પાગનીસ વિષ્ણુપંત

January, 1999

પાગનીસ, વિષ્ણુપંત (. 1 નવેમ્બર 1892, કર્ણાટક રાજ્યના ચિકોડી ગામમાં; . 3 ઑક્ટોબર 1943) : હિંદી તથા મરાઠી ચલચિત્રોના અભિનેતા, ભજનિક અને સંગીતકાર. આંગળીના વેઢે ગણી શકાય એટલાં ચલચિત્રોમાં જ તેમણે કામ કર્યું; પણ ખાસ કરીને મહારાષ્ટ્રના સંત કવિ તુકારામના જીવન પરથી બનેલા ચિત્ર ‘સંત તુકારામ’માં તેમણે જે અદ્ભુત અભિનય કર્યો અને સંતના પાત્રને જે રીતે આત્મસાત્ કર્યું તે અદ્વિતીય ગણાય છે.

વિષ્ણુપંત પાગનીસ

મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા વિષ્ણુપંત કિશોરવયના હતા ત્યારથી મરાઠી રંગમંચમાં પ્રવૃત્ત થઈ ગયા હતા. બાળપણમાં તેઓ સંગીત પણ શીખ્યા હતા. નાટકોમાં મુખ્યત્વે તેમણે સ્ત્રીપાત્રો ભજવ્યાં. રાધા, શારદા તથા શકુન્તલાનાં પાત્રો તેઓ ખૂબ પ્રભાવક રીતે ભજવતા. 1921માં તેઓ કોલ્હાપુર ખાતે મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીમાં જોડાયા. ‘સુરેખાહરણ’ નામના એક મૂક ચિત્રમાં તેમણે સ્ત્રીપાત્ર ભજવ્યું; પણ ચલચિત્રોમાં ઝાઝો રસ ન પડતાં કંપની છોડી દઈને મહિને છ રૂપિયાના પગારે મુંબઈની એક મ્યુનિસિપલ શાળામાં સંગીતશિક્ષક તરીકે નોકરી સ્વીકારી લીધી. અભિનયના શોખને કારણે તેઓ નાટકો અને ચલચિત્રોના સંપર્કમાં તો રહ્યા જ. 1936માં જ્યારે પ્રભાત ફિલ્મ કંપનીએ મહારાષ્ટ્રમાં ઘેર ઘેર પૂજાતા સંત કવિ તુકારામના જીવન પરથી ‘સંત તુકારામ’નું નિર્માણ કરવાનું આયોજન કર્યું ત્યારે તુકારામની ભૂમિકા માટે તેમણે વિષ્ણુપંત પાગનીસની પસંદગી કરી. આ પાત્રમાં તેઓ એવા ડૂબી ગયા કે ચિત્ર રજૂ થયા પછી મહારાષ્ટ્રના ઘરે ઘરે તેમની છબિઓ ટીંગાઈ ગઈ. આ ચિત્રની સફળતા જોયા પછી ખ્યાતનામ નિર્માણ કંપની રણજિત સ્ટુડિયોએ ‘સંત તુલસીદાસ’ ચિત્ર બનાવ્યું; જેમાં વિષ્ણુપંતે સંગીત પણ આપ્યું. 1940માં દિગ્દર્શક વિજય ભટ્ટે હિંદી ચિત્ર ‘નરસી ભગત’ બનાવ્યું. તેમાં વિષ્ણુપંતે ગુજરાતના સંત કવિ નરસિંહ મહેતાની ભૂમિકા ભજવી. 1943માં સિરકો પ્રોડક્શન્સ કંપનીએ બનાવેલા ‘મહાત્મા વિદુર’ ચિત્રમાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી. આ ચિત્ર તેમનું અંતિમ ચિત્ર બની રહ્યું. એ પછી થોડા જ સમયમાં તેમનું નિધન થયું.

સારા ભજનિક તરીકે પણ તેમની ઘણી ખ્યાતિ હતી. રાજા-મહારાજાઓ તેમને પોતાને ત્યાં ખાસ ભજન-કીર્તન કરવા આમંત્રણ આપતા અને તેઓ જતા પણ ખરા.

હરસુખ થાનકી