પાઈ, લ્યુસિયન : વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના અગ્રણી સિદ્ધાંતકાર. એક જમાનામાં રાજ્યશાસ્ત્ર પરંપરાગત અને ઔપચારિક બની ગયું હતું, તે ઘરેડમાંથી તેને બહાર કાઢનાર કેટલાક નવા સિદ્ધાંતોનો એક વ્યાપક પ્રવાહ દાખલ થયો, જે વર્તનલક્ષી રાજ્યશાસ્ત્ર યા તુલનાત્મક  રાજ્યશાસ્ત્ર તરીકે ઓળખાયો. લ્યુસિયન પાઈ આ વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના સ્થાપક અને પ્રવર્તક હતા. વિકસતા દેશોની રાજકીય પ્રથાઓના સંશોધન પર તેમણે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રમાં તેમણે કેટલાક પાયાના ખ્યાલો વિકસાવ્યા; જેમાં રાજકીય વિકાસ, રાજકીય સંસ્કૃતિ તથા પ્રથા-પરિવર્તન અને વિકાસના તેમના ખ્યાલો નોંધપાત્ર બન્યા. રાજકીય વિકાસની તેમની વિભાવના ‘ખ્યાલોનો ખ્યાલ’ (concept of concepts) તરીકે જાણીતી બની છે. તે જ રીતે રાજકીય પ્રથાએ કેવી રીતે કટોકટીઓનો સામનો કરવો પડે છે તેની ચર્ચા કરીને કટોકટીઓ દ્વારા પ્રથાપરિવર્તનની કટોકટીની સંકલ્પના પણ તેમણે રજૂ કરી છે. વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના અભ્યાસની સમજ વિકસાવવા માટે તેમના પુસ્તક ‘આસ્પેક્ટ્સ ઑવ્ પોલિટિકલ ડેવલપમેન્ટ’નો અભ્યાસ અનિવાર્ય ગણાય છે. આમ, વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતો વિકસાવવામાં તેમનું પ્રદાન મૂળભૂત અને પાયાનું હતું.

તેમણે લખેલાં પુસ્તકોમાં જે સવિશેષ નોંધપાત્ર બન્યાં છે તેમાં ‘પોલિટિકલ કલ્ચર ઍન્ડ પોલિટિકલ ડેવલપમેન્ટ’, ‘પૉલિટિક્સ, પર્સનાલિટી ઍન્ડ નૅશન બિલ્ડિંગ: બર્માઝ સર્ચ ફૉર આઇડેન્ટિટી’, ‘કૉમ્યુનિકેશન ઍન્ડ પોલિટિકલ ડેવલપમેન્ટ’, ‘ગરિલા કૉમ્યુનિઝમ ઇન મલાયા : ઇટ્સ સોશિયલ ઍન્ડ પોલિટિકલ મીનિંગ’નો સમાવેશ થાય છે.

રક્ષા મ. વ્યાસ