવવામાં જીભ અગત્યનો ભાગ ભજવે છે. લાળરસમાં 98 %થી 99.5 % જેટલું પાણી હોય છે. પાણી ઉપરાંત લાળરસમાં એક ચીકણો પદાર્થ મ્યુસિન અને ઉત્સેચક -એમાયલેઝ (ટાયલિન) હોય છે. જીવાણુવિરોધી તત્વ લાયસોઝોમ પણ લાળરસમાં હોય છે. ખોરાકને ભીનો બનાવવા ઉપરાંત તેનું ઊંજણ (lubrication) કરવામાં પણ લાળરસ અગત્યનો ભાગ ભજવે છે. એમાઇલેઝની અસર હેઠળ સ્ટાર્ચનું વિઘટન ડેક્સ્ટ્રિન જેવી શર્કરાની નાની શૃંખલામાં થાય છે. મુખગુહામાંથી ગ્રસની (pharynx) વાટે ખોરાક અન્નમાર્ગમાંથી પસાર થઈ જઠરમાં પ્રવેશે છે.

જઠરમાં શ્લેષ્મરસ ઉપરાંત, હાઇડ્રોક્લૉરિક ઍસિડ (HCl) અને કેટલાક ઉત્સેચકોનો સ્રાવ થાય છે. ઍસિડ જલદ હોય છે. તેનો pH 1.0 જેટલો જલદ હોય છે; પરંતુ જઠરમાં તે અન્ય પ્રવાહી સાથે ભળતાં સહેજ મંદ(pH 2.0) બને છે. આ જલદ ઍસિડની અસર હેઠળ જઠરમાં પ્રવેશ પામનાર અનેક સૂક્ષ્મજીવો (ખાસ કરીને બૅક્ટેરિયા અને પરોપજીવી સજીવો) નિષ્ક્રિય બને છે, અને/અથવા નાશ પામે છે. ઍસિડને લીધે પ્રોટીનોનું અવક્ષેપન થાય છે. તેથી ખોરાકનો સંગ્રહ સહેલો બને છે. જઠરમાં અક્રિયાત્મક પેપ્સિનોજનના સ્વરૂપમાં પેપ્સિન ઉત્સેચકનો સ્રાવ થતો હોય છે. HCl તેને ક્રિયાશીલ બનાવે છે. સસ્તનોની બાલ્યાવસ્થામાં વધારામાં રેનિન ઉત્સેચકનો પણ સ્રાવ કરે છે. તેની અસર હેઠળ દૂધની જમાવટ (coagulation) થાય છે, જે દૂધમાં રહેલ કેસિનના પાચનમાં મદદરૂપ નીવડે છે. જૂજ પ્રમાણમાં કાર્બોદિતો અને લિપિડોનું પણ પાચન જઠરમાં થવાની શક્યતા ખરી. આમ તો લાળરસમાં રહેલ ઉત્સેચક ટાયલિન પણ ખોરાક સાથે જઠરમાં પ્રવેશે છે અને તે કાર્બોદિતને પચાવી શકે છે. જોકે HClની અસર હેઠળ ટાયલિન થોડા જ સમયમાં નિષ્ક્રિય બને છે. જઠરમાં અલ્પ પ્રમાણમાં લિપેઝ ઉત્સેચકનો સ્રાવ થાય છે. તે ઈંડાંમાં રહેલ જરદી જેવા લિપિડોનું પાચન કરે છે.

જઠરમાં ખોરાકનો પ્રવેશ થતાં, તેના સંપર્કની અસર હેઠળ અથવા તો દશમી મસ્તિષ્કચેતાની અસર હેઠળ જઠરની સ્રાવ-ગ્રંથિઓ ઉત્તેજિત બને છે. ઉપરાંત, ખોરાકના સંપર્કથી જઠરની દીવાલમાં આવેલ અંત:સ્રાવી ગ્રંથિ ક્રિયાશીલ બનીને તે ગૅસ્ટ્રિનનો સ્રાવ કરે છે. ગૅસ્ટ્રિન અંત:સ્રાવને લીધે જઠરમાં પચનક્રિયા સાથે સંકળાયેલી ગ્રંથિઓ ક્રિયાશીલ બને છે. અન્નમાર્ગમાં ક્રમાકુંચન(peristalsis)થી ખોરાક આગળ ખસે છે. જઠરની દીવાલમાંથી થતા ક્રમાકુંચક ગતિ(peristaltic movement)ના તરંગો  ખોરાકને આગળ ધકેલે છે; પરંતુ પક્વાશયદ્વાર સાથે સંકળાયેલા મુદ્રિકા-સ્નાયુને લીધે પક્વાશયમાં પ્રવેશવાને બદલે ખોરાક ફરીથી જઠરની દીવાલ તરફ ધકેલાય છે. આ પ્રક્રિયા પુન: પુન: થવાથી જઠરમાં ખોરાક વલોવાય છે. ખોરાકનું મિશ્રણ સારી પેઠે થાય છે; તેનો સમરસ થાય છે. કોઈક વાર વમન(vomitting)ની પ્રક્રિયા થતાં ખોરાક ઊંધી દિશાએ ધકેલાય છે અને મોં વાટે બહાર નીકળે છે. આ પ્રક્રિયામાં પ્રથમ ઉદર-દીવાલના સ્નાયુઓ સંકોચન પામતાં, જઠર યકૃત અને ઉરોદરપટલ સાથે અથડાય છે. પરિણામે જઠર સંપીડન દાબ(compression-pressure) અનુભવે છે. ખોરાકનું વહન ઊલટી દિશાએ થતાં ખોરાક મુખગુહા તરફ ધકેલાય છે.

જઠરમાં હાઇડ્રોક્લૉરિક ઍસિડ અને પેપ્સિનના સ્રાવનું પ્રમાણ વધે અને રક્ષણાત્મક એવા શ્લેષ્મના સ્રાવનું પ્રમાણ ઘટે તો માનવી જઠરીય વ્રણ(peptic ulcer)થી પીડાય છે; પરંતુ સામાન્યપણે માત્ર થોડાક સમયમાં ઍસિડ પક્વાશયમાં પ્રવેશવાથી ત્યાં તે આલ્કલીના સંપર્કમાં આવે છે અને ઍસિડનું તટસ્થીકરણ થાય છે. જો આમ ન બને તો પક્વાશયી વ્રણનો ભોગ બનવાની શક્યતા વધે છે.

મર્યાદિત પ્રમાણમાં પાણી, આલ્કોહૉલ, લવણો અને ગ્લુકોઝ જેવા ખોરાકી પદાર્થોનું શોષણ જઠરમાં થાય છે. (વિટામિન B12ના શોષણમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે.) જોકે આ પદાર્થો દ્રાવ્ય સ્વરૂપમાં હોવાથી ઝડપથી પક્વાશયમાં પ્રવેશતા હોય છે; તેથી જઠરમાં થતી શોષણ-પ્રક્રિયા અત્યંત મર્યાદિત હોય છે.

પક્વાશય : જઠરમાં ખોરાક સાથે ઍસિડ ભળવાથી, પક્વાશયમાં પ્રવેશેલ ખોરાકના માધ્યમનું pH 1.5 થી 2.0 જેટલું હોય છે. આ ઍસિડ પેશી માટે હાનિકારક હોવાથી સત્વરે તેનું તટસ્થીકરણ થાય તે અગત્યનું છે. પિત્ત અને અન્ય પક્વાશયી રસો આલ્કલિક હોવાથી ત્યાં ઍસિડનું તટસ્થીકરણ ઝડપથી થાય છે. વળી પક્વાશયમાં ખોરાકનું સંતુલન (equillibrium) થાય છે અને તે સમસાંદ્ર (isotonic) સ્થિતિ પ્રાપ્ત કરે છે. ખોરાકનું તટસ્થીકરણ અને પરાસરી સંતુલન (osmotic equillibrium) થતાં પચનક્રિયા ઝડપી બને છે.

પક્વાશયમાં પ્રવેશનાર સ્વાદુપિંડ-રસનું pH 8.4થી 8.9 વચ્ચે હોય છે. તેના અગત્યના અકાર્બનિક ઘટકો તરીકે સોડિયમ, પોટૅશિયમ, અને બાયકાર્બોનેટ આયનો આવેલા હોય છે. પ્રોટીન તેનું કાર્બનિક ઘટક છે.

પ્રોટીનનું પાચન : ટ્રિપ્સિન એક અગત્યનું પ્રોટીન-વિઘટક (proteolytic) ઉત્સેચક છે. સ્વાદુપિંડમાંથી તેનો સ્રાવ ટ્રિપ્સિનોજનના અક્રિયાત્મક સ્વરૂપમાં થાય છે. આંતરડામાંથી સ્રવતો એક ઉત્સેચક એન્ટેરોકાઇનેઝ, ટ્રિપ્સિનોજનને ક્રિયાશીલ સ્વરૂપમાં એટલે કે ટ્રિપ્સિનમાં ફેરવે છે. ટ્રિપ્સિન પણ ટ્રિપ્સિનોજન-અણુઓને ટ્રિપ્સિનમાં ફેરવી શકે છે. ટ્રિપ્સિન ઉત્સેચક મુખ્યત્વે લાયસીન અને એર્જિનીનના કાર્બોક્સિલ સમૂહના બનેલા પેપ્ટાઇડ બંધોનું વિઘટન કરે છે. એક અન્ય ઉત્સેચક કાઇમોટ્રિપ્સિન ઍરોમૅટિક તેમજ ટ્રિપ્ટોફેન ઍમિનોઍસિડો સાથે સંકળાયેલ પેપ્ટાઇડ બંધનોનું વિઘટન કરે છે. કાઇમોટ્રિપ્સિનનો સ્રાવ અક્રિયાશીલ સ્વરૂપમાં કાઇમોટ્રિપ્સિનોજેન તરીકે થાય છે. ટ્રિપ્સિન તેને ક્રિયાત્મક સ્વરૂપ કાઇમોટ્રિપ્સિનમાં ફેરવે છે. ઉપર્યુક્ત બંધનો પેપ્ટાઇડ શૃંખલાના અંદરના ભાગમાં આવેલાં હોય છે. તેને લીધે પ્રોટીનનું વિઘટન નાના નાના પેપ્ટાઇડો તરીકે થાય છે. અંદરના ભાગમાંથી પ્રોટીનનું વિઘટન કરનાર પેપ્સિન, ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન જેવા ઉત્સેચકોને એંડોપેપ્ટિડેઝ કહે છે. રેનિન ઉત્સેચક દૂધને જમાવે (coagulation) છે અને કેસિન અને જિલેટિનનું નિર્જલીકરણ કરે છે.

એંડોપેપ્ટિડેઝ ઉપરાંત છેડેથી આવેલાં પેપ્ટાઇડ બંધનોનું વિઘટન કરનાર ઉત્સેચકો પણ હોય છે. તે એક્ઝોપેપ્ટિડેઝ તરીકે ઓળખાય છે. પ્રોટીનના કાર્બૉક્સિર્લ છેડેથી વિઘટન કરનાર ઉત્સેચકને કાર્બૉક્સિપેપ્ટિડેઝ કહે છે, જ્યારે ઍૅમાઇનો છેડેથી વિઘટન કરનાર ઉત્સેચક ઍૅમાઇનોપેપ્ટિડેઝ તરીકે ઓળખાય છે.

વિવિધ પ્રોટીન-વિઘટક ઉત્સેચકોની અસર હેઠળ પ્રોટીન અણુ સૌપ્રથમ નાની નાની પેપ્ટાઇડ શૃંખલાઓમાં વિભક્ત થાય છે અને આ શૃંખલાઓનું પણ વિઘટન થતાં પ્રોટીનના એકમો તરીકે આવેલા બધા ઍમાઇનોઍસિડના અણુઓ એકબીજાથી સાવ છૂટા થાય છે.

કાર્બોદિતોનું પાચન : સ્વાદુપિંડમાંથી એમાઇલેઝ ઉત્સેચક તેના અક્રિયાશીલ સ્વરૂપમાં આંતરડામાં પ્રવેશે છે. ત્યાં તેનું ક્રિયાશીલ એમાઇલેઝમાં રૂપાંતર થાય છે. આ ઉત્સેચક સ્ટાર્ચનું મુખ્યત્વે માલ્ટોઝના અણુઓમાં રૂપાંતર કરે છે. માલ્ટોઝ દ્વિશર્કરાણુ (disaccharide) શર્કરા છે. માલ્ટેઝ ઉત્સેચક માલ્ટોઝનું ગ્લુકોઝના બે અણુઓમાં વિઘટન કરે છે. ખાંડ પણ દ્વિશર્કરા છે. શુક્રેઝ ઉત્સેચક તેનું વિઘટન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુઓમાં કરે છે. દૂધમાં રહેલી દ્વિશર્કરાનું પાચન લૅક્ટેઝ ઉત્સેચક કરે છે. આમ દ્વિશર્કરાઓનું વિઘટન થતાં તેઓ એકશર્કરામાં ફેરવાય છે.

ઉપર મુજબ કાર્બોદિતોનું પાચન સંપૂર્ણ થતાં તેમાંથી તે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગૅલૅક્ટોઝ એકશર્કરા અલગ થાય છે.

ચરબીનું પાચન : સ્વાદુપિંડ-લિપેઝને સ્ટીએપ્સિન કહે છે. તેની અસર હેઠળ તટસ્થ ચરબીનું સંપૂર્ણ પચન થતાં તેનું વિઘટન ગ્લિસરીનના એક અણુ અને મેદઅમ્લના 3 અણુઓમાં થાય છે. ઘણી વાર ગ્લિસરીન સાથે સંયોજન પામેલા 3 મેદઅમ્લના અણુઓમાંથી, માત્ર બે અણુઓ અલગ થાય છે. આંશિક પાચનની નીપજરૂપ અણુ મૉનોગ્લિસરાઇડ તરીકે ઓળખાય છે. પિત્તરસમાં આવેલાં પિત્ત-લવણો, પાણી અને ચરબીના અણુ વચ્ચે આવેલ પૃષ્ઠ-તણાવને ઘટાડવાથી ચરબીનું પાચન ઝડપી બને છે.

સ્વાદુપિંડમાંથી થતા પાચકસ્રાવોનું નિયમન : પક્વાશયમાં પ્રવેશ પામતા જઠરીય ઍસિડના માધ્યમ હેઠળ પક્વાશયમાંથી ‘સીક્રિટિન’ નામે ઓળખાતા એક કારક(factor)નો સ્રાવ થાય છે. આ એક પૉલિપેપ્ટાઇડ અણુ છે. ટ્રિપ્સિન અને પેપ્સિન તેને પચાવી શકે છે. સીક્રિટિનના પ્રભાવ હેઠળ સ્વાદુપિંડમાંથી એક મંદ-આલ્કલિક માધ્યમનો સ્રાવ થાય છે. આલ્કલીની અસર હેઠળ આંતરડાંમાંથી પસાર થતા ખોરાક માધ્યમનું તટસ્થીકરણ થાય છે. તટસ્થીકરણ થતાં પક્વાશય અને જેજુનમના આગલા ભાગમાં આવેલી પેશીમાંથી પૅન્ક્રિયોઝાયમિન અંત:સ્રાવ ઝરે છે. આ અંત:સ્રાવની ઉત્તેજના હેઠળ એક સહેજ જાડા અને ઉત્સેચકપૂર્ણ પાચક રસનો સ્રાવ થાય છે. પરિણામે પચનક્રિયા વેગીલી બને છે.

પિત્તરસ : અકાર્બનિક લવણો, પિત્તલવણો, પિત્તરંજકો અને કોલેસ્ટેરૉલના મિશ્રણથી બનેલ આલ્કલિક પદાર્થ તે પિત્તરસ. પિત્તલવણો તરીકે ગ્લાયકોકોલિક અને ટૉરોકોલિક ઍસિડનાં સોડિયમ સાથે બનેલાં લવણો છે. ચરબીના પાયસીકરણ(emulsification)માં તે લવણો અગત્યનાં છે. પાયસીકરણથી ચરબીના ગોળકો નાના બને છે. તેને કારણે ચરબીના અણુઓ ઉત્સેચકોના સંપર્કમાં આવે છે. પીતવર્ણી બાઇલીરુબિન અને આછા લીલા રંગનું બાઇલિવર્ડિન – આમ બે પ્રકારના પિત્તરંજકો પિત્તરસમાં આવેલા હોય છે. હીમોગ્લોબિનના વિઘટનથી બાઇલીરુબિનનું નિર્માણ થાય છે, જ્યારે બાઇલીરુબિનનું ઑક્સિડેશન થતાં તે બાઇલિવર્ડિનમાં રૂપાંતર પામે છે. આ રંજકો અવશિષ્ટ (waste) નીપજ છે અને મળ સાથે તે નીકળી જાય છે.

પિત્તરસનો સ્રાવ ચેતાકીય અને અંત:સ્રાવોના નિયંત્રણ હેઠળ થાય છે. પિત્તાશયમાંથી પક્વાશયમાં તેનું વિમોચન પક્રિયોઝાયમિન અંત:સ્રાવને લીધે થાય છે.

ખોરાકનું શોષણ : ખોરાકનું શોષણ નિષ્ક્રિય (passive) અને ક્રિયાત્મક (active)-આમ બે પ્રકારે થાય છે. નિષ્ક્રિય શોષણ ભૌતિક પ્રક્રિયા છે અને તે કોષરસના બંધારણ પર આધારિત હોય છે. રસપડની બંને બાજુએ આવેલ અવીજદ્રાવકો(nonelectrolytes)ના સંકેંદ્રણના પ્રમાણમાં પ્રસરણના દરમાં વધઘટ થાય છે. મોટાભાગની દવાઓ (drugs) અને મેદદ્રાવ્ય વિટામિનોનું શોષણ નિષ્ક્રિય રીતે થાય છે. ઉચ્ચ અણુભાર ધરાવતા દ્રાવ્ય ઘટકો નિષ્ક્રિય રીતે રસપડમાંથી પસાર થતા નથી.

રાસાયણિક અને વીજળિક ઢાળના સંકેંદ્રણની વિરુદ્ધ, રસપડમાંથી પસાર થતાં પોષકદ્રવ્યોનું વહન ક્રિયાત્મક રીતે થાય છે. આ પ્રક્રિયામાં કાર્યશક્તિ અગત્યની છે. મુખ્યત્વે ક્રિયાત્મક વહનમાં સ્વીકારક-અણુઓ (receptor molecules) અગત્યનો ભાગ ભજવે છે. વળી છદમ-પાદ (pseudo-podium) કે રફલ જેવી અંગિકા વડે ખોરાકને ઘેરી તેને આત્મસાત્ કરવામાં આવે છે. ઉચ્ચતર પ્રાણીઓનાં આંતરડાંમાં આવેલા શ્લેષ્મકોષો તેમજ પ્રજીવ સમુદાયનાં પ્રાણીઓ આ પ્રકારે ખોરાકનું શોષણ કરે છે. આ શોષણપદ્ધતિને અંત:કોષગ્રહણ (endocytosis) કહે છે.

પ્રોટીનનું શોષણ : ટ્રિપ્ટોફૅન જેવા ઍમિનોઍસિડો નિષ્ક્રિય શોષણથી એટલે કે પ્રસરણપ્રક્રિયા અનુસાર શોષાય છે. કેટલાંક પેપ્ટિડો આંતરડાંના સ્તંભાકાર કોષોના સંપર્કમાં આવતાં તેમનું વિઘટન કોષોની અંદર થાય છે. આમ આ એક આંતરકોષીય (intracellular) પ્રક્રિયા છે. મોટાભાગનાં ઍમિનોઍસિડોનું શોષણ ક્રિયાત્મક રીતે થાય છે. લ્યુસીન અને મેથાયનીન જેવા તટસ્થકો માટે તથા ઍમિનોઍસિડોના શોષણ માટે પરિવહનની વ્યવસ્થા એકસરખી હોય છે. બેઝિક ઍસિડોના શોષણ માટે પણ અલગ વ્યવસ્થા હોય છે.

કાર્બોદિતોનું શોષણ : સાદા એટલે કે એકશર્કરાના શોષણ માટે ક્રિયાત્મક વહનની વ્યવસ્થા હોય છે. એક માન્યતા મુજબ ગ્લુકોઝના વહનમાં ફૉસ્ફોરિલેશન પ્રક્રિયા અગત્યની છે, પરંતુ વહન દરમિયાન ગ્લુકોઝના અણુઓમાં આ પ્રક્રિયાને અનુરૂપ ફેરફારો થતા હોવાના નિશ્ચિત પુરાવાઓ ઉપલબ્ધ નથી. નવજાત શિશુઓના આંતરડામાં લૅક્ટેઝ ઉત્સેચક સારા પ્રમાણમાં જોવા મળે છે. જોકે થોડા જ મહિનાઓમાં આ પ્રમાણ સાવ ઘટે છે. સામાન્યપણે જેજુનમમાં આગલા પ્રદેશમાં કાર્બોદિતોનું શોષણ સંપૂર્ણપણે થાય છે.

ચરબીનું શોષણ : અગાઉ જણાવ્યા પ્રમાણે લિપેઝ ઉત્સેચકની અસર હેઠળ ચરબીના અણુઓનું પાચન થાય છે. પચનક્રિયા સંપૂર્ણ થતાં ચરબીના અણુદીઠ ગ્લિસરૉલનો એક અણુ અને મેદ-અમ્લના ત્રણ અણુઓ અલગ થાય છે. આંશિક ચરબીના અણુનું વિઘટન મૉનોગ્લિસરાઇડ અને મેદઅમ્લના બે અણુઓમાં થાય છે.

પિત્તલવણો અને કોલેસ્ટેરૉલના અણુઓ એકઠા થતાં અન્નમાર્ગમાં એક વિશિષ્ટ પ્રકારનું દ્રાવણ બને છે. આ દ્રાવણ મિસેલ નામે ઓળખાતાં હાઇડ્રોકાર્બન શૃંખલામાંથી નિર્માણ થયેલ સૂક્ષ્મબિંદુઓનું બનેલું હોય છે. હાઇડ્રોકાર્બન શૃંખલાના ધ્રુવીય (polar) શીર્ષના બનેલા કવચની અંદર ભારવિહોણી પૂંછડી સમાઈ જતાં આ સૂક્ષ્મબિંદુ બને છે. મિસેલના સંપર્કમાં આવતા મૉનોગ્લિસરાઇડો અને મેદઅમ્લો પાણીમાં દ્રાવ્ય બને છે. મિસેલ દ્રાવણ ખોરાકી ચરબીના અણુઓ અને અન્ય અદ્રાવ્ય તત્ત્વો માટે સામાન્ય શોષણપથ બને છે. ગ્લિસરૉલ અને મેદઅમ્લની નાની શૃંખલાઓ જલદ્રાવ્ય હોય છે. એનું શોષણ અન્ય ખોરાકી અણુઓની જેમ થાય છે. પુખ્ત પ્રાણીઓમાં અંત:કોષગ્રહણપદ્ધતિ દ્વારા પણ ચરબીના અણુઓનું શોષણ થતું હોય છે. શ્લેષ્મકોષો(mucosal cells)માં અણુઓનું શોષણ થતાં, ત્યાં ATP અને સહઉત્સેચક-એની મદદથી તેમનું સંશ્લેષણ ચરબીના અણુઓમાં થાય છે. આ એક નોંધપાત્ર ઘટના છે.

પ્રવાહી પદાર્થો અને વીજદ્રાવકોનું શોષણ : આંતરડાની સપાટીએથી સારા પ્રમાણમાં પ્રવાહી પદાર્થોનું શોષણ થતું હોય છે. અન્નમાર્ગમાંથી વહેતા જઠર, પિત્ત, સ્વાદુપિંડ અને આંતરડામાંથી થતા વિવિધ સ્રાવોનું પરિમાણ આશરે 8 લિટર જેટલું થાય છે; પરંતુ માત્ર 100 સી. સી. પ્રવાહી મળ દ્વારા નીકળે છે. વીજ-દ્રાવકોનું શોષણ આંતરડાની બંને સપાટીએથી થયા કરે છે.

મ. શિ. દૂબળે